Home Blog Page 594

રવાના પેનકેક

ક્યારેક શાક રોટલી બનાવવાનો કંટાળો આવતો હોય ત્યારે રવાના પેનકેક બનાવી શકાય!

સામગ્રીઃ

  • રવો 1 કપ
  • દહીં 2 ટે.સ્પૂન
  • પાણી 1 કપ
  • પૌઆ 1 ટે.સ્પૂન
  • ચણાની દાળ ½ ટી.સ્પૂન
  • અળદની દાળ ½ ટી.સ્પૂન
  • લીલું મરચું 1
  • બટેટા 1
  • રાઈ ½ ટી.સ્પૂન
  • જીરૂ ½ ટી.સ્પૂન
  • તેલ
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • લીંબુનો રસ 1 ટે.સ્પૂન
  • કળી પત્તાના પાન 4-5
  • હળદર ¼ ટી.સ્પૂન
  • ધાણાજીરૂ ¼ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • સમારેલી કોથમીર ½ કપ
  • શેઝવાન ચટણી અથવા લસણની ચટણી 1 ટે.સ્પૂન

રીતઃ રવામાં દહીં મેળવીને તેમજ 1 કપ પાણી મેળવીને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દો.

એક પેનમાં 1 ટે.સ્પૂન તેલ ગરમ કરી રાઈ તેમજ જીરાનો વઘાર કરીને ચણાની તેમજ અળદની દાળ તેમાં સાંતળો. ત્યારબાદ તેમાં પૌઆ ઉમેરી દો. લીલું મરચું તેમજ કળી પત્તાના પાન સમારીને ઉમેરો.

બટેટાને જાડી છીણીથી છીણી લઈ આ વઘારમાં ઉમેરી પેન ઢાંકીને 1-2 મિનિટ બટેટાને ચઢવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી દો. અને સમારેલી કોથમીર અને સ્વાદ મુજબ મીઠું તેમજ શેઝવાન ચટણી તેમાં ભેળવી દો.

પલાળેલો રવો 10 મિનિટ બાદ લઈ તેમાં બટેટાનું મિશ્રણ મેળવી દો. લીંબુનો રસ તેમજ સ્વાદ મુજબ મીઠું મેળવી લો.

એક વઘારીયું લો અથવા પેન લો. તેમાં 1 ચમચી તેલ ગરમ કરી જીરૂ થોડું વઘારીને રવાના મિશ્રણમાંથી એક કળછી ખીરું લઈ આ વઘાર ઉપર હળવેથી રેડી દો. ગેસની આંચ ધીમી કરી દો. એકાદ મિનિટ બાદ આ પેનકેક નીચેથી ક્રિસ્પી તેમજ સોનેરી રંગના દેખાય એટલે ઉથલાવીને બીજી બાજુ પણ સોનેરી રંગની શેલો ફ્રાય કરી લો. આ રીતે બધા પેનકેક તૈયાર કરી લો.

આ પેનકેક લીલી ચટણી અથવા ટોમેટો કેચ-અપ સાથે પીરસો.

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫

પંચાંગ 20/09/2025

બે જોલી મળીને વાર્તાને ન્યાય કરે છે ખરા?

સુભાષ કપૂર પોતે દિલ્હીમાં પત્રકારત્વ કરતા ત્યારે એમનું ક્ષેત્ર હતું રાજકારણ અને કોર્ટ-કચેરી. નોકરીની ફરજ રૂપે એમને કોર્ટમાં જવાનું થતું. સાથે કથા-પટકથા લખતા, શોર્ટ ફિલ્મ બનાવતા. 2007માં પહેલી ફિલ્મ આવીઃ ‘સે સલામ ઈન્ડિયા’. જો કે આ સ્પોર્ટ્સ ડ્રામાને બોક્સ ઓફિસ પર ભાગ્યે જ કોઈએ સલામ ભરી.

