નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ અને કાયદેસર વિરોધ કરવાનો અધિકાર બંધારણ દ્વારા સુરક્ષિત છે અને માત્ર આંદોલન ચાલી રહ્યું હોય એટલા માટે લાઠીચાર્જને યોગ્ય ઠેરવી શકાય નહીં. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમાલ્ય બાગચી અને ન્યાયમૂર્તિ વી. મોહનાની પીઠે પેપર લીક મુદ્દે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરતી અનેક અરજીઓનો ઉલ્લેખ કરતાં આ ટિપ્પણીઓ કરી હતી.

અદાલતે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ દ્વારા અતિશયતા કરવામાં આવી હોવાના આક્ષેપોની સ્વતંત્ર તપાસ થવી જોઈએ. એ સાથે જ દેશભરમાં વિરોધ પ્રદર્શનોને સંભાળવા માટે એકસરખા પોલીસ પ્રોટોકોલની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સ્વતંત્ર તપાસ થવી જોઈએ — સુપ્રીમ કોર્ટ
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે બંધારણ હેઠળ શાંતિપૂર્ણ અને કાયદેસર વિરોધ કરવાનો અધિકાર સંપૂર્ણપણે સુરક્ષિત છે. જ્યાં સુધી વિરોધ શાંતિપૂર્ણ છે, ત્યાં સુધી માત્ર વિરોધ થઈ રહ્યો છે એટલા માટે અતિશય બળનો ઉપયોગ કરી શકાય નહીં. જો અતિશય બળનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, તો તેની સ્વતંત્ર તપાસ થવી જોઈએ. આ માત્ર દિલ્હીનો મુદ્દો નથી. પ્રોટોકોલમાં એકરૂપતા જરૂરી છે. માત્ર વિરોધ થઈ રહ્યો છે એટલે લાઠીચાર્જ કરવાનો અર્થ નથી. લોકશાહી પ્રક્રિયા માટે શિસ્ત જરૂરી છે.
પોલીસ પાસે સુરક્ષા સાધનો હોવાં જોઈએ — સુપ્રીમ કોર્ટ
અદાલતે ઘટનામાં ઘાયલ થયેલા પોલીસ કર્મચારીઓના પરિવારજનો તરફથી રજૂ થયેલી અરજીને પણ મંજૂરી આપી છે. ન્યાયમૂર્તિ બાગચીએ જણાવ્યું હતું કોઈ વ્યક્તિને ઈજા પહોંચવી, ભલે તે પોલીસ કર્મચારી હોય કે વિદ્યાર્થી, બંને પરિસ્થિતિમાં ચિંતાનો વિષય છે. આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે પોલીસને પૂરતાં સુરક્ષા સાધનો કેમ આપવામાં આવ્યાં નથી તે અંગે અમે રાજ્ય સરકારને પ્રશ્ન પૂછી શકીએ છીએ. તેમની પાસે હેલ્મેટ જેવાં સુરક્ષા ઉપકરણો હોવાં જોઈએ.




