નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે બ્રિટિશ-સરકારે મંજૂરી આપી

લંડન/નવી દિલ્હીઃ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં મોદી સરકારે મોટી જીત હાંસલ કરી છે. હીરાના અબજોપતિ વેપારી અને ભાગેડૂ જાહેર કરાયેલા નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણ માટે બ્રિટનનાં ગૃહ પ્રધાન પ્રીતિ પટેલે મંજૂરી આપી દીધી છે. આ જાણકારી કેન્દ્રીય તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના એક અધિકારીએ આપી છે. પંજાબ નેશનલ બેન્ક સાથે કરાયેલી રૂ. 13,500 કરોડની છેતરપિંડીના કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગના આરોપ માટે નીરવ મોદી ભારતમાં વોન્ટેડ ઘોષિત છે.

બ્રિટનની વેસ્ટમિન્સ્ટર અદાલતે પણ ગઈ 25 ફેબ્રુઆરીએ નીરવ મોદીને ભારત મોકલવાની મંજૂરી આપી દીધી હતી. આમ, નીરવને ભારત લાવવાનો માર્ગ મોકળો થયો છે. જોકે નીરવ મોદીને વેસ્ટમિન્સટર કોર્ટના ચુકાદા વિરુદ્ધ બ્રિટનની હાઈકોર્ટમાં અરજી કરવાની તક છે. જો એ અપીલમાં જશે તો એમના ભારત પ્રત્યાર્પણમાં થોડોક સમય લાગી જશે. સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે પ્રત્યાર્પણ વોરંટના આધારે 2019ની 19 માર્ચે નીરવ મોદી લંડનમાં ધરપકડ કરી ત્યારથી એ જેલમાં છે. જામીન પર છૂટવા માટે નીરવે કરેલી અનેક અરજીઓને સ્થાનિક અદાલતે નકારી કાઢી છે. મુંબઈની આર્થર રોડસ્થિત કેન્દ્રિય જેલમાં નીરવ મોદી માટે એક સ્પેશિયલ કોટડી પણ તૈયાર રાખવામાં આવી છે. કહેવાય છે કે નીરવને એક વાર મુંબઈ લાવવામાં આવે એ પછી એને 12 નંબરની બેરેકમાં ત્રણમાંની એક કોટડીમાં રાખવામાં આવશે, જ્યાં સુરક્ષાનો અત્યંત કડક બંદોબસ્ત રખાશે.