Home Blog Page 61

ભારતના GDP ગ્રોથમાં ગુજરાત મોખરે..

1960માં ગુજરાતની સ્થાપના થઇ ત્યારબાદ દેશના જીડીપીમાં સૌથી વધુ યોગદાન કર્ણાટક બાદ ગુજરાતનું વધ્યું છે. પ્રધાનમંત્રીની ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ દ્વારા પ્રકાશિત પેપર- રિલેટીવ ઇકોનોમિક પર્ફોરમન્સ ઑફ ઇન્ડિયન સ્ટેટ 1960-61 ટુ 2023-24માં જણાવાયું છે કે, 1960-61માં ગુજરાતનું દેશના જીડીપીમાં યોગદાન 5.8% હતું, જે 2022-23માં 2.3% વધીને 8.1% થયું છે. જ્યારે કર્ણાટકનું યોગદાન 5.4%થી વધીને 8.2%એ પહોંચ્યું છે.

ઉત્તરના રાજ્યોમાં દિલ્હી-હરિયાણાનું પ્રદર્શન નોંધપાત્ર છે. પરંતુ પંજાબનું યોગદાન ઘટ્યું છે. દેશના જીડીપીમાં સૌથી વધુ 13.3% યોગદાન સાથે મહારાષ્ટ્ર મોખરે છે. 1960માં સૌથી વધુ 14.4% ફાળો ઉત્તર પ્રદેશનો હતો. હાલમાં જીડીપી યોગદાનમાં તમિલનાડુ(8.9%), ઉત્તર પ્રદેશ(8.4%) અને કર્ણાટક (8.2%) ટોપ-5માં સામેલ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની સ્થાપના બાદ રાજ્યનું જીડીપીમાં યોગદાન એકસરખું રહેતું હતું. પરંતુ 2001 બાદ વધ્યું છે. પરંતુ છેલ્લાં બે દાયકામાં ગુજરાતનું જીડીપીમાં યોગદાન નોંધપાત્ર વધ્યું છે. દક્ષિણનાં રાજ્યોનો જીડીપીમાં 30% ફાળો 1991ના ઉદારીકરણ પહેલા દક્ષિણના રાજ્યોનું પ્રદર્શન વિશેષ નહોતું. બાદમાં દક્ષિણના રાજ્યોનું યોગદાન સૌથી વધુ વધ્યું છે. 2023-24માં કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કેરળ અને તમિલનાડુ મળીને દેશના જીડીપીમાં 30% યોગદાન આપે છે. તમામ દક્ષિણના રાજ્યોની માથાદીઠ આવક રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ છે.

વિધાનસભાના સ્લેબની ટાઇલ્સ ઉખડી..

ગાંધીનગર વિધાનસભા ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વિધાનસભાના પાછળના ભાગે ટાઈલ્સ ઉખડી લટકતી હાલતમાં કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે લટકતી ટાઈલ્સથી વિધાનસભાના બાંધકામને લઈ પ્રશ્નો ઊભા થયા છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ બે વર્ષ પહેલા વિધાનસભાના સ્લેબમાંથી ટાઇલ્સ પડવાથી મોટી જાનહાની ટળી હતી.

તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાના નવિનીકરણ કામનું શુભારંભ કરાવ્યું હતું. અંદાજે રૂ. 120 કરોડથી વધુના ખર્ચે વિધાનસભાનો કાયાપલટ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગૃહની બેઠક વ્યવસ્થા 182થી વધારીને 220 કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભા- વિઠ્ઠલભાઈ પટેલ ભવનના રૂ. 121 કરોડના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન નવિનીકરણનું ભૂમિપૂજન તત્કાલીન નાયબ મુખ્યંત્રી નિતીનભાઈ પટેલ અને તત્કાલીન મંત્રીઓ, તત્કાલીન ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. વિધાનસભા ખાતેના અધ્યક્ષના કાર્યાલય, મુખ્યમંત્રી કાર્યાલય સહિત કેબીનેટ-રાજ્યકક્ષા મંત્રીઓના કાર્યાલયો, કેબીનેટ ખંડ, શાખાઓ, દંડકની ઓફિસ, શાસક પક્ષ હોલ, વિરોધપક્ષ હોલ તેમજ જુદી જુદી સમિતિઓ માટેના હોલનું ઇન્ટીરરીયર વર્ક-ફર્નીચરની કામગીરી આ પરિયોજના હેઠળ કરવામાં આવ્યું છે. પર્યાવરણ અને વિજળીની બચત થાય તે હેતુથી વિધાનસભાને એલ.ઇ.ડી. લાઇટીંગ અને સોલર સીસ્ટમમથી સજ્જ કરાવવામાં આવી છે. સલામતીના હેતુથી આધુનિક ફાયર સીસ્ટમ લગાવવાની સાથે સંકુલમાં લાયબ્રેરી, પર્યટક લોબી, ઉપહાર ગૃહ, સોવેનીયર શોપ અને ગ્રાઉન્ડ ફલોર પાર્કીંગની સુવિધાઓ જેવી બાબતો સુનિશ્ચિત કરવામાં આવી છે.

અમદાવાદની પાવી માલૂનું રાષ્ટ્રીય કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં સિલેક્શન

અમદાવાદ: 12 વર્ષીય વિદ્યાર્થિની પાવી માલૂએ CISCE નોર્થ વેસ્ટર્ન રિજનલ એથ્લેટિક્સ મીટમાં 600 મીટર રનિંગ સ્પર્ધામાં બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તે આનંદ નિકેતન સ્કૂલ, શીલજમાં અભ્યાસ કરે છે. આ નોંધપાત્ર સિદ્ધિમાં સુરતની એક સ્પર્ધકે પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે અમદાવાદની એક માત્ર સ્પર્ધક પાવી માલૂએ બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.CISCE નોર્થ વેસ્ટ રિજનલ એથ્લેટિક મીટનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગ્રાઉન્ડ, નિકોલ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. CISCE રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા છે, જેમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને પાવીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાની તક મળી. પાવી આગામી 20 થી 23મી સપ્ટેમ્બર દરમિયાન હૈદ્રાબાદમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની પ્રતિયોગિતામાં ભાગ લેશે.પાવીના માતા નેહા માલૂનું કહેવું છે કે, “તેણી એથ્લેટિક્સ અને બેડમિન્ટન બંન્નેની ટ્રેનિંગ લે છે. સાત વર્ષની ઉંમરથી તેણે બંન્નેની ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું હતું. 9 વર્ષની ઉંમર સુધી પાવીએ એથ્લેટિક્સની ટ્રેનિંગ લીધી હતી. અત્યારે તેણી માત્ર બેડમિન્ટનની ટ્રેનિંગ લઈ રહી છે. એથ્લેટિક્સ માટેની મહેનત તેણી જાતે જ કર છે. આ માટે શાળા તરફથી પણ પાવીને ખુબ જ સપોર્ટ મળી રહ્યો છે.”શૈક્ષણિક અને એથ્લેટિક્સ બંનેમાં પાવીનું સમર્પણ, યુવા રમતવીરોને પ્રેરણા આપે તેવું છે. આ સિદ્ધિ તેણીની રમતગમતની સફરમાં સિમાચિન્હરૂપ છે.

અશ્વિને ફટકારી સદીઃ ટીમ ઇન્ડિયા 339એ છ વિકેટ

ચેન્નઈઃ ભારત અને બંગલાદેશની વચ્ચે ચેન્નઈમાં પ્રથમ ટેસ્ટ શરૂ થઈ છે. બંગલાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી અને ટીમ ઇન્ડિયાને બેટિંગ કરવા બોલાવી હતી. જોકે ટીમ ઇન્ડિયાનો નબળો પ્રારંભ થયો હતો. રોહિત શર્મા માત્ર છ રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ શુભમન ગિલ પણ ઝીરો રને પેવેલિયન ભેગો થયો હતો. ભારતે પહેલા દિવસની રમતને અંતે છ વિકેટ ગુમાવીને 339 રન બનાવ્યા હતા.

