
ઈન્સ્ટન્ટ ચીઝ કોર્ન ઢોકળા
આ ઈન્સ્ટન્ટ ઢોકળા ટિફિનમાં પણ આપી શકાય છે. જે બાળકોને પ્રિય બની શકે છે!
સામગ્રીઃ રવો 2 કપ, ખાટું દહીં 1 કપ, સિમલા મરચું 1, કાંદો 1, અમેરિકન મકાઈના દાણા 1 કપ, આદુ-મરચાંની પેસ્ટ 1 ટે.સ્પૂન, લસણની કળી 8-10 ખમણેલી, ઈનો ફ્રુટ સોલ્ટ 2 ટી.સ્પૂન, હળદર પાઉડર ¼ ટી.સ્પૂન, લાલમરચાં પાઉડર ¼ ટી.સ્પૂન, ચીઝ સ્લાઈસ 4, ધોઈને સમારેલી કોથમીર અડધો કપ, લીલી તીખી ચટણી 1 કપ,
રીતઃ રવામાં દહીં તેમજ અડધો કપ પાણી મેળવીને મિશ્રણ ઢાંકીને 15 મિનિટ રાખી મૂકો. મિશ્રણ સહેજ ઢીલું હોવું જોઈએ. રવાને કારણે તે ઘટ્ટ થઈ શકે છે.
ઢોકળામાં ભરવા માટેનું પૂરણ તૈયાર કરવા માટે મકાઈના દાણા બાફી લેવા. ત્યારબાદ એક બાઉલમાં મકાઈના દાણા લઈ તેમાં કાંદો તેમજ સિમલા મરચું બારીક સમારીને ઉમેરવું. ધોયેલી કોથમીર સમારીને ઉમેરો. તેમાં આદુ-મરચાંની પેસ્ટ, લસણ ખમણેલું, કાળા મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું મેળવી દો.
ઢોકળા બાફવાના વાસણમાં કાંઠો ગોઠવીને પાણી ગરમ કરવા મૂકો. તેની ઉપર તેલ લગાડેલી થાળી ગોઠવી દો.
ઢોકળાના ખીરામાંથી અડધું ખીરું એક વાસણમાં લઈ તેમાં 1 ચમચી ઈનો ઉમેરી, ઉપર અડધી ચમચી પાણી મેળવીને તેને હલાવીને ઢોકળા બાફવા માટેની તેલવાળી થાળીમાં રેડીને વાસણ ઢાંકીને 10 મિનિટ થવા દો. ત્યારબાદ ઢાંકણ ખોલીને થાળી બહાર કાઢીને, તે થાળીમાં, ઢોકળાની ઉપર ચમચી વડે લીલી ચટણી લગાડી દો. હવે તેની ઉપર કોર્નનું તૈયાર કરેલું મિશ્રણ ફેલાવીને પાથરી દો. હવે ઉપર ચીઝ સ્લાઈસના ટુકડા ગોઠવીને ઉપર બાકી રાખેલું ઢોકળાનું ખીરું ફેલાવીને પાથરી દો. ઉપરથી કાળા મરી પાઉડર, લાલ મરચાં પાઉડર ભભરાવીને વાસણ ઢાંકીને ફરીથી આ થાળીને ઢોકળાના વાસણમાં 10-15 મિનિટ માટે ગરમ થવા મૂકો.
ઢોકળા તૈયાર થાય એટલે થાળી ઉતારીને ચપ્પૂ વડે ચોસલા પાડીને સહેજ ઠંડા થાય એટલે ઢોકળા ખાવા માટે પીરસો. અથવા ટિફિન માટે ભરી દો.

જનગણના 2027: ગુજરાતમાં 1 જૂનથી ઘરયાદી અને મકાનોની ગણતરી શરૂ
ગાંધીનગર: ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળના જનગણના કાર્ય નિદેશાલયના ગુજરાત વિભાગ દ્વારા મંગળવારે સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જનગણના 2027 એ દેશની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે. આ વખતની જનગણના સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. અગાઉ દેશભરમાં છેલ્લે વર્ષ 2011માં જનગણના કરવામાં આવી હતી. આ ગણતરી દેશના દરેક નાગરિકના મજબૂત અને ઉજ્જવળ ભવિષ્ય માટેની છે.