એ પછીના વર્ષે અમેરિકાના પગલે વૈશ્વિક આર્થિક મંદી ફેલાઈ. અમેરિકા સેટલ થવાનું ગાંડપણ ત્યારે ચરમસીમાએ હતું, પણ અમુક આર્થિક કૌભાંડના લીધે પરિસ્થિતિ ડામાડોળ હતી. અંગત અનુભવ તથા અમેરિકાની મંદીની પૃષ્ઠભૂમાં સુભાષજીએ કથા-પટકથા લખી ને એમ આપણને મળી ‘ફઁસ ગયે રે ઓબામા’ (2010). સંજય મિશ્રા-રજત કપૂર-નેહા ધુપિયા-મનુ રિશી-અમોલ ગુપ્તેને ચમકાવતી આ કોમેડી ફિલ્મ સારી ચાલી. ત્યાર પછી દિલ્હીમાં એક ચકચારભરેલા કારઅકસ્માતને સાંકળી લઈ 2013માં બનાવી ‘જોલી એલએલબી’. અરશદ વારસી, બમન ઈરાની અને સૌરભ શુક્લાને ચમકાવતી આ ફિલ્મ ધૂમ ચાલી. આનાથી પોરસાઈને સુભાષજીએ 2017માં ‘જોલી એલએલબી પાર્ટ ટુ’ બનાવ્યો, જેમાં ઉત્તર પ્રદેશમાં થયેલા પોલીસ એન્કાઉન્ટરને પડકારતા વકીલ જોલીની વાત હતી. આમાં ફરક એટલો કે જોલી અક્ષયકુમાર હતો અને બમન ઈરાનીની જગ્યાએ આવ્યા અનુ કપૂર.

કટુ રાજકીય વ્યંગ પર કોમેડીનું મધમીઠું પડ ચડાવીને રજૂ કરવામાં માહેર સુભાષ હવે ત્રીજા હફ્તા સાથે હાજર છે. ફિલ્મની પ્રેરણા છેઃ 2011માં ઉત્તર પ્રદેશમાં ગ્રેટર નોઈડાના ભટ્ટા-પરસૌલ ખાતે જમીન અધિગ્રહણ વિરુદ્ધ ઉગ્ર બનેલું ખેડૂતઆંદોલન. વિકાસની રાજનીતિના પ્રવાહને મંદ પાડી દેતા આ આંદોલન અને એની પાછળ ખેલાયેલી રાજનીતિ, વગેરેને આવરી સુભાષજીએ કથા-પટકથા લખી. લીગલ કોમેડીના આ ત્રીજા હફ્તામાં લેખક-દિગ્દર્શક આપણને એક ટિકિટના પૈસામાં બે જોલી આપે છેઃ જગદીશ્વર મિશ્રા (અક્ષય કુમાર) અને જગદીશ ત્યાગી (અર્શદ વારસી).

મધ્યાંતર પહેલાં ફિલ્મ, દિલ્હીની લોઅર કોર્ટમાં અસલી જોલી સાબિત કરવાની બાધાબાધીથી ધીમી ગતિએ આગળ વધતી રહે છે. મધ્યાંતર બાદ, ફિલ્મની શરૂઆતમાં જ અંદેશો મળી જાય છે એમ, બંને જોલી એક થઈ જાય છે. એમના ક્લાયન્ટ છેઃ બિકાનેર નજીકના ગામડાના ગરીબ ખેડૂતો, જેમની જમીન કાવાદાવાથી હડપ કરી લેવામાં આવી છે. આ જ ગામના એક ખેડૂત અને તેની પુત્રવધૂની આત્મહત્યા વાર્તામાં વળાંક લાવે છે. કુટંબની વૃદ્ધ સ્ત્રી (સીમા બિસ્વાસ), બે બકરી, સ્ટીલનું પવાલું અને અડગ ઈરાદા સાથે ન્યાય મેળવવા દિલ્હી આવે છે, સવાલ એ છે કે શું બંને જોલી એને તથા અન્ય ખેડૂતોને ન્યાય અપાવી શકશે? કેમ કે સામે છેઃ ખેડૂતોની સેંકડો એકરનાં ખેતરો પર કાર-રેસ-સરકીટ બનાવવા માગતા માથાભારે, વગદાર ધનાઢ્ય હરિભાઈ ખૈતાન (ગજરાજ રાવ), એનો ભેજાબાજ લોયર વિક્રમ (રામ કપૂર).