એ પછી વિરાટ કોહલી પણ માત્ર છ રન બનાવીને સસ્તામાં આઉટ થયો હતો. જોકે જયસ્વાલે અને રિશભ પંતે ભારતીય ઇનિંગ્સને સંભાળી હતી. યશસ્વીએ 56 રન બનાવ્યા હતા, જ્યારે પંતે 39 રન બનાવ્યા હતા. બંને જણે ચોથી વિકેટની ભાગીદારીમાં 62 રન જોડ્યા હતા. જોકે પંત 39 રન બનાવીને અને જયસ્વાલ 56 રન બનાવીને આઉટ થયા હતા. ત્યાર બાદ KL રાહુલ 16 રન બનાવી શક્યો હતો.

ત્યાર પછી રવિચંદ્રન અશ્વિન અને જાડેજાએ બાજી સંભાળી હતી. રમતના અંતે આર. અશ્વિને 102 રન સાથે હજી દાવમાં છે, જ્યારે જાડેજા 86 રન સાથે દાવમાં છે.  બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ કહ્યું હતું કે પિચ પર ભેજ છે અને તેઓ આ પરિસ્થિતિઓનો લાભ લેવા ઇચ્છે છે. જેથી તેણે પહેલાં બોલિંગ લીધી હતી. તેણે કહ્યું હતું કે છેલ્લી મેચની જેમ આ વખતે પણ અમે ત્રણ ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરીશું અને બે ઓલરાઉન્ડર.  

ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું  કે અમે એક અમે એક અઠવાડિયા પહેલા અહીં આવ્યા હતા અને સારી તૈયારી કરી હતી, અમે ત્રણ ઝડપી બોલરો – આકાશ, બુમરાહ અને સિરાજ અને બે સ્પિનરો – અશ્વિન અને જાડેજા સાથે જવાનું નક્કી કર્યું હતું.

ભારતની પ્લેઈંગ 11

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.

બાંગ્લાદેશની પ્લેઈંગ 11

શાદમાન ઈસ્લામ, ઝાકિર હસન, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ (વિકેટકીપર), મેહદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, હસન મહમૂદ, નાહીદ રાણા.

જાતીય સતામણી કેસમાં ‘આજ કી રાત’ ગીતના કોરિયોગ્રાફર જાની માસ્ટરની ધરપકડ

મુંબઈ: પ્રખ્યાત કોરિયોગ્રાફર શેખ જાની બાશા ઉર્ફે જાની માસ્ટરની મુસીબતો ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ‘સ્ત્રી 2’, ‘જેલર’, ‘પુષ્પા 1’ અને ‘વારિસૂ’ જેવી ફિલ્મો માટે કોરિયોગ્રાફી કરનાર જાની માસ્ટરની જાતીય સતામણીના કેસમાં બેંગલુરુમાંથી ધરપકડ કરવામાં આવી છે. 21 વર્ષની એક યુવતીએ કોરિયોગ્રાફર પર આરોપ લગાવ્યો હતો કે જાનીએ તેની સાથે અનેક પ્રોજેક્ટ્સમાં કામ કર્યું હતું અને તે છેલ્લા કેટલાક મહિનાઓથી તેનું યૌન શોષણ કરી રહ્યો હતો. યુવતીના આરોપો પર કાર્યવાહી કરતા હૈદરાબાદની સાયબરાબાદ રાયદુરગામ પોલીસે કોરિયોગ્રાફર વિરુદ્ધ ઝીરો એફઆઈઆર દાખલ કરી હતી.

