Home Blog Page 666

વર્લ્ડ ફોટોગ્રાફી ડે: ‘લંબી કહાનીયાં’ તસવીરી પ્રદર્શન

અમદાવાદ: એક તસવીર હજાર શબ્દો બરાબર..આ ઉક્તિ ઘણી વખત સાંભળી હશે. આ સાથે તસવીરો યાદો, ઘટનાઓ, દસ્તાવેજીકરણ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તસવીરો કંડારવાના સાધનો બદલાતા રહ્યા. એમાં જૂના ધમણવાળા કેમેરાથી માંડી બ્લેક એન્ડ વ્હાઈટ, કલર રોલ, (ટ્રાન્સપરન્સી સ્લાઈડ), ડિજિટલ કેમેરા અને હવે મિરર લેસ કેમેરાનો જમાનો આવ્યો. વચ્ચેના સમયગાળામાં જબરદસ્ત ગુણવત્તા માટે જાણીતા હેસલબ્લેડ કેમેરા પર મોટાપાયે કામ થયું. ડિજિટલ અને રોલ વચ્ચેના સમયગાળામાં હેસલબ્લેડ કેમેરાથી અમદાવાદના ખ્યાતનામ તસવીરકાર વિવેક દેસાઈએ એક વિશિષ્ટ તસવીરી યાદો કંડારવાનું શરૂ કર્યુ.

વર્લ્ડ ફોટોગ્રાફી ડે ના દિવસે શરૂ થયેલા તસવીરી પ્રદર્શનમાં વિવેક દેસાઈ ચિત્રલેખા.કોમને કહે છે બહુ જ ઓછા લોકો પાસે જ્યારે ( 1998 માં લોન્ચ થયેલ) હેસલબ્લેડ કેમેરા હતો. એ વેળાએ રઘુરાય સાથેની ગોષ્ઠિ બાદ મેં અમદાવાદથી મુંબઈ જઈ ખરીદ્યો. 2002ના વર્ષથી એની પર કામ શરૂ કર્યુ. અદ્ ભુત ફોર્મેટ ક્ષમતા ધરાવતો, પેનોરમિક વ્યુ.. આપતા આ કેમેરા દ્વારા અનેક તસવીરો યાદો રૂપે કંડારી હતી. 19 ઓગષ્ટ વર્લ્ડ ફોટોગ્રાફી દિવસે વિવેક દેસાઈની ‘લંબી કહાનીયા’ વિષય સાથે હેસલબ્લેડ કેમેરાથી લીધેલી જીવંત અનોખી તસવીરો અલગ તારવી. આ તસવીરોનું પ્રદર્શન સત્ય આર્ટ ગેલેરી, નવજીવન ટ્રસ્ટ ખાતે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)

રેખા ગુપ્તા પર હુમલો કરનાર આરોપી સામે કેસ નોંધાયો

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરવાના આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે. ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 109 એટલે કે હત્યાનો પ્રયાસ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કલમમાં 10 વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઈ છે. આરોપી ગુજરાતના રાજકોટનો રહેવાસી છે. તેની ઉંમર 41 વર્ષ છે અને તેનું નામ રાજેશ ખીમજી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી પ્રાણી પ્રેમી છે. તે રખડતા કૂતરાઓ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ગુસ્સે હતો. તેણે જાહેર સુનાવણી દરમિયાન મુખ્યમંત્રી પર હુમલો કર્યો. આમાં રેખા ગુપ્તાને પણ ઘણી ઇજાઓ થઈ છે.

આરોપીની માતાનું નિવેદન સામે આવ્યું

આ ઘટના બનતાની સાથે જ ત્યાં અરાજકતા મચી ગઈ. લાંબા સમય સુધી ત્યાં હોબાળો મચી ગયો. આ પછી, દિલ્હી પોલીસે આરોપીની ધરપકડ કરી અને તેની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘટના પછી, આરોપીની માતાનું નિવેદન પણ બહાર આવ્યું. જેમાં તેણીએ જણાવ્યું હતું કે તે પ્રાણી પ્રેમી છે અને સુપ્રીમ કોર્ટના આદેશથી ખૂબ ગુસ્સે હતો. આ પછી તેણે દિલ્હી જવાનું નક્કી કર્યું. તે ઘણા વર્ષોથી કૂતરા અને ગાયોને રોટલી ખવડાવી રહ્યો છે. આરોપી રિક્ષા ચલાવે છે.

