Home Blog Page 667

દિલ્હીમાં 50થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી

નવી દિલ્હીઃ દિલ્હીની અનેક સ્કૂલોને ફરી એક વાર બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. બુધવાર સવારથી રાષ્ટ્રીય રાજધાનીમાં 50થી વધુ શાળાઓને બોમ્બની ધમકીભર્યા ઇમેઇલ મળ્યા છે. એ સાથે જ આતંકવાદી જૂથ દ્વારા 25,000 અમેરિકન ડોલરની માગ પણ કરવામાં આવી છે.

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ આતંકવાદી 111ના એક જૂથે ડી.એ.વી. પબ્લિક સ્કૂલ, ફેથ એકેડમી, દૂન પબ્લિક સ્કૂલ, સર્વોદય વિદ્યાલય સહિત ઘણી શાળાઓને ઇમેઇલ મોકલી 25,000 અમેરિકન ડોલરની માગ કરી હતી. આ જ જૂથે 18 ઓગસ્ટે અનેક બોમ્બની ધમકીઓ મોકલ્યા બાદ ક્રિપ્ટોકરન્સી દ્વારા 5000 અમેરિકન ડોલરની માગ કરી હતી.

દિલ્હીમાં નજફગઢ અને માલવિયાનગરની સ્કૂલ સહિત કુલ 50 સ્કૂલનો સમાવેશ થાય છે, જેને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકી મળતાં જ દિલ્હી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને પોલીસ ડોગ સ્ક્વોડની ટીમ, બોમ્બ ડિસ્પોઝલ ટીમ અને ફાયર બ્રિગેડને લઈને અલગ-અલગ સ્કૂલોમાં પહોંચી ગઈ છે. આ સ્કૂલોમાં માલવિયાનગરનું SKV સ્કૂલ અને પ્રસાદનગરની આંધ્રા સ્કૂલ પણ સામેલ છે. હજી સુધી તમામ સ્કૂલની યાદી સામે આવી નથી.

હજી સુધી કંઈ સંદિગ્ધ મળ્યું નથી

જોકે પોલીસને કોઈ પણ સ્કૂલમાં કંઈ સંદિગ્ધ વસ્તુ મળી નથી. પોલીસ હજી પણ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે. આ પહેલાં એટલે કે 18 ઓગસ્ટે પણ દ્વારકાના DPS સહિત ત્રણ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. એ ધમકી પણ મેઈલ દ્વારા જ આપવામાં આવી હતી. તે પહેલાં એટલે કે 15 ઓગસ્ટે દ્વારકાના સેન્ટ થોમસ સ્કૂલ અને દિલ્હી યુનિવર્સિટીના સેન્ટ સ્ટીફન્સ કોલેજને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી.

પ્રત્યક્ષથી પરે : શ્રી શ્રી રવિશંકર

ઘટનાથી પરે જ્ઞાન છે.
વસ્તુથી પરે અનંતતા છે.
વ્યક્તિથી પરે પ્રેમ છે.

ફક્ત એક જ ઘટના પર આધારિત જ્ઞાન ખોટું સાબિત થઈ શકે છે. ઉદાહરણ તરીકે, કોઈ ગુસ્સે થાય છે અને કોઈ બીજા પર બૂમ પાડે છે. તમે ગુસ્સાનો દોષ તે વ્યક્તિ પર મૂકો છો, પણ ખરેખર એ ગુસ્સો કોઈ બીજા વ્યકતિથી એ વ્યક્તિ સુધી આવ્યો હોય છે, અને એ પહેલા વ્યકતિએ પણ કોઈ બીજા પાસેથી એ ગુસ્સો મેળવ્યો હોય છે. આ રીતે એ પ્રક્રિયા ચાલતી રહે છે. તેથી, તમને સમગ્ર ઘટનાઓનું ચિંતન કરવું પડશે. જો તમે કારણમાં ઊંડા ઉતરશો, તો તમને ત્યાં જ્ઞાન મળશે.

