Home Blog Page 96

ફ્લાઈટનો ઈમરજન્સી ગેટ ખોલી મુસાફરે લગાવી છલાંગ

ચેન્નાઈ એરપોર્ટ પર શારજાહથી આવેલી એર અરેબિયાની ફ્લાઈટ G9-471 ના લેન્ડિંગ બાદ એક 29 વર્ષીય મુસાફરે ટેક્સીવે પર જ ઈમરજન્સી ગેટ ખોલીને કૂદવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના સવારે 3:25 વાગ્યે બની હતી, જેના કારણે સુરક્ષાના કારણોસર મુખ્ય રનવે (07/25) ને લગભગ એક કલાક સુધી બંધ રાખવામાં આવ્યો હતો. આ અવરોધને લીધે લંડન-ચેન્નાઈ ફ્લાઈટને બેંગલુરુ મોકલવામાં આવી હતી અને અમદાવાદ સહિતના શહેરોની 5 થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી હતી. આરોપી મુસાફરની અટકાયત કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

ઘટનાની વિગતો મુજબ, એર અરેબિયાનું Airbus A320 વિમાન (ફ્લાઈટ નંબર G9-471) શારજાહથી ઉડાન ભરીને સવારે અંદાજે 3:23 વાગ્યે ચેન્નાઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. વિમાન રનવે પરથી ટેક્સીવે V તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે જ તેમાં સવાર 29 વર્ષીય મુસાફર મોહમ્મદ શરીફ મોહમ્મદ નજમુદ્દીને અચાનક વિમાનનો ઈમરજન્સી દરવાજો ખોલી નાખ્યો અને બહાર કૂદવાનો પ્રયત્ન કર્યો હતો. લેન્ડિંગની માત્ર એક મિનિટ બાદ બનેલી આ ઘટનાથી વિમાનમાં સવાર અન્ય મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સ્તબ્ધ થઈ ગયા હતા. પાયલટે તરત જ વિમાનને ટેક્સીવે પર રોકી દીધું હતું અને એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને જાણ કરી હતી.

આ ગંભીર સુરક્ષા ભંગને પગલે એરપોર્ટ સત્તાવાળાઓએ તાત્કાલિક પગલાં ભરતા સવારે 3:25 વાગ્યે મુખ્ય રનવે (07/25) ને ઓપરેશન માટે બંધ કરી દીધો હતો. ચેન્નાઈ એરપોર્ટ જે દક્ષિણ ભારતનું મુખ્ય એવિએશન હબ છે અને વાર્ષિક 20 મિલિયનથી વધુ મુસાફરોની અવરજવર સંભાળે છે, ત્યાં મુખ્ય રનવે બંધ થતા વિમાની વ્યવહાર ખોરવાયો હતો. જે વિમાનમાં ઘટના બની હતી તેને સવારે 4:25 વાગ્યે ખેંચીને પાર્કિંગ બેમાં લઈ જવામાં આવ્યું હતું અને ત્યારબાદ 4:35 વાગ્યે રનવે પર ઓપરેશન ફરી શરૂ થઈ શક્યા હતા. આ એક કલાકના ગાળા દરમિયાન એરપોર્ટના સેકન્ડરી રનવે (12/30) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ ઘટનાની સૌથી મોટી અસર લંડનથી આવી રહેલી બ્રિટિશ એરવેઝની ફ્લાઈટ BA0035 પર પડી હતી, જેને રનવે ઉપલબ્ધ ન હોવાને કારણે છેલ્લી ઘડીએ બેંગલુરુ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ચેન્નાઈથી દોહા, દુબઈ અને અમદાવાદ જતી ફ્લાઈટ્સ સહિત ઓછામાં ઓછી પાંચ ફ્લાઈટ્સ 35 થી 40 મિનિટ જેટલી મોડી પડી હતી. જોકે, બેંગકોક જતી ફ્લાઈટ 6E-1061 અને અબુ ધાબી જતી ફ્લાઈટ EY-0341 ને સેકન્ડરી રનવે 12 પરથી રવાના કરવામાં આવી હતી, જેથી મુસાફરોને થોડી રાહત મળી હતી.

એરપોર્ટ સુરક્ષા એજન્સીઓ અને પોલીસે આરોપી મુસાફર મોહમ્મદ શરીફની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં મુસાફરે આવું પગલું શા માટે ભર્યું તે જાણી શકાયું નથી, પરંતુ તેની માનસિક સ્થિતિ અને સુરક્ષાના પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. એવિએશન નિષ્ણાતોના મતે, ચાલુ વિમાને અથવા ટેક્સીિંગ દરમિયાન ઈમરજન્સી ગેટ ખોલવો એ ગંભીર ગુનો છે અને તેનાથી મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. હાલમાં આ મામલે વધુ તપાસ ચાલુ છે અને એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ સખત કરી દેવામાં આવી છે.

