મોરબીઃ ઝૂલતો પુલ, ફંગોળાતી જવાબદારી

11 ઓગસ્ટ, 1979 અને 30 ઓક્ટોબર, 2022. આ બે દિવસ મોરબીવાસીઓ ક્યારેય ભૂલી નહીં શકે. આ નિર્દોષ પ્રજાના દુર્ભાગ્ય જૂઓઃ બે બે વખત આ પ્રજા કારમી હોનારતોનો ભોગ બની છે અને પાડાના વાંકે પખાલીને ડામ દેવાય એ ન્યાયે અહીં પણ અમુક પાડાના વાંકે અનેક નિર્દોષ લોકોને દુર્ભાગ્યના ડામ દેવાયા છે.

મોરબીમાં એ દિવસે સાંજે ઝૂલતો પુલ તૂટ્યો એ પછી શું થયું, કેવી રીતે આ કરુણાંતિકા સર્જાઇ, કોણ જવાબદાર હતું અને સરકારી તંત્રએ શું કર્યું એની બધી વિગતો ખૂબ બહાર આવી ચૂકી છે. આ મુદ્દાઓને લઇને સોશિયલ મિડીયામાં લોકો પોતાના આક્રોશયુક્ત અભિપ્રાયો ઠાલવી રહ્યા છે એટલે અહીં એનું પુનરાવર્તન કે પૃથ્થકરણ નથી કરવું. આ ઘટના પછી મચ્છુમાં પાણી નહીં, મોરબી સહિત સમગ્ર ગુજરાતના આંસુ વહે છે એટલે એ વહેતા આંસુઓની સાક્ષીએ થોડુંક આત્મમંથન જ કરીએ.

છેવટે કેમ આવી હોનારતો સર્જાય છે? કેમ સરકાર દર વખતે પરિસ્થિતિ સામે લાચાર પૂરવાર થાય છે? કેમ એક પ્રજા તરીકે આપણે એમાંથી કાંઇ ધડો લેતા નથી?

એકઃ જવાબદેહીતાનો અભાવ

પુલ તૂટ્યો. ફીટનેસ સર્ટિફીકેટ નહોતું. નગરપાલિકા તંત્રને પૂછ્યા વિના જ પુલ ખુલ્લો મૂકી દેવાયો. ક્ષમતા કરતાં વધારે લોકોને ટિકીટ આપીને અંદર જવા દેવાયા. જો તંત્રને જાણ કર્યા વિના પુલ ખુલ્લો મૂકી દેવાયો હોય તો તંત્ર ત્યારે ક્યાં ઊંઘતું હતું? બીજે જ દિવસે ઓરેવા ટ્રસ્ટ પાસે ખુલાસો કેમ ન મગાયો? ફીટનેસ સર્ટિફીકેટ કેમ નથી એવું પૂછવામાં કેમ ન આવ્યું? ક્ષમતાથી વધારે લોકોને ટિકીટ જ ન મળે એવી વ્યવસ્થા કેમ નહોતી ગોઠવાઇ?

આ બધા પ્રશ્નોનો જવાબ સાફ છે- સરકારી તંત્ર એની ફરજ બજાવવામાં નિષ્ફળ ગયું છે. નિયમો કાગળ પર હોય તો એનો અમલ કરાવવાની જવાબદારી તંત્રની છે, પણ આપણે ત્યાં સરકારી તંત્ર જવાબદેહીતાથી પર છે. ભૂતકાળમાં આવી ઘટનાઓમાં જવાબદાર લોકોને તાત્કાલિક સસ્પેન્ડ કરીને એમની સામે કડક કાનૂની કાર્યવાહી કરી હોત, એમને સજા ફરમાવાઇ હોત તો એમાંથી ધડો લઇને તંત્રમાં જવાબદારીનું ભાન આવેત. એમને ડર લાગેત, પણ સરકારી અધિકારીઓને ફરજમાં ચૂક કે નિષ્ફળતા બદલ આજલગી ક્યારેય સજા થઇ હોય એવું સાંભળ્યું છે?

બસ, આ જ કારણ છે કે આટલી મોટી દુર્ઘટના પછી ય સરકારી તંત્ર અમે કેટલી ઝડપથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું, અમે કેટલી ઝડપથી ઘાયલોને સારવાર આપી, અમે કેટલી ઝડપથી આમ કર્યું, અમે કેટલી ઝડપથી તેમ કર્યું એવું જ ગાયા કરે છે. બહુ દબાણ સર્જાશે તો નાના કર્મચારીઓનો ભોગ લેવાશે, મોટા અધિકારીઓ મોજ કરતા રહેશે. આ કિસ્સામાં પણ આટલા બધા આક્રોશ પછીય સરકાર કે પોલિસ ઓરેવાના માલિક જયસુખ પટેલનો જ બોલવા તૈયાર નથી. કેમ? અરે, જયસુખ પટેલ ખરેખર જવાબદાર છે કે નહીં એ તો તપાસ થશે એ પછી ન્યાયિક પ્રક્રિયાથી નક્કી થશે, પણ એને પૂછો તો ખરા કે ફિટનેસ સર્ટિફીકેટ વિના એમણે પુલ ખુલ્લો મૂક્યો કેમ?

બેઃ પોલીસ-ન્યાયતંત્રની કાર્યશૈલી

આવી ઘટના પછી તપાસ સમિતિ કે જ્યુડિશિયલ પંચ કે એવું બધું રચવાનો એક રિવાજ છે આપણે ત્યાં! આ ઘટનામાં પણ તપાસ સમિતિ રચાઇ છે, પણ કોઇ માઇનો લાલ છાતી ઠોકીને ખાતરી આપી શકે એમ છે કે દુર્ઘટનાનો ભોગ બનેલાના પરિવારોને ન્યાય મળશે જ?