સુજલ મયાત્રાએ વધુ વિગતો આપતા કહ્યું, ‘જનગણનાથી જન કલ્યાણ’ના મંત્ર સાથે યોજાનાર જનગણનાની કામગીરી મુખ્યત્વે બે તબક્કામાં વહેંચવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ‘ઘરયાદી અને મકાનોની ગણતરી’ (HLO) કરવામાં આવશે. જે ગુજરાતમાં 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે. આ તબક્કા દરમિયાન આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામતો છે કે નહીં તેવાં કુલ 34 પ્રશ્નો પૂછવામાં આવશે. બીજા તબક્કામાં ‘વસ્તીની ગણતરી’ (PE) કરવામાં આવશે. જે આગામી 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન કરવામાં આવશે. આ બીજા તબક્કા દરમિયાન જ જાતિ ગણતરીની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આ કાર્ય માટે રૂ. 11,718.24 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.
સુજલ મયાત્રાએ ઉમેર્યું કે, આ વખતે જનગણનામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એન્ડ્રોઇડ અને iOS એપ પર ગુજરાતી સહિત 16 ભાષાઓમાં તેમજ ઓફલાઇન ડેટા એકત્રિત કરવામાં આવશે. નાગરિકો માટે ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration)નો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે, જેમાં ઉત્તરદાતાઓ 17 મેથી 31 મે, 2026 દરમિયાન પોર્ટલ https://se.census.gov.in પર પોતાની વિગતો જાતે ભરી શકશે. સ્વ-ગણતરી બાદ પ્રાપ્ત થયેલ SE ID ગણતરીદારની મુલાકાત વખતે આપવાનો રહેશે. સ્વ-ગણતરી ડેટાની પુષ્ટિ કર્યા પછી, ગણતરીદાર તેને મૂળ ડેટાબેઝમાં સમાવશે. આ પ્રક્રિયાથી ડેટા સંગ્રહ ઝડપી બનશે અને ફિલ્ડ વર્કનું ભારણ ઘટશે.
સુજલ મયાત્રાએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગામડાઓમાં વસ્તી ગણતરી યોજાશે. આ વસ્તી ગણતરીમાં 1,10,598 હાઉસલિસ્ટિંગ બ્લોક્સ (HLBs); 1,09,038 ગણતરીદારો તેમજ 18,254 સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને ત્રણ તબક્કામાં તાલીમ આપવામાં આવી રહી છે.
ડેટા સુરક્ષા અંગે ખાતરી આપતા સુજલ મયાત્રાએ જણાવ્યું કે, જનગણના અધિનિયમ, 1948 અને જનગણના નિયમો, 1990ની જોગવાઈ હેઠળ એકત્રિત કરાયેલી તમામ વ્યક્તિગત માહિતી ગુપ્ત રાખવામાં આવશે. તેનો ઉપયોગ કાનૂની અથવા કરવેરાના હેતુઓ માટે કરી શકાશે નહીં. દરેક વ્યક્તિ સાચી અને સંપૂર્ણ માહિતી આપવા માટે કાયદેસર રીતે બંધાયેલ છે. માહિતી આપવાનો ઇનકાર કરવા બદલ દંડની જોગવાઈ પણ છે. જનતાને કોઈપણ મૂંઝવણ હોય અથવા તો માહિતી જોઈતી હોય તો તે માટે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ટોલ-ફ્રી નંબર 1855 પર કોલ કરી શકે છે. અથવા વેબસાઇટ www.censusindia.gov.in પર સંપર્ક પણ કરી શકે છે.
એપ્રિલમાં રિટેલ મોંઘવારી વધીને 3.48 ટકાએ પહોંચી
નવી દિલ્હીઃ દેશમાં રિટેલ મોંઘવારી એપ્રિલમાં માર્ચના 3.4 ટકાની સરખામણીએ વધીને 3.8 ટકા થઈ છે. આ સાથે મોંઘવારી દર હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ચાર ટકાના લક્ષ્યની વધુ નજીક પહોંચી ગયો છે, કારણ કે ખાદ્ય પદાર્થોના વધતા ભાવોની સીધી અસર હવે ઘરેલુ ખર્ચ પર દેખાવા લાગી છે.
