Home Blog Page 64

અમદાવાદમાં ઈમરજન્સી કોલ બોક્સને સારો પ્રતિસાદ, 300 બોક્સ કાર્યરત

ગુજરાત સહિત રાજ્યમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખી કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટ શરૂ કરાયા છે. જેમાંથી નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ ઈમરજન્સી કોલ બોક્ષ નામનો મહત્વનો પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. આ કોલ બોક્ષ પ્રોજેક્ટમાં કોઈ વ્યક્તિ કોલ બોક્સની મદદથી પોલીસ કંટ્રોલ રૂમનો સીધો સપર્ક કરી શકે છે. હાલ અમદાવાદમાં 300થી વધુ ઈમરજન્સી કોલ બોક્ષ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. જેના સારા પરિણામો મળી રહ્યા છે અને પ્રતિદિને 100 જેટલા કોલ મળી રહ્યા છે.

અમદાવાદમાં નિર્ભયા સેફ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી, સિંધુ ભવન રોડ, નવરંગપુરા, સેટેલાઈટ, પ્રહલાદનગર, એસ.જી. હાઈવે સહિતના વિવિધ વિસ્તારોમાં ઈમરજન્સી કોલ બોક્ષ ઈન્સ્ટોલ કરાયા છે. જેની ખાસીયત એ છે કે કોઈ વ્યક્તિને તાત્કાલિક પોલીસની મદદ જોઈતી હોય તો બોક્સનું બટન દબાવવાથી પોલીસ કંટ્રોલ રૂમ અને નજીકની પીસીઆર વાનને મેસેજ મળી જાય છે અને ગણતરીની મિનિટોમાં પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી શકે છે. આ કોલ બોક્ષમાં વીડિયો કોલની પણ સુવિધા છે. જેથી કોલ કરનારની માહિતી પણ મળે છે. અમદાવાદમાં હાલ 300 જેટલા સ્થળો પર ઈમરજન્સી કોલ બોક્ષ ઇન્સ્ટોલ કરાયા છે. ખાસ કરીને જાહેર સ્થળો પર મહિલાઓની છેડતી કે કોઈને પડતી મુશ્કેલી સમયે આ સિસ્ટમ ઉપયોગી બને છે. પોલીસના જણાવ્યા મુજબ, પ્રોજેક્ટ મહિલા સુરક્ષાનો છે. પરંતુ, આ પ્રોજેક્ટ સિનિયર સિટીઝન સહિત તમામ લોકો માટે ઉપયોગી છે. જેમાં હાલ પોલીસ કંટ્રોલ રૂમ પર 100 જેટલા કોલ મળે છે. હાલ આ પ્રોજેક્ટ અમદાવાદ સહિત, દિલ્હી, મુંબઈ, કોલકત્તા, ચેન્નાઈ, બેંગાલુરૂ, હૈદરાબાદ અને લખનઉમાં કાર્યરત કરાયો છે.

ઉત્તર પ્રદેશ-બિહારમાં અકાશી આફત, પૂરના પાણીમાં 300 ગામ ડૂબ્યાં

નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જનજીવન ખોરવાઈ ગયું છે. ઉત્તર પ્રદેશ, બિહાર સહિત અનેક રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. બિહારમાં તો સ્થિતિ વધુ ખરાબ છે. અહીં પૂરના કારણે 274 સ્કૂલો બંધ કરવામાં આવી છે. જયારે 20 સ્કૂલો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ છે. પરિણામે બુધવારથી શરુ થતી પરીક્ષાને પૂરના કારણે હાલ મુલતવી રાખવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં ઘાઘરા, ગંડક, ગંગા, વરુણા નદી પૂરથી પ્રભાવિત થઈ છે. ગોંડા જિલ્લાના 35 ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. બીજી તરફ અયોધ્યામાં સરયૂ નદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. લખીમપુર ખેરીના ઘણા ગામોનો જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો છે. લગભગ 300 ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. પ્રયાગરાજ, ઇટાવા અને મિર્ઝાપુરમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યો

રોહતકઃ  હરિયાણા વિધાનસભા ચૂંટણી માંટે ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. ભાજપે 20 સૂત્રીય સંકલ્પ પત્રમાં અનેક વચનો આપ્યાં છે. સંકલ્પ પત્ર જારી કરતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડે કોંગ્રેસના ઘોષણાપત્રને છદ્મ ગણાવ્યો હતો.

