નવી દિલ્હીઃ EDએ અનિલ અંબાણીની કંપનીઓ સાથે જોડાયેલા 17,000 કરોડ રૂપિયાના કથિત લોન છેતરપિંડી મામલે મોટું પગલું લીધું છે. તપાસ એજન્સીએ 12થી 13 બેંકોના મેનેજમેન્ટને પત્ર લખીને અનિલ અંબાણીના જૂથને અપાયેલી લોનની સંપૂર્ણ માહિતી માગી છે. આ લોન બાદમાં NPA બની ગઈ હતી.
જો બેંકોના જવાબ સંતોષકારક નહીં હોય તો બેંકરોને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. EDએ અનિલ અંબાણી સામે લુકઆઉટ સર્ક્યુલર (LOC) બહાર પાડ્યો છે અને તેમને પાંચ ઓગસ્ટે પૂછપરછ માટે હાજર થવા નિર્દેશ આપ્યો છે. આ મામલો રિલાયન્સ હાઉસિંગ ફાઇનાન્સ, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સને આપવામાં આવેલી લોનોથી જોડાયેલો છે.
બેંકો પાસેથી માગવામાં આવી માહિતી
EDએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એક્સિસ બેંક, ICICI બેંક, HDFC બેંક, UCO બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંક જેવી બેંકો પાસેથી લોન મંજૂરી પ્રક્રિયા, ડિફોલ્ટની સમયરેખા અને વસૂલાત માટે લીધેલા પગલાંની વિગતો માગી છે.
આ ઉપરાંત EDએ અનિલ અંબાણીના રિલાયન્સ જૂથ સાથે જોડાયેલી 50 કંપનીઓ અને 25 વ્યક્તિઓ સામે મની લોન્ડરિંગ રોકથામ કાયદા (PMLA) હેઠળ મુંબઈમાં 35 સ્થળે દરોડા પાડ્યા હતા.
આ તપાસમાં જાણવા મળ્યું છે કે અનિલ અંબાણીની કંપનીઓએ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SECI) ને રૂ. 68.2 કરોડની નકલી બેંક ગેરંટી આપી હતી. આ ગેરંટી રિલાયન્સ NUBESS લિ. અને મહારાષ્ટ્ર એનર્જી જનરેશન લિ.ને નામે આપવામાં આવી હતી, જે અનિલ અંબાણીના ADAG જૂથ સાથે જોડાયેલી છે.
EDનો દાવો છે કે ખોટી ગેરંટીને સાચી દર્શાવવાની કોશિશમાં “s-bi.co.in” નામનો નકલી ઇમેઇલ ડોમેન વપરાયો હતો, જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અસલ ડોમેન “sbi.co.in” સાથે મળતો આવે છે.



સ્થાનિક અસારવા ગામ પરિવારના સંજય પટેલ કહે છે, “શ્રી માતર ભવાની માતાજીની પૌરાણિક વાવ હાલમાં જર્જરિત હાલતમાં છે. તંત્ર દ્વારા આ હેરિટેજ સાઈટના સંરક્ષણ માટે લાંબા સમયથી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિક રહેવાસીઓ અને ભક્તજનો દ્વારા સતત રજૂઆતો પછી પણ હાલત યથાવત છે.”
આવા સંજોગોમાં આસ્થાના સ્થાન અને ઐતિહાસિક પૌરાણિક ધરોહરના સંરક્ષણ માટે સ્થાનિકોએ ઝુંબેશ શરૂ કરી છે. તંત્રની નિષ્ક્રિયતા સામે અસારવાના લોકોએ આંદોલન કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ વાવમાં ટાંકેલી માહિતી અનુસાર માતા ભવાનીની આ વાવ 11મી સદીમાં તૈયાર કરવામાં આવી હતી.સોલંકી યુગમાં રાજા કરણે 1083 થી 1093 દરમિયાન આ કુવા, ઝરુખા સાથેની કલાત્મક બહુમાળી વાવ બનાવી હોવાનું અનુમાન છે. વાવની અંદર માતા ભવાની બિરાજમાન છે. આ સાથે અન્ય દેવી દેવતાઓ પણ બિરાજમાન છે. શિવલિંગ સાથે મહાદેવજી પણ આ ઐતિહાસિક વાવમાં છે. માતા ભવાનીની વાવની સૌથી મહત્વની બાબત એ છે કે અહીં નવરાત્રિએ વાવમાં આસ્થાથી ગરબાની માંડવીઓને સજાવવામાં આવે છે. દીપોત્સવ દરમિયાન આખીય વાવને સજાવી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.