ખુશખબર: 46,313 મેટ્રિક ટન LPG લઈને જહાજ ભારત આવવા રવાના

ભારતમાં LPG પુરવઠાને લઈને સરકારે મોટી રાહત આપી છે. 46,313 મેટ્રિક ટન રાંધણ ગેસ લઈને આવતું જહાજ ‘MT સર્વ શક્તિ’ ટૂંક સમયમાં વિશાખાપટ્ટનમ પહોંચશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં LPG, PNG અને CNGનો 100% પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે અને ક્યાંય પણ અછત જેવી સ્થિતિ નથી. ઓનલાઇન બુકિંગ અને ડિલિવરી સિસ્ટમમાં પણ ધરખમ સુધારો જોવા મળ્યો છે. આ સાથે જ સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરીને સામાન્ય જનતાને આર્થિક રાહત પણ આપી છે.

દેશમાં ઘરેલું LPG પુરવઠાની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરતા સરકારે જણાવ્યું છે કે હાલમાં સપ્લાય સંપૂર્ણપણે સામાન્ય છે. 2 મે ના રોજ એક જ દિવસમાં દેશભરમાં અંદાજે 47 લાખ LPG સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. બજારમાં ‘ડ્રાય-આઉટ’ એટલે કે ગેસ પૂરો થઈ જવાની કોઈ જ સંભાવના નથી. આ ઉપરાંત, બુકિંગ અને ડિલિવરી પ્રક્રિયામાં પણ ટેકનોલોજીના ઉપયોગથી મોટો સુધારો કરવામાં આવ્યો છે. હાલમાં ઓનલાઇન બુકિંગ 99% સુધી પહોંચી ગયું છે, જ્યારે DAC (ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ) આધારિત ડિલિવરી 94% સફળ રહી છે. ગ્રાહકોની સુવિધા માટે શહેરી વિસ્તારોમાં બુકિંગ અંતરાલ 21 થી વધારીને 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસ કરવામાં આવ્યો છે.

કોમર્શિયલ LPG સેક્ટરમાં પણ સરકાર સાવચેતીપૂર્વક આગળ વધી રહી છે. હાલમાં કોમર્શિયલ ગેસનો પુરવઠો કટોકટી પૂર્વેના સ્તરના 70% સુધી પહોંચી ગયો છે. સરકાર દ્વારા હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને ફાર્માસ્યુટિકલ સેક્ટરને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. એપ્રિલ 2026 થી અત્યાર સુધીમાં અંદાજે 2.14 લાખ મેટ્રિક ટન કોમર્શિયલ LPGનું વેચાણ કરવામાં આવ્યું છે. મજૂરો અને નાના જરૂરિયાતમંદ પરિવારો માટે 5 કિલોના નાના સિલિન્ડરની સપ્લાય પણ વધારી દેવામાં આવી છે. એપ્રિલથી અત્યાર સુધીમાં 23.44 લાખ આવા નાના સિલિન્ડર વેચાયા છે અને જનજાગૃતિ માટે ઓઈલ કંપનીઓએ 10,100 થી વધુ કેમ્પ લગાવ્યા છે.

મન એકાગ્ર બને ત્યારે કાર્યસૂચી આપમેળે અસરકારક બની જાય છે

યોગ અને કાર્યસૂચી — આ બે શબ્દો કદાચ પ્રથમ નજરે અલગ લાગે, પરંતુ આજના યુગમાં તે એકબીજાના પૂરક બની ગયા છે. ભગવદ ગીતાના અધ્યાય ૬માં યોગને મનની એકાગ્રતા અને આત્મનિયંત્રણનો માર્ગ ગણાવવામાં આવ્યો છે, જે આજના કોર્પોરેટ સંચાલનમાં અત્યંત પ્રાસંગિક છે.

આજે જ્યારે કાર્યસ્થળ પર સતત દબાણ, મલ્ટીટાસ્કિંગ અને સ્પર્ધા વધી રહી છે, ત્યારે માત્ર ટેકનિકલ સ્કિલ્સ પૂરતી નથી રહેતી; વ્યક્તિનું માનસિક સંતુલન અને એકાગ્રતા તેની કાર્યક્ષમતાને નક્કી કરે છે. અહીં યોગ એક શક્તિશાળી સાધન તરીકે આગળ આવે છે. યોગ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ મન, બુદ્ધિ અને ભાવનાઓને સંયમમાં રાખવાની પદ્ધતિ છે.

ઉદાહરણ તરીકે, ઘણા મોટા કોર્પોરેટ હાઉસિસ હવે પોતાના લીડરશિપ ટ્રેનિંગ પ્રોગ્રામમાં યોગ અને ધ્યાનને સામેલ કરી રહ્યા છે, કારણ કે તે નિર્ણય લેવામાં સ્પષ્ટતા અને દબાણમાં શાંતિ જાળવવાની ક્ષમતા વિકસાવે છે। એક સીઈઓ જો દરરોજ થોડો સમય ધ્યાન માટે ફાળવે, તો તે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સ્થિર અને વિચારપૂર્વકના નિર્ણયો લઈ શકે છે.

આજના માનવીય વર્તનમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે લોકો સતત ડિજિટલ ડિસ્ટ્રેક્શન વચ્ચે જીવતા થયા છે, જેના કારણે એકાગ્રતા ઘટી રહી છે અને કાર્યસૂચી અસ્તવ્યસ્ત બની રહી છે. અહીં યોગ એક ‘માઇન્ડ મેનેજમેન્ટ ટૂલ’ તરીકે કાર્ય કરે છે, જે વ્યક્તિને પોતાના વિચારો ગોઠવવામાં અને પ્રાથમિકતાઓ નક્કી કરવામાં મદદ કરે છે.