દરેક ઘટના કોઈને કોઈ રીતે તમારી જાગૃતતાને અસર કરે છે. એક ઘટના તમારામાં સુખ, ઉદાસી, આનંદ, દુઃખ, ક્રોધ અને ઈર્ષ્યા જેવી સત્યની ગેરસમજ પેદા કરે છે. સત્ય કોઈ ચોક્કસ ઘટનાઓના તમામ રંગોથી પર છે.

દરેક વસ્તુથી પરે અનંતતા છે. એક વસ્તુ મર્યાદિત છે. એક વસ્તુ લો અને તેના ઊંડાણમાં જાઓ, વધુ ઊંડાણમાં જાઓ, હજુ ઊંડાણમાં જાઓ અને અંતે તમને એક પરમાણુ મળશે. અને તમે જાણશો કે દરેક પરમાણુમાં અનંત આકાશ છે. આ વ્યક્ત બ્રહ્માંડની પાછળ અવ્યક્ત અવકાશ છે. દરેક વસ્તુ આકાશમાં જન્મે છે, આકાશમાં રહે છે અને અંતે અનંત આકાશમાં વિલીન થઈ જાય છે.

દરેક વ્યક્તિથી પરે પ્રેમ છે. એક વ્યક્તિ એ શરીર, મન અને વિવિધ વર્તનોનું સંયોજન છે, જે નિરંતર બદલાતા રહે છે. વ્યક્તિત્વ બદલાય છે પણ એની પરે એક અપરિવર્તનીય પ્રેમ છે. એ પ્રેમ તમે જ છો. જ્યારે તમે તમારી જાતને વિલીન કરો છો, ત્યારે તમને આત્માની અનુભૂતિ થશે. ઘટનાથી પરેની ઘટના એ જ જ્ઞાન છે. વસ્તુથી પરેની વસ્તુ એ જ અનંતતા છે. વ્યક્તિથી પરેની વ્યક્તિ એ જ પ્રેમ છે. જ્યારે તમે ઘટનાઓ, વસ્તુઓ અને વ્યક્તિઓમાં ફસાઈ જાઓ છો તે જ માયા છે. આ બધાની પરે જોવું એજ ‘બ્રહ્મ’ એ દિવ્ય ચેતના છે. માત્ર દ્રષ્ટિકોણનો ફરક છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

દિલ્હીનાં CM રેખા ગુપ્તા પર હુમલો, એકની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હીનાં CM રેખા ગુપ્તા પર જનસુનાવણી દરમિયાન એક 30 વર્ષની વ્યક્તિએ હુમલો કર્યો હતો. તેમના પર પથ્થર ફેંકવામાં આવ્યો. દિલ્હી પોલીસે જણાવ્યું કે CM નિવાસે જનસુનાવણી દરમિયાન CM રેખા ગુપ્તા પર થયેલા હુમલાને મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેને સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો છે.

જુઓ, સૌપ્રથમ વાત તો એ છે કે આ બહુ જ ખોટું થયું. જનસુનાવણીમાં બધાનો હક છે. એક બહુરૂપિયો આજે તેમને થપ્પડ મારી શકે તો આ બહુ મોટી વાત છે. તે પોતાની કોઈ વાત કહી રહ્યા હતા અને વાત કહેતાં-કહેતાં તરત જ થપ્પડ મારી દીધી. જે બિલકુલ ખોટું છે, એમ એક સાક્ષીએ જણાવ્યું હતું.  હું ઉત્તમનગરથી ગટર અંગેની ફરિયાદ લઇ આવ્યો હતો. જ્યારે હું ગેટ પાસે પહોંચ્યો ત્યારે હંગામો મચી ગયો હતો, કારણ કે CMને થપ્પડ મારી દેવામાં આવી હતી, આ ખોટું છે, એમ બીજા સાક્ષી શૈલેન્દ્ર કુમારે જણાવ્યું હતું.

દિલ્હીના મંત્રી મનજિંદર સિંહ સિરસાએ કહ્યું હતું કે હું જનસુનાવણીમાં CM પર થયેલા હુમલાની કડક નિંદા કરું છું. તેઓ દિવસ-રાત દિલ્હી વિશે ચિંતિત રહે છે. આ વિરોધીઓનું કાવતરું છે. તેમને સહન થતું નથી કે એક CM કલાકો સુધી જનતાની વચ્ચે રહે, પોતાના નિવાસસ્થાને લોકોને મળે.