  • આ મેનિફેસ્ટોમાં અગ્નિવીરને સરકારી નોકરીની ગેરંટી આપવામાં આવી છે.
  • મહિલાઓને દર મહિને 2100 રૂપિયા આપવાનું વચન આપ્યું છે. આ રકમ કોંગ્રેસ દ્વારા ગઈ કાલે જાહેર કરાયેલા મેનિફેસ્ટો કરતાં 100 રૂપિયા વધુ છે.
  • આ મેનિફેસ્ટોમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર સહિતનાં 20 વચનો સામેલ છે.
  • આ સાથે આયુષ્માન યોજના હેઠળ હોસ્પિટલોમાં ડાયાલિસિસ મફત હશે અને 10 લાખ રૂપિયા સુધીની સારવાર મફત હશે.
  • 24 પાકની MSP પર ખરીદી થશે
  • ગ્રામીણ વિદ્યાર્થીઓને સ્કૂટર આપવાનું વચન
  • બધા OBC ઉદ્યોગ સાહસિકોને રૂ. 25 લાખની લોન
  • પછાત જાતો માટે અલગ કલ્યાણ બોર્ડ
  • બે લાખ લોકોને પાકી સરકારી નોકરી
  • ફરીદાબાદ-ગુરુગ્રામની વચ્ચે ઇન્ટરસિટી એક્સપ્રેસ સેવા
  • સાયન્ટિફિક ફોર્મલ હેઠળ પેન્શનમાં વધારો

આ દરમિયાન કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર, રાજ્ય પ્રભારી સતીશ પુનિયા, હરિયાણા ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, પૂર્વ મંત્રી રામ બિલાસ શર્મા, કેન્દ્રીય રાજ્ય મંત્રી કૃષ્ણપાલ ગુર્જર, કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવ ઈન્દ્રજિત સિંહ, કુલદીપ બિશ્નોઈ ઓમપ્રકાશ ધનખડ, સુભાષ બરાલા, સુધા બરાલા. યાદવ, અશોક તંવર પણ હાજર રહ્યા હતા.

કોંગ્રેસનો રિયલ મેનિફેસ્ટો જમીન કૌભાંડ હતો. ખેડૂતોની જમીન પચાવી પાડવી. તેમની જમીનની કેટેગરી બદલવી. તેથી જ આજે આપણે મેનિફેસ્ટો વિશે વાત કરીએ છીએ, આ મેનિફેસ્ટો આપણા માટે એટલો જ મહત્વપૂર્ણ છે. એટલા માટે અમે નોન-સ્ટોપ હરિયાણા કહ્યું છે. અમે હરિયાણાને નોન સ્ટોપ સેવા આપીએ છીએ, એમ તેમણે કહ્યું હતું.

GMDC ખાતે ડોમ ઉતારતી વખતે મોટી દુર્ઘટના, 9 શ્રમિકો દટાયા

અમદાવાદ: થોડા સમય પહેલા શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે હવે GMDC ગ્રાઉન્ડથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસ વખતે અહીં તૈયાર કરાયેલા જર્મન ડોમને હવે ઉતારવામાં આવી રહ્યો હતો. ડોમ ઉતારતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ડોમ ઉતારતી વખતી ડોમ પડ્યો હતો, આ દુર્ઘટનામાં ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે PAL ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.

સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. ડોમ નીચે પડતા કેટલાક શ્રમિકો દટાયા હતા. આ દુર્ઘટનામાં 9 શ્રમિકોને ઈજા પહોંચી હતી. જેમાંથી 2 શ્રમિક અત્યંત ગંભીર હોવાની માહિતી સામે આવી રહી છે. ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. શ્રમિકો લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું. ઘટના સમયે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે બની હતી.  જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.