કોરિયોગ્રાફર જાની માસ્ટરની ધરપકડ

‘સ્ત્રી 2’ના ‘આજ કી રાત’ ગીતના કોરિયોગ્રાફર જાની માસ્ટર વિરુદ્ધ પોલીસે તેની સામે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટની કલમોના આધારે કેસ નોંધ્યો હતો, ત્યારબાદ બેંગલુરુથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ POCSO એક્ટ હેઠળ બિનજામીનપાત્ર ((જો કોઈ વ્યક્તિ પર સગીર બાળકના યૌન શોષણ જેવા ગુના માટે કેસ નોંધવામાં આવે છે, તો તેને કોઈપણ પ્રકારના જામીન આપવામાં આવતા નથી.) સજા આપવામાં આવશે. 16 સપ્ટેમ્બરના રોજ 21 વર્ષની છોકરીની ફરિયાદને પગલે પોલીસે તેની સામે કેસ નોંધ્યો હતો. જાની માસ્ટર સામે જાતીય શોષણનો કેસ નોંધાયો હતો.

કોરિયોગ્રાફર જાની જાતીય સતામણીના કેસમાં ફસાયા

જાની માસ્ટર વિરુદ્ધ આઈપીસી કલમ 376 (બળાત્કાર), 506 (ગુનાહિત ધમકી) અને 323 (દુઃખ પહોંચાડવી) હેઠળ રાયદુરગામ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. જાની પર 6 વર્ષ સુધી આઉટડોર શૂટિંગ દરમિયાન અને અલગ-અલગ શહેરોમાં પોતાના ઘરે ઘણી વખત મહિલાનું યૌન શોષણ કરવાનો આરોપ હતો. એટલું જ નહીં આ મામલો સૌપ્રથમ તેલંગાણાની મહિલા સુરક્ષા વિંગ (WSW)ના મહાનિર્દેશક શિખા ગોયલ સાથે ઉઠાવવામાં આવ્યો હતો, જેમણે પીડિતાને પોલીસમાં કેસ નોંધાવવાની સલાહ આપી હતી.

પ્રખ્યાત કોરિયોગ્રાફર જાની માસ્ટર

તમને જણાવી દઈએ કે જાની માસ્ટર તેલુગુ ફિલ્મોના પ્રખ્યાત કોરિયોગ્રાફર છે. તેણે કન્નડ સિનેમામાં ઘણા શાનદાર ગીતોની કોરિયોગ્રાફી પણ કરી છે. જાની માસ્ટરે અલ્લુ અર્જુન, થલપથી વિજય અને સલમાન ખાન જેવા સ્ટાર્સના ગીતોની કોરિયોગ્રાફી કરી છે. બોલિવૂડમાં તેણે ફિલ્મ ‘જય હો’નું ફોટોકોપી ગીત, ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’નું ટાઈટલ ટ્રેક’, ‘સ્ત્રી 2’નું ‘આજ કી રાત’ અને’આય નયી’ ગીતને કોરિયોગ્રાફ કર્યા છે.

ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી મુદ્દે ભાજપ, કોંગ્રેસ અને આપના MLA એક થયા

રાજ્યમાં બેરોજગારીની ત્રાસીને યુવાનોને આખરે આંદોલનનો માર્ગ અપનાવવો પડે છે. પરંતુ હવે તો રાજકીય નેતાઓએ પણ ભરતીની માગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને એ પણ ફક્ત વિપક્ષના જ નેતાઓ નહીં ભાજપના નેતાઓ પણ તેમા શામેલ છે. ભાજપ, કોંગ્રેસ અને આપના મળીને કુલ 38 જેટલા ધારાસભ્યો અને સાંસદોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાને પત્ર લખ્યા છે. જેમાં ખાસ ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતીની જગ્યામાં વધારો કરવા અને કોમ્પ્યુટર આધારિત ભરતી પરીક્ષા (CBRT)નાબૂદ કરવા સત્તા પક્ષ અને વિપક્ષ એક થયા છે.