ફિલ્મની મુશ્કેલી એ છે કે વેરવિખેર વાર્તાસંધાન ફિલ્મને એના લક્ષ્ય સુધી પહોચવા દેતું નથી. બે જોલીની ધીમી ગતિની અથડામણ વાર્તાને એવી ભારે બનાવી દે છે કે અઢી કલાકની ફિલ્મ શરૂઆતથી લાંબી લાગવા માંડે છે. રાજકીય કટાક્ષ, ખેડૂતોના પ્રશ્નો અને સમાજનાં ડબલ સ્ટાન્ડર્ડ પર ટિપ્પણીનું બેલેન્સિંગ કરવાના પ્રયાસમાં લેખક-દિગ્દર્શક સુભાષજી સુંદરલાલ ત્રિપાઠીને (સૌરભ શુક્લાને) જરા વધારે મહત્વ આપી બેઠા. આ વખતે ત્રિપાઠી ડેટિંગ-એપ અને સ્વાઈપ-રાઈટમાં મસ્ત છે. કોર્ટની તારીખથી વિશેષ ડેટનું મહત્વ સમજી ગયેલા વિધુર ત્રિપાઠી વરિષ્ઠ મહિલા પોલીસ અધિકારી (શિલ્પા શુક્લા) સાથે રમૂજી દ્રશ્યો ભજવે છે, પણ એક તબક્કે દ્રશ્યો બાલિશ લાગે છે. બન્ને જોલીની પત્ની- હુમા કુરેશી અને અમૃતા રાવ સદંતર વેડફાયાં છે. એમને માત્ર રાખવા ખાતર રાખવામાં આવી છે.

સુભાષ કપૂર ખેડૂતની બાજુ માંડે છે, પણ એમનામાં રહેલો પત્રકાર કિસાન-વિરોધી મૂડીવાદી અવાજને પણ સ્થાન આપે છે. કોર્પોરેટ સાથે સાઠગાંઠ ધરાવતા થિંક-ટેંક કલ્ચરને પણ એમણે બે-ચાર લગાવી છે. આને લીધે અમુક સમયે ફિલ્મ વર્બોસ, ઉપદેશાત્મક બીન જાય છે.

જો કે ફિલ્મ ખરાબ નથી. બે જોલી, હાંસિયામાં ધકેલાઈ ગયેલા ખેડૂતને મળતી વાચા, કોમેડી, સશક્ત અભિનય, વગેરે માણવા જોલી ‘એલએલબી-3’ જોઈ શકાય.

ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, 474 રાજકીય પક્ષોની નોંધણી રદ કરી

ચૂંટણી પંચે માન્યતા પ્રાપ્ત ન હોય તેવા રજિસ્ટર્ડ પક્ષો સામે મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે આવા 474 રાજકીય પક્ષોની નોંધણી રદ કરી છે. અગાઉ, ઓગસ્ટમાં, ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી, 334 પક્ષોની નોંધણી રદ કરી. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 મુજબ, કોઈપણ રજિસ્ટર્ડ પક્ષે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવો જરૂરી છે. જો તે સતત છ વર્ષ સુધી ચૂંટણીમાં ભાગ ન લે તો તેનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે છે. ચૂંટણી પંચે આ નિયમ હેઠળ આ કાર્યવાહી કરી છે. આમ, ઓગસ્ટથી 808 પક્ષોની નોંધણી રદ કરવામાં આવી છે.

Election Commission of India (ECI). (File Photo: IANS)

નોંધાયેલ રાજકીય પક્ષને કર મુક્તિ સહિત અનેક છૂટછાટો મળે છે. જો કે, છેલ્લા છ વર્ષથી ચૂંટણી ન લડવા છતાં આ છૂટછાટોનો આનંદ માણતા પક્ષો સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજકીય પક્ષ નોંધણી માટેની માર્ગદર્શિકા અનુસાર, જો કોઈ પક્ષ છ વર્ષ સુધી ચૂંટણી ન લડે તો તેનું રજીસ્ટ્રેશન રદ કરી શકાય છે. 2019 થી, ચૂંટણી પંચ ચૂંટણી ન લડતા પક્ષો સામે કાર્યવાહી કરી રહ્યું છે. કાર્યવાહીનો પહેલો તબક્કો 9 ઓગસ્ટના રોજ લેવામાં આવ્યો હતો, ત્યારબાદ 18 સપ્ટેમ્બરના રોજ બીજો તબક્કો યોજાયો હતો. આમ, ફક્ત બે મહિનામાં, 808 રાજકીય પક્ષોની નોંધણી રદ કરવામાં આવી છે.