ઉપભોક્તા ભાવ સૂચકાંક (CPI) મુજબ ગયા મહિને ખાદ્ય મોંઘવારી દર 4.2 ટકા રહ્યો હતો, જ્યારે માર્ચમાં તે 3.87 ટકા હતો. રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર કચેરી (NSO)ના આંકડા મુજબ એપ્રિલ માટે અખિલ ભારતીય ઉપભોક્તા ભાવ સૂચકાંક (CPI) આધારિત વાર્ષિક મોંઘવારી દર (બેઝ યર 2024 સાથે) 3.48 ટકા રહ્યો હતો. ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટે મોંઘવારી દર અનુક્રમે 3.74 ટકા અને 3.16 ટકા નોંધાયો હતો.
ગયા મહિને RBIએ 2026-27 માટે CPI મોંઘવારી દર 4.6 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો, જેમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં (Q1) તે ચાર ટકા રહેવાની સંભાવના દર્શાવવામાં આવી હતી. બેંકે એ પણ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને સંભવિત અલ નિનો પરિસ્થિતિઓ (જે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર નકારાત્મક અસર કરી શકે છે)ને કારણે ઊર્જાના ભાવ ઊંચા જ રહેવાની શક્યતા છે, જેને કારણે મોંઘવારી વધવાનું જોખમ યથાવત્ છે.
100 રૂપિયાની થાળી હવે 105 રૂપિયાની
એપ્રિલમાં કુલ ખાદ્ય મોંઘવારી 4.2 ટકા રહી હતી, એટલે કે 100 રૂપિયાની થાળી હવે આશરે 105 રૂપિયા (104.20 રૂપિયા)માં પડી રહી છે. જોકે આ સમયગાળા દરમિયાન બટાટાના ભાવમાં 23.69 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો, જ્યારે ડુંગળી 17.67 ટકા સસ્તી થઈ છે. ચણા અને વટાણાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ બીજી તરફ ટામેટાના ભાવમાં 35.28 ટકા સુધીનો જંગી વધારો નોંધાયો હોવાનું આંકડાઓમાં સામે આવ્યું છે.
વીજળી, ગેસ અને ઈંધણ ક્ષેત્રે રાહત
રહેઠાણ, પાણી, વીજળી, ગેસ અને અન્ય ઈંધણ શ્રેણીમાં એપ્રિલ દરમિયાન મોંઘવારી દર 1.71 ટકા પર નીચો રહ્યો હતો. પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવ વધી રહ્યા હોવા છતાં સરકારે આ વધારાનો બોજ સીધો ગ્રાહકો પર મૂક્યો નથી, જેને કારણે સામાન્ય લોકોને થોડી રાહત મળી છે.
વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે સેન્સેક્સ 1456 પોઇન્ટ તૂટ્યો
અમદાવાદઃ ઘરેલુ શેરબજારમાં સતત બીજા ટ્રેડિંગ સેશનમાં ભારે ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી50 અને સેન્સેક્સ બંને ઇન્ડેક્સ દબાણ હેઠળ રહ્યા હતા અને નરમ બંધ આવ્યા હતા. વૈશ્વિક ભૂ-રાજકીય તણાવ અને ક્રૂડ ઓઇલની કિંમતોમાં તેજીથી રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર પહોંચી છે. BSE સેન્સેક્સ 1456 પોઇન્ટ તૂટીને 74,559ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 પણ 444.50 પોઇન્ટ ઘટીને 23,370.20ના સ્તરે બંધ થયો હતો.
બે દિવસથી બજારમાં નબળાઈનો માહોલ
શેરબજારમાં સતત વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. રોકાણકારો જોખમ લેવા કરતાં બચતા જોવા મળ્યા, જેની સીધી અસર મુખ્ય ઇન્ડેક્સ પર જોવા મળી હતી.
