પાવાગઢ ડુંગર પરથી ભેખડ ધસી પડતાં 2 શ્રદ્ધાળુનાં મોત

પંચમહાલ: પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં શુક્રવારે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ. માચીથી ડુંગર તરફ જતાં પાટિયા પુલ નજીક અચાનક ભેખડ ધસી પડતા પગથિયા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓ તેની નીચે દબાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં બે શ્રદ્ધાળુના ઘટનાસ્થળે મોત થયા છે. જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના વહેલી સવારે પાંચ વાગ્યા આસપાસ બની  હતી.

તંત્રની ત્વરિત કામગીરી
મુસાફરો પર પથ્થરો પડવાની આ ઘટનાની જાણ થતાં જ પાવાગઢના સરપંચ, સ્થાનિક પોલીસ પ્રશાસન, ફાયર બ્રિગેડ અને બચાવ ટુકડીઓ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. રેસ્ક્યુ ટીમે ભારે જહેમત ઉઠાવીને પથ્થરો નીચે દબાયેલા તમામ યાત્રાળુઓને બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, મૃતક યાત્રાળુઓના શબોને કાયદેસરની કાર્યવાહી માટે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અપાયા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, કુલ 4 ઈજાગ્રસ્તોમાંથી 2 લોકોને સામાન્ય ઈજાઓ હોવાથી પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવામાં આવી છે, જ્યારે બાકીના 2 શ્રદ્ધાળુઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

માર્ગ બંધ કરાયો

વહીવટી તંત્ર દ્વારા વધુ દુર્ઘટના નિવારવા માટે હાલ પૂરતી તમામ લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવી માર્ગ બંધ કરી દેવાયો છે. પ્રશાસન દ્વારા આર.એન્ડ.બી., ફોરેસ્ટ, પોલીસ અને મહેસૂલ તંત્રની એક સંયુક્ત કમિટી બનાવીને આખા રૂટનું ઝીણવટભર્યું રી-ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યું છે. ડુંગર પર આવા અન્ય કોઈ જોખમી સ્પોટ્સ હશે તો તેને આઇડેન્ટિફાય કરી, જરૂરી કરેક્શન અને મરામત કર્યા બાદ જ આ માર્ગ યાત્રાળુઓ માટે ફરીથી ખુલ્લો મુકવામાં આવશે.