બ્રિટને પાકિસ્તાનને ‘અત્યંત જોખમી દેશો’ની યાદીમાં મૂક્યું

લંડનઃ મની લોન્ડરિંગ અને ત્રાસવાદી તત્ત્વોને નાણાંસહાય કરવાના આરોપના મામલે અનિચ્છનીય અને અત્યંત જોખમી દેશોની બ્રિટને તૈયાર કરેલી યાદીમાં એણે પાકિસ્તાનનો પણ ઉમેરો કર્યો છે. બ્રિટિશ સરકારના જણાવ્યા મુજબ, આ યાદીમાં સામેલ 21 દેશોએ એમના નબળા કરવેરા-નિયંત્રણોને કારણે, ત્રાસવાદી તત્ત્વોને અંકુશમાં રાખવાના અભાવ તથા ત્રાસવાદીઓને નાણાંસહાય કરવાને કારણે તેમજ મની લોન્ડરિંગના આરોપને કારણે જોખમ ખડું કર્યું છે. બ્રિટને આવી પહેલી યાદી 2017માં તૈયાર કરી હતી.

બ્રિટિશ સરકારના આ નિર્ણયને પાકિસ્તાને વખોડી કાઢ્યો છે. તેના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાહિદ હફીઝ ચૌધરીએ કહ્યું છે કે આ નિર્ણય હકીકતોને આધારિત નથી, પણ રાજકીય દ્રષ્ટિએ લેવાયો છે.