પીએમના નિવેદન અને વૈશ્વિક તણાવથી ચિંતા વધી
બજાર પર દબાણ ત્યારે વધુ વધ્યું જ્યારે વડા પ્રધાન મોદીએ ઊર્જા વપરાશ ઘટાડવા, વિદેશ પ્રવાસ ઓછા કરવા અને સોનાની ખરીદીમાં સંયમ રાખવાની અપીલ કરી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે અર્થતંત્ર પર ગંભીર અસર થવાની આશંકા વધુ મજબૂત બની ગઈ.
વૈશ્વિક સ્તરે પણ તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ રહી છે, જેને કારણે રોકાણકારોમાં અનિશ્ચિતતા વધી છે.
અમેરિકા-ઈરાન તણાવથી રોકાણ માહોલ વધુ ખરાબ
રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન સાથેનો એક મહિના જૂનો યુદ્ધવિરામ ગંભીર જોખમમાં છે. તેમના જણાવ્યાનુસાર ઈરાન તરફથી આપવામાં આવેલ પ્રસ્તાવ સ્વીકાર્ય નથી. અહેવાલો મુજબ હાલની પરિસ્થિતિમાં યુદ્ધવિરામ ખૂબ જ નાજુક સ્થિતિમાં છે. આ નિવેદન બાદ વૈશ્વિક બજારોમાં જોખમથી દૂર રહેવાની વૃત્તિ વધુ વધી ગઈ, જેની સીધી અસર ભારતીય બજાર પર પણ જોવા મળી હતી.
ક્રૂડની કિંમતોમાં ઉછાળો
બ્રેન્ટ ક્રૂડના મે કરારમાં 2.53 ટકાનો ઉછાળો નોંધાયો અને તે વધીને પ્રતિ બેરલ 106.85 ડોલર સુધી પહોંચી ગયું. આ તેજી ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ પર જોવા મળી હતી. વિશ્લેષકોનું કહેવું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સપ્લાયમાં અવરોધની આશંકા યથાવત્ છે, જેને કારણે કાચા તેલની કિંમતો વધુ વધી શકે છે. પરિણામે મોંઘવારી અને આયાત ખર્ચ પર દબાણ વધવાની શક્યતા છે.
માર્કેટ કેપમાં 12 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો
દિવસ પૂર્ણ થતાં સુધી રોકાણકારોની સંપત્તિમાં ભારે ઘટાડો નોંધાયો હતો. BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ આશરે 12 લાખ કરોડ રૂપિયા ઘટી ગયું હતું. એટલે કે માત્ર એક જ દિવસે રોકાણકારોની એટલી મોટી સંપત્તિ સાફ થઈ ગઈ છે. BSE પર કુલ 4410 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 869 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 3412 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 129 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 93 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 45 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 12 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 11 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.
નબળા ચોમાસા, મોંઘા ક્રૂડથી મોંઘવારી વધવાની શક્યતા
નવી દિલ્હીઃ દેશના અર્થતંત્રને લઈને અનિશ્ચિતતા વધી રહી છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ, મોંઘા ક્રૂડ ઓઇલ અને નબળા ચોમાસાની આશંકાને કારણે આવનારા મહિનાઓમાં મોંઘવારી વધવાની શક્યતા છે અને આર્થિક વૃદ્ધિ પર દબાણ વધી શકે છે, એમ અહેવાલ કહે છે. દિલ્હીમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને ભૂતપૂર્વ નીતિનિર્માતાઓ સાથે થયેલી ચર્ચામાં એ સંકેત મળ્યો છે કે હાલ અર્થતંત્ર સામેનાં જોખમો વધી ગયાં છે. અધિકારીઓનું માનવું છે કે જો પશ્ચિમ એશિયામાં ઊર્જા સપ્લાય સંબંધિત સમસ્યાઓ લાંબા સમય સુધી યથાવત્ રહે અને ચોમાસું સામાન્ય કરતાં નબળું રહે તો તેની સીધી અસર મોંઘવારી અને આર્થિક વૃદ્ધિ બંને પર પડી શકે છે.
અર્થતંત્રની ગતિમાં મંદીનાં સંકેતો
દેશમાં આર્થિક પ્રવૃત્તિઓમાં થોડો મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ PMI, IIP, કોર સેક્ટર ડેટા, બિઝનેસ કોન્ફિડન્સ અને કન્ઝ્યુમર કોન્ફિડન્સ જેવા મોટા સૂચકોમાં નરમાઈ જોવા મળી રહી છે. આ ઉપરાંત અલ-નિનોને કારણે સામાન્ય કરતાં નબળા ચોમાસાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જો વરસાદ ઓછો રહે તો તેની અસર ખેતી, ગ્રામીણ માગ અને ખાદ્ય મોંઘવારી પર પડી શકે છે.