નવી દિશામાં વિચારીએ તો યોગ હવે માત્ર વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે નહીં, પરંતુ ‘પ્રોડક્ટિવિટી સ્ટ્રેટેજી’ તરીકે પણ માનવામાં આવે છે. એક કર્મચારી જો દિવસની શરૂઆત યોગથી કરે, તો તે માત્ર વધુ કાર્યક્ષમ જ નહીં, પરંતુ વધુ સક્રિય અને સકારાત્મક પણ બને છે.

આજના યુગમાં સાચો લીડર એ નથી કે જે માત્ર કાર્યસૂચી બનાવે, પરંતુ તે છે જે પોતાના મનને પણ સંચાલિત કરી શકે। અંતમાં, યોગ આપણને શીખવે છે કે બહારની વ્યવસ્થા કરતાં પહેલાં અંદરની વ્યવસ્થા જરૂરી છે—અને જ્યારે મન એકાગ્ર બને છે, ત્યારે કાર્યસૂચી આપમેળે અસરકારક બની જાય છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

ક્યા દેશો પ્રેસ ફ્રીડમની યાદીમાં આગળ છે?

લોકશાહીના ત્રણ સ્તંભો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વિશે તો આપણે જાણીએ છીએ, પરંતુ આ ત્રણેય પર નજર રાખતો ચોથો સ્તંભ એટલે ‘પ્રેસ’ અથવા ‘મીડિયા’. દર વર્ષે 3 મેના રોજ વિશ્વભરમાં ‘વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે’ ઉજવવામાં આવે છે.

સામાન્ય રીતે કોઈપણ દેશની લોકશાહીની તંદુરસ્તીનો માપદંડ એના પત્રકારત્વની આઝાદી પરથી નક્કી થાય છે. આજે જ્યારે સોશિયલ મીડિયાના યુગમાં માહિતીનો વિસ્ફોટ થયો છે, ત્યારે સાચું પત્રકારત્વ જોખમમાં મૂકાયું હોવાની ચર્ચા વારંવાર થાય છે. ‘વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026’ ના તાજેતરના આંકડાઓ વિશ્વભરમાં મીડિયાની બદલાતી સ્થિતિ તરફ અંગુલિનિર્દેશ કરે છે. ત્યારે જાણીએ એ પાંચ દેશો વિશે જ્યાં પત્રકારોને કામ કરવાનું શ્રેષ્ઠ વાતાવરણ અને કાયદાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે.

શા માટે ઉજવાય છે વિશ્વ પ્રેસ ફ્રીડમ ડે?

દર વર્ષે 3 મેના દિવસે વિશ્વ પ્રેસ ફ્રીડમ ડે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો પાયો ડિસેમ્બર 1993માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN) દ્વારા નંખાયો હતો. હકીકતમાં, 1991માં આફ્રિકાના પત્રકારોએ પત્રકારત્વની આઝાદી માટે ‘વિન્ડહોક ડિક્લેરેશન’ તૈયાર કર્યું હતું, જેની યાદમાં યુનેસ્કોએ આ દિવસ ઉજવવાનો નિર્ણય કર્યો હતો. જેનો મુખ્ય હેતુ સરકારને પ્રેસની આઝાદી પ્રત્યેની એમની જવાબદારી યાદ અપાવવાનો અને જે પત્રકારોએ ફરજ બજાવતા જીવ ગુમાવ્યા છે એમને શ્રદ્ધાંજલિ આપવાનો છે.

નોર્વે

યુરોપના ઉત્તર ભાગમાં સ્કેન્ડિનેવિયન દ્વીપકલ્પ પર આવેલો આ દેશ માત્ર 55 લાખની વસ્તી ધરાવે છે, પણ પ્રેસ ફ્રીડમમાં દુનિયામાં નંબર વન છે. અહીં અંદાજે 200થી વધુ નાના-મોટા પ્રેસ માધ્યમો છે, જેમાં સરકારથી સંપૂર્ણ સ્વાયત્ત ગણાતું સરકારી પ્રસારણકર્તા ‘NRK’ (નોર્સ્ક રિક્સ-ક્રિંગ-કાસ્તિંગ), સૌથી મોટું દૈનિક અખબાર ‘Aftenposten’ (આફ્તપોસ્તન) અને તપાસાત્મક પત્રકારત્વ માટે જાણીતું ‘VG’ (વેરદેન્સ ગાંગ) ટોચ પર છે.  નોર્વેની વિશેષતા એ છે કે અહીં પત્રકારોને માહિતી મેળવવા માટે ‘એક્સેસ ટુ ઇન્ફોર્મેશન’નો એટલો પાવર છે કે સરકાર પણ કોઈ વિગત છુપાવી શકતી નથી. એક રસપ્રદ ઘટના મુજબ, જ્યારે દેશના પૂર્વ વડાપ્રધાન એર્ના સોલબર્ગે કોવિડ દરમિયાન પોતાના જન્મદિવસ પર સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો, ત્યારે અહીંના પત્રકારોએ જ આ સમાચાર બ્રેક કર્યા અને વડાપ્રધાને જાહેરમાં માફી માંગી દંડ ભરવો પડ્યો હતો. અહીં પત્રકારનો સરેરાશ વાર્ષિક પગાર આશરે 7,00,000 થી 8,50,000 નોર્વેજીયન ક્રોન (ભારતીય રૂપિયામાં અંદાજે 55 લાખથી 65 લાખ) હોય છે.

