Home Blog Page 63

પેપર લીકના આરોપો બાદ રદ થઈ NEET UG પરીક્ષા

નવી દિલ્હી: દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET પરીક્ષા 2026 રo કરવામાં આવી છે. પેપર લીક બાદ NTAએ આ નિર્ણય લીધો છે. નોંધનીય છે કે આ પરીક્ષા ત્રીજી મેએ રોજ યોજવામાં આવી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ ‘ગેસ પેપર’ લીક થવાના આરોપો બાદ NEET UG 2026 પરીક્ષા રદ કરી દીધી છે. આ નિર્ણયથી દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા અને હલચલ મચી ગઈ છે. સરકારે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપી છે. એ સાથે જ NTAએ સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષા ફરીથી લેવામાં આવશે અને નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

કેમ રદ થઈ NEET UG 2026 પરીક્ષા?

NTAના જણાવ્યાનુસાર કાયદા અમલ એજન્સીઓ પાસેથી મળેલી માહિતીમાં પરીક્ષા પ્રક્રિયા પ્રભાવિત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે પરીક્ષા પહેલાં કથિત રીતે ‘ગેસ પેપર’ ફેલાવવામાં આવ્યું હતું, જેને કારણે પરીક્ષાની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઊભા થયા હતા. એજન્સીએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે ઉપલબ્ધ પુરાવા અને અહેવાલોની સમીક્ષા બાદ પરીક્ષા ચાલુ રાખવી યોગ્ય માનવામાં આવી નહોતી. NTAએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓના હિત અને પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા જાળવવા માટે આ નિર્ણય જરૂરી હતો.

 ‘ગેસ પેપર’ લીક મામલાની તપાસ CBI કરશે

કેન્દ્ર સરકારે સમગ્ર મામલાની તપાસ CBIને સોંપી છે. તપાસ એજન્સી જાણી શકશે કે કથિત ‘ગેસ પેપર’ પરીક્ષા પહેલાં કેવી રીતે ફેલાયું અને શું તેના પાછળ કોઈ સંગઠિત ગેંગ સક્રિય હતી કે નહીં. NTAએ જણાવ્યું છે કે તે તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપશે અને તમામ રેકોર્ડ, ડેટા તેમ જ ટેક્નિકલ માહિતી ઉપલબ્ધ કરાવશે.

 રિ-એક્ઝામ અંગે NTAએ શું કહ્યું?

NTAએ પુષ્ટિ કરી છે કે NEET UG 2026 પરીક્ષા ફરીથી યોજાશે. નવી પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. એજન્સીએ સ્વીકાર્યું કે પરીક્ષા રદ થવાથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને અસુવિધા થશે, પરંતુ શંકાસ્પદ અને સમાધાનગ્રસ્ત પરીક્ષાને ચાલુ રાખવાથી શિક્ષણ વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ વધુ નુકસાન પામી શકે છે.

તામિલનાડુમાં સરકારના ફ્લોર ટેસ્ટ પહેલાં AIADMKમાં બળવો

ચેન્નઈઃ તામિલનાડુના રાજકારણમાં એક વખત ફરી નવો અને રસપ્રદ વળાંક સામે આવ્યો છે. ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડા મુનેત્ર કળગમ (AIADMK)ના ધારાસભ્યો વેલુમણી અને સીવી ષણમુગમના નેતૃત્વવાળા જૂથે સત્તારૂઢ તમિલગા વેટ્રી કઝગમ (TVK)ને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણય બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે અને AIADMKની અંદરના મતભેદો ખુલ્લેઆમ સામે આવવા લાગ્યા છે. વરિષ્ઠ નેતા ષણમુગમે જણાવ્યું હતું કે AIADMKના એક જૂથેના ધારાસભ્યો તામિલનાડુ સરકારને સમર્થન આપવા માટે મુખ્ય મંત્રી વિજય સાથે મુલાકાત કરશે. સૌથી મહત્વની બાબત એ છે કે AIADMKમાં થયેલો આ બળવો વિધાનસભામાં વિજયની TVK સરકારના ફ્લોર ટેસ્ટના એક દિવસ પહેલાં થયો છે.