ઓઇલની સપ્લાયમાં મુશ્કેલી નથી, પરંતુ ભાવ ઊંચા રહી શકે
સરકારી અધિકારીઓનું કહેવું છે કે હાલમાં ઓઇલ અને ઊર્જાની સપ્લાય અંગે કોઈ મોટી સમસ્યા નથી. જોકે પશ્ચિમ એશિયામાં ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુકસાન અને ઉત્પાદન ઘટાડાને કારણે સપ્ટેમ્બર સુધી કિંમતો ઊંચી રહી શકે છે. રિપોર્ટમાં અમેરિકાની ઊર્જા એજન્સી EIAનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેના મુજબ 2026માં બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ 96 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. જોકે 2027માં કિંમતો ઘટીને આશરે 76 ડોલર પ્રતિ બેરલ સુધી આવી શકે છે.
શું પેટ્રોલ-ડીઝલ મોંઘાં થઈ શકે?
સરકારી અધિકારીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો અંગે કોઈ સ્પષ્ટ સંકેત આપ્યો નથી. જોકે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો કાચા તેલની કિંમતો લાંબા સમય સુધી ઊંચી રહે તો સરકાર આખો ભાર પોતે સહન કરી શકશે નહીં. આવી સ્થિતિમાં કેટલાક ખર્ચનો ભાર કંપનીઓ અને ગ્રાહકો પર પણ મૂકવામાં આવી શકે છે. રિપોર્ટ મુજબ પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં 10 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો સરકારને વાર્ષિક અંદાજે એક લાખ કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડી શકે છે. સરકારે પહેલેથી જ લગભગ એક લાખ કરોડ રૂપિયાનું ફંડ તૈયાર રાખ્યું છે, જેથી જરૂર પડે ત્યારે આર્થિક ઝટકાઓનો સામનો કરી શકાય.
ઉદયનિધિ સ્ટાલિને સનાતન વિરુદ્ધ ફરી ઓક્યું ઝેર
ચેન્નઈઃ તામિલનાડુ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને DMKના ધારાસભ્ય ઉદયનિધિ સ્ટાલિને ફરી એક વાર ‘સનાતન ધર્મ’ વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. ભૂતપૂર્વ ઉપ મુખ્યમંત્રી સ્ટાલિને સનાતન ધર્મને ખતમ કરવાની માગ કરી છે. તામિલનાડુ વિધાનસભાને સંબોધતાં ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ સ્ટાલિને કહ્યું હતું કે સનાતન, જેણે લોકોને વહેંચ્યા છે, તેને ખતમ કરી દેવો જોઈએ. આ નિવેદન પર ભાજપ તરફથી તરત જ તીખી પ્રતિક્રિયા આવી છે. ભાજપ પ્રવક્તા CR કેશવને તેને “ઝેરી બકવાસ” ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે ઉદયનિધિ સ્ટાલિન તામિલનાડુના રાહુલ ગાંધી છે, જે વહેંચણી અને ઘૃણાનું રાજકારણ ફેલાવી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ પવિત્ર સેંગોલની મજાક ઉડાડી હતી. તેમણે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું અપમાન કર્યું હતું અને તેનો બહિષ્કાર કર્યો. રાહુલ ગાંધીની જેમ ઉદયનિધિ સ્ટાલિન પણ તામિલનાડુની જનતા દ્વારા નકારી કાઢવામાં આવ્યા હોવા છતાં પોતાની ઝેરી ભાષા ચાલુ રાખી રહ્યા છે. વહેંચણીવાદી DMK પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકાય? DMKએ કાર્તિકી દીપમ ઊજવવાનો વિરોધ કર્યો હતો. MK સ્ટાલિને ક્યારેય તામિલનાડુની જનતાને દિવાળીની શુભેચ્છા આપી નથી.