દિલ્હીના CM પર હુમલા કરનારા રાજકોટના શખ્સના ઘરે પોલીસ તપાસ

રાજકોટ: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર બુધવારે તેમના જ નિવાસસ્થાને લોકદરબાર ભરાયો હતો. તે જ સ્થળ પર એક વ્યક્તિએ કોઈ કાગળો બતાવી CMને થપ્પડ મારી હુમલો કર્યો હતો. આ હુમલો કરનાર વ્યક્તિ રાજકોટનો રિક્ષાવાળો હોવાનું બહાર આવ્યું છે અને તે પશુપ્રેમી હોય એવા કોઈ કારણથી તે CM સમક્ષ રજૂઆત કરવા ગયો હોવાની શક્યતા છે. જો કે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.રાજેશ સાકરિયા નામનો આ શખ્સ રાજકોટમાં કોઠારીયા રોડ ઉપર ગણેશ પાર્કમાં રહે છે અને રીક્ષા ચલાવે છે. રાજકોટ પોલીસ પણ આજે તેના ઘરે દોડી ગઈ હતી અને પરિવારજનોને મળી તપાસ હાથ ધરી છે. ગત રવિવારે રાજેશ રાજકોટથી નીકળ્યો હતો અને દિલ્હી પહોંચ્યો હતો.

પરિવારજનોના કહેવા મુજબ તે શિવભક્ત હોય વારંવાર ઉજ્જૈન જાય છે. આ વખતે પણ ઉજ્જૈનનું કહીને દિલ્હી પહોંચ્યો હતો. પરિવારે ગઈકાલે ફોન કર્યો તો એવું કહ્યું કે હું દિલ્હી છું અને કૂતરા માટે આવ્યો છું.

એવું બહાર આવ્યું છે કે રાજેશ નામનો આ શખ્સ કૂતરાનો એક વિડીયો જોઈને ખૂબ ગુસ્સે થયો હતો. પરિવારના લોકોના કહેવા મુજબ તે ખૂબ ગુસ્સાવાળો સ્વભાવ ધરાવે છે. ઘરના લોકો સાથે પણ અનેક વખત ગુસ્સામાં ઝઘડા કરે છે. રાજકોટ પોલીસે પરિવારનું નિવેદન લઈ વિશેષ તપાસ હાથ ધરી છે. રાજકોટના એક શખ્સે દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો કર્યાની ઘટનાએ શહેરમાં પણ ચર્ચા ઊભી કરી છે.

(દેવેન્દ્ર જાની-રાજકોટ)

રાજકોટના આ શખ્સે CM રેખા ગુપ્તા પર હુમલો કર્યો, પણ શા માટે? જાણો કારણ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર એક યુવકે હુમલો કર્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ મુખ્યમંત્રી નિવાસસ્થાને જાહેર સુનાવણી કરી રહ્યા હતા. જાહેર સુનાવણી દરમિયાન આરોપીએ મુખ્યમંત્રીને કેટલાક કાગળો આપ્યા. આ પછી, તે જોરથી બૂમો પાડવા લાગ્યો. એવો આરોપ છે કે આ દરમિયાન તેણે મુખ્યમંત્રી પર હુમલો કર્યો.

આરોપીએ અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે હુમલાખોરે મુખ્યમંત્રીને થપ્પડ મારી હતી, જોકે, દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ આવા દાવાઓને નકારી કાઢ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે સુનાવણી દરમિયાન તે વ્યક્તિએ તેમના પર હુમલો કર્યો હતો. હાલમાં, દિલ્હી પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. આરોપીની ઓળખ રાજેશ ભાઈ ખીમજી ભાઈ સાકરિયા તરીકે થઈ છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો કરનાર આરોપી રાજેશ ભાઈ ખીમજી ભાઈ સાકરિયા ગુજરાતના રાજકોટનો રહેવાસી છે. તે ગુજરાતના રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર ગોકુલ પાર્કમાં તેની પત્ની, પુત્ર અને માતા-પિતા સાથે રહે છે. આરોપીની માતા ભાનુબેને કહ્યું કે તે કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલો નથી. તેને પ્રાણીઓ ખૂબ ગમે છે. તે દિલ્હીમાં રખડતા કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશથી નારાજ હતો અને તે આ આદેશના વિરોધમાં ભાગ લેવા દિલ્હી ગયો હતો. ભાનુબેને કહ્યું કે તેને આજની ઘટનાની જાણ નથી.