ધારાસભ્ય વેલુમણીએ પક્ષના નેતૃત્વ પર સવાલ ઉઠાવતા AIADMKની મહાપરષિદની બેઠક તાત્કાલિક બોલાવવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે પક્ષના ભવિષ્ય અને હાલની રાજકીય પરિસ્થિતિઓ પર ખુલ્લી ચર્ચા થવી જરૂરી છે. નોંધનીય છે કે બળવાખોર ગઠને દલબદલ કાયદાની ઝપટમાં આવ્યા વગર સમર્થન આપવા માટે 32 ધારાસભ્યોની જરૂર છે.

 TVKને સમર્થન આપવાનો નિર્ણય

ષણમુગમે કહ્યું હતું કે અમે ચૂંટણીમાં જીત મેળવી આવેલી TVKને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. અમે આ પાર્ટીની સ્થાપના DMKના વિરોધમાં કરી હતી. છેલ્લાં 53 વર્ષથી અમારા રાજકારણ DMKના વિરોધ પર આધારિત રહી છે. આવી સ્થિતિમાં AIADMK સરકારને DMKના સમર્થનથી બનાવવાનો એક પ્રસ્તાવ આવ્યો હતો, પરંતુ અમારા મોટા ભાગના સભ્યોએ તેને નકારી કાઢ્યો અને તેનો વિરોધ કર્યો હતો.

આ દરમિયાન AIADMK વિધાનમંડળ પક્ષના મોટા ભાગના ધારાસભ્યોએ એસપી વેલુમણીને પોતાનો ફ્લોર લીડર પસંદ કર્યો છે, જેને કારણે પક્ષની અંદર નવા રાજકીય સમીકરણોની ચર્ચા તેજ બની છે. વેલુમણી-શણમુગમ ગઠનું આ પગલું તામિલનાડુના રાજકારણમાં નવાં સમીકરણો ઊભાં કરી શકે છે. બીજી તરફ TVKને મળેલું આ સમર્થન સત્તારૂઢ પક્ષની સ્થિતિને વધુ મજબૂત બનાવી શકે છે. હજુ સુધી AIADMKના નેતૃત્વ તરફથી આ સમગ્ર ઘટનાક્રમ પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. હવે સૌની નજર AIADMKની સંભવિત મહાપરિષદની બેઠક અને પક્ષના આગલા પગલાં પર છે.

કહેવત: ગોર ગાંધીનું સહિયારું

 

ગોર ગાંધીનું સહિયારું

 

ગોર મહારાજ લગ્નની વિધી કરાવે તે માટે કંકુ, ચોખા, નાડાછડી, સોપારી, અબીલ, ગુલાલ જેવી અનેક પ્રકારની સામગ્રીની જરૂર પડે છે, જે સામગ્રી ગાંધીની દુકાને મળે છે. હવે જો ગોર અને ગાંધી સંપી જાય તો ગોર મહારાજ જે લિસ્ટ બનાવે તે જરૂરત કરતાં વધારે હોય અને છેવટે તો આ બધી સામગ્રી ગોર મહારાજ જ લઈ જતા જોય છે જે મોટા ભાગે ગાંધીના ત્યાં પાછી વેચી દઈ શકાય.

આ પરિસ્થિતીમાં ગોર અને ગાંધી બંને કમાય. સહિયારું એટલે કે ભાગીદારીવાળું. કોઈક એવી પરિસ્થિતી જેમાં એક પક્ષ બીજા પક્ષ સાથે જોડાઈને ત્રીજી વ્યક્તિ પાસેથી મહત્તમ ફાયદો ઉઠાવે, પેલા બંનેનું હિત એકમેક સાથે જોડાયેલું હોય તે સંયોગોના સંદર્ભમાં ‘ગોર ગાંધીનું સહિયારું’ એ કહેવત વપરાતી હોય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

પ્રકાશ મહેરાએ ‘દેવદાસ’ ને ‘સિકંદર’ બનાવ્યો!

