‘સેવા’નાં સ્થાપક અને સમાજસેવી ઇલાબહેન ભટ્ટનું નિધન

અમદાવાદઃ ‘સેવા’ સંસ્થાનાં સ્થાપક અને સમાજસેવી ઇલાબહેન ભટ્ટનું 89 વર્ષની વયે નિધન થયું છે. ઇલાબહેન પાછલા થોડા સમયથી આરોગ્યને લગતી સમસ્યાઓ હતી. તેઓ છેલ્લા આઠ દિવસથી હોસ્પિટલમાં દાખલ હતાં. તેમણે શહેરની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમની અંતિમ યાત્રા આવતી કાલે યોજવામાં આવશે. તેમણે હાલમાં જ નાદુરસ્ત તબિયતને લીધે જ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિપદેથી  રાજીનામું આપ્યું હતું. તેઓ છેલ્લાં આઠ વર્ષથી કુલપતિપદે હતાં.

ઈલાબેન ભટ્ટનો જન્મ 7 સપ્ટેમ્બર, 1933એ અમદાવાદમાં થયો હતો. તેમના પિતાનું નામ સુમંતરાય ભટ્ટ હતું અને તેઓ વ્યવસાયે વકીલ હતા, જ્યારે તેમની માતા વનલીલા વ્યાસ સ્ત્રીઓને લગતી ચળવળમાં સક્રિય રહેતાં હતાં. તેમણે LLB કર્યુ હતું. રેમન મેગસેસે એવોર્ડ મેળવનારાં ઇલાબહેન ભટ્ટ પ્રથમ ગુજરાતી મહિલા હતાં. વર્ષ 1985માં તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો હતો, જ્યારે 1986માં સરકારે તેમને પદ્મભૂષણ એવોર્ડ પણ એનાયત કર્યો હતો. વર્ષ 2001માં તેમને હાર્વર્ડ યુનિવર્સિટીએ માનદ ડોક્ટરેટ ડિગ્રી આપી હતી. આટલુ જ નહીં, 2011માં તેમને સ્ત્રીઓના ઉદ્ધાર માટે પ્રતિષ્ઠિત રેડક્લિફ ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યો હતો.

તેમણે 1972માં સેવા (Self Employed Women’s Association-SEWA) સંસ્થાની સ્થાપના કરી હતી. સેવા સંસ્થામાં મહિલાઓના શિક્ષણથી લઈને રોજગાર સુધીની બાબતોને આવરી લેવામાં આવે છે. સેવા મહિલાઓને આત્મનિર્ભર બનાવતી સંસ્થા છે. ઇલાબહેને ‘વિશ્વ મહિલા બેંક’ , ‘વીમેન્સ વર્લ્ડ સમિટ ફાઉન્ડેશન’, ‘આયોજન પંચ’ અને ‘રાજ્યસભા’માં પણ પોતાની સેવાઓ આપી છે. યેલ, હાર્વર્ડ, નાતાલ અને સયાજીરાવ ગાયકવાડ જેવી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય યુનિવર્સિટી દ્વારા ઇલાબહેનને ડોકટરેટની માનદ ડિગ્રી આપી છે. ઇલાબહેને કેટલાંક પુસ્તકો લખ્યાં છે, જેમાં  ‘શ્રમ શક્તિ ‘, ‘ગુજરાતની નારી’, ‘દૂસરી આઝાદી-સેવા’ અને ‘વી આર પુઅર બટ સો મેની’માં –તેમણે સ્ત્રી સશક્તીકરણ માટેના પ્રયાસ કર્યા છે.