લોકશાહીના ત્રણ સ્તંભો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વિશે તો આપણે જાણીએ છીએ, પરંતુ આ ત્રણેય પર નજર રાખતો ચોથો સ્તંભ એટલે ‘પ્રેસ’
અથવા ‘મીડિયા’. દર વર્ષે 3 મેના રોજ વિશ્વભરમાં ‘વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે’ ઉજવવામાં આવે છે.
સામાન્ય રીતે કોઈપણ દેશની લોકશાહીની તંદુરસ્તીનો માપદંડ એના પત્રકારત્વની આઝાદી પરથી નક્કી થાય છે. આજે જ્યારે સોશિયલ મીડિયાના યુગમાં માહિતીનો વિસ્ફોટ થયો છે, ત્યારે સાચું પત્રકારત્વ જોખમમાં મૂકાયું હોવાની ચર્ચા વારંવાર થાય છે. ‘વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026’ ના તાજેતરના આંકડાઓ વિશ્વભરમાં મીડિયાની બદલાતી સ્થિતિ તરફ અંગુલિનિર્દેશ કરે છે. ત્યારે જાણીએ એ પાંચ દેશો વિશે જ્યાં પત્રકારોને કામ કરવાનું શ્રેષ્ઠ વાતાવરણ અને કાયદાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે.
શા માટે ઉજવાય છે વિશ્વ પ્રેસ ફ્રીડમ ડે?

દર વર્ષે 3 મેના દિવસે વિશ્વ પ્રેસ ફ્રીડમ ડે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો પાયો ડિસેમ્બર 1993માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN) દ્વારા નંખાયો હતો. હકીકતમાં, 1991માં આફ્રિકાના પત્રકારોએ પત્રકારત્વની આઝાદી માટે ‘વિન્ડહોક ડિક્લેરેશન’ તૈયાર કર્યું હતું, જેની યાદમાં યુનેસ્કોએ આ દિવસ ઉજવવાનો નિર્ણય કર્યો હતો. જેનો મુખ્ય હેતુ સરકારને પ્રેસની આઝાદી પ્રત્યેની એમની જવાબદારી યાદ અપાવવાનો અને જે પત્રકારોએ ફરજ બજાવતા જીવ ગુમાવ્યા છે એમને શ્રદ્ધાંજલિ આપવાનો છે.
નોર્વે

યુરોપના ઉત્તર ભાગમાં સ્કેન્ડિનેવિયન દ્વીપકલ્પ પર આવેલો આ દેશ માત્ર 55 લાખની વસ્તી ધરાવે છે, પણ પ્રેસ ફ્રીડમમાં દુનિયામાં નંબર વન છે. અહીં અંદાજે 200થી વધુ નાના-મોટા પ્રેસ માધ્યમો છે, જેમાં સરકારથી સંપૂર્ણ સ્વાયત્ત ગણાતું સરકારી પ્રસારણકર્તા ‘NRK’ (નોર્સ્ક રિક્સ-ક્રિંગ-કાસ્તિંગ), સૌથી મોટું દૈનિક અખબાર ‘Aftenposten’ (આફ્તપોસ્તન) અને તપાસાત્મક પત્રકારત્વ માટે જાણીતું ‘VG’ (વેરદેન્સ ગાંગ) ટોચ પર છે. નોર્વેની વિશેષતા એ છે કે અહીં પત્રકારોને માહિતી મેળવવા માટે ‘એક્સેસ ટુ ઇન્ફોર્મેશન’નો એટલો પાવર છે કે સરકાર પણ કોઈ વિગત છુપાવી શકતી નથી. એક રસપ્રદ ઘટના મુજબ, જ્યારે દેશના પૂર્વ વડાપ્રધાન એર્ના સોલબર્ગે કોવિડ દરમિયાન પોતાના જન્મદિવસ પર સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો, ત્યારે અહીંના પત્રકારોએ જ આ સમાચાર બ્રેક કર્યા અને વડાપ્રધાને જાહેરમાં માફી માંગી દંડ ભરવો પડ્યો હતો. અહીં પત્રકારનો સરેરાશ વાર્ષિક પગાર આશરે 7,00,000 થી 8,50,000 નોર્વેજીયન ક્રોન (ભારતીય રૂપિયામાં અંદાજે 55 લાખથી 65 લાખ) હોય છે.
નેધરલેન્ડ