કેશવને વધુમાં કહ્યું કે DMKના એક સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીએ તો અત્યંત આક્ષેપજનક નિવેદન આપતાં કહ્યું હતું કે હિંદુ ધર્મ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ખતરો છે. તેમણે કહ્યું કે વારંવાર આવી ભૂલો કરનારા લોકોએ આ વાત યાદ રાખવી જોઈએ કે તામિલનાડુના રાજ્યચિહ્નમાં મંદિરનું ગોપુરમ દર્શાવવામાં આવ્યું છે. તામિલનાડુની જનતા પોતાના ધર્મ અને લાગણીઓના આવા ખુલ્લા અપમાનને ક્યારેય ભૂલશે નહીં અને ન માફ કરશે.

પહેલાં પણ આપી ચૂક્યા છે હિંદુવિરોધી નિવેદનો
ઉદયનિધિ અગાઉ પણ હિંદુ વિરોધી નિવેદનો આપી ચૂક્યા છે. આ પહેલાં ચેન્નઈમાં યોજાયેલા ‘સનાતન ઉન્મૂલન સંમેલન’ દરમિયાન તેમણે વિવાદાસ્પદ નિવેદન આપતાં સનાતન ધર્મની તુલના ડેંગ્યુ, મેલેરિયા અને કોરોના” જેવી બીમારીઓ સાથે કરી હતી. DMK નેતાએ કહ્યું હતું કે આવી વસ્તુઓનો માત્ર વિરોધ જ નહીં, પરંતુ તેમને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવી જોઈએ.
પેપર લીકના આરોપો બાદ રદ થઈ NEET UG પરીક્ષા
નવી દિલ્હી: દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET પરીક્ષા 2026 રo કરવામાં આવી છે. પેપર લીક બાદ NTAએ આ નિર્ણય લીધો છે. નોંધનીય છે કે આ પરીક્ષા ત્રીજી મેએ રોજ યોજવામાં આવી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ ‘ગેસ પેપર’ લીક થવાના આરોપો બાદ NEET UG 2026 પરીક્ષા રદ કરી દીધી છે. આ નિર્ણયથી દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા અને હલચલ મચી ગઈ છે. સરકારે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપી છે. એ સાથે જ NTAએ સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષા ફરીથી લેવામાં આવશે અને નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
કેમ રદ થઈ NEET UG 2026 પરીક્ષા?
NTAના જણાવ્યાનુસાર કાયદા અમલ એજન્સીઓ પાસેથી મળેલી માહિતીમાં પરીક્ષા પ્રક્રિયા પ્રભાવિત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે પરીક્ષા પહેલાં કથિત રીતે ‘ગેસ પેપર’ ફેલાવવામાં આવ્યું હતું, જેને કારણે પરીક્ષાની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઊભા થયા હતા. એજન્સીએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે ઉપલબ્ધ પુરાવા અને અહેવાલોની સમીક્ષા બાદ પરીક્ષા ચાલુ રાખવી યોગ્ય માનવામાં આવી નહોતી. NTAએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓના હિત અને પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા જાળવવા માટે આ નિર્ણય જરૂરી હતો.
‘ગેસ પેપર’ લીક મામલાની તપાસ CBI કરશે
કેન્દ્ર સરકારે સમગ્ર મામલાની તપાસ CBIને સોંપી છે. તપાસ એજન્સી જાણી શકશે કે કથિત ‘ગેસ પેપર’ પરીક્ષા પહેલાં કેવી રીતે ફેલાયું અને શું તેના પાછળ કોઈ સંગઠિત ગેંગ સક્રિય હતી કે નહીં. NTAએ જણાવ્યું છે કે તે તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપશે અને તમામ રેકોર્ડ, ડેટા તેમ જ ટેક્નિકલ માહિતી ઉપલબ્ધ કરાવશે.
રિ-એક્ઝામ અંગે NTAએ શું કહ્યું?
NTAએ પુષ્ટિ કરી છે કે NEET UG 2026 પરીક્ષા ફરીથી યોજાશે. નવી પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. એજન્સીએ સ્વીકાર્યું કે પરીક્ષા રદ થવાથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને અસુવિધા થશે, પરંતુ શંકાસ્પદ અને સમાધાનગ્રસ્ત પરીક્ષાને ચાલુ રાખવાથી શિક્ષણ વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ વધુ નુકસાન પામી શકે છે.