આપ નેતા આતિશીએ ટ્વીટ કર્યું હતું કે CM રેખા ગુપ્તા પર થયેલો હુમલો અત્યંત નિંદનીય છે. લોકશાહીમાં અસહમતી અને વિરોધ માટે જગ્યા છે, પરંતુ હિંસા માટે કોઈ જગ્યા નથી. આશા છે કે દિલ્હી પોલીસ દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરશે. આશા છે કે CM સંપૂર્ણપણે સુરક્ષિત છે.

દિલ્હીના કોંગ્રેસ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે કહ્યું હતું કે આ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે. આ ઘટના મહિલા સુરક્ષાની પણ પોલ ખોલે છે. જો દિલ્હીનાં CM જ સુરક્ષિત નથી તો સામાન્ય માણસ કે સામાન્ય મહિલા કેવી રીતે સુરક્ષિત રહી શકે?

પંચાંગ 20/08/2025

કાજુ શીંગદાણાનું શાક

વરસાદમાં શાકભાજી જોઈએ તેવા ન મળે, તો કાજુ શીંગદાણાનું શાક બનાવી શકાય છે!

સામગ્રીઃ

  • શીંગદાણા ¼ કપ
  • કાજુ ¼ કપ
  • સફેદ તલ 1 ટી.સ્પૂન
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • લવિંગ 2-3
  • સૂકું લાલ મરચું 1
  • તજનો ટુકડો ½ ઈંચ
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • વરિયાળીનો ભૂકો ¼ ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • ધાણાજીરૂ 1 ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
  • ગરમ મસાલો ½ ટી.સ્પૂન
  • આમચૂર પાઉડર ½ ટી.સ્પૂન
  • કાંદો 1
  • આદુ-મરચાં-લસણની પેસ્ટ 1 ટે.સ્પૂન
  • 2 ટામેટાંની પ્યુરી

રીતઃ શીંગદાણાને એક પેનમાં ગરમ કરવા મૂકો. ગેસની ધીમી આંચે શીંગદાણા શેકીને કાઢી લેવા. તે જ પેનમાં તલ પણ શેકી લેવા. શીંગદાણા ઠંડા થયા બાદ છોલીને એક મિક્સરમાં તલ સાથે અધકચરા વાટીને એક વાસણમાં કાઢી લેવા.

તે જ પેનમાં 4 ટે.સ્પૂન તેલ ગરમ કરી તેમાં કાજુ સાંતળીને એક બાઉલમાં કાઢી લો. હવે તે જ તેલમાં જીરૂનો વઘાર કરી લીધા બાદ તમાલપત્ર, તજ, લાલ મરચુ તથા હીંગનો વઘાર કરો. તેમાં અધકચરા વાટેલાં શીંગદાણા મેળવીને 2 મિનિટ સાંતળો. ત્યારબાદ કાંદાને સમારીને આ વઘારમાં ઉમેરી, આદુ-લસણ-મરચાંની પેસ્ટ પણ મેળવીને કાંદો સાંતળી લીધા બાદ ટામેટાંની પ્યુરી ઉમેરી દો.

હવે તેમાં બધાં સૂકા મસાલા ઉમેરી દો. થોડીવાર સાંતળી લીધા બાદ ½ કપ પાણી ઉમેરીને ઢાંકીને ગેસની ધીમી આંચે 4-5 મિનિટ થવા દો. તેમાંનું તેલ છૂટું પડવા લાગે એટલે તેની ઉપર તળેલા કાજુ તેમજ સમારેલી કોથમીર સજાવીને ગેસ બંધ કરીને આ શાક રોટલી કે પરોઠા સાથે પીરસો.

