જોન્સન ભારત આવશે, પણ મુલાકાતને ટૂંકાવી દીધી

લંડનઃ બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સન આ મહિનાના અંતે ભારતની મુલાકાતે આવવાના છે, પરંતુ ભારતમાં કોરોનાવાઈરસના ફેલાવાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જોન્સને એમની મુલાકાતનો કાર્યક્રમ ટૂંકાવી દીધો છે.

બ્રિટિશ વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 10, ડાઉનિંગ સ્ટ્રીટ તરફથી જણાવ્યા મુજબ, 56 વર્ષીય જોન્સન પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર 26 એપ્રિલથી ભારતના પ્રવાસે જઈને અમુક દિવસો ગાળવાના હતા, પરંતુ ભારતમાં કોરોનાની પરિસ્થિતિ વધારે બગડી ગઈ હોવાથી જોન્સનના કાર્યક્રમમાં ફેરફાર કરવો પડ્યો છે. હવે જોન્સનની મુલાકાત 26 એપ્રિલે નવી દિલ્હી પૂરતી જ સીમિત રહેશે, જે દરમિયાન એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષી મંત્રણા કરશે. અન્ય વિગત બાદમાં જાહેર કરવામાં આવશે. બ્રિટિશ સત્તાવાળાઓ આ સંદર્ભમાં ભારત સરકાર સાથે સતત સંપર્કમાં છે. જોન્સન પોતે કોવિડ-19 બીમારીનો શિકાર બની ચૂક્યા છે. ગયા વર્ષના એપ્રિલમાં એમને કોરોના થયો હતો અને લંડનની એક હોસ્પિટલમાં એમને આઈસીયૂમાં ત્રણ રાત રહેવું પડ્યું હતું. ત્યારબાદ એમને સારું થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]