તામિલનાડુમાં સરકારના ફ્લોર ટેસ્ટ પહેલાં AIADMKમાં બળવો
ચેન્નઈઃ તામિલનાડુના રાજકારણમાં એક વખત ફરી નવો અને રસપ્રદ વળાંક સામે આવ્યો છે. ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડા મુનેત્ર કળગમ (AIADMK)ના ધારાસભ્યો વેલુમણી અને સીવી ષણમુગમના નેતૃત્વવાળા જૂથે સત્તારૂઢ તમિલગા વેટ્રી કઝગમ (TVK)ને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણય બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે અને AIADMKની અંદરના મતભેદો ખુલ્લેઆમ સામે આવવા લાગ્યા છે. વરિષ્ઠ નેતા ષણમુગમે જણાવ્યું હતું કે AIADMKના એક જૂથેના ધારાસભ્યો તામિલનાડુ સરકારને સમર્થન આપવા માટે મુખ્ય મંત્રી વિજય સાથે મુલાકાત કરશે. સૌથી મહત્વની બાબત એ છે કે AIADMKમાં થયેલો આ બળવો વિધાનસભામાં વિજયની TVK સરકારના ફ્લોર ટેસ્ટના એક દિવસ પહેલાં થયો છે.
ધારાસભ્ય વેલુમણીએ પક્ષના નેતૃત્વ પર સવાલ ઉઠાવતા AIADMKની મહાપરષિદની બેઠક તાત્કાલિક બોલાવવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે પક્ષના ભવિષ્ય અને હાલની રાજકીય પરિસ્થિતિઓ પર ખુલ્લી ચર્ચા થવી જરૂરી છે. નોંધનીય છે કે બળવાખોર ગઠને દલબદલ કાયદાની ઝપટમાં આવ્યા વગર સમર્થન આપવા માટે 32 ધારાસભ્યોની જરૂર છે.
AIADMK rift intensifies as CV Shanmugam backs TVK govt, targets Palaniswami
· The internal crisis within the AIADMK intensified on Tuesday after senior party leader and former Minister C.V. Shanmugam openly accused party General Secretary Edappadi K. Palaniswami (EPS) of… pic.twitter.com/swP02TewUO
— IANS (@ians_india) May 12, 2026
TVKને સમર્થન આપવાનો નિર્ણય
ષણમુગમે કહ્યું હતું કે અમે ચૂંટણીમાં જીત મેળવી આવેલી TVKને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. અમે આ પાર્ટીની સ્થાપના DMKના વિરોધમાં કરી હતી. છેલ્લાં 53 વર્ષથી અમારા રાજકારણ DMKના વિરોધ પર આધારિત રહી છે. આવી સ્થિતિમાં AIADMK સરકારને DMKના સમર્થનથી બનાવવાનો એક પ્રસ્તાવ આવ્યો હતો, પરંતુ અમારા મોટા ભાગના સભ્યોએ તેને નકારી કાઢ્યો અને તેનો વિરોધ કર્યો હતો.
આ દરમિયાન AIADMK વિધાનમંડળ પક્ષના મોટા ભાગના ધારાસભ્યોએ એસપી વેલુમણીને પોતાનો ફ્લોર લીડર પસંદ કર્યો છે, જેને કારણે પક્ષની અંદર નવા રાજકીય સમીકરણોની ચર્ચા તેજ બની છે. વેલુમણી-શણમુગમ ગઠનું આ પગલું તામિલનાડુના રાજકારણમાં નવાં સમીકરણો ઊભાં કરી શકે છે. બીજી તરફ TVKને મળેલું આ સમર્થન સત્તારૂઢ પક્ષની સ્થિતિને વધુ મજબૂત બનાવી શકે છે. હજુ સુધી AIADMKના નેતૃત્વ તરફથી આ સમગ્ર ઘટનાક્રમ પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. હવે સૌની નજર AIADMKની સંભવિત મહાપરિષદની બેઠક અને પક્ષના આગલા પગલાં પર છે.