૨૦ ઓગસ્ટ ૨૦૨૫

જાણો કોણ છે મનિકા વિશ્વકર્મા? જે મિસ યુનિવર્સ 2025માં કરશે ભારતનું પ્રતિનિધિત્વ

જયપુરમાં આયોજિત મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો ખિતાબ મનિકા વિશ્વકર્માએ જીત્યો છે. રાજસ્થાનના ગંગાનગરની રહેવાસી મનિકા થાઈલેન્ડમાં યોજાનારી 74મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025 રાજસ્થાનના જયપુરમાં યોજાઈ હતી, જેમાં મનિકા વિશ્વકર્માએ સૌંદર્ય સ્પર્ધા જીતી હતી અને તેનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. અગાઉ 2024 માં, મનિકાને મિસ યુનિવર્સ રાજસ્થાન માટે પસંદ કરવામાં આવી હતી અને હવે મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024 નો તાજ જીત્યા બાદ તે થાઈલેન્ડમાં યોજાનારી 74મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે, જે આ વર્ષના અંતમાં યોજાવા જઈ રહી છે.

મનિકા વિશ્વકર્મા કોણ છે?

મનિકા વિશ્વકર્મા વ્યવસાયે એક મોડેલ છે અને રાજસ્થાનના ગંગાનગરની રહેવાસી છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી તે દિલ્હીમાં રહે છે અને તેના મોડેલિંગ કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હવે તે મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025 જીત્યા પછી ચર્ચામાં આવી છે. આ જીત પછી, મનિકાએ સ્ટેજ પર પોતાની ખુશી વ્યક્ત કરી અને તેના માર્ગદર્શકોનો આભાર માન્યો. તેણીએ જણાવ્યું કે તેણીએ આ મુશ્કેલ સફર કેવી રીતે પૂર્ણ કરી અને તેના માર્ગદર્શકોએ તેણીને આમાં ઘણી મદદ કરી.

મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો ખિતાબ જીત્યા બાદ, મણિકાએ જણાવ્યું કે તે ગંગાનગરની છે અને તેણે દિલ્હીમાં રહીને આ સ્પર્ધા માટે તૈયારી કરી હતી. ANI સાથે વાત કરતા, તેણીએ કહ્યું- ‘સંઘર્ષને બદલે, આપણી પાસે તૈયારીની સફર છે. મારી સફર મારા શહેર ગંગાનગરથી શરૂ થઈ હતી. હું દિલ્હી આવી અને આ સૌંદર્ય સ્પર્ધા માટે તૈયારી કરી. આપણે આપણામાં આત્મવિશ્વાસ અને હિંમત જગાડવી પડશે. આમાં દરેકે મોટી ભૂમિકા ભજવી… હું તે બધાનો આભાર માનું છું જેમણે મને મદદ કરી અને મને આજે હું જ્યાં છું ત્યાં પહોંચાડી… સૌંદર્ય સ્પર્ધા ફક્ત એક ક્ષેત્ર નથી, તે તેની પોતાની એક દુનિયા છે જે વ્યક્તિના ચારિત્ર્યનું નિર્માણ કરે છે… આ ફક્ત એક વર્ષનું રહસ્ય નથી, પણ જીવનભરની સફર છે.’

હેલ્થ, લાઇફ અને ટર્મ ઇન્શ્યોરન્સ થશે સસ્તા?

નવી દિલ્હીઃ આ વર્ષે ઓક્ટોબર એટલે કે દિવાળીના આસપાસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સુધારાઓ સાથે જ ઇન્શ્યોરન્સ પોલિસી પર લાગતો ટેક્સ ખતમ થઈ શકે છે. અથવા તો ઓછામાં ઓછો પાંચ ટકાનો ઘટાડો કરવામાં આવી શકે છે. આ ઘટાડા સાથે ઇન્શ્યોરન્સ પહેલેથી વધુ કિફાયતી બનશે. અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આ પગલાથી લાખો લોકોની આર્થિક સુરક્ષામાં સુધારો થશે અને ભારતમાં ઇન્શ્યોરન્સ અપનાવવાની ગતિ તેજ થશે.