દિલ્હી પોલીસ કસ્ટડીમાં આરોપી

હાલમાં, દિલ્હી પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આરોપીના ઇરાદા જાણવા માટે વિગતવાર પૂછપરછ કરવામાં આવશે. એટલું જ નહીં, દિલ્હી પોલીસે આરોપી દ્વારા આપવામાં આવેલી માહિતીની પુષ્ટિ કરવા માટે ગુજરાત પોલીસનો પણ સંપર્ક કર્યો છે.

વીરેન્દ્ર સચદેવાએ ઘટના અંગે માહિતી આપી છે

દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ આ ઘટના અંગે માહિતી આપી છે. થપ્પડ મારવાના અહેવાલોને નકારી કાઢતા તેમણે કહ્યું કે સુનાવણી દરમિયાન હુમલાખોરે મુખ્યમંત્રીનો હાથ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ઝપાઝપી થઈ હતી અને તેનું માથું ખૂણામાં વાગ્યું હશે. તેમણે કહ્યું કે સીએમ ગુપ્તાની હાલત સ્થિર છે, પરંતુ તે આઘાતમાં છે.

પોલીસ રાજકોટમાં આરોપીના ઘરે પહોંચી

તે જ સમયે, રાજકોટ પોલીસ દિલ્હી પોલીસે માંગેલી માહિતીની પુષ્ટિ કરવા માટે આરોપી રાજેશ ખીમજીના ઘરે પહોંચી. જ્યાં તેઓએ આરોપીના પરિવારના સભ્યોની પૂછપરછ કરી. આ દરમિયાન, આરોપી રાજેશ ખીમજીના પાડોશી સુરેશભાઈએ પણ રાજેશ વિશે માહિતી આપી. તેણે કહ્યું કે હું તેને છેલ્લા ૫-૬ વર્ષથી ઓળખું છું. તે એક સરળ અને ઉદાર વ્યક્તિ છે જે પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે.

અમદાવાદમાં 10મા ધોરણના વિદ્યાર્થીની વિદ્યાર્થીએ કરી હત્યા  

અમદાવાદઃ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ વાલીઓમાં જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે.  શહેરમાં સેવન્થ ડે સ્કૂલમાં અભ્યાસ કરતા 10મા ધોરણના વિદ્યાર્થી પર પાંચથી સાત વિદ્યાર્થીઓએ છરીથી હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યો. આ ઘટના સ્કૂલની રજા પછી ખોખરા પોલીસ મથક વિસ્તારમાં બની હતી. ઘાયલ વિદ્યાર્થીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયું છે.

ખોખરા પોલીસના જણાવ્યા મુજબ હુમલો સ્કૂલના જ કેટલાક વિદ્યાર્થીઓએ મળી કર્યો હતો. હુમલામાં વિદ્યાર્થીના પેટમાં ગંભીર ઇજા પહોંચી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલાનું કારણ થોડા દિવસો પહેલાં સ્કૂલમાં થયેલી ચણભણ છે. જૂની અદાવતને લઈને વિદ્યાર્થીઓએ મળી આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે ઘટનાસ્થળ આસપાસના CCTV ફુટેજ જપ્ત કરી તપાસ શરૂ કરી છે.

એ સાથે જ પોલીસે હુમલામાં સામેલ વિદ્યાર્થીઓની અટકાયત કરી લીધી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પાસેથી પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ થશે. આ ઘટના સ્થાનિક વાલીઓ અને સમાજમાં ભારે ચિંતાનું વાતાવરણ ઊભું કર્યું છે. લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આખરે સ્કૂલ પ્રાંગણમાં અને તેની બહાર વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને બેદરકારી કેમ રાખવામાં આવી રહી છે.

જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે આ ઘટનાની માહિતી સ્કૂલ સંચાલન દ્વારા શિક્ષણ વિભાગને આપવામાં આવી નહોતી, પરંતુ ઘટના અંગે જાણ થતાં જ સ્કૂલ સંચાલનને બોલાવવામાં આવ્યું છે અને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે કે આવી ઘટનાઓની માહિતી તરત જ વિભાગને આપવામાં આવે.

આક્રોશિત વાલીઓએ સ્કૂલમાં તોડફોડ અને મારામારી કરી હતી. સવારથી જ સ્કૂલ બહાર વાલીઓનો આક્રમક વિરોધ ચાલી રહ્યો છે. વાલીઓના હોબાળાને પગલે સંચાલકોએ સ્કૂલમાં રજા જાહેર કરી હતી.

મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ઈન્ડિગોએ એડવાઈઝરી જારી કરી

મુંબઈમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ઈન્ડિગોએ બુધવારે એક ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી હતી. એરલાઈને જણાવ્યું હતું કે આનાથી “હવાઈ ટ્રાફિક જામ થઈ શકે છે અને ફ્લાઇટ ઓપરેશન્સ પર અસર પડી શકે છે. અમે ઇચ્છીએ છીએ કે તમારી મુસાફરી શક્ય તેટલી મુશ્કેલીમુક્ત રહે, કુદરતની પોતાની યોજનાઓ છે. મુંબઈમાં ફરીથી ભારે વરસાદની અપેક્ષા છે, જેના કારણે હવાઈ ટ્રાફિક જામ થઈ શકે છે અને ફ્લાઇટ ઓપરેશન્સ પર અસર પડી શકે છે,” ઈન્ડિગોએ તેની એડવાઈઝરીમાં જણાવ્યું હતું.

ઇન્ડિગોએ ખાતરી આપી છે કે મુસાફરોને ફ્લાઇટના સમયપત્રકમાં કોઈપણ ફેરફારની જાણ કરવામાં આવશે અને તેમને મુસાફરી માટે વધારાનો સમય આપવા વિનંતી કરી છે. અમે કામગીરીને સરળ બનાવવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ, પરંતુ અમે અગાઉથી આયોજન કરવાની ભલામણ કરીએ છીએ. તમારા ફ્લાઇટ શેડ્યૂલમાં કોઈપણ ફેરફાર તમારી નોંધણી વિગતો દ્વારા શેર કરવામાં આવશે, તેથી ખાતરી કરો કે તે અપડેટ થયેલ છે. એરપોર્ટ પર જતા પહેલા અમારી વેબસાઇટ અથવા એપ્લિકેશન પર તમારી ફ્લાઇટની સ્થિતિ તપાસો. પાણી ભરાવાની અને ધીમી ગતિએ ટ્રાફિકની સંભાવનાને ધ્યાનમાં રાખીને, તમારી મુસાફરી માટે થોડો વધારાનો સમય આપો,” ઇન્ડિગોએ જણાવ્યું હતું.

મંગળવારે ભારે વરસાદને કારણે શહેરમાં ફ્લાઇટ કામગીરી આંશિક રીતે પ્રભાવિત થઈ હતી. સોમવાર મધ્યરાત્રિથી મંગળવારે સાંજે 7 વાગ્યા સુધી, 11 ફ્લાઇટ્સને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી જ્યારે 24 આવનારી ફ્લાઇટ્સનું લેન્ડિંગ રદ કરવું પડ્યુ હતું. સતત વિલંબને કારણે દિવસભર ફ્લાઇટના સમયપત્રક પર અસર પડી હતી અને સૌથી વધુ અસર સાંજની ફ્લાઇટ્સના મુસાફરોને પડી હતી જેમની આગમન અને પ્રસ્થાનમાં એક કલાક મોડું થયું હતું.

