હવે મારી યાદો તને ભીંજવે છે?

આલાપ,
ક્યારેક ક્યાંક અનાયાસે વંચાઇ ગયેલી એક-બે પંક્તિ મોજાંઓ બનીને યાદોના સમુદ્રમાં તાણી જાય એવું પણ બને. આજે સવારે વર્તમાનપત્રની એક કોલમ પર નજર પડતાં કવિ હિતેન આનંદપરાની એક પંક્તિ નજરે ચડી ગઈઃ
‘સાવ રોજિંદા જીવનમાં, શુષ્ક થઈને જીવતો,
આપણી અંદરનો માણસ, ખળભળે વરસાદમાં.’

 

આલાપ, આ વરસાદ પણ સૌનો અલગ અલગ અને પોતીકો હોય. ધારો કે યાદોનો વરસાદ હોય તો? તો એ ચોક્કસપણે મુશળધાર હોય. એ મને ભીંજવે નહિ, તાણી જ જાય જેમ આજે આ એક પંક્તિ મને તાણી રહી છે, વીતેલા સમયની યાદોમાં.

આપણે સાથે વીતાવેલા એ સમયમાં મને કાયમ લાગતું કે તું ઓછાબોલો, ગંભીર અને શાંત પ્રકૃતિનો છે. તું જાણે કે દરિયો અને હું વહેતા ઝરણાં જેવી કલબલાટ અને શોરગુલપસંદ ઇન્સાન. ક્યારેક મને એમ પણ થતું કે આપણે ખરેખર એકબીજા માટે જ બન્યા છીએ? અને જો હા, તો તું મને તારામાં સમાવીને શાંત કરી દઈશ કે હું તારામાં ભળીને તને ઘૂઘવતો કરી દઈશ?

જો કે આવા પ્રશ્નોના જવાબ સમય આપે એ પહેલાં આપણે અલગ થઈ ગયા, પણ મને હંમેશા લાગતું કે તું બહુ શાંત છે કે પછી શુષ્ક. જો કે તારું સાચું રૂપ મને ચોમાસે જોવા મળતું. ચોમાસામાં તું ગમે ત્યાં ગાડી બ્રેક કરીને પલળવા ઉતરી પડતો. તું મને રોકેટ સાયન્સ જેવો લાગતો- સમજવો બિલકુલ મુશ્કેલ. ને સાચું કહું તો ત્યારે મને ચોમાસાની ઈર્ષ્યા ય થતી. જે માણસને મારી વાતો કે લાગણી અંદર સુધી નથી ભીંજવી શક્તી એ માણસ એક વરસાદથી તરબોળ થઈ જાય એ તો કેવું!!  હું તો સતત વહેતી, ધબકતી અને કલશોર કરતી એટલે ચોમાસે તો મારી સૃષ્ટિ જ અલગ હોય પરંતુ…

આલાપ, તું ગયો અને એક જ ક્ષણમાં મને શાંત સમુદ્ર બનાવતો ગયો. આમ તો મને લાગતું કે હું ઝરણું હતી અને એ ઝરણું સૂકાઈ ગયું પણ ના, સમયે સમયે મને એ અહેસાસ થતો કે હું દરિયો બની ગઈ છું. આમ સાવ શાંત બિલકુલ શુષ્ક કહી શકાય, પરંતુ યાદોના મોજા વખતે અત્યંત ઘૂઘવાટ. તારા ગયા પછીની સારંગીને લોકોએ શુષ્ક, નિરસ અને અતડીનું બિરુદ આપ્યું.
પરંતુ આલાપ, બધા એ નથી જાણતા કે આ શુષ્ક અને નિર્જીવ થઈ ગયેલી સારંગી આજે પણ આલાપની સાથે જીવેલી જિંદગીને યાદ કરે છે ત્યારે ખળખળે છે, ઘૂઘવે છે અને ભીંજાઈને તાજજી બની જાય છે.

આલાપ, મને સવાલ થાય છે કે શું આજે પણ તારી અંદરનો માણસ વરસાદથી જ ખળભળે છે?  કે પછી હવે મારી યાદો તને ભીંજવે છે?

-સારંગી.

(નીતા સોજીત્રા)