પ્રકાશ મહેરા શરૂઆતમાં ફિલ્મ ‘મુકદ્દર કા સિકંદર’ (1978) ને ક્લાસિક ફિલ્મ ‘દેવદાસ’ નો એક નવો ઓપ આપીને આધુનિક સમયના હિસાબે બનાવવા માંગતા હતા. જેમાં અમિતાભ બચ્ચન, શર્મિલા ટાગોર અને હેમામાલિની મુખ્ય ભૂમિકામાં હતા. જોકે, નિર્માતા કૈલાશ ચોપરા સાથે વાર્તા બાબતે સમજૂતી ન થતા તેમણે આ પ્રોજેક્ટ છોડીને પોતાની રીતે ‘મુકદ્દર કા સિકંદર’ બનાવવાનું નક્કી કર્યું. તેઓ શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની ‘દેવદાસ’ થી ખૂબ પ્રભાવિત હતા પણ તેમને લાગતું હતું કે દેવદાસનો અંત બહુ નિરાશાજનક હોય છે. તેમને એક એવો ‘દેવદાસ’ બનાવવો હતો જે નસીબ સામે લડે. તેમણે કહ્યું હતું કે મેં દેવદાસને દારૂના નશામાં મરતો નહીં પણ નસીબને મુઠ્ઠીમાં કરતો જોયો હતો. એટલે જ મેં ‘દેવદાસ’નું નામ ‘સિકંદર’ રાખ્યું. જે હારીને પણ જીતવાનો દમ રાખે છે.

મહેરાએ દેવદાસના પાત્રને ‘સિકંદર’ તરીકે ગલીઓમાં ઉછરેલા એક હિંમતવાન વ્યક્તિ તરીકે રજૂ કર્યો જ્યારે પારુને ‘કામના’ (રાખી), ચંદ્રમુખીને ‘ઝોહરા’ (રેખા) અને ચુન્ની બાબુને ‘પ્યારેલાલ’ (રામ સેઠી) નું નવું સ્વરૂપ આપ્યું. મજેદાર વાત એ છે કે જે મૂળ ‘દેવદાસ’ અટકી પડી હતી તે પાછળથી ગુલઝારના નિર્દેશનમાં ધર્મેન્દ્ર અને હેમા માલિની સાથે શરૂ તો થઈ પણ ક્યારેય પૂર્ણ ન થઈ શકી. ‘મુકદ્દર કા સિકંદર’ માં વિનોદ ખન્નાના ‘વિશાલ’ના પાત્ર માટે અગાઉ શત્રુઘ્ન સિન્હા વિશે વિચારવામાં આવ્યું હતું. પરંતુ મહેરા ઈચ્છતા હતા કે રાખી જે વ્યક્તિના પ્રેમમાં પડે તે અમિતાભ જેટલો જ અથવા તેનાથી પણ વધુ દેખાવડો હોવો જોઈએ. તેથી વિનોદ ખન્નાની પસંદગી થઈ. ખન્નાએ શરત રાખી હતી કે તેમને અમિતાભ જેટલી જ ફી મળવી જોઈએ. જે મેહરાએ સ્વીકારી હતી. રેખાના પાત્ર વિશે એક કિસ્સો છે કે જ્યારે તે વિદેશમાં હતી ત્યારે પ્રકાશ મહેરાએ રીના રોયને કાસ્ટ કરવાનું મન બનાવી લીધું હતું. રેખાને ખબર પડતા જ તે તાત્કાલિક શૂટિંગ માટે હાજર થઈ ગઈ હતી.

ફિલ્મના ગીતો અને સંવાદો પણ એટલા જ પ્રખ્યાત થયા હતા. ‘ઓ સાથી રે’ ગીત પહેલાં અમિતાભ બચ્ચને ૧૬ પાનાંના લાંબા ડાયલોગ બોલવાના હતા. જે સાંભળીને તેમણે ખચકાટ અનુભવ્યો હતો. ત્યારે સંવાદ લેખક કાદર ખાને પોતે આ ડાયલોગ્સ એવી લાગણી સાથે બોલી બતાવ્યા કે અમિતાભની આંખોમાં આંસુ આવી ગયા હતા અને કાદર ખાનને ભેટી પડ્યા હતા. કાદર ખાને ત્યારે કહ્યું હતું કે આ વાતો તેમના અંગત જીવનના અનુભવો છે તેથી તેને ગોખવાને બદલે અનુભવવાથી આપોઆપ બોલી શકાય છે. નાનો સિકંદર જ્યારે તેની માના અવસાન પછી કબ્રસ્તાનમાં રડે છે અને ફકીર (કાદર ખાન) તેને સમજાવે છે તે દ્રશ્ય વિશે મહેરાએ કહ્યું હતું કે એ સંવાદો લખતી વખતે કાદર ખાન રડી પડ્યા હતા. તેમણે મને કહ્યું હતું કે આ મારું સત્ય છે. જ્યારે અમિતાભે એ દ્રશ્ય જોયું ત્યારે તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