નેધરલેન્ડ

પશ્ચિમ યુરોપમાં આવેલો અને અંદાજે 1.7 કરોડની વસ્તી ધરાવતો આ દેશ પ્રેસ ફ્રીડમમાં બીજા સ્થાને છે. અહીં NOS’ (નેધરલેન્ડસે ઓમરૂપ સ્તિખ્તિંગ) અને ‘NPO’ (નેધરલેન્ડસે પબ્લિક ઓમરૂપ) જેવા શક્તિશાળી માધ્યમો છે. નેધરલેન્ડની મોટી વિશેષતા ‘PersVeilig’ (પર્સ-વેલિગ)  નામનો કાયદો છે. થોડા વર્ષો પહેલા જ્યારે ક્રાઈમ રિપોર્ટર પીટર આર. ડી વ્રીસ પર હુમલો થયો, ત્યારે આખા દેશે રસ્તા પર ઉતરી પત્રકારત્વને ટેકો આપ્યો હતો. અહીં પત્રકારો પોલીસ સાથે મળીને પોતાની સુરક્ષા નક્કી કરી શકે છે, જે દુનિયામાં બીજે ક્યાંય જોવા મળતું નથી. અહીં પત્રકારો વાર્ષિક સરેરાશ €45,000થી €60,000 (અંદાજે રૂપિયા 40 લાખથી 55 લાખ) કમાય છે.

એસ્ટોનિયા

બાલ્ટિક સમુદ્ર કિનારે આવેલો આ નાનકડો દેશ માત્ર 13 લાખની વસ્તી ધરાવે છે. અહીં ‘Postimees’ (પોસ્તીમેસ) અને ‘ERR’ (ઈસ્તી રાહવારાદિયોવિંગ) મુખ્ય માધ્યમો છે. એસ્ટોનિયાની ખાસિયત એ છે કે તે વિશ્વનો સૌથી વધુ ‘ડિજિટલ સાક્ષર’ દેશ છે. અહીં ઈન્ટરનેટ પર કોઈ સેન્સરશિપ નથી. રશિયા સાથેની સરહદ હોવા છતાં, એસ્ટોનિયાના પત્રકારોએ જે રીતે યુક્રેન યુદ્ધ દરમિયાન સચોટ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું એની આખી દુનિયામાં નોંધ લેવાઈ હતી. અહીં સરકાર પત્રકારોની જાસૂસી કરે તો એને જેલની સજાની જોગવાઈ છે. આ દેશમાં સરેરાશ વાર્ષિક આવક રૂપિયા45 લાખથી 60 લાખની આસપાસ રહે છે.

ડેનમાર્ક

યુરોપના આ દેશની વસ્તી અંદાજે 59 લાખ છે. અહીં ‘Politiken’ (પોલિટિકન), ‘Jyllands-Posten’ (યુલેન્ડ્સ-પોસ્તન) અને ‘DR’ (દાન્માર્કસ રેડિયો)  જેવા અખબારો દાયકાઓથી લોકશાહીના રક્ષક બન્યા છે. ડેનમાર્કની વિશેષતા એ છે કે પત્રકારને કોઈ કોર્ટ પણ એનો ‘સોર્સ’ જાહેર કરવા દબાણ કરી શકતી નથી. અહીં એક સમયે સરકારના મંત્રીના ભ્રષ્ટાચારને પત્રકારોએ ઉજાગર કર્યો હતો, જે બાદ સરકારે મીડિયાની સ્વાયત્તતા વધારતા નવા કાયદાઓ પસાર કર્યા હતા. અહીં પ્રેસ કાઉન્સિલમાં સરકારના એક પણ પ્રતિનિધિ હોતો નથી. અહીં પણ પત્રકારોની વાર્ષિક આવક અંદાજે રૂપિયા 50થી 65 લાખની હોય છે.

સ્વીડન

અંદાજે એક કરોડની વસ્તી ધરાવતો સ્વીડન એવો દેશ છે જેણે દુનિયાને પ્રેસ ફ્રીડમ શીખવી છે. 1766માં સ્વીડને દુનિયાનો પહેલો ‘પ્રેસ ફ્રીડમ એક્ટ’ બનાવ્યો હતો. અહીં ‘Dagens Nyheter’ (દાગેન્સ ન્યુહેતેર) અને ‘SVT’ (સ્વેરિગ્સ તેલેવિઝન) ટોચના માધ્યમો છે. સ્વીડનની સૌથી મોટી વિશેષતા એ છે કે ત્યાં કોઈ પણ સરકારી અધિકારી પત્રકારને એના રિપોર્ટિંગ માટે ફોન કરીને ધમકાવી શકતા નથી.  જો આવું થાય તો એને ગુનો માનવામાં આવે છે. સ્વીડિશ મીડિયાએ તાજેતરમાં ક્લાઈમેટ ચેન્જ પર જે રીતે વૈશ્વિક જાગૃતિ ફેલાવી છે એની યુએન દ્વારા પણ પ્રશંસા થઈ છે. જ્યારે અન્ય ચાર જેશનીની સરખામણીએ અહીં પગાર થોડો ઓછો છે, છતાં સરેરાશ વાર્ષિક આવક રૂપિયા 20 લાખથી 25 લાખની આસપાસ હોય છે.