ઇન્શ્યોરન્સ પર લાગતા GSTમાં ઘટાડાની રાહ લાંબા સમયથી જોવામાં આવી રહી હતી અને સરકાર હવે આ બાબતે ગંભીરતાથી વિચાર કરી રહી છે. આમ થવાથી સરકારને વાર્ષિક આવકમાં આશરે 17,000 કરોડ રૂપિયાની ખોટ થવાની શક્યતા છે. તે સિવાય, ઇન્શ્યોરન્સ કંપનીઓમાં પણ આ અંગે ચિંતા છે કે જો ઇન્શ્યોરન્સ પરથી GSTને પૂરેપૂરો ખતમ કરી દેવામાં આવશે તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) નો દાવો ખતમ થઈ જશે, જેને કારણે ઇન્શ્યોરન્સ કંપનીઓ માટે ઓપરેટિંગ ખર્ચ વધી જશે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પર 18 ટકા GST

ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો લાંબા સમયથી હેલ્થ, ટર્મ અને ULIP ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર લાગતા 18 ટકા GSTની ટીકા કરતા આવ્યા છે. ખાસ કરીને હેલ્થ અને ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ પર લાગતો GST ખતમ કરવાની માગ કરવામાં આવી છે. જો સરકાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર લાગતો આ ટેક્સ ખતમ કરે છે અથવા ઘટાડીને 5 ટકા લાવે છે તો તેનાં પરિણામો દૂરગામી થઈ શકે છે.

ઇન્શ્યોરન્સ બ્રોકર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (IBAI)ના નરેન્દ્ર ભરિંદવાલ અનુસાર ઇન્શ્યોરન્સ પરથી GST ખતમ થતાં પોલિસીધારકો માટે પ્રીમિયમની કિંમત ઓછી થઈ જશે અને લાઇફ, હેલ્થ અને જનરલ ઇન્શ્યોરન્સ ક્ષેત્રોમાં ઇન્શ્યોરન્સ વધુ કિફાયતી બનશે અને તેને પ્રોત્સાહન મળશે.

સ્વતંત્રતા દિવસે દિવ્યાંગ વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીની મુલાકાત લીધી

અમદાવાદ: અંદાજે 115 દિવ્યાંગ વિદ્યાર્થીઓએ ઈસરો (ISRO)ના સહયોગથી ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. જેમાં ઉત્થાન તાલીમ કેન્દ્ર, કવિતા ફાઉન્ડેશન તેમજ ધ લાઇટશીપ ઇનિશ્યટિવનો પણ સહયોગ હતો. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ સ્પેસ ફેસ્ટિવલ– 2025ની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લીધો હતો.દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પોતાનું પ્રતિભાશાળી યોગદાન આપીને વિવિધ પ્રકારના મોડલ તૈયાર કર્યા હતા તથા ક્વિઝ સ્પર્ધામાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમના દ્વારા દર્શાવાયેલ જિજ્ઞાસા અને સર્જનાત્મકતાએ સૌનું મન જીતી લીધું.આ ઉપરાંત વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીની એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી, એક્વેટિક ગેલેરી તેમજ રોબોટિક્સ  જેવી અનેક ગેલેરીઓની મુલાકાત લીધી હતી અને વિજ્ઞાનના ચમત્કારોને નજીકથી નિહાળ્યા હતા.કાર્યક્રમના અંતે દિવ્યાંગ વિદ્યાર્થીઓને ઈનામ આપીને ઉત્સાહવર્ધન કરવામાં આવ્યું હતું. સાયન્સ સિટીના અધિકારીઓએ જણાવ્યું કે આવી પ્રવૃત્તિઓ દ્વારા દિવ્યાંગ બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે, સર્જનાત્મકતા વિકસે છે અને સર્વસમાવેશી શિક્ષણને પ્રોત્સાહન મળે છે.

શું મહિલાને સ્વાભિમાનની રક્ષા માટે અવાજ ઉઠાવવાનો હક નથી?