ભાજપના પૂર્વ કેબીનેટ મંત્રી જવાહર ચાવડાના વધુ એક પત્રથી ખળભળાટ

જૂનાગઢ: ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ સામે ફરી એકવાર જવાહર ચાવડાએ સવાલ ઉઠાવ્યા છે. સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદીને સંબોધીને ફરી જવાહર ચાવડાએ લેટર વોર શરૂ કર્યું છે. તેમણે લેટર પોસ્ટ કરીને જૂનાગઢમાં કમલમ કાર્યાલય બનાવવા માટે તમામ શરતોનો ભંગ કરાયો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. બિનખેતી જમીન કરાવ્યા બાદ નિયમો તોડીને કાર્યાલય બનાવવામાં આવ્યું હોવાનો તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે.

જવાહર ચાવડા 2017માં જયારે કોંગ્રેસમાં હતા, ત્યારે કાર્યાલય ગેરકાયદે હોવાનો પત્ર લખ્યો હતો. ત્યારે હવે 2017ના પત્રને ફરીથી પોસ્ટ કરીને PM મોદીને ટાંકીને ફરિયાદ કરી છે. મહત્ત્વનું છે કે વર્ષ 2017માં કિરીટ પટેલ જિલ્લા પ્રમુખ તરીકે કાર્યરત હતા. 8 માર્ચ 2019એ જવાહર ચાવડા ભાજપમાં જોડાયા હતા.

જવાહર ચાવડાએ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને આડેહાથ લીધા હતા. તેમણે PM મોદીને ટાંકીને લખેલા પત્રમાં કિરીટ પટેલ પર હોદ્દાનો દુરુપયોગ કરીને સત્તાલાલસામાં રાચતા હોવાનો સણસણતો આરોપ લગાવ્યો હતો. પત્રમાં જવાહર ચાવડાએ લખ્યું હતું કે, કિરીટ પટેલે વોકળા ઉપર કરેલા દબાણને કારણે જ શહેરમાં પૂર આવ્યું. સાથે જ તેમણે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ એકસાથે 3 હોદ્દા ભોગવતા હોવાની પણ PMને રજૂઆત કરી હતી.

તિરુપતિ મંદિરના પ્રસાદમાં પ્રાણીજ ચરબીનો થયો ઉપયોગઃ CM ચંદ્રબાબુ

નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશના CM ચંદ્રબાબુ નાયડુએ અગાઉની YSR કોંગ્રેસની આગેવાનીવાળી સરકાર પર આરોપ લગાવ્યો હતો કે તેમના કાર્યકાળમાં તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિરમાંથી આપવામાં આવતા લાડુના ‘પ્રસાદ’ બનાવવામાં હલકી સામગ્રી અને પ્રામીઓની ચરબીનો ઉપયોગ થયો છે. તેમણે કહ્યું હતું કે જગન વહીવટી તંત્રએ તિરુપતિના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કર્યો હતો.

તેમને શરમ આવવી જોઈએ કે કરોડો ભક્તોની ધાર્મિક ભાવનાઓનું સન્માન નહીં કરી શક્યા, એમ તેમણે કહ્યું હતું. જોકે YSR જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી કોંગ્રેસે આ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે. YSR કોંગ્રેસ પાર્ટીએ આ આરોપોને નકારી કાઢ્યા છે અને તેને પાયાવિહોણા અને દુર્ભાવનાપૂર્ણ ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે જો સાબિત થઈ ગયું છે કે ચંદ્રબાબુ નાયડુ રાજકીય લાભ માટે કોઈ પણ સ્તરે નીચે ઊતરી શકે છે. પ્રસાદ સંબંધે ભગવાન સમક્ષ સોગંધ લેવા પણ હું તૈયાર છું, એમ તેમણે કહ્યું હતું.