સંગીતની વાત કરીએ તો કલ્યાણજી-આણંદજીએ ફિલ્મમાં જબરદસ્ત યોગદાન આપ્યું હતું. પ્રકાશ મહેરા પોતે સારા ગીતકાર હતા. તેમણે એકવાર ખુલાસો કર્યો હતો કે ‘સલામ-એ-ઈશ્ક’ ગીત લખવા માટે ઘણી રાતો જાગીને વિતાવી હતી. રેખાના પાત્ર ‘ઝોહરા’ માટે એવી વેદના વ્યક્ત કરવી હતી જે દેખાતી ન હોય પણ અનુભવી શકાય. તેમણે કહ્યું હતું કે લોકોને લાગે છે કે એ માત્ર એક મુજરા ગીત છે. મારા માટે એ સિકંદર અને ઝોહરાના અધૂરા પ્રેમની દાસ્તાન હતી. ફિલ્મના અંતમાં સિકંદરના મૃત્યુ સમયે ‘જિંદગી તો બેવફા હૈ’ ગીત માટે મોહમ્મદ રફીને પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે ક્લાઈમેક્સ માટે આ ગીત રેકોર્ડ કરવાનું હતું ત્યારે રફી સાહેબ સંકોચમાં હતા. કારણ કે આખી ફિલ્મમાં કિશોરકુમારનો અવાજ હતો છતાં મહેરાએ આગ્રહ કર્યો હતો કે આ ગીત સિકંદરની અંતિમ વિદાય છે અને એ વિદાયમાં જે દર્દ રફી સાહેબ લાવી શકે તે બીજું કોઈ નહીં. જ્યારે રફી સાહેબે ગીત ગાયું ત્યારે આખા સ્ટુડિયોમાં સન્નાટો છવાઈ ગયો હતો. ૧૯૭૮ માં રજૂ થયેલી આ ફિલ્મે તે વર્ષની અન્ય બ્લોકબસ્ટર ફિલ્મો જેવી કે ‘ડોન’ અને ‘ત્રિશૂલ’ કરતા પણ વધુ કમાણી કરી હતી. મહેરાએ હસતા હસતા એકવાર કહ્યું હતું કે ‘મુકદ્દર કા સિકંદર’ રજૂ થઈ ત્યારે બોક્સ ઓફિસ પર એટલી ભીડ હતી કે થિયેટરોની બારીઓ તૂટી ગઈ હતી. લોકો સિકંદરના મોત વખતે થિયેટરમાં રડતા હતા. મહેરા માટે આ ફિલ્મ તેમના ‘દેવદાસ’ પ્રત્યેના પ્રેમને આધુનિક રંગમાં રજૂ કરવાની સફળ કોશિશ હતી.

છત્તીસગઢમાં રૂ. 1.5 કરોડના LPGની ચોરી

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વિશ્વભરમાં રસોઈ ગેસની અછત થઈ રહી છે, ત્યારે છત્તીસગઢમાં LPG ચોરીનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. પોલીસે એવી ગેંગનો ભાંડો ફોડ્યો છે, જેણે કથિત રીતે 90 મેટ્રિક ટનથી વધુ LPG ગેસની ચોરી કરીને તેની કાળાબજારી કરી હતી. ચોરી કરાયેલા ગેસની કિંમત અંદાજે 1.5 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જિલ્લાની મહાસમુંદ પોલીસે જણાવ્યું હતું કે ચોરી કરાયેલો ગેસ તે ટેન્કરોમાંથી કાઢવામાં આવ્યો હતો, જેમને ગયા વર્ષે એક અન્ય ગેસ ચોરીના કેસમાં જપ્ત કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલો ડિસેમ્બર, 2025નો છે, જ્યારે સિન્હોરા વિસ્તારના જંગલમાં પોલીસે છ એલપીજી ટેન્કર જપ્ત કર્યાં હતાં. આરોપ હતો કે એક ગેંગ ટેન્કરોમાંથી ગેસ કાઢવા માટે તેમને ત્યાં લઈ ગઈ હતી.

