સારું સ્વાસ્થ્ય કઈ રીતે મેળવી શકો?

સ્વાસ્થ્ય કોને કહેવાય? સ્વાસ્થ્ય એટલે સુદ્રઢ શરીર, શાંત અને સ્થિર મન તથા મૃદુ ભાવજગત! જો આપ અંદરથી રુક્ષ છો તો આપ સ્વસ્થ નથી. એક કઠોર મન કે સતત અભિપ્રાય બાંધનાર મન સ્વસ્થ નથી. જો આપની ભાવનાઓ કઠોર છે તો આપ ભાવનાત્મક સ્તર પર અસ્વસ્થ છો. અંતર્જગતથી બાહ્યજગત તરફ સહજતાપૂર્વક વહેવું એ સ્વાસ્થ્ય છે. એ જ રીતે બાહ્યજગત તરફથી અંતર્જગત તરફ જવું એ સ્વાસ્થ્ય છે.

જીવનની ચાર લાક્ષણિકતાઓ છે. અસ્તિત્વ, ઉત્ક્રાંતિ, અભિવ્યક્તિ અને લય! અને આ ચાર લાક્ષણિકતાઓ પાંચ તત્વો પર આધારિત છે:  પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને અગ્નિ! આયુર્વેદ પ્રમાણે, જીવન ખંડોમાં વિભાજીત નથી પરંતુ સંવાદીતાપૂર્ણ પ્રવાહની જેમ સતત વહેતું રહે છે. પાંચતત્વો પણ પરસ્પર એકબીજામાં સંયોજાઈને વહ્યા કરે છે. અગ્નિનું અસ્તિત્વ વાયુ વગર શક્ય નથી જયારે પૃથ્વી અને જળની અંદર જ આકાશતત્વ સમાવિષ્ટ છે.

આયુર્વેદ જીવનનો અભ્યાસ છે. વેદ એટલે જ્ઞાન અને આયુ એટલે જીવન. એક સંપૂર્ણ આયુર્વેદિક અભિગમ વ્યાયામ, ખોરાક, પ્રાણાયામ અને ધ્યાન જેવાં પાસાઓને આવરી લે છે.

આપ સારું સ્વાસ્થ્ય કઈ રીતે મેળવી શકો? સૌ પ્રથમ તો આકાશ તત્વ દ્વારા! મન એ આકાશ તત્વ છે. જો આપનું મન બહુ બધા વિચારો અને ભૂતકાળની સ્મૃતિથી ઘેરાયેલું છે તો તે આપની રોગપ્રતિકારક શક્તિને ઘટાડે છે અને આપનું શરીર રોગને આમંત્રણ આપે છે. પરંતુ જો મન સ્પષ્ટ, શાંત, ધ્યાનસ્થ અને પ્રસન્ન છે, તો શરીર શક્તિશાળી બને છે અને કોઈ પણ રોગ પ્રવેશી શકતો નથી. સૃષ્ટિ-સર્જનનું સૌથી સૂક્ષ્મ તત્વ છે આકાશ; અને એટલે જ આકાશ તત્વથી બનેલા મનને શાંત કરવું તે આરોગ્ય પ્રાપ્તિનો સર્વ પ્રથમ ઉપાય છે.

ત્યાર પછી વાયુ તત્વ: શ્વાસોચ્છવાસની લયબદ્ધતા અને સુગંધ ચિકિત્સા દ્વારા આરોગ્ય મેળવી શકાય છે. એ જ રીતે પ્રકાશ અને રંગ ચિકિત્સા પણ આરોગ્ય પ્રાપ્તિ માટે સહાયભૂત થાય છે. લયબદ્ધ શ્વસન દ્વારા પ્રાણ શક્તિમાં અકલ્પનીય વૃદ્ધિ થાય છે. પ્રાણ ઉર્જાનો અપ્રતિમ સંચાર, રોગની ઉત્પત્તિ પહેલાં જ રોગને નિર્મૂળ કરે છે.

યોગનો આ જ હેતુ છે. પતંજલિ યોગસૂત્રમાં મહર્ષિ પતંજલિ વર્ણવે છે કે દુઃખ ઉદ્ભવે તે પહેલાં જ તેને નષ્ટ કરવું તે યોગનો હેતુ છે. દુઃખનું બીજ અંકુરિત થાય એ પહેલાં જ બળી જાય તે યોગનો હેતુ છે. પતંજલિ યોગસૂત્રનું આ સૌથી અનુપમ સૂત્ર છે.

ત્યાર પછી છે જળ તત્વ! ઉપવાસ અને પાણી વડે સમગ્ર શરીર તંત્રની શુદ્ધિ કરવાથી, શરીરની પ્રણાલીમાં અદ્ભુત સંતુલન સ્થાપિત થાય છે. અને ત્યાર પછીનું તત્વ છે પૃથ્વી તત્વ; જેમાં જડીબુટ્ટી, ઔષધિ અને શસ્ત્રક્રિયાનો સમાવેશ થાય છે. આપણા શ્વાસમાં અનંત રહસ્યો સમાયેલાં છે. કારણ મનની પ્રત્યેક ભાવના સાથે શ્વાસોચ્છવાસની ચોક્કસ લય જોડાયેલી છે. શ્વાસોચ્છવાસની પ્રત્યેક લય શરીરના ચોક્કસ અંગને અસર કરે છે. આપણે માત્ર અવલોકન કરતાં રહેવાનું છે. સંવેદનો અને મનોભાવો વચ્ચેના પરસ્પર સંબંધનું અવલોકન એ જ ધ્યાન છે.

અને ત્યાર પછી છે ઉપયુક્ત ભોજન! યોગ્ય ભોજન એટલે શું? યોગ્ય ભોજન એટલે જરૂર પૂરતો જ ખોરાક લેવો! હળવો ખોરાક કે જેનાથી શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી જળવાઈ રહે! તાજો, ઓછા મસાલાવાળો, પ્રમાણસર ખોરાક આરોગ્ય જાળવી રાખે છે.

અંતમાં આપને કહીશ કે સ્વયં માટે, પ્રતિવર્ષ એક સપ્તાહનો વિશ્રામ લેવો અત્યંત જરૂરી છે. આ સમય આપ પ્રકૃતિ સાથે વિતાવો! સૂર્યોદય સમયે જાગી જાઓ. પ્રમાણસર હળવો ખોરાક લો. યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાન કરો. મૌનમાં રહો અને સુંદર સંગીત વડે સૃષ્ટિ અને સર્જનનો આનંદ લો. પ્રકૃતિની લય સાથે એકરૂપ થવાથી આપ પુષ્કળ પ્રાણ ઉર્જા પ્રાપ્ત કરો છો અને આવનાર સમય દરમ્યાન આપ ઉત્સાહ અને આનંદ પૂર્ણ બની રહો છો.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)