ના, કેમ કે આપણને બધાને પોલીસ કેવી રીતે તપાસ કરશે એની ખબર છે. અદાલતમાં ન્યાય મેળવતાં  વર્ષો લાગે છે એ તો પછીની વાત છે, પણ અદાલત ન્યાય તો પોલીસ કે તપાસ સમિતિના અહેવાલ અને દાખલ કરાયેલી ચાર્જશીટ પર જ તોળે છે ને? આવા કિસ્સાઓમાં મોટા મગરમચ્છોને બચાવવા તપાસની શરૂઆતથી જ નાની માછલીઓને આગળ ધરી દેવાય છે, જેમ આ કિસ્સામાં દેખાઇ રહ્યું છે.

2019માં સુરતમાં તક્ષશિલા આર્કેટમાં લાગેલી આગ અને 22 વિદ્યાર્થીના મોત યાદ છે? 2020માં અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ અને નિર્દોષના મોત યાદ છે? હજુ હમણાં સર્જાયેલા બોટાદ જિલ્લાના લઠ્ઠાકાંડમાં થયેલા મોત યાદ છે? આવી ઘટનાઓમાં છેવટે શું થયું? જનઆક્રોશ હોય એટલે દેખાવ પૂરતી મોટામાથાની ધરપકડ કરવી પડે, પછી તપાસ લાંબી ચાલે, પોલીસ પણ રાજકીય દબાણ હેઠળ દોરીસંચાર પ્રમાણે તપાસની દિશા નક્કી કરે, એ સમયગાળામા કાનૂની છટકબારીનો લાભ ઉઠાવીને મોટા આરોપીને જામીનના રસ્તે મુક્ત કરી દેવાય અને પછી બધું કાગળ પર ચાલ્યા કરે.

ન્યાયપ્રણાલીની પણ મર્યાદાઓ છે. એ શિથિલ અને ધીમું તો છે જ, પણ એની સૌથી મોટી મર્યાદા એ છે કે એ પોતાની સમક્ષ આવતા પુરાવાઓના આધારે જ ન્યાય તોળે છે. જોની એલએલબી ફિલ્મમાં જજ બનેલા સૌરભ તિવારીનો  ડાયલોગ યાદ કરો, જેમાં એ કહે છે કે જજને કેસના પ્રથમ દિવસથી જ ખબર હોય છે કે આરોપી ખરેખર કસૂરવાર છે કે નહીં! પણ એની મજબૂરી છે કે, એમણે પોલીસની તપાસ અને વકીલોના કાનૂની દાવપેચના યુધ્ધ પછી પોતાની સમક્ષ રજૂ કરાયેલા પુરાવાના આધારે જ જજમેન્ટ આપવાનું હોય છે! આવા કિસ્સાઓમાં પુરાવાઓ પહેલેથી જ એટલા પાંગળા કરી દેવાય છે કે, જજ માટે કાંઇ કહેવા જેવું બચતું જ નથી!

ત્રણઃ પ્રજાની ટૂંકી યાદદાસ્ત અને ઉદાસિન વલણ

સોશિયલ મિડીયાના આવ્યા પછી આપણે આરંભે શૂરા પછી આરંભે આક્રોશી પણ છીએ. પુલ તૂટ્યા પછી લોકો સ્તબ્ધ છે, ગમગીન છે અને એમનો આક્રોશ સોશિયલ મિડીયામાં વ્યક્ત થઇ રહ્યો છે. એમાં કાંઇ ખોટું ય નથી. જનઆક્રોશ જીવતો રહે તો જ સરકાર જાગતી રહે, પણ કમનસીબે આપણો આ આક્રોશ લાંબો સમય ટકતો નથી. અગાઉની હોનારતો વખતે ય લોકોમાં આવો જ આક્રોશ હતો જેવો આજે છે, પણ જેવી ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થશે, દિવસો પસાર થશે એટલે આ જ આક્રોશની આગ મચ્છુના પાણીમાં ધીમેકથી ઓલવાઇ જશે. સામાજિક પ્રતિબધ્ધતા ધરાવતા થોડાક છૂટાછવાયા લોકો કે સંસ્થાઓ મૂંગા મોંએ ન્યાયની લડત ચાલુ રાખશે એટલું જ. બાકી બધા બધું ભૂલી જશે.

આ ભૂલવાની ટેવ, જવાબદારોને ઝડપથી ભૂલીને માફ કરી દેવાની ટેવ જ સત્તામાં બેઠેલા લોકોને મન ફાવે એમ વર્તવા મોકળું મેદાન આપે છે. અહીં સત્તામાં બેઠેલા એટલે ફક્ત ચૂંટાયેલા રાજકારણીઓ જ નહીં, પણ તંત્રમાં સત્તા ભોગવતા એ બધા અધિકારીઓની પણ વાત થાય છે. શાણા અધિકારીઓ અને મીંઢા રાજકારણીઓને ખાતરી છે કે બે-ચાર દિવસ પછી પ્રજા બધું ભૂલી જવાની છે. બેજવાબદારીની કોઇ કિંમત જ ન ચૂકવવાની હોય અને સત્તા સાથે એ મફતમાં ઉપલબ્ધ હોય તો કોણ એનો ફાયદો ન ઉઠાવે?

જરાક વિચારજો. જો તંત્રને જવાબદેહીતાનો ડર હોય, પોલીસ અને ન્યાયતંત્રની શૈલીથી ગુનેગારો ફફડતા હોય અને અધિકારીઓ-રાજકારણીઓને પ્રજાના આક્રોશની ભીતિ હોય તો આવું થાય?

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)