આ ઉપરાંત, 359 અન્ય રાજકીય પક્ષો પણ રડાર પર છે, જેમણે છેલ્લા છ વર્ષમાં ચૂંટણી લડી છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી નાણાકીય ઓડિટ સબમિટ કર્યા નથી. ચૂંટણી પંચે જે પક્ષો સામે કાર્યવાહી કરી છે તે 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના છે. નોંધાયેલા પક્ષોની સૌથી વધુ સંખ્યા, 121, ઉત્તર પ્રદેશના હતા. વધુમાં, બિહારના 15, હરિયાણાના 17 અને મધ્યપ્રદેશના 23 પક્ષોએ પણ તેમની નોંધણી ગુમાવી દીધી છે. મહારાષ્ટ્રના 44 રાજકીય પક્ષોએ તેમની નોંધણી ગુમાવી દીધી છે, અને પંજાબના 21 પક્ષોએ તેમની નોંધણી ગુમાવી દીધી છે.

‘યા અલી’ ફેમ સિંગર ઝુબીન ગર્ગનું નિધન

આસામી ફિલ્મ ઉદ્યોગમાંથી ખરાબ સમાચાર આવ્યા છે, જેનાથી તેમના બધા ચાહકો ચોંકી ગયા છે. પ્રખ્યાત આસામી ગાયિકા ઝુબીન ગર્ગનું અવસાન થયું છે. થોડા સમય પહેલા એવું અહેવાલ આવ્યું હતું કે તેઓ ઉત્તરપૂર્વના એક ઉત્સવમાં ભાગ લેવા માટે સિંગાપોર ગયા હતા, જ્યાં તેમને એક દુ:ખદ સ્કુબા ડાઇવિંગ અકસ્માતનો ભોગ બનવું પડ્યું. ત્યારબાદ, ઝુબીન ગર્ગને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ઝુબીનના ચાહકો આ સમાચારથી ચોંકી ગયા છે, તેઓ દુર્ઘટના પર વિશ્વાસ કરી શકતા નથી. અકસ્માત બાદ, ઝુબીનને હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે નોર્થઈસ્ટ ફેસ્ટિવલમાં પરફોર્મ કરવાનો હતો.

સ્કુબા ડાઇવિંગ કરતી વખતે આ અકસ્માત થયો હતો

મીડિયા અહેવાલો દર્શાવે છે કે ઝુબીન સ્કુબા ડાઇવિંગ કરતી વખતે અકસ્માતમાં સંડોવાયેલો હતો. તેને બેભાન હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ડોકટરોએ ઝુબીનને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પરંતુ તેને બચાવી શકાયો નહીં. ઝુબીનની સફર વિશે વાત કરીએ તો, એક અપવાદરૂપ ગાયક હોવા ઉપરાંત, તે એક અભિનેતા અને લેખક પણ હતા. ૧૮ નવેમ્બર, ૧૯૭૨ના રોજ મેઘાલયમાં જન્મેલા ઝુબિને બંગાળી, હિન્દી, અંગ્રેજી, મલયાલમ, મરાઠી, મિસિંગ, નેપાળી, ઉડિયા અને સંસ્કૃત સહિત લગભગ ૬૦ ભાષાઓમાં ગાયું હતું.

કેશોદ એરપોર્ટ પર એડવાન્સ્ડ નેવિગેશનલ માળખું લગાવાશે

અમદાવાદ: કેશોદ એરપોર્ટ પર2500 મીટર રનવેનું વિસ્તરણ પૂર્ણ થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા એડવાન્સ્ડ નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લગાવાશે. માસ્ટર પ્લાન અને સ્કોપ ઑફ વર્ક અનુસાર, કેશોદ એરપોર્ટ માટે ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS), CAT – I એપ્રોચ લાઇટનિંગ સિસ્ટમ અને DVORની જોગવાઈ ધ્યાનમાં લેવામાં આવી છે.