ભારતીય પત્રકારત્વની સ્થિતિ: પડકારો અને વાસ્તવિકતા

ભારતમાં પત્રકારત્વની સ્થિતિ અત્યંત જટિલ અને પડકારજનક છે. ‘વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026’ માં ભારતનું 157મું સ્થાન એ ચિંતાનો વિષય છે, કારણ કે ભારતની સરખામણીએ એના પાડોશી દેશો નેપાળ અને શ્રીલંકા પણ આ યાદીમાં આગળ છે. ભારતમાં પત્રકારોએ મુખ્યત્વે ત્રણ મોરચે લડવું પડે છે. સુરક્ષા, આર્થિક દબાણ અને કાયદાકીય ગૂંચવણો. ખાસ કરીને પ્રાદેશિક સ્તરે અને નાના શહેરોમાં કામ કરતા પત્રકારો માટે જીવનું જોખમ વધુ હોય છે. રિપોર્ટ મુજબ, પત્રકારો સામે વધતી જતી માનહાનિની નોટિસો, સોશિયલ મીડિયા પર થતું અંધાધૂંધ ટ્રોલિંગ અને ‘સેલ્ફ-સેન્સરશિપ’ (સત્તા પક્ષ સામે લખતા પહેલા રાખવો પડતો ડર)ને કારણે પ્રેસની આઝાદી જોખમમાં મૂકાઈ છે.

આર્થિક રીતે જોઈએ તો ભારતમાં પત્રકારોના પગારમાં ખૂબ મોટી અસમાનતા જોવા મળે છે. દિલ્હી કે મુંબઈ જેવા મેટ્રો સિટીના મોટા મીડિયા હાઉસીસમાં કામ કરતા સિનિયર પત્રકારો લાખોમાં કમાય છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા સ્ટ્રિન્ગર્સ અને લોકલ રિપોર્ટર્સની આવક ઘણી ઓછી હોય છે. ઘણા કિસ્સાઓમાં પત્રકારોએ જાહેરાતો મેળવવાના દબાણ હેઠળ કામ કરવું પડે છે, જે પત્રકારત્વની નૈતિકતા પર અસર કરે છે. મીડિયા સંસ્થાઓ પર વધતું જતું કોર્પોરેટ પ્રભુત્વ અને રાજકીય હિતોના કારણે ‘ઈન્ફોર્મેશન એઝ અ પબ્લિક ગુડ’ (લોકોના હિતની માહિતી) આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય ક્યાંક ખોવાઈ રહ્યો છે.

હેતલ રાવ

૦3 મે ૨૦૨૬

ચૂંટણી પંચની સર્જિકલ સ્ટ્રાઈક: ફલતાના 285 બૂથ પર ફરી વોટિંગનો આદેશ

પશ્ચિમ બંગાળની ફલતા વિધાનસભા બેઠક પર 29 એપ્રિલના રોજ થયેલા મતદાનમાં વ્યાપક ગેરરીતિઓ અને EVM સાથે છેડછાડની ફરિયાદો બાદ ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી છે. પંચે આ બેઠક પરનું મતદાન રદ કરી હવે 21 મે 2026 ના રોજ તમામ 285 બૂથ પર ફરીથી વોટિંગ કરાવવાનો આદેશ આપ્યો છે. આ બેઠકની મતગણતરી હવે 24 મેના રોજ થશે, જ્યારે રાજ્યની બાકીની 293 બેઠકોનું પરિણામ પૂર્વ નિર્ધારિત 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનરના આદેશ બાદ હિંસા અને ધમકી આપવાના આરોપમાં અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, 29 એપ્રિલ 2026 ના રોજ ફલતા વિધાનસભા મતવિસ્તારમાં મતદાન દરમિયાન મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવી હતી. અનેક સ્થળોએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર ટેપ ચોંટાડી દેવામાં આવી હોવાની અને મતદારોને ડરાવી-ધમકાવીને પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવામાં આવ્યો હોવાની પુષ્ટિ થઈ છે. આ ગંભીર ચૂંટણી અપરાધોને જોતા પંચે સહાયક મતદાન કેન્દ્રો સહિત તમામ 285 પોલિંગ સ્ટેશનો પર નવા સિરેથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે. હવે આ બેઠક પર 21 મે 2026 ના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ફરીથી વોટ નાખવામાં આવશે.

આ નિર્ણયની સૌથી મોટી અસર મતગણતરી પર પડશે. પશ્ચિમ બંગાળની કુલ 294 બેઠકો માટે 4 મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે, પરંતુ ફલતા બેઠક પર ગેરરીતિઓને કારણે હવે તે દિવસે આ બેઠકની ગણતરી થશે નહીં. 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામો જાહેર થશે. ફલતા બેઠક પર 21 મેના રોજ ફેરમતદાન થયા બાદ, 24 મે 2026 ના રોજ મતોની ગણતરી કરવામાં આવશે અને તે જ દિવસે વિજેતા ઉમેદવારની જાહેરાત થશે. આ પૂર્વે પંચે ડાયમંડ હાર્બર અને મગરાહાટ પશ્ચિમના 15 બૂથ પર પણ ફરી મતદાન કરાવવાની જાહેરાત કરી હતી.