CM ચંદ્રબાબુ નાયડુએ ધ્યાન દોર્યું હતું કે કે કેવી રીતે YSR કોંગ્રેસના શાસનમાં મંદિરની પવિત્રતામાં ઘટાડો થયો છે. મંદિર ‘અન્નદાનમ’ (મંદિરમાં પીરસવામાં આવતું મફત ભોજન) સાથે ચેડાં કરવામાં આવ્યા હતા અને તિરુમાલા લાડુમાં ઘીને બદલે પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે હવે એની ગુણવત્તામાં સુધારો કરવામાં આવ્યો છે, એમ તેમણે કહ્યું હતું.

આ મંદિર તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના શાસન હેઠળ આવે છે. ગઈ ચૂંટણીમાં જનસેના અને ભાજપ સાથે ગઠબંધનમાં TDPની આગેવાની હેઠળની સરકાર સત્તામાં આવી હતી. બુધવારે NDA પાર્ટીની બેઠકમાં ચંદ્રબાબુ નાયડુએ અગાઉની સરકાર પર આ ગંભીર આરોપો લગાવ્યા હતા.

આ મડાગાંઠે અતિશય ધાર્મિક મહત્વ ધરાવતા તિરુમાલા મંદિરની પવિત્રતા અને વહીવટ અંગે ચર્ચા જગાવી છે. નાયડુના દાવાઓએ ભક્તોમાં ચિંતા પેદા કરી છે, મંદિરની પવિત્રતા અને તેના પ્રસાદની અખંડિતતા પર પ્રશ્નો ઊભા કર્યા છે.

સેન્સેક્સ રેકોર્ડ હાઈ લેવલ પર, નિફ્ટી પહેલી વખત 25,500ને પાર

મુંબઈ: અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં 0.50 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત સાથે જ ઈક્વિટી માર્કેટમાં પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે. એશિયન બજારોમાં આકર્ષક તેજી જોવા મળી છે. ભારતીય શેરબજાર પણ નવી રેકોર્ડ ટોચ સાથે આગેકૂચ કરી રહ્યા છે. સેન્સેક્સ 825.38 પોઈન્ટ ઉછળી 83,773.61ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી પણ 25,600ના સ્તર પર પહોંચતા આજે ફરી નવી સર્વોચ્ચ સપાટી પાર કરી છે. સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ હાઈ પર ખુલ્યા છે.સેન્સેક્સના 30 શેરોમાંથી 29 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને માત્ર એક શેરમાં ઘટાડો છે. BSE સેન્સેક્સના શેરમાં જબરદસ્ત ઉછાળાથી રોકાણકારો ઉત્સાહિત છે.  નિફ્ટી50ના 34 શેર્સ ગ્રીન ઝોનમાં જ્યારે 16 શેર્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. એશિયન શેરબજારોમાં તેજી જોવા મળી છે. બીજી તરફ યુરોપિયન અને અમેરિકન માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો.જેરોમ પોવેલે અમેરિકાની અર્થવ્યવસ્થા મુદ્દે સકારાત્મક વલણ રહેવાનો સંકેત આપ્યો છે. જેના પગલે આઈટી અને ટેક્નો શેર્સમાં તેજી જોવા મળી શકે છે. વ્યાજના દરોમાં ચાર વર્ષ બાદ ઘટાડો કરવામાં આવતાં ડોલર નબળો પડ્યો છે. પરિણામે સ્થાનિક બજારમાં વિદેશી રોકાણ વધવાનો આશાવાદ છે.