થોડા સમય પહેલા ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષામાં મેરીટના મુદ્દે એક અઠવાડિયા સુધી ગાંધીનગરમાં આંદોલન ચાલ્યું હતું. જેમાં સરકાર સાથે ફોરેસ્ટ બીટ ગાર્ડની પરિક્ષાના ઉમેદવારો દ્વારા રૂબરૂ રાજ્ય સરકાર સાથે મંત્રણા કરીને આંદોલનને સ્થગિત કરવામાં આવ્યું હતું.  પરંતુ આ આંદોલનને આગળ વધારતા અને ન્યાયની માંગ સાથે ઉમેદવારોએ રાજ્યના ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળવાનું અભિયાન ચલાવ્યું. જેથી આ તમામ ધારાસભ્યો અને સાંસદોએ ઉમેદવારોના પક્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાને લેખિતમાં રજૂઆત કરી છે. ભાજપના સાંસદ સભ્ય જશુભાઇ રાઠવા અને શોભનાબેન બારૈયા, ધારાસભ્ય પ્રદ્યુમાનસિંહ જાડેજા, કંચનબેન રાદડિયા, કરશન સોલંકી, કલ્પેશ પરમાર, મુકેશ પટેલ, સેજલ પંડયા, જે.વી કાકડિયા સહિતના નેતાઓએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જ્યારે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય ડો તુષાર ચૌધરી, જીગ્નેશ મેવાણી, અનંત પટેલ, અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ લેખિતમાં રજૂઆત કરી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા, ચૈતર વસાવાઆ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

રજૂઆતમાં એક વાતનો ઉલ્લેખ ખાસ કારાયો છે કે, રાજ્યના ઘણાં વિદ્યાર્થીઓએ સરકાર દ્વારા છેલ્લે લેવાયેલી ફોરેસ્ટ બીટ ગાર્ડની પરિક્ષા આપી હતી. જે પરિક્ષા CRBT પદ્ધતિથી લેવામાં આવેલ હતી જેમાં ફોરેસ્ટના ઉમેદવારો સાથે અન્યાય થયો છે. ઉમેદવારોની રજૂઆત છે કે CRBT પદ્ધતિથી લેવાયેલી પરીક્ષામાં નોર્મલાઈઝેશન સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. જેના કારણે જે ઉમેદવારોના માર્કસ ઓછા હતાં તેમના વધી ગયા અને જેમના માર્કસ વધારે હતાં તેમના ઘટી ગયા. જેના લીધે ઘણાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો હોવાનો દાવો કરાયો છે. જેથી આ ભરતીની જગ્યામાં વધારો કરવામાં આવે.

સલમાન ખાનની સુરક્ષામાં ફરી એકવાર ભંગ થયો

બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની સુરક્ષામાં ફરી એકવાર ભંગ થયો છે. એક યુવક તેની બાઇક પર થોડા અંતર સુધી સલમાન ખાનની કારની પાછળ ગયો હતો. જે બાદ સુરક્ષાકર્મીઓએ તેને ગેલેક્સીની બહાર પકડીને પોલીસને હવાલે કર્યો હતો. આ ઘટના 18 સપ્ટેમ્બરની મધરાતે 12 વાગ્યે બની હોવાનું જાણવા મળી રહ્યું છે.

યુવક સલમાન ખાનના કાફલા સાથે ચાલી રહ્યો હતો

ગઈ કાલે રાત્રે લગભગ 12 વાગ્યાથી 12.25 વાગ્યાની આસપાસ, જ્યારે સલમાન ખાનનો કાફલો મહેબૂબ સ્ટુડિયો પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે એક મોટરસાઇકલ પર ઝડપથી હંકારી રહેલી વ્યક્તિ તેની કારની એકદમ નજીક પહોંચી ગઈ હતી. સલમાન ખાનની સુરક્ષા માટે તૈનાત પોલીસકર્મીઓએ વારંવાર હોર્ન વગાડ્યા અને તેને દૂર ખસી જવા કહ્યું, તેમ છતાં તેણે સલમાન ખાનની કારની સાથે તેની મોટરસાઇકલ ચલાવવાનું ચાલુ રાખ્યું. યુવકની પૂછપરછ કરવામાં આવી તો તેણે જણાવ્યું કે તે મુંબઈના બાંદ્રાનો રહેવાસી છે. તેનું નામ મોહિઉદ્દીન છે. તે કોલેજનો વિદ્યાર્થી છે.