પશ્ચિમ યુરોપમાં આવેલો અને અંદાજે 1.7 કરોડની વસ્તી ધરાવતો આ દેશ પ્રેસ ફ્રીડમમાં બીજા સ્થાને છે. અહીં NOS’ (નેધરલેન્ડસે ઓમરૂપ સ્તિખ્તિંગ) અને ‘NPO’ (નેધરલેન્ડસે પબ્લિક ઓમરૂપ) જેવા શક્તિશાળી માધ્યમો છે. નેધરલેન્ડની મોટી વિશેષતા ‘PersVeilig’ (પર્સ-વેલિગ) નામનો કાયદો છે. થોડા વર્ષો પહેલા જ્યારે ક્રાઈમ રિપોર્ટર પીટર આર. ડી વ્રીસ પર હુમલો થયો, ત્યારે આખા દેશે રસ્તા પર ઉતરી પત્રકારત્વને ટેકો આપ્યો હતો. અહીં પત્રકારો પોલીસ સાથે મળીને પોતાની સુરક્ષા નક્કી કરી શકે છે, જે દુનિયામાં બીજે ક્યાંય જોવા મળતું નથી. અહીં પત્રકારો વાર્ષિક સરેરાશ €45,000થી €60,000 (અંદાજે રૂપિયા 40 લાખથી 55 લાખ) કમાય છે.
એસ્ટોનિયા

બાલ્ટિક સમુદ્ર કિનારે આવેલો આ નાનકડો દેશ માત્ર 13 લાખની વસ્તી ધરાવે છે. અહીં ‘Postimees’ (પોસ્તીમેસ) અને ‘ERR’ (ઈસ્તી રાહવારાદિયોવિંગ) મુખ્ય માધ્યમો છે. એસ્ટોનિયાની ખાસિયત એ છે કે તે વિશ્વનો સૌથી વધુ ‘ડિજિટલ સાક્ષર’ દેશ છે. અહીં ઈન્ટરનેટ પર કોઈ સેન્સરશિપ નથી. રશિયા સાથેની સરહદ હોવા છતાં, એસ્ટોનિયાના પત્રકારોએ જે રીતે યુક્રેન યુદ્ધ દરમિયાન સચોટ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું એની આખી દુનિયામાં નોંધ લેવાઈ હતી. અહીં સરકાર પત્રકારોની જાસૂસી કરે તો એને જેલની સજાની જોગવાઈ છે. આ દેશમાં સરેરાશ વાર્ષિક આવક રૂપિયા45 લાખથી 60 લાખની આસપાસ રહે છે.
ડેનમાર્ક

યુરોપના આ દેશની વસ્તી અંદાજે 59 લાખ છે. અહીં ‘Politiken’ (પોલિટિકન), ‘Jyllands-Posten’ (યુલેન્ડ્સ-પોસ્તન) અને ‘DR’ (દાન્માર્કસ રેડિયો) જેવા અખબારો દાયકાઓથી લોકશાહીના રક્ષક બન્યા છે. ડેનમાર્કની વિશેષતા એ છે કે પત્રકારને કોઈ કોર્ટ પણ એનો ‘સોર્સ’ જાહેર કરવા દબાણ કરી શકતી નથી. અહીં એક સમયે સરકારના મંત્રીના ભ્રષ્ટાચારને પત્રકારોએ ઉજાગર કર્યો હતો, જે બાદ સરકારે મીડિયાની સ્વાયત્તતા વધારતા નવા કાયદાઓ પસાર કર્યા હતા. અહીં પ્રેસ કાઉન્સિલમાં સરકારના એક પણ પ્રતિનિધિ હોતો નથી. અહીં પણ પત્રકારોની વાર્ષિક આવક અંદાજે રૂપિયા 50થી 65 લાખની હોય છે.
સ્વીડન