સૌમ્યા એક ઉચ્ચ શિક્ષિત અને આત્મનિર્ભર બેંક મેનેજર યુવતી. 25 લોકોના સ્ટાફની લીડર. ધ્રુવજ સાથે ધૂમધામથી એના લગ્ન થયા. પણ સાસરે પગ મૂકતાં જ સાસુ રેણુકાબહેને કટાક્ષ કરતા કહ્યું “સૌમ્યા નસીબદાર છે, બાકી અમારા ધ્રુવજ જેવો દીકરો એને ક્યાંથી મળે?” સૌમ્યા ચૂપ રહી, પણ હૃદયમાં ઊંડો ઘા થયો.

દિવસો વીતતા ગયા. રેણુકાબહેનના મહેણાં વધતા ગયા. વહુ તો કામચોર છે! બસ કમાતા આવડે અને ઉડાડતા. આવા શબ્દો રોજ સૌમ્યાના સ્વાભિમાનને ચીરતા. ધ્રુવજ પ્રેમથી એની સાથે હતો, પણ માતા-પિતા સામે બોલવાની હિંમત ન હતી. સૌમ્યા નોકરી, ઘરકામ, સામાજિક ફરજો નિભાવતી, છતાં રેણુકાબહેનની નજરમાં “અયોગ્ય” જ રહી.

લગ્નને બે વર્ષ વીત્યા, પણ હેરાનગતી ઓછી ન થઈ. અંતે એક દિવસ કંટાળીને સૌમ્યાએ ધ્રુવજને કહી જ દીધું કે, મારાથી હવે સહન નહી થાય. ક્યાં સુધી હું આ રીતે મારા સમ્માનનો ભોગ આપ્યા કરીશ? ધ્રુવજ સ્તબ્ધ થયો, પણ જવાબ ન આપી શક્યો.

સૌમ્યાએ પોતાના માતા-પિતાને વાત કરી. એમની લાડકી દીકરીની આવી દશા જોઈ એમનું હૃદય દ્રવી ગયું. સૌમ્યાની લડાઈ માત્ર અપમાન સામે નહીં, પણ પોતાના અસ્તિત્વ માટે હતી. એનો સવાલ સ્પષ્ટ હતો કે “શું મારા સ્વાભિમાન કોઈ મૂલ્ય નથી? સ્ત્રીને સ્વાભિમાન માટે સવાલ કરવાનો હક ખરો?

દરેક મહિલાને પોતાના જીવન પર અધિકાર હોવો જોઈએ

મહિલાના સ્વાભિમાનનો સવાલ ઘણીવાર પરિવારમાં પુત્રવધૂ કે દીકરી તરીકે મળવા જોઈતા સન્માનના અભાવે ઉભો થાય છે, જે ક્યારેક છૂટાછેડા જેવા ગંભીર પગલાં સુધી પહોંચે છે. સમાજમાં મહિલાનો અવાજ ઉઠાવવો હજી પણ સ્વીકારાતો નથી અને એને સ્વવછંદી ગણીને અવગણવામાં આવે છે. શું મહિલાને પોતાના સ્વાભિમાનની રક્ષા માટે અવાજ ઉઠાવવાનો હક નથી? શું એનું સ્વાભિમાન કોઈ મૂલ્ય નથી ધરાવતું?

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કલાસૂર્ય ફાઉન્ડેશનના સ્થાપક સંગીતા પટેલ કહે છે કે, “આજના જમાનામાં પણ સ્ત્રીઓને પોતાના જીવનના નિર્ણયો માટે પરમિશન લેવી પડે છે, જે યોગ્ય નથી. દીકરી હોય કે વહુ, દરેક મહિલાને પોતાના જીવન પર અધિકાર હોવો જોઈએ. પરિવાર પાસે એ માર્ગદર્શન માગી શકે છે, પરંતુ નિર્ણય લેવા માટે સ્વતંત્ર હોવું જરૂરી છે. સ્વતંત્રતા અને સ્વછંદતા વચ્ચે જેવી પાતળી રેખા છે, એવી જ રીતે સ્વાભિમાન અને અભિમાન વચ્ચે પણ છે. ઘણીવાર અભિમાનના કારણે મહિલાઓ પોતાના પરિવારને નુકસાન પહોંચાડે છે, જેના કારણે સાચા સ્વાભિમાન માટે લડતી મહિલાઓને પણ સ્વછંદી ગણવામાં આવે છે. હું માનું છું કે કોઈ પણ વ્યક્તિને પોતાનો નિર્ણય લેવાનો પુરેપુરો હક છે.”