ફલતા વિધાનસભા બેઠક ચૂંટણીના પ્રારંભથી જ વિવાદોના કેન્દ્રમાં રહી છે. ખાસ કરીને પોલીસ ઓબ્ઝર્વર અજયપાલ શર્મા અને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાન વચ્ચે ચાલી રહેલા ‘કોલ્ડ વોર’ને કારણે વહીવટી તંત્રમાં ભારે તણાવ જોવા મળ્યો હતો. મતદાનના દિવસે થયેલી છેડછાડ બાદ સ્પેશિયલ ઓબ્ઝર્વર સુબ્રત ગુપ્તાએ સમગ્ર વિસ્તારની મુલાકાત લઈ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પોતાનો અહેવાલ સોંપ્યો હતો. આ રિપોર્ટના આધારે જ પંચે આકરો નિર્ણય લીધો છે. ફલતાના હાશિમનગરમાં ભાજપ કાર્યકરો પર થયેલા હુમલા અને મત આપતા રોકવાના આરોપોએ મામલો વધુ ગરમાવ્યો હતો.

ચૂંટણી બાદ પણ ફલતામાં હિંસા અને વિરોધ પ્રદર્શનનો દૌર ચાલુ રહ્યો છે. ભાજપ સમર્થકો અને સ્થાનીક લોકોએ બે દિવસ સુધી નેશનલ હાઈવે જામ કરી ફરીથી ચૂંટણી કરાવવાની માંગ કરી હતી. તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાનના નજીકના ગણાતા ઇસરાફુલ અને સુજાદ્દીન શેખ વિરુદ્ધ મતદારોને ધમકાવવા બદલ FIR દાખલ કરવામાં આવી છે અને પંચના આદેશ બાદ અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પંચે સ્પષ્ટ કર્યું છે કે 21 મેના રોજ થનારા મતદાન દરમિયાન સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક રાખવામાં આવશે જેથી ગત વખત જેવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

ચેપોકમાં ચેન્નાઈનો દબદબો: મુંબઈને 8 વિકેટે હરાવ્યું

આઈપીએલ 2026 ની 44મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 8 વિકેટે કચડી નાખ્યું છે. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં 159 રન બનાવ્યા હતા, જેમાં નમન ધીરે સર્વાધિક 57 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં ચેન્નાઈએ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડના અણનમ 67 રન અને યુવા બેટ્સમેન કાર્તિક શર્માની શાનદાર અડધી સદીની મદદથી 19મી ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ચેન્નાઈ તરફથી નૂર અહેમદે શિસ્તબદ્ધ બોલિંગ કરતા 2 વિકેટ ઝડપી હતી.

મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ લાઇન-અપ આ મહત્વની મેચમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી. ઈનિંગની શરૂઆત કરવા ઉતરેલા વિલ જેક્સ માત્ર 1 રન બનાવીને બીજા જ ઓવરમાં આઉટ થઈ ગયો હતો, જેનાથી મુંબઈ પર દબાણ વધી ગયું હતું. રિકેલ્ટને થોડો સમય ક્રિઝ પર ટકીને રન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ 7મી ઓવરમાં તેની વિકેટ પડતા મુંબઈની મુશ્કેલીઓ વધી હતી. સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે 12 બોલમાં 21 રન ફટકારીને આક્રમક મૂડ બતાવ્યો હતો પણ તે પોતાની ઈનિંગને મોટી સ્કોરમાં ફેરવી શક્યો નહોતો. જોકે, નમન ધીરે એક છેડો સાચવી રાખ્યો હતો અને 37 બોલમાં 57 રનની લડાયક ઈનિંગ રમી હતી, પરંતુ લોઅર ઓર્ડરના બેટ્સમેનો ફ્લોપ રહેતા મુંબઈની ટીમ માત્ર 159 રન સુધી જ સીમિત રહી હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સના બોલરોએ હોમ ગ્રાઉન્ડ પર મુંબઈના બેટ્સમેનોને જકડી રાખ્યા હતા. ખાસ કરીને સ્પિનર નૂર અહેમદે પોતાની 4 ઓવરના સ્પેલમાં માત્ર 26 રન આપીને 2 મહત્વની વિકેટ ઝડપી હતી, જે મુંબઈના સ્કોરને રોકવામાં નિર્ણાયક સાબિત થઈ હતી. ચેન્નાઈની શિસ્તબદ્ધ બોલિંગને કારણે મુંબઈનો મધ્યમ ક્રમ રન રેટ વધારવામાં નિષ્ફળ રહ્યો હતો. ચેપોકની પિચ પર 160 રનનો લક્ષ્યાંક ચેન્નાઈ માટે બહુ મોટો પડકાર નહોતો, છતાં મુંબઈના બોલરો શરૂઆતમાં વિકેટ ઝડપીને દબાણ લાવવા માંગતા હતા.

લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈની શરૂઆત સામાન્ય રહી હતી. સંજુ સેમસન માત્ર 11 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો, પરંતુ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે એક છેડેથી મોરચો સંભાળ્યો હતો. ઉર્વિલ પટેલ પણ સસ્તામાં આઉટ થઈ ગયા બાદ મેદાનમાં આવેલા કાર્તિક શર્માએ ગાયકવાડને સાથ આપ્યો હતો. બંને વચ્ચે થયેલી ભાગીદારીએ મુંબઈના બોલરોને લાચાર કરી દીધા હતા. કાર્તિક શર્માએ પોતાની પ્રતિભાનો પરિચય આપતા આઈપીએલ કરિયરની પ્રથમ અડધી સદી ફટકારી હતી. બીજી તરફ ઋતુરાજ ગાયકવાડે 67 રનની અણનમ અને તોફાની ઈનિંગ રમીને ટીમને 19મી ઓવરમાં જ જીત અપાવી હતી.

આ જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સે પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન વધુ સુરક્ષિત કર્યું છે. આઈપીએલના ઈતિહાસમાં આ પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે પ્લેઓફની રેસમાં આ બંને દિગ્ગજ ટીમો વચ્ચે સીધી ટક્કર હોય અને તેમાંથી કોઈ એક જ આગળ વધી શકે તેમ હોય. મુંબઈ માટે આ હાર આઘાતજનક છે કારણ કે હવે તેમના માટે પ્લેઓફના સમીકરણો અત્યંત જટિલ બની ગયા છે. ચેન્નાઈના ફેન્સ માટે આ ડબલ ખુશીનો પ્રસંગ હતો કારણ કે ગાયકવાડના ફોર્મની સાથે ટીમને એક નવો મેચ વિનર કાર્તિક શર્માના રૂપમાં મળ્યો છે.

કેનેડામાં ગોળીબાર બાદ કપિલ શર્મા લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાને

કેનેડાના સરેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા ‘ચાય સુટ્ટા બાર’ નામના કેફે પર ગોળીબાર કરવામાં આવ્યો છે. આ ગેંગે ફેસબુક પોસ્ટ દ્વારા આ હુમલાની જવાબદારી લેતા મશહૂર કોમેડિયન કપિલ શર્માને ગંભીર ધમકી આપી છે. ગેંગે જણાવ્યું છે કે આ માત્ર એક ચેતવણી હતી અને જો કપિલ શર્મા ‘લાઇન પર’ નહીં આવે તો તેમના કેનેડા સ્થિત કેફે તેમજ મુંબઈના ઘર પર પણ હુમલો કરવામાં આવશે. આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ તેજ કરવામાં આવી છે.

આ ઘટના કેનેડાના સરેમાં 120 સ્ટ્રીટ પર આવેલા ‘ચાય સુટ્ટા બાર’ કેફે પર બની હતી. માહિતી મુજબ, આ કેફે કપિલ શર્માના ‘કેપ્સ કેફે’ ની બિલકુલ બાજુમાં આવેલું છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટરોએ મોડી રાત્રે અહીં ફાયરિંગ કર્યું હતું, જેનાથી સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો. આ હુમલા બાદ ગેંગના સભ્યો ટાયસન બિશ્નોઈ અને જોરા સંધુના નામે ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે સરેમાં જે ગોળીબાર થયો છે તે અમારો એક સંદેશ છે અને સંબંધિત લોકોએ જલ્દી જ લાઇન પર આવી જવું જોઈએ, અન્યથા પરિણામો ભયાનક આવશે.

ગેંગે કપિલ શર્માને સીધી રીતે નિશાન બનાવતા લખ્યું છે કે તેમનો સમય બગાડવો જોઈએ નહીં. પોસ્ટમાં ધમકી આપવામાં આવી છે કે જો તેમની માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો ચાય સુટ્ટા બાર તો બંધ થશે જ, પરંતુ કપિલ શર્માના કેફે પર પણ ફરીથી ગોળીબાર થઈ શકે છે. વધુમાં, ગેંગે કપિલ શર્માના મુંબઈ સ્થિત ઘર પર પણ હુમલો કરવાની ચીમકી આપી છે. લોરેન્સ ગેંગે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ વખતે કોઈની પણ ભલામણ કે વગ તેમને બચાવી શકશે નહીં. આ ધમકીએ ભારતીય એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે.

પંચાંગ 03/05/2026

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં 3.૫૩ લાખ કરોડના ૨૭૯૨ MoU

સુરત: ઓરો યુનિવર્સિટીમાં ૧ અને ૨ મે દરમિયાન આયોજિત બે દિવસીય ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ- દક્ષિણ ગુજરાત’નું આજે સમાપન થયું. આ કોન્ફરન્સ દરમિયાન રૂ.૩,૫૩,૩૦૬ લાખ કરોડના ૨૭૯૨ MoU થયા હોવાની જાહેરાત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી.આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાએ સમાપન સત્રમાં જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સ દ્વારા દક્ષિણ ગુજરાતના વિકાસ માટે જે પાયો નંખાયો છે. તેનાથી આ પરિક્ષેત્ર આગામી સમયમાં મોટી આર્થિક છલાંગ લગાવવા તૈયાર થયો છે એમ જણાવી નડ્ડાએ ગુજરાતની આર્થિક તાકાતને બિરદાવતા ઉમેર્યું કે, ગુજરાત દેશની કુલ જીડીપીમાં ૮% ફાળો આપે છે. મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં ૧૭%, મર્ચેન્ડાઈઝ એક્સપોર્ટમાં ૨૭% અને દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં ગુજરાત ૪૦% હિસ્સો ધરાવે છે.