પોલીસે કેસ નોંધ્યો હતો

તેની સામે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 125 (અન્યની સુરક્ષાને જોખમમાં મૂકે છે અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ) અને કલમ 281 (દોડાઈ અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

શ્રાધ્ધ: શ્રીમદ્ ભાગવત મૂલ પારાયણ મહોત્સવ

અમદાવાદ: ભાદરવા વદ એકમથી શ્રાધ્ધ પક્ષની શરૂઆત થઈ ગઈ છે. શ્રાધ્ધના સમયગાળામાં દરેક પ્રાંત અને સમાજ પોતાની પરંપરા પ્રમાણે પિતૃઓને યાદ કરી તર્પણ કરે છે. શહેરના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે સમસ્ત પિતૃઓનાં મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત મૂલ પારાયણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.ભાગવત વિદ્યાપીઠમાં વેદ-શાસ્ત્રોનું અધ્યયન કરતાં ઋષિકુમારો દ્વારા શ્રીમદ્ ભાગવતજીના 18,000 શ્લોકોનું મૂલ પારાયણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર શ્રાધ્ધ પક્ષ દરમિયાન યજમાન પોતાના પિતૃઓના ફોટા સાથે આ પારાયણમાં પધરામણી કરી પૂજા અર્ચના કરી રહ્યા છે.સમસ્ત પિતૃઓના મોક્ષ માટેનો આ શ્રીમદ્ ભાગવત મૂલ પારાયણ મહોત્સવ તારીખ 18 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી સવારે 8 થી 10 દરમિયાન ચાલશે.ઋષિકુમારોની શાસ્ત્રોક્ત, વેદોક્ત, મંત્રોની આગવીશૈલીની પૂજાથી પિતૃ તર્પણનો આ મહોત્સવ ભક્તિમય બની જાય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

કંગનાની ફિલ્મ ‘ઈમરજન્સી’ પર બોમ્બે હાઈકોર્ટનો આદેશ

મુંબઈ: ગુરુવારે પણ કંગના રનૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ની રિલીઝ પર કોર્ટમાં કોઈ નિર્ણય લઈ શકાયો નથી. બોમ્બે હાઈકોર્ટે સેન્સર બોર્ડને 25 સપ્ટેમ્બર પહેલા ફિલ્મની રિલીઝ અંગે નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે, સુનાવણી દરમિયાન એક રસપ્રદ ઘટના પણ બની. વિવાદાસ્પદ ફિલ્મ ‘ઇમરજન્સી’ના સહ-નિર્માતાઓએ ગુરુવારે હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે બીજેપી સાંસદ કંગના રનૌતની ફિલ્મને તેમની પોતાની ભારતીય જનતા પાર્ટીના કહેવા પર રિલીઝ થતી અટકાવવામાં આવી રહી છે.

જસ્ટિસ બર્ગેસ કોલાબાવાલા અને ફિરદૌસ પૂનીવાલાની બેન્ચને કહેવામાં આવ્યું હતું કે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) શાસક પક્ષ (BJP)ના ઈશારે તેના ‘હિતો’નું રક્ષણ કરી રહ્યું છે કારણ કે ફિલ્મને ‘શિખ વિરોધી’ માનવામાં આવી રહી છે. ફિલ્મના નિર્માતા ઝી સ્ટુડિયો વતી દલીલ કરતા વરિષ્ઠ વકીલ વેંકટેશ ધોંડે કહ્યું કે સેન્સર બોર્ડ જાણીજોઈને ફિલ્મની રિલીઝમાં વિલંબ કરી રહ્યું છે કારણ કે તે ઈચ્છે છે કે આ વર્ષે ઓક્ટોબરમાં હરિયાણામાં યોજાનારી ચૂંટણી પછી જ ફિલ્મ રિલીઝ થાય.