મહિલાની સ્વાભિમાન માટેની લડત આજે પણ ચાલી રહી છે

સમાજમાં સ્ત્રી આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે. શિક્ષણ, નોકરી, વ્યવસાય કે રાજકારણ  બધે જ સ્ત્રીઓએ પોતાની કાબેલિયત સાબિત કરી છે. છતાંય ઘરઆંગણે એના સ્વાભિમાનનો સવાલ ઘણીવાર અવગણાય છે. પુત્રવધૂ કે દીકરી તરીકે એના યોગદાનને પૂરતું માન મળતું નથી. ઘરનાં નિર્ણયો સમયે એના વિચારો સાંભળવામાં આવતા નથી. પરિણામે, એના મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે શું મારા અસ્તિત્વનું મૂલ્ય નથી?

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા લેખિકા પ્રજ્ઞા મહેતા કહે છે કે, સ્ત્રી એટલે જગતની જનની, જગદંબા, સ્ત્રી એટલે બુદ્ધિનો સ્ત્રોત સરસ ઉપનામથી સંબોધાય  સ્ત્રી પરંતુ ખરેખર સ્ત્રી સુરક્ષિત છે? સમાજમાં સ્ત્રીને પુરુષની સમોવડી ગણવામાં આવે છે શું ખરેખર આ સત્ય છે?  બિલકુલ નહીં. આજે સમાજમાં પુરુષ કરતાં પણ સ્ત્રી ઉંચા હોદા પર હોય છે. એને પણ માનસિક અને શારીરિક ટોર્ચર સમાજ અને ઘર તરફથી થાય છે. વિશ્વના કોઈપણ ખૂણા તરફ દૃષ્ટિ કરીએ દરેક તરફ સ્ત્રીની દશા કચડાયેલી જ હોય છે. સતાપર બેઠેલી સ્ત્રીના દરેક નિર્ણયનું સંચાલન એના પતિ અથવા પુત્ર કરતા હોય છે શા માટે? મહિલા પોતાના સ્વાભિમાન માટે લડત લડતી આવી છે અને આજે પણ લડી રહી છે.

કેટલીક મહિલાઓ પરિવાર માટે પોતાનું સ્વાભિમાન કચડી નાખે છે

પુરુષ પોતાના સ્વાભિમાન માટે સવાલ કરે તો એને “આત્મસન્માની” કહેવામાં આવે છે. પણ જો સ્ત્રી એ જ કરે તો એને “હઠીલી”  ગણવામાં આવે છે. આ દ્વિધા વિચારો આજે પણ સમાજમાં ઘેરી વેરાયેલી છે. એ જ કારણ છે કે સ્ત્રીનો અવાજ ઉઠાવવો સમાજ માટે “અપરાધ” સમાન લાગે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સામાજિક કાર્યકર ખુશ્બુ પરમાર કહે છે, જીવનમાં ઘણી બાબતોમાં સમજૂતી થઈ શકે, પરંતુ આત્મસન્માનમાં ક્યારેય સમજૂતી થઈ શકે નહીં. સામાન્ય મહિલા પણ અપમાન સહન કરતી નથી જો વાત એના સ્વાભિમાનની હોય. જીવનભર અનેક બાબતોને અવગણતી સ્ત્રી પણ આ મુદ્દે ચૂપ રહી શકતી નથી. અલબત્ત, કેટલીક મહિલાઓ પરિવાર માટે પોતાનું સ્વાભિમાન કચડી નાખે છે. સ્ત્રી જ્યારે પોતાના માટે કંઈ બોલે ત્યારે એને સમાજ ચૂપ કરાવી દે છે, કારણ કે આપણા સમાજનો સૌથી મોટો રોગ ‘ક્યાં કહેગેં લોગ’ છે.

હેતલ રાવ