સોમવાર સુધી, ઓટો અને ટેક્સીઓને વીજળીનો પુરવઠો બંધ રહ્યો. ઉપનગરોમાં વીજળી ગુલ થવાનું ચાલુ રહ્યું. કુર્લામાં અદાણી ઇલેક્ટ્રિસિટીના બે સબસ્ટેશન બંધ થયા, જેના કારણે 1,000 પરિવારોને અસર થઈ. અંધેરી, જોગેશ્વરી, કાંદિવલી, ઘાટકોપર, વિલે પાર્લે અને મીરા રોડ પર પણ વીજળી ગુલ થઈ ગઈ. તાજેતરના વર્ષોમાં બેસ્ટ દ્વારા કરવામાં આવેલા રેકોર્ડ સંખ્યામાં ડાયવર્ઝનમાંના એકમાં, મુંબઈમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે મંગળવારે 135 બસ રૂટ ડાયવર્ઝન કરવામાં આવ્યા.

NDAના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને ભર્યું નામાંકન, PM બન્યા પ્રસ્તાવક

નવી દિલ્હી: ઉપ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે NDAના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને બુધવારે પોતાનું નામાકન પત્ર દાખલ કર્યું હતું. તેમના પ્રસ્તાવકોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હતા. આ પ્રસંગે ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ભાજપીધ્યક્ષ જે.પી. નડ્ડા અને NDAના કેટલાક સાથી પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. જગદીપ ધનખડના રાજીનામા બાદ દેશમાં ફરી એક વાર ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણી માત્ર સંસદના ઉપરના ગૃહ એટલે કે રાજ્યસભાના રાજકારણ માટે જ નહીં, પરંતુ તેનાં પરિણામો આવતા વર્ષોમાં સંસદીય કાર્યપ્રવાણીને પણ અસર કરશે. ભારતના ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણી બંધારણના કલમ 66 હેઠળ થાય છે. ઇલેક્ટોરલ કોલેજ એટલે કે ફક્ત લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા તથા નિયુક્ત સભ્યો જ મતદાન કરે છે. ચૂંટણી પ્રક્રિયા ગુપ્ત મતદાન  દ્વારા થાય છે.

આ ચૂંટણીમાં જીતવા માટે ઉમેદવારને કુલ માન્ય મતોના 50 ટકાથી વધુ મેળવવા જરૂરી હોય છે. ઉપ રાષ્ટ્રપતિનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે અને આ દેશનું બીજું સર્વોચ્ચ બંધારણીય પદ છે.આ ચૂંટણીમાં NDA તરફથી સીપી રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે વિપક્ષની તરફથી બી. સુદર્શન રેડ્ડીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

પ્રસ્તાવક તરીકે PM મોદીની સહી

રાધાકૃષ્ણન તરફથી કુલ ચાર સેટ નામાકન ફાઈલ કરાયા. દરેક સેટ પર 20 પ્રસ્તાવક અને 20 અનુમોદક સાંસદોની સહી થઈ. એક સેટમાં પ્રથમ પ્રસ્તાવક તરીકે વડા પ્રધાનની સહી થઈ. એ જ રીતે અન્ય ત્રણ સેટ પણ ફાઈલ થયા, જેમાં કેન્દ્રીય મંત્રીઓ અને NDA સાંસદોની સહી હતી.

ઉપ રાષ્ટ્રપતિ ચૂંટણી

  • મતદાનની તારીખ– 09 સપ્ટેમ્બર, 2025 (મંગળવાર)
  • મતદાનનો સમય – સવારે 10:00થી સાંજે 05:00 વાગ્યા સુધી
  • મતગણતરીની તારીખ – 09 સપ્ટેમ્બર, 2025 (મંગળવાર)

 

દિલ્હીમાં 50થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી

નવી દિલ્હીઃ દિલ્હીની અનેક સ્કૂલોને ફરી એક વાર બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. બુધવાર સવારથી રાષ્ટ્રીય રાજધાનીમાં 50થી વધુ શાળાઓને બોમ્બની ધમકીભર્યા ઇમેઇલ મળ્યા છે. એ સાથે જ આતંકવાદી જૂથ દ્વારા 25,000 અમેરિકન ડોલરની માગ પણ કરવામાં આવી છે.