નવદીપસિંહની આભને આંબતી સિદ્ધિ

સેક દિવસ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય પેરાલિમ્પ્કિ્સ હીરોઝ સાથે એમના નિવાસસ્થાને મુલાકાત કરી. આ દરમિયાન જેવેલિન એથ્લિટ નવદીપ સિંહ સાથે એમનો વિડિયો વાયરલ થયો. વિડિયોમાં દેખાય છે કે પીએમ મોદીજી જમીન પર બેઠા છે, નવદીપ એમને એક ટોપી પહેરાવી રહ્યા છે. તે પછી બન્ને ખૂબ ગપ્પાં મારે છે. 2000ની 11 નવેમ્બરે જન્મેલા, માત્ર ચાર ફૂટ ચાર ઈંચ હાઈટ ધરાવતા નવદીપે ભાલાફેંકમાં નીરજ ચોપરાને સફળતા મેળવતા જોઈને ઓલિમ્પિક્સમાં જવાનો નિર્ધાર કર્યો. પણ માત્ર નિર્ધાર કરવાથી કંઈ થતું નથી. આ માટે તનતોડ મહેનત કરવી પડે, તપ કરવું પડે. અને નવદીપની મહેનત, તપસ્યા ફળી એણે ભારતને પૅરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ અપાવ્યો.

થોડાં વર્ષ પહેલાં માલ્કમ ગ્લેડવેલ થો નામના લેખકનું ‘આઉટલાયર્સ’ નામનું પુસ્તક વિશ્વપ્રસિદ્ધ થયું હતું. આ પુસ્તકમાં લેખકે વિવિધ ક્ષેત્રના સફ્ળ મહાપુરુષોના જીવનનો અભ્યાસ કરીને એમની સફ્ળતાનું રહસ્ય એક વાક્યમાં દર્શાવતાં કહેલું કે આ માટે ટેન થાઉઝન્ડ અવર્સ રુલ લાગુ કરો. અર્થાત્ તમે જે પણ ક્ષેત્રમાં હો, જે કંઈ કામ કરતા હો, એમાં ટોપ પર પહોંચવું હોય તો ૧૦ હજાર કલાક સુધી પ્રૅક્ટિસ કરો.

આ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે સંગીતકારો, બાસ્કેટબૉલ-પ્લેયર્સ, આઈસ સ્કેટર્સ, પિયાનિસ્ટ, ચેસ પ્લેયર્સ કે પછી (આમ તો જરા વિચિત્ર લાગે) માસ્ટર ક્રિમિનલ્સ… જે કોઈ પોતપોતાના ક્ષેત્રમાં એક્સપર્ટ્સ છે તેમણે પોતાના ક્ષેત્રમાં દસ હજાર કલાકથી વધારે મહેનત કરી છે.

માણસ પાસે ગમે તેવી કળા હોય, જન્મજાત આવડત હોય પરંતુ કોઈ વ્યક્તિ રાતોરાત સફ્ળતાના શિખરે પહોંચી શકતી નથી. એ માટે લાંબા સમય સુધીની એક નિશ્ચિત દિશામાં કરેલી સાધનાની જરૂર છે.

પુરાણમાં ઋષિમુનિઓનાં તપ, એમની સાધનાના, તપસ્યાના ઉલ્લેખ મળે છે. કોઈ પ્રભુપ્રાપ્તિ માટે એક પગે ઊભા રહી તપ કરે છે. આધુનિક સમયમાં હિમાલય કે જંગલમાં ગયા વગર પણ ધ્યેયપ્રાપ્તિ માટે સાધના કરી શકાય.

વિદ્યાનગરમાં ગણિતના રેંગ્લર ડૉ. એન. એમ. શાહને પૂછવામાં આવ્યું કે, “આપની સફ્ળતાનું રહસ્ય શું છે”? ઉત્તરમાં તેમણે જણાવ્યું, “20 વર્ષ સુધી સતત દિવસના ૧૮ કલાકની તપસ્યા. રવિવાર નહીં, રજા નહીં, ક્યાંય ફવા જવાનું નહીં”.

વિશ્વપ્રસિદ્ધ મ્યુઝિક કમ્પોઝર બિથોવનને એમની સિદ્ધિ વિશે પૂછતાં એ કહે છે કે “ચાળીસ વર્ષ સુધી રોજના આઠ કલાકની સાધના”.