ભાઇઓએ બહેનોને રાખડી બાંધવાના આ કાર્યક્રમ વિશે સુરક્ષા દળના નિવૃત અધિકારી વસંતભાઇ કહે છે, “આજે મહિલા સશક્તિરણનો સમય આવી ગયો છે. મહિલાઓ પણ તમામ વિભાગોમાં ઘણાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે. કેટલીક પરિસ્થિતિમાં પુરુષો પણ ખોટાં કેસો દ્વારા મહિલાઓથી પીડા ભોગવી રહ્યા છે. આવા સમયે સરકારના વિવિધ વિભાગોમાં બેઠેલી મહિલાઓ પુરુષોની મદદે આવે અને સાચો માર્ગ બતાવે, ન્યાય અપાવે એ માટે આ રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.”
વસંતભાઇ કહે છે, “અમારી સંસ્થાના ભાઇઓએ ચાંદખેડા, સાબરમતી, રાણીપ, સુભાષબ્રિજ જેવા પોલીસ સ્ટેશનો પર જઇ મહિલા કર્મચારીઓને રાખડી બાંધી હતી. સમાનતાના આ બંધન સાથે મહિલા કર્મચારીઓનું સર્ટિફિકેટ સાથે બહુમાન કરવામાં આવ્યું હતું.”





ચીન મામલે રાહુલ ગાંધીને કોર્ટની ‘સુપ્રીમ’ ફટકાર
નવી દિલ્હીઃ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટની આ ટીકા 9 ડિસેમ્બર, 2022એ ભારત અને ચીનના સૈન્યો વચ્ચે થયેલી ઝપાઝપી બાદ ભારતીય સેના પર રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી કથિત ટિપ્પણીને લઈને કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે તમને કેવી રીતે ખબર પડી કે ચીને 2000 ચોરસ કિલોમીટર જમીન કબજે કરી છે? તમારા પાસે શી વિશ્વસનીય માહિતી છે? જો તમે સાચા ભારતીય હો તો તમે આવું નહીં કહો. જ્યારે સરહદ પર કોઈ વિવાદ થાય છે, ત્યારે શું તમે આવું કહી શકો? તમે સંસદમાં પ્રશ્ન કેમ નથી પૂછતા?
રાહુલ ગાંધીની ટિપ્પણી શી હતી
રાહુલ ગાંધીએ 2023ની ભારત જોડો યાત્રા દરમિયાન દાવો કર્યો હતો કે એક ભૂતપૂર્વ સેના અધિકારીએ તેમને જણાવ્યું હતું કે ચીને 2000 ચોરસ કિલોમીટર ભારતીય જમીન કબજે કરી છે. આ ટિપ્પણીને લઈને દાખલ માનહાનિ કેસ સામે રાહુલ ગાંધી દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી જેમાં કોર્ટે સવાલ કર્યો હતો કે તમને કેવી રીતે ખબર પડી કે ચીને 2000 કિ.મી. જમીન કબજે કરી છે? અને ભાર આપીને કહ્યું હતું કે જો તમે સાચા ભારતીય હો તો આવું નહીં કહો.
જસ્ટિસ દીપંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જોર્જ મસીહની બેંચે આ મામલે ઉત્તર પ્રદેશ સરકાર અને ફરિયાદીને નોટિસ જારી કરી હતી. બેંચે કહ્યું હતું કે તમે વિરોધ પક્ષના નેતા છો. સંસદમાં વાત કરો, સોશિયલ મિડિયામાં કેમ કહો છો? આ દરમ્યાન, સુપ્રીમ કોર્ટએ ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન ભારતીય સેના અંગે આપમાનજનક ટિપ્પણી મામલે રાહુલ ગાંધી સામે નીચલી અદાલતમાં ચાલી રહેલી કાર્યવાહી પર સ્ટે મૂક્યો હતો.