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ આતંકવાદી 111ના એક જૂથે ડી.એ.વી. પબ્લિક સ્કૂલ, ફેથ એકેડમી, દૂન પબ્લિક સ્કૂલ, સર્વોદય વિદ્યાલય સહિત ઘણી શાળાઓને ઇમેઇલ મોકલી 25,000 અમેરિકન ડોલરની માગ કરી હતી. આ જ જૂથે 18 ઓગસ્ટે અનેક બોમ્બની ધમકીઓ મોકલ્યા બાદ ક્રિપ્ટોકરન્સી દ્વારા 5000 અમેરિકન ડોલરની માગ કરી હતી.

દિલ્હીમાં નજફગઢ અને માલવિયાનગરની સ્કૂલ સહિત કુલ 50 સ્કૂલનો સમાવેશ થાય છે, જેને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકી મળતાં જ દિલ્હી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને પોલીસ ડોગ સ્ક્વોડની ટીમ, બોમ્બ ડિસ્પોઝલ ટીમ અને ફાયર બ્રિગેડને લઈને અલગ-અલગ સ્કૂલોમાં પહોંચી ગઈ છે. આ સ્કૂલોમાં માલવિયાનગરનું SKV સ્કૂલ અને પ્રસાદનગરની આંધ્રા સ્કૂલ પણ સામેલ છે. હજી સુધી તમામ સ્કૂલની યાદી સામે આવી નથી.

હજી સુધી કંઈ સંદિગ્ધ મળ્યું નથી

જોકે પોલીસને કોઈ પણ સ્કૂલમાં કંઈ સંદિગ્ધ વસ્તુ મળી નથી. પોલીસ હજી પણ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે. આ પહેલાં એટલે કે 18 ઓગસ્ટે પણ દ્વારકાના DPS સહિત ત્રણ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. એ ધમકી પણ મેઈલ દ્વારા જ આપવામાં આવી હતી. તે પહેલાં એટલે કે 15 ઓગસ્ટે દ્વારકાના સેન્ટ થોમસ સ્કૂલ અને દિલ્હી યુનિવર્સિટીના સેન્ટ સ્ટીફન્સ કોલેજને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી.

પ્રત્યક્ષથી પરે : શ્રી શ્રી રવિશંકર

ઘટનાથી પરે જ્ઞાન છે.
વસ્તુથી પરે અનંતતા છે.
વ્યક્તિથી પરે પ્રેમ છે.

ફક્ત એક જ ઘટના પર આધારિત જ્ઞાન ખોટું સાબિત થઈ શકે છે. ઉદાહરણ તરીકે, કોઈ ગુસ્સે થાય છે અને કોઈ બીજા પર બૂમ પાડે છે. તમે ગુસ્સાનો દોષ તે વ્યક્તિ પર મૂકો છો, પણ ખરેખર એ ગુસ્સો કોઈ બીજા વ્યકતિથી એ વ્યક્તિ સુધી આવ્યો હોય છે, અને એ પહેલા વ્યકતિએ પણ કોઈ બીજા પાસેથી એ ગુસ્સો મેળવ્યો હોય છે. આ રીતે એ પ્રક્રિયા ચાલતી રહે છે. તેથી, તમને સમગ્ર ઘટનાઓનું ચિંતન કરવું પડશે. જો તમે કારણમાં ઊંડા ઉતરશો, તો તમને ત્યાં જ્ઞાન મળશે.

દરેક ઘટના કોઈને કોઈ રીતે તમારી જાગૃતતાને અસર કરે છે. એક ઘટના તમારામાં સુખ, ઉદાસી, આનંદ, દુઃખ, ક્રોધ અને ઈર્ષ્યા જેવી સત્યની ગેરસમજ પેદા કરે છે. સત્ય કોઈ ચોક્કસ ઘટનાઓના તમામ રંગોથી પર છે.

દરેક વસ્તુથી પરે અનંતતા છે. એક વસ્તુ મર્યાદિત છે. એક વસ્તુ લો અને તેના ઊંડાણમાં જાઓ, વધુ ઊંડાણમાં જાઓ, હજુ ઊંડાણમાં જાઓ અને અંતે તમને એક પરમાણુ મળશે. અને તમે જાણશો કે દરેક પરમાણુમાં અનંત આકાશ છે. આ વ્યક્ત બ્રહ્માંડની પાછળ અવ્યક્ત અવકાશ છે. દરેક વસ્તુ આકાશમાં જન્મે છે, આકાશમાં રહે છે અને અંતે અનંત આકાશમાં વિલીન થઈ જાય છે.

