રાજ્યનાં ૩૬ શહેરોમાં રાત્રિ-કરફ્યુ 12 મે સુધી લંબાવાયો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણને અંકુશમા લેવા માટે રાજ્ય સરકારે 36 શહેરોમાં રાત્રિ કરફ્યુ 12 મે સુધી લંબાવ્યો છે. છ મેથી માંડીને ૧૨ મે સુધી આ કરફ્યુ લાગુ કરવામાં આવશે. રાજ્યનાં વધુ સાત શહેરમાં રાત્રિ કરફ્યુ લાદવાનો નિર્ણય કર્યો છે. આ સાત શહેરોમાં ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વીસનગરનો સમાવેશ થાય છે.

આ પહેલાં રાજ્યનાં કુલ ૨૯ શહેરોમાં રાતના આઠથી સવારના છ વાગ્યા સુધીનો રાત્રિ કરફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોર કમિટીની બેઠક બાદ  આ નિર્ણય જાહેરાત કરી હતી.

રાજ્યમાં આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે. રાત્રિ કરફ્યુ હેઠળના ૩૬ શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. ખાનગી ઓફિસોમાં પ૦ ટકા સ્ટાફની હાજરી ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના પાલન કરવું પડશે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ વધારાનાં નિયંત્રણો  પણ મુખ્ય પ્રધાને જાહેર કર્યાં છે.

રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જિમ, સ્વિમિંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના એકમો બંધ રહેશે. લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે. અંતિમક્રિયા માટે મહત્તમ ૨૦  વ્યક્તિઓની મંજૂરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો-મેળાવડાઓ સદંતર બંધ રહેશે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]