મહાભારતમાં વિદુરનીતિની અંદર એક બહુ જ શાણપણભરી વાત કરવામાં આવી છે. દિવસે એવું કામ કરવું કે રાત્રે સૂવા જઈએ ત્યારે આપણને સંતોષ હોય, વર્ષના આઠ મહિના એવું કામ કરવું કે પછીના ચાર મહિના આપણને સંતોષ હોય. જીવનની આગલી અવસ્થામાં એવું કામ કરવું કે જ્યારે આપણે ઘરડા થઈએ ત્યારે સંતોષ હોય અને જીવીએ છીએ ત્યાં સુધીમાં એવું કામ કરી લેવું કે મર્યા પછી સંતોષ હોય. વિદુરજીનો આ સંદેશ દૂરંદેશિતા સાથે સખત પુરુષાર્થની પ્રેરણા આપે છે.

એક વખત પ્રમુખસ્વામી મહારાજે સહજતાથી કહ્યું હતું કે કોઈનું અહિત થાય તેવો વિચાર મને ક્યારેય આવ્યો નથી. અનુભવી, સદાચારથી સંપન્ન અને વિશુદ્ધ આશય ધરાવતા પ્રમુખસ્વામી મહારાજના સઘન ઉદ્યમથી અનેકનાં જીવન ઉન્નત થયાં છે. કોઈ વ્યસનોની ચુંગાલમાંથી છૂટ્યા તો કોઈ સ્વભાવોની કેદમાંથી મુક્ત થયા છે. કેટલાંય ભાંગેલાં હૈયાંમાં નવું જોમ ભરાયું છે, તો કેટલાયે તૂટેલા પરિવારોની તિરાડો સંધાઈ છે. વ્યક્તિગત, પારિવારિક, સામાજિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે તેઓના સંદેશ સંજીવની સમાન પુરવાર થયા છે. આ ફળશ્રુતિનું કારણ તેમણે કરેલો સખત પરિશ્રમ અને સતત કરેલી મહેનત.

આપણે પણ મહાપુરુષોનાં જીવનમાંથી કંઈ શીખીએ અને મૂલ્યનિષ્ઠા સાથે પ્રબળ પુરુષાર્થ કરવાનો સંકલ્પ કરીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

કબીરવાણી: આબરૂ, આદર અને સ્નેહ જાળવી રાખો

આબ ગયા આદર ગયા, નૈનન ગયા સનેહ,
યહ તીનોં તબહી ગયે, જબહિં કહા કછુ દેહ

 

વિજ્ઞાન અને ટેક્નોલૉજીના યુગમાં ભૌતિક સંપત્તિમાં અવશ્ય વધારો થયો છે. માનવીય સંબંધોમાં ખાસ કરીને મિત્રતામાં જ્યારે અપેક્ષાઓ વધી જાય છે ત્યારે અરસપરસની લાગણીઓને ધક્કો લાગે છે. જે વ્યક્તિ પ્રત્યે મિત્ર કે સંબંધીને માન હોય, ઈજ્જત હોય, સ્નેહ હોય તેના તરફથી કાંઈ માગણી થાય તો સામાપક્ષે સંકોચ થાય કે નારાજગી થાય.

માગવાવાળાએ હંમેશાં આભારના ભાર તળે દબાવું પડે છે. આથી તેની પ્રત્યે જે આબરૂ, આદર અને સ્નેહ હોય તેમાં ઘટાડો થાય છે.

બલિરાજા પાસે ભિક્ષુકરૂપે આવતાં ભગવાને પણ વામનરૂપ ધારણ કરવું પડે છે. સાદું જીવન અને ઉચ્ચ વિચાર હોય તો માગવાનો પ્રસંગ જવલ્લે જ આવે છે. કબીરજીનું જીવન ગરીબીમાં પસાર થયું પણ ભૂખ્યા રહીને પણ તેમણે અને તેમનાં પત્ની લોઈએ આગંતુકોને જમાડ્યા. તેથી કબીરજીએ પ્રભુપ્રાર્થના કરી કે, “ સાંઈ ઈતના દીજીયે, મેં ભી ભૂખા ના રહું, સાધુ ન ભૂખા જાય.”

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)