તો શું આ ફિલ્મ ચૂંટણીમાં મતોને અસર કરશે?
એડવોકેટ ધોંડે કોર્ટને જણાવ્યું હતું કે, ‘ફિલ્મની સહ-નિર્માતા કંગના રનૌત ભાજપના સાંસદ છે અને તેમની પાર્ટી નથી ઈચ્છતી કે તેના પોતાના સભ્ય દ્વારા બનાવેલી ફિલ્મ હવે રિલીઝ થાય, જેનાથી કેટલાક સમુદાયોની ભાવનાઓને ઠેસ પહોંચે’ જેના પર જસ્ટિસ કોલાબાવાલાએ જવાબ આપ્યો, તો તમારો મતલબ એ છે કે આનાથી ભાજપને મત આપનારા લોકોના મતદાનના નિર્ણયને અસર થશે? રાજ્યમાં શાસન કરનાર વ્યક્તિ પોતાના જ સભ્ય દ્વારા બનાવેલી ફિલ્મને કેમ રોકવા માંગે છે? જો રાજ્યમાં અન્ય કોઈ વિરોધ પક્ષ હોત તો અમે તેના પર વિચાર કરી શક્યા હોત.

વકીલે કહ્યું- સેન્સર બોર્ડ સૂચનાઓ પર કામ કરી રહ્યું છે

સુનાવણી દરમિયાન વકીલ ધોંડે પણ ફિલ્મ પર શીખ સમુદાયના વાંધાઓ પર દલીલ કરી હતી. ફિલ્મમાં કોમ્યુનિટી લીડરના ચિત્રણ અંગે ઉઠાવવામાં આવેલા વાંધાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ જ કારણસર સેન્સર બોર્ડ ફિલ્મની રિલીઝ પર નિર્ણય લેવામાં પાછળ રહી રહ્યું છે. તેના પર જસ્ટિસ કોલાબાવાલાએ પૂછ્યું કે શું CBFC કેન્દ્ર સરકાર વતી નહીં, પરંતુ કોઈ અન્ય વતી કામ કરી રહી છે?

જસ્ટિસ કોલાબાવાલાએ એમ પણ પૂછ્યું કે ફિલ્મોમાં આ રીતે કોઈને બતાવવાથી લોકો કેવી રીતે અને શા માટે પ્રભાવિત થાય છે? પારસી સમુદાયમાંથી આવતા જસ્ટિસે પોતે કહ્યું,’લગભગ દરેક ફિલ્મમાં મારા સમુદાયની મજાક ઉડાવવામાં આવે છે. અમે હસીએ છીએ પણ અમે એવું નથી માનતા કે આ અમારા સમુદાયની વિરુદ્ધ છે.’

કોર્ટમાં નિર્માતાઓએ રિલીઝમાં વિલંબ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી હતી. એડવોકેટ ધોંડે કહ્યું,’માય લોર્ડ, હું કહી શકું છું કે આ બધું કેન્દ્રમાં સત્તાધારી પક્ષના ઈશારે થઈ રહ્યું છે. તેઓ તેમના એકંદર હિતોનું ધ્યાન રાખે છે અને તેથી આ ફિલ્મ રિલીઝ થાય તેવું ઇચ્છતા નથી. તેના પર જસ્ટિસ કોલાબાવાલાએ કટાક્ષ કરતા પૂછ્યું કે શું આનો અર્થ એ છે કે કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી પોતાના જ સાંસદ વિરુદ્ધ કામ કરી રહી છે? તો ધોંડે જવાબ આપ્યો કે ફિલ્મના સહ-નિર્માતા અને સાંસદ રનૌતને અનુશાસન જાળવવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ તેઓ આ વિશે વધુ વાત કરવા માંગતા નથી.