 માર્ચ સુધી પોલીસની દેખરેખ હેઠળ રહ્યા ટેન્કરો

વધારાના પોલીસ અધિકારી પ્રતિભા પાંડેના જણાવ્યા મુજબ અધિકારીઓની એક ટીમે શંકાસ્પદ ગતિવિધિઓ જોઈને પોલીસને માહિતી આપી હતી. ત્યાર બાદ FIR નોંધાઈ અને ટેન્કરો જપ્ત કરાયાં હતાં. આ ટેન્કરો માર્ચ સુધી પોલીસની દેખરેખ હેઠળ રહ્યાં હતાં. આ ટેન્કરોને રાયપુરના ઉરલા ગામમાં આવેલી કંપનીના પરિસરમાં લઈ જવામાં આવ્યા, જ્યાં 30 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન ગેસની ચોરી કરવામાં આવી હતી. ત્યાર બાદ 6 અને 8 એપ્રિલે ટેન્કરોનું વજન મહાસમુંદ ખાદ્ય અધિકારી કચેરીમાં કરાયું હતું. આ મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે ટેન્કરોના મૂળ ટ્રાન્સપોર્ટરો તેમને પાછા લેવા માટે સિન્હોરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તપાસ દરમિયાન તેમને ખબર પડી કે ટેન્કરોમાંથી ગેસ ગાયબ છે. ત્યાર બાદ તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે ટેન્કરોમાં લગાવવામાં આવેલી જીપીએસ સિસ્ટમથી પુષ્ટિ થઈ કે વાહનો આરોપીની ગેસ એજન્સીના પ્લાન્ટ સુધી ગયા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું કે આરોપીની કંપનીએ એપ્રિલમાં માત્ર 47 ટન LPG ખરીદી હતી. શરૂઆતમાં તેમનો સ્ટોક શૂન્ય હતો, છતાં 107 ટન ગેસ વેચી દેવામાં આવ્યો હતો.

મહાસમુંદ એસપી પ્રભાત કુમારના જણાવ્યા મુજબ આ કેસના મુખ્ય આરોપીઓમાં ખાદ્ય વિભાગના અધિકારી અજય યાદવ, ગેસ વેપારી પંકજ ચંદ્રાકર, તેમનો સાથી મનીષ ચૌધરી અને વિતરણ કંપનીનો માલિક સંતોષ ઠાકુર સામેલ છે. અત્યાર સુધીમાં અજય યાદવ, પંકજ ચંદ્રાકર અને મનીષ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે.હાલમાં ઓછામાં ઓછી આઠ ગેસ એજન્સીઓ તપાસના દાયરામાં છે, જેમણે કથિત રીતે આ ચોરી કરાયેલો ગેસ ખરીદ્યો હતો. આરોપીઓએ શરૂઆતમાં દાવો કર્યો હતો કે ગેસ ટેન્કરોમાંથી લીક થયો હતો, પરંતુ ટેક્નિકલ ટીમે કોઈ પણ પ્રકારના લીકેજથી ઇનકાર કર્યો હતો.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૨ મે ૨૦૨૬

પંચાંગ 12/05/2026

વડોદરાના આંગણેથી પીએમ મોદીની હાકલ

PM મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તેમણે વડોદરાના અંખોલ ખાતેથી દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે જનતાને અત્યંત મહત્વની અપીલ કરી છે. 24 કલાકની અંદર બીજીવાર પીએમ મોદીએ દેશવાસીઓને આગ્રહ કર્યો છે કે વિદેશી મુદ્રા બચાવવા માટે એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવી જોઈએ અને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ સંયમપૂર્વક કરવો જોઈએ.

વડોદરામાં એક જનસભાને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, સોનાની આયાત પાછળ દેશના અઢળક નાણાં વિદેશમાં જાય છે. તેમણે લોકોને વિનંતી કરી કે તેવા તમામ ઉત્પાદનોનો ઉપયોગ ઘટાડવો જોઈએ જે વિદેશથી આવે છે. અગાઉ તેલંગાણામાં પણ તેમણે આ જ વાત દોહરાવી હતી કે મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક એનર્જી સપ્લાય અને અર્થતંત્ર પર મોટું જોખમ છે, જેની અસર ભારત પર પણ પડી રહી છે.