નીતિ નિર્ધારકો હકારાત્મક નીતિઓથી મોટા બદલાવ લાવી શકે છે તેનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, અગાઉ ઉદ્યોગપતિઓ અને સરકાર વચ્ચે અંતર હતું. પરંતુ ૨૦૦૩માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વાઈબ્રન્ટ ગુજરાત’ની શરૂઆત કરીને ઉદ્યોગપતિઓ સાથે સંવાદ અને સહયોગની જે સંસ્કૃતિ વિકસાવી, તે આજે દેશના અન્ય રાજ્યો માટે પણ અનુકરણીય મોડેલ બની છે. આવા પ્રયાસોને કારણે જ આજે ભારત વિશ્વમાં રોકાણ માટે સૌથી વિશ્વસનીય સ્થાન બન્યું છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ દક્ષિણ ગુજરાતની ક્ષમતાને દેશ અને દુનિયા સમક્ષ ઉજાગર કરનાર મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની છે. દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રના સર્વાંગી વિકાસ અને રોજગારી સર્જન માટે આ બે દિવસીય કોન્ફરન્સ ઐતિહાસિક સાબિત થઈ છે. આગામી ત્રણ વર્ષમાં MoU મુજબ પ્રોજેક્ટ્સ કાર્યરત થવાથી દક્ષિણ ગુજરાતના ૨.૮૨ લાખથી વધુ યુવાનોને પ્રત્યક્ષ રોજગારી પ્રાપ્ત થશે. રાજ્યની જીડીપી ૧.૨૯ લાખ કરોડથી વધીને આજે ૨૭.૦૯ લાખ કરોડ સુધી પહોંચી છે. વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સનો સીધો લાભ નાના ઉદ્યોગ સાહસિકોને મળે તે દિશામાં સરકાર કાર્યરત છે.

ઉદ્યોગ જગતને પ્રોત્સાહન આપવાની નીતિ અંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર ઇન્સેન્ટિવ ક્લિયરન્સની પ્રક્રિયામાં સતત ગતિ લાવી રહી છે. અગાઉ દરરોજ ૧૯૯ એપ્લિકેશન ક્લિયર થતી હતી, જે હવે બમણી થઈ છે, અને આગામી સમયમાં આ આંકડો ૫૦૦ને પાર કરી જશે. વધુમાં, ડાંગ, તાપી, વલસાડ અને નવસારી જેવા આદિજાતિ વિસ્તારોમાં નોન પોલ્યુટીંગ ઇન્ડસ્ટ્રીઝ અને ગાર્મેન્ટ સેક્ટરને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેના કારણે આગામી બે વર્ષમાં આદિજાતિ વિસ્તારની ૨૫ હજારથી વધુ મહિલાઓને ઘરઆંગણે રોજગારીની તકો ઉપલબ્ધ થશે.

ગુજરાત પ્રદેશ સંગઠન પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, ૨૦૦૩થી શરૂ થયેલી વાયબ્રન્ટ સમિટની આ યાત્રા આજે વર્ષ ૨૦૨૬માં ટેલેન્ટ, ટેકનોલોજી અને ટ્રાન્સપરન્સીની પર્યાય બની છે. ગુજરાતના સમૃદ્ધ અને રચનાત્મક વિકાસમાં વાઇબ્રન્ટ સમિટની ખુબ મહત્વની ભૂમિકા છે. જેના કારણે ઇન્ડસ્ટ્રીઝ ગ્રોથ ઉત્તરોત્તર વધ્યો છે. આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાની છબી માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશવિદેશમાં ઉભી થઇ છે. વેપાર- ધંધા માટે વિશ્વસનીય સ્થળ તરીકે ગુજરાત ઉભરી રહ્યું છે. ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી વાતાવરણ છે, જેના કારણે રોકાણ માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન બન્યું છે.

ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્માએ સ્વાગત પ્રવચનમાં રિજનલ કોન્ફરન્સને ફળદાયી ગણાવતા કહ્યું હતું કે, છેલ્લાં બે દિવસમાં ‘સ્કેલ અને સ્કીલ’ના સમન્વય સાથે ઉદ્યોગ સાહસિકોને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો, યુવા સાહસિકોને મજબૂત મંચ પૂરો પાડવાનો સફળ પ્રયાસ થયો. અહીં બીટુબી, બીટુજી, રિવર્સ બાયર્સ સેલર્સ મીટ અને શ્રેણીબદ્ધ સેમિનારોથી યુવા પેઢીને પણ નવી દિશા મળી છે. આ પ્રસંગે મંત્રીગણ અને મહાનુભાવોના હસ્તે વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ MSE અને MSME એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, હસ્તકલા કારીગરો, ઉદ્યોગ વિભાગનું પુરસ્કાર સાથે સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કૃષિમંત્રી જીતુભાઇ વાઘાણી, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ઓરો યુનિ.ના સ્થાપક હસમુખ રામા, અગ્રણી લેબગ્રોન ઉદ્યોગકાર સ્મિત પટેલ, વેપાર-ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.