સુનાવણી દરમિયાન સેન્સર બોર્ડ તરફથી હાજર રહેલા વકીલ ડૉ. અભિનવ ચંદ્રચુડની દલીલો પર જજોની બેન્ચ ગુસ્સે થઈ ગઈ હતી. ન્યાયાધીશોએ સેન્સર બોર્ડના વલણની ટીકા કરી હતી અને પ્રશ્ન કર્યો હતો કે લોકો ફિલ્મ જોયા વિના પણ તેમના સમુદાયની વિરુદ્ધ છે એવું કેમ માની લે છે? ખંડપીઠે કહ્યું, ‘આ કોઈ ડોક્યુમેન્ટ્રી નથી… શું તમને લાગે છે કે આપણા દેશના લોકો એટલા નિર્દોષ છે કે તેઓ ફિલ્મમાં જે પણ બતાવવામાં આવશે તે માનશે? સર્જનાત્મક સ્વતંત્રતા વિશે શું? આપણા દેશમાં અબજો ઈન્ટરનેટ યુઝર્સ છે…ફિલ્મોની રિલીઝ સામે વાંધો ઉઠાવવાનો આ મુદ્દો બંધ થવો જોઈએ, નહીં તો આપણા દેશમાં સર્જનાત્મક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું શું થશે? આપણે ફક્ત સર્જનાત્મક સ્વતંત્રતાને મર્યાદિત કરીએ છીએ.

ફેડ રેટ કટે બજારમાં તેજીઃ નિફ્ટી50 25,400ને પાર

અમદાવાદઃ અમેરિકી ફેડ રિઝર્વે ચાર વર્ષ પછી સૌપ્રથમ વાર વ્યાજદરોમાં કાપનું એલાન કર્યું છે, જે પછી ઘરેલુ શેરબજારોમાં તેજી જોવા મળી હતી, જોકે ઊંચા મથાળે રોકાણકારોએ નફારૂપી વેચવાલી કાઢી હતી. નિફ્ટી બેન્કે સૌપ્રથમ વાર 53,000ની સપાટી વટાવી હતી. સેન્સેક્સ અને નિફ્ટીએ નવો ઓલટાઇમ હાઇ બનાવ્યો હતો. જોકે મિડકેપ અને સ્મોલકેપ અને માઇક્રોકેપમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. રોકાણકારોએ રૂ. બે લાખ કરોડ ગુમાવ્યા હતા.

ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં કાપ પછી શેરબજાર મોર્નિંગ સેશનમાં એક તબક્કે 700 પોઇન્ટ અને નિફ્ટી 200 પોઇન્ટ ઊછળી ગયા હતા. જોકે ઊંચા મથાળેથી પ્રોફિટ બુકિંગ આવતાં શેરો દબાણ જોવા મળ્યું હતું. ફેડરલ રિઝર્વે 50 બેઝિસ પોઇન્ટની દરોમાં કાપની ઘોષણા કરી હતી. નિફ્ટી50એ પણ એક તબક્કે 25,500ની સપાટી કુદાવી હતી. જોકે ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ઊંચા મથાળેથી ઘટાડો થયો હતો અને સેન્સેક્સ 236.57 વધી 83,185 અને નિફ્ટી 38.25 પોઇન્ટ વધી 25,416ના મથાળે બંધ થયા હતા.

ઘરેલુ બજારમાં આજે રોકાણકારોએ PSE, ઓઇલ-ગેસ, મેટલ ફાર્મા અને IT શેરોમાં વેચવાલી કાઢી હતી, જ્યારે FMCG, બેન્કિંગ અને ઓટો શેરોમાં લેવાલી કરી હતી. NSE પર ઉપલબ્ધ ડેટા અનુસાર ગઈ કાલે FII ચોખ્ખા લેવાલ રહ્યા હતા અને તેમણે 1153.69 કરોડની લેવાલી કાઢી હતી, જ્યારે DIIએ પણ રૂ. 152.31 કરોડના શેર ખરીદ્યા હતા.

BSE એક્સચેન્જ પર કુલ 4075 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1246 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2734 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 95 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 241 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 53 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.