અંદાજે એક કરોડની વસ્તી ધરાવતો સ્વીડન એવો દેશ છે જેણે દુનિયાને પ્રેસ ફ્રીડમ શીખવી છે. 1766માં સ્વીડને દુનિયાનો પહેલો ‘પ્રેસ ફ્રીડમ એક્ટ’ બનાવ્યો હતો. અહીં ‘Dagens Nyheter’ (દાગેન્સ ન્યુહેતેર) અને ‘SVT’ (સ્વેરિગ્સ તેલેવિઝન) ટોચના માધ્યમો છે. સ્વીડનની સૌથી મોટી વિશેષતા એ છે કે ત્યાં કોઈ પણ સરકારી અધિકારી પત્રકારને એના રિપોર્ટિંગ માટે ફોન કરીને ધમકાવી શકતા નથી. જો આવું થાય તો એને ગુનો માનવામાં આવે છે. સ્વીડિશ મીડિયાએ તાજેતરમાં ક્લાઈમેટ ચેન્જ પર જે રીતે વૈશ્વિક જાગૃતિ ફેલાવી છે એની યુએન દ્વારા પણ પ્રશંસા થઈ છે. જ્યારે અન્ય ચાર જેશનીની સરખામણીએ અહીં પગાર થોડો ઓછો છે, છતાં સરેરાશ વાર્ષિક આવક રૂપિયા 20 લાખથી 25 લાખની આસપાસ હોય છે.
| ભારતીય પત્રકારત્વની સ્થિતિ: પડકારો અને વાસ્તવિકતા
ભારતમાં પત્રકારત્વની સ્થિતિ અત્યંત જટિલ અને પડકારજનક છે. ‘વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026’ માં ભારતનું 157મું સ્થાન એ ચિંતાનો વિષય છે, કારણ કે ભારતની સરખામણીએ એના પાડોશી દેશો નેપાળ અને શ્રીલંકા પણ આ યાદીમાં આગળ છે. ભારતમાં પત્રકારોએ મુખ્યત્વે ત્રણ મોરચે લડવું પડે છે. સુરક્ષા, આર્થિક દબાણ અને કાયદાકીય ગૂંચવણો. ખાસ કરીને પ્રાદેશિક સ્તરે અને નાના શહેરોમાં કામ કરતા પત્રકારો માટે જીવનું જોખમ વધુ હોય છે. રિપોર્ટ મુજબ, પત્રકારો સામે વધતી જતી માનહાનિની નોટિસો, સોશિયલ મીડિયા પર થતું અંધાધૂંધ ટ્રોલિંગ અને ‘સેલ્ફ-સેન્સરશિપ’ (સત્તા પક્ષ સામે લખતા પહેલા રાખવો પડતો ડર)ને કારણે પ્રેસની આઝાદી જોખમમાં મૂકાઈ છે.
આર્થિક રીતે જોઈએ તો ભારતમાં પત્રકારોના પગારમાં ખૂબ મોટી અસમાનતા જોવા મળે છે. દિલ્હી કે મુંબઈ જેવા મેટ્રો સિટીના મોટા મીડિયા હાઉસીસમાં કામ કરતા સિનિયર પત્રકારો લાખોમાં કમાય છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા સ્ટ્રિન્ગર્સ અને લોકલ રિપોર્ટર્સની આવક ઘણી ઓછી હોય છે. ઘણા કિસ્સાઓમાં પત્રકારોએ જાહેરાતો મેળવવાના દબાણ હેઠળ કામ કરવું પડે છે, જે પત્રકારત્વની નૈતિકતા પર અસર કરે છે. મીડિયા સંસ્થાઓ પર વધતું જતું કોર્પોરેટ પ્રભુત્વ અને રાજકીય હિતોના કારણે ‘ઈન્ફોર્મેશન એઝ અ પબ્લિક ગુડ’ (લોકોના હિતની માહિતી) આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય ક્યાંક ખોવાઈ રહ્યો છે. |
હેતલ રાવ