દરેક વ્યક્તિથી પરે પ્રેમ છે. એક વ્યક્તિ એ શરીર, મન અને વિવિધ વર્તનોનું સંયોજન છે, જે નિરંતર બદલાતા રહે છે. વ્યક્તિત્વ બદલાય છે પણ એની પરે એક અપરિવર્તનીય પ્રેમ છે. એ પ્રેમ તમે જ છો. જ્યારે તમે તમારી જાતને વિલીન કરો છો, ત્યારે તમને આત્માની અનુભૂતિ થશે. ઘટનાથી પરેની ઘટના એ જ જ્ઞાન છે. વસ્તુથી પરેની વસ્તુ એ જ અનંતતા છે. વ્યક્તિથી પરેની વ્યક્તિ એ જ પ્રેમ છે. જ્યારે તમે ઘટનાઓ, વસ્તુઓ અને વ્યક્તિઓમાં ફસાઈ જાઓ છો તે જ માયા છે. આ બધાની પરે જોવું એજ ‘બ્રહ્મ’ એ દિવ્ય ચેતના છે. માત્ર દ્રષ્ટિકોણનો ફરક છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

દિલ્હીનાં CM રેખા ગુપ્તા પર હુમલો, એકની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હીનાં CM રેખા ગુપ્તા પર જનસુનાવણી દરમિયાન એક 30 વર્ષની વ્યક્તિએ હુમલો કર્યો હતો. તેમના પર પથ્થર ફેંકવામાં આવ્યો. દિલ્હી પોલીસે જણાવ્યું કે CM નિવાસે જનસુનાવણી દરમિયાન CM રેખા ગુપ્તા પર થયેલા હુમલાને મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેને સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો છે.

જુઓ, સૌપ્રથમ વાત તો એ છે કે આ બહુ જ ખોટું થયું. જનસુનાવણીમાં બધાનો હક છે. એક બહુરૂપિયો આજે તેમને થપ્પડ મારી શકે તો આ બહુ મોટી વાત છે. તે પોતાની કોઈ વાત કહી રહ્યા હતા અને વાત કહેતાં-કહેતાં તરત જ થપ્પડ મારી દીધી. જે બિલકુલ ખોટું છે, એમ એક સાક્ષીએ જણાવ્યું હતું.  હું ઉત્તમનગરથી ગટર અંગેની ફરિયાદ લઇ આવ્યો હતો. જ્યારે હું ગેટ પાસે પહોંચ્યો ત્યારે હંગામો મચી ગયો હતો, કારણ કે CMને થપ્પડ મારી દેવામાં આવી હતી, આ ખોટું છે, એમ બીજા સાક્ષી શૈલેન્દ્ર કુમારે જણાવ્યું હતું.

દિલ્હીના મંત્રી મનજિંદર સિંહ સિરસાએ કહ્યું હતું કે હું જનસુનાવણીમાં CM પર થયેલા હુમલાની કડક નિંદા કરું છું. તેઓ દિવસ-રાત દિલ્હી વિશે ચિંતિત રહે છે. આ વિરોધીઓનું કાવતરું છે. તેમને સહન થતું નથી કે એક CM કલાકો સુધી જનતાની વચ્ચે રહે, પોતાના નિવાસસ્થાને લોકોને મળે.

આપ નેતા આતિશીએ ટ્વીટ કર્યું હતું કે CM રેખા ગુપ્તા પર થયેલો હુમલો અત્યંત નિંદનીય છે. લોકશાહીમાં અસહમતી અને વિરોધ માટે જગ્યા છે, પરંતુ હિંસા માટે કોઈ જગ્યા નથી. આશા છે કે દિલ્હી પોલીસ દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરશે. આશા છે કે CM સંપૂર્ણપણે સુરક્ષિત છે.

દિલ્હીના કોંગ્રેસ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે કહ્યું હતું કે આ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે. આ ઘટના મહિલા સુરક્ષાની પણ પોલ ખોલે છે. જો દિલ્હીનાં CM જ સુરક્ષિત નથી તો સામાન્ય માણસ કે સામાન્ય મહિલા કેવી રીતે સુરક્ષિત રહી શકે?