ભૂલ કરનાર વ્યક્તિ પ્રત્યે કરુણા રાખો

ભૂલ અચેતન મન દ્વારા થાય છે અને અચેતન મન કઈં સાચું કરી જ શકતું નથી. જ્યારે, ચેતન મન કઈં ખોટું કરી શકતું નથી. જે મન ભૂલ કરે છે અને જે મન ભૂલનો સ્વીકાર કરીને સૉરી કહે છે, તે બન્ને મન એક કઈ રીતે હોઈ શકે? એટલે જ પ્રાચીન કાળમાં, લોકો જ્યારે ગુરુ પાસે જતાં, ત્યારે ગુરુ તેમનું નામ પણ બદલી દેતા હતા. શા  માટે? એ સૂચવવા કે હવે તમને ગુરુ મળ્યા છે એટલે તમારો નવો જન્મ થયો છે. તમે નૂતન છો. ભૂતકાળમાં જે ભૂલો તમે કરી છે તેનું હવે કોઈ જ અસ્તિત્વ નથી. કારણ જ્ઞાનના પ્રકાશનો ઉદય થયો છે.

તમે ભૂલ કરતાં પહેલાં તે માટેની કોઈ યોજના નથી કરતા, ખરું? ભૂલો તમે જાણી જોઈને કરતા નથી. બરાબર ને? મોટેભાગે તમે સજગ હોતા નથી ત્યારે ભૂલો થઈ જતી હોય છે. તો જેમ તમારાથી ભૂલ થઈ જાય તેમ અન્ય વ્યક્તિથી પણ ભૂલ થઈ જાય ને? જ્ઞાન અને હોશની ઉપસ્થિતિ ન હોય ત્યારે ભૂલ થતી હોય છે. જ્યારે અન્ય વ્યક્તિથી ભૂલ થાય ત્યારે તમે કરુણાનો અનુભવ નથી કરતાં અને તેમને જો તમે માફ નથી કરતાં તો બદલો લેવાની ભાવના ઉત્પન્ન થાય છે. અને નકારાત્મક લાગણીઓનાં ચક્રવ્યૂહમાં તમે ઘેરાઈ જાઓ છો. ક્ષમાની ભાવના તમારાં મન અને આત્માનું રક્ષણ કરે છે, અને હિંસક-હાનિકારક બનતાં રોકે છે.

જેમણે તમને દુ:ખ પહોંચાડ્યું છે તેમના પ્રત્યે કરુણા રાખો. જ્યારે તમે કોઈને ક્ષમા આપવાનું વિચારો છો ત્યારે આપમેળે તમે સામી વ્યક્તિને દોષિત ઠેરવો છો અને આ રીતે તો તમે ફરીથી એમણે ઇરાદાપૂર્વક ભૂલ કરી છે એમ જ પુરવાર કરો છો, તો કરુણાની ભાવના રાખો. આ ભાવનાથી તમે વ્યક્તિની ભૂલની પાછળ તેનો ઇરાદો નહીં પરંતુ તેનાં અજ્ઞાનને જોશો. કરુણા, ક્ષમા કરતાં પણ ઉત્તમ છે. ક્ષમાની ભાવનાથી તમે ક્યાંક અંદરખાને વ્યક્તિએ ઇરાદાપૂર્વક ભૂલ કરી છે તેવું સમજો છો પરંતુ કરુણા ભાવમાં તમે એક પગલું આગળ જાઓ છો. વ્યક્તિનાં શબ્દોને બદલે તેનાં હ્રદયમાં ડોકિયું કરો છો. તેમની વર્તણુંકને તમે જોતાં નથી પરંતુ તેમના હ્રદયમાં ઘાવ પડ્યા છે તે જુઓ છો અને તમે સમજો છો કે જે વ્યક્તિ પોતે વેદના અનુભવી રહી છે તે બીજાં સાથે વેદના અને દુ:ખ જ વહેચી શકશે ને? બીજું એ શું કરી શકશે?

 

તમારી આસપાસ ભૂલો થયા કરશે. ઘણી વખત તમે ભૂલોથી ચિડાઈ જાઓ છો અને તેમની ભૂલોને સુધારવા ઈચ્છો છો. અન્યમાં સુધાર લાવવા પાછળ બે કારણ હોય છે. પહેલું કારણ કે બીજાની ભૂલ તમને અકળાવે છે, તમે ત્રાસી જાઓ છો અને ઈચ્છો છો કે આ વ્યક્તિ સુધરે તો સારું. જ્યારે બીજું કારણ છે તમે એ વ્યક્તિનો વિકાસ ઈચ્છો છો. જ્યારે તમે અન્ય વ્યક્તિનો વિકાસ ઈચ્છો છો અને તેની ભૂલને સુધારવા પ્રયત્નશીલ થાઓ છો ત્યારે તમે સફળ થાઓ છો. પરંતુ કોઈની ભૂલથી અકળાઈને તમે તેને સુધારવા ગમે તેટલું મથશો તો પણ તમે તેને સુધારી શકતાં નથી.

એક જ્ઞાની, સમજદાર વ્યક્તિ બીજાંની ભૂલ પ્રત્યે કરુણા રાખશે અને તેને એ ભૂલમાંથી બહાર આવવા માટે મદદ કરશે. જ્યારે એક મૂર્ખ વ્યક્તિ અન્યની ભૂલો જોઈને ખુશ થશે! સમજદાર વ્યક્તિ વિચારશે કે આમાં કઈં મોટી વાત નથી, આવી ભૂલ મારાથી પણ થઈ શકે છે. એટલે તે અન્યની ભૂલની અવગણના કરશે અને તેના સદગુણને જોશે. સદગુણની પ્રશંસા કરશે. જ્યારે મૂર્ખ વ્યક્તિ બીજાની ભૂલ જોશે અને તે બદલ દોષારોપણ કરશે. કઈં નહીં હોય તો પણ તે બીજાની ભૂલ શોધી કાઢશે અને તેને નીચા દેખાડવાનો પ્રયત્ન કરશે. જ્યારે તમે કેંદ્રસ્થ છો ત્યારે તમે અન્યની ભૂલ જોવાને બદલે તેને ઉપર ઉઠાવશો, તેના સદગુણની પ્રશંસા કરશો અને તેની ભૂલને સુધારવામાં મદદ કરશો. આ સમજદારી છે.

સામી વ્યક્તિની ભૂલને સુધારવા તમારે પ્રેમ અને અધિકાર બંનેનો ઉપયોગ કરવો જોશે. પ્રેમ અને અધિકાર આમ તો વિરોધાભાસી લાગે છે પણ વાસ્તવમાં એવું નથી. પ્રેમ વગરના અધિકારથી ગૂંગળામણ ઉત્પન્ન થાય છે જ્યારે અધિકાર વગરનો પ્રેમ છીછરો હોય છે. પ્રેમ અને અધિકારનો સમન્વય જોઈએ યોગ્ય માત્રામાં, જેનાથી તમે અન્ય વ્યક્તિની ભૂલને સુધારી શકો. આવું ત્યારે બને જ્યારે તમે તમારાં કેન્દ્રમાં સ્થિર છો અને તમારાં મનમાં વૈરાગ્ય છે. જ્યારે તમે ભૂલો થવા માટે અવકાશ આપશો ત્યારે તમે મધુરતાની સાથે સાથે અધિકારપૂર્ણ પણ હશો. દિવ્ય શક્તિનું આવું સ્વરૂપ છે, મધુર અને અધિકારપૂર્ણ! આ કૃષ્ણનું સ્વરૂપ છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]