વડાપ્રધાને પેટ્રોલ અને ડીઝલના વધતા વપરાશ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, જ્યાં શક્ય હોય ત્યાં લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે સરકારી અને ખાનગી કચેરીઓને ‘વર્ચ્યુઅલ મીટિંગ’ અને ‘વર્ક ફ્રોમ હોમ’ જેવી પદ્ધતિઓ અપનાવવા સૂચન કર્યું છે, જેથી ઈંધણની બચત થઈ શકે. આ ઉપરાંત, ખાદ્ય તેલની આયાત ઘટાડવા માટે ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને જીવનમાં ઉતારવા પણ તેમણે ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ વડોદરામાં ગુજરાતના ત્રીજા સરદારધામ પ્રોજેક્ટ હેઠળ વિવિધ યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. જેમાં 150 કરોડના ખર્ચે નિર્મિત 2,000 વિદ્યાર્થીઓ માટેના ડો. દુષ્યંત અને દક્ષા પટેલ છાત્રાલયનો પણ સમાવેશ થાય છે. આ પ્રસંગે તેમણે સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવા પર ‘સોમનાથ અમૃત મહોત્સવ’ની પણ ઉજવણી કરી હતી.

વડાપ્રધાને બંગાળ, અસામ અને પુડુચેરીના તાજેતરના ચૂંટણી પરિણામોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ પરિણામોએ દેશભરમાં ઉત્સાહનું વાતાવરણ બનાવ્યું છે. તેમણે ગૌરવ સાથે જણાવ્યું કે ગુજરાતની જનતાએ હંમેશા રાજકીય સ્થિરતાને મહત્વ આપ્યું છે, જે વિકાસનો પાયો છે.

CM યોગી અને રામ મંદિર આતંકીઓના નિશાન પર?

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અયોધ્યાના ભવ્ય રામ મંદિરને નિશાન બનાવીને એક સનસનાટીભરી ધમકી આપવામાં આવી છે. યુપી પોલીસની ઇમરજન્સી સેવા 112 ના સોશિયલ મીડિયા વોટ્સએપ ડેસ્ક પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો, જેમાં મુખ્યમંત્રીને આગામી 24 કલાકમાં જાનથી મારી નાખવાની અને રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની વાત કરવામાં આવી હતી. આ ધમકી બાદ રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે.

ઇન્સ્પેક્ટર સહેન્દ્રના જણાવ્યા મુજબ, લખનઉ સ્થિત 112 મુખ્યમથકની સોશિયલ મીડિયા ડેસ્ક પર કાર્યરત સંવાદ અધિકારી શારદા યાદવે શનિવારે સાંજે 05 વાગ્યે 16 મિનિટ અને 50 સેકન્ડે આ મેસેજ જોયો હતો. મેસેજમાં અત્યંત વાંધાજનક અને ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શારદા યાદવે તુરંત આ બાબતની જાણ ઉચ્ચ અધિકારીઓને કરી હતી અને ધમકીભર્યા મેસેજના સ્ક્રીનશોટ પુરાવા તરીકે લેવામાં આવ્યા હતા.

આ ઘટનાની ગંભીરતાને જોતા રવિવારે સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વોટ્સએપ નંબર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. એસીપી ગોસાઈગંજ ઋષભ યાદવે જણાવ્યું હતું કે સરકારી કામમાં અવરોધ અને ધમકી આપવા સહિતની વિવિધ કલમો હેઠળ આ કેસ દાખલ કરાયો છે. એડીજી (લો એન્ડ ઓર્ડર), એટીએસ (ATS) અને સુરક્ષા મુખ્યાલયને પણ આ મામલે સંપૂર્ણ જાણકારી આપી દેવામાં આવી છે.

એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સાઉથ) રલ્લાપલ્લી બસંત કુમારે જણાવ્યું કે સાયબર ક્રાઈમ સેલ આ વોટ્સએપ નંબરનું લોકેશન અને આઈપી (IP) એડ્રેસ ટ્રેસ કરી રહી છે. મેસેજ મોકલનાર શખ્સને પકડવા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF), ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને સાયબર ટીમની અનેક ટુકડીઓ કામે લાગી છે. ધમકી બાદ અયોધ્યા અને મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી તેને વધુ કડક બનાવી દેવામાં આવી છે.