આ માહિતી નાગરિક ઉડ્ડયનમંત્રી રામમોહન નાયડુ કિંજરપુએ રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીને પત્રના માધ્યમથી આપવામાં આવી હતી. પરિમલ નથવાણીએ કેશોદ એરપોર્ટ પર વારંવાર ફ્લાઇટ રદ થવાના મુદ્દે નાગરિક ઉડ્ડયન મંત્રીનું ધ્યાન દોરતો પત્ર લખ્યો હતો. રનવેની હાલ લંબાઈ 1300 મીટર છે. જે 1800 મીટર હોવી જોઈએ.

પરિમલ નથવાણીએ કેશોદ એરપોર્ટ પર વારંવાર ફ્લાઇટ રદ થવાના મુદ્દે નાગરિક ઉડ્ડયન મંત્રીનું ધ્યાન દોરતો પત્ર લખ્યો હતો. તેમણે પોતાના પત્રમાં હવામાન સંબંધિત સમસ્યાઓ, ખાસ કરીને વહેલી સવારના ધુમ્મસ અને ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS) સહિત અપૂરતા નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ફ્લાઇટ્સ વારંવાર રદ થવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે પત્રમાં લખ્યું હતું કે વારંવાર ફ્લાઇટ્સ રદ થવાથી વિઘ્ન ઊભું થાય છે, જેના કારણે રીજનલ રૂટ ડેવલપમેન્ટનો હેતુ નિષ્ફળ જાય છે. એશિયાટીક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગિર રાષ્ટ્રીય ઉદ્યાન અને ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ સોમનાથમાં આવતા મુલાકાતીઓની સુગમતા માટે કેશોદ એરપોર્ટનું નવિનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ વારંવાર ફ્લાઇટ્સ રદ થવાને કારણે આ હેતુ બર આવતો નથી.

રનવે વિસ્તરણ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. ૧૯૦.૫૬ કરોડ છે અને પ્રોજેક્ટ પૂર્ણ થવાની સમયમર્યાદા ૧૮ મહિના નક્કી કરવામાં આવી છે અને પૂર્ણ થવાની અંદાજિત તારીખ જાન્યુઆરી ૨૦૨૭ છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કેશોદ એરપોર્ટનો વિકાસ રૂ. ૩૬૪ કરોડના અંદાજિત ખર્ચ સાથે કરવામાં આવશે, જેમાં રૂ. ૧૪૨.૧૭ કરોડના ખર્ચે નવા ટર્મિનલ બિલ્ડિંગનું બાંધકામ સામેલ છે. ૬,૫૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલું આ નવું ટર્મિનલ બિલ્ડિંગ એકસાથે ૪૦૦ ડિપાર્ટિંગ અને ૪૦૦ અરાઇવિંગ મુસાફરોને હેન્ડલ કરવા માટે ડિઝાઇન કરાયું છે.

PM ભાવનગરની મુલાકાતે, 26 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 20 સપ્ટેમ્બર, 2025ના રોજ ભાવનગરની મુલાકાતે આવવાના છે. તેઓ અહીં આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ 66,025 કરોડ રૂપિયાના MoUsનું રિમોટ બટન દબાવીને લોકાર્પણ કરશે. જેમાં બંદરો અને શિપિંગ સંબંધિત 21 એમઓયુનો સમાવેશ થાય છે. આ સાથે જ, પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે 7,870 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.ઉપરાંત ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ રાજ્યની જનતા માટે 26,354 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. આમ, કુલ મળીને વડાપ્રધાન મોદી ભાવનગર ખાતેથી 1 લાખ કરોડથી વધુની કિંમતના વિકાસ કાર્યોની ભારતની જનતાને ભેટ આપશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ પણ ઉપસ્થિત રહેશે.ભારત સરકારના મંત્રાલયો હેઠળના કેટલાક મહત્વપૂર્ણ વિકાસકાર્યોમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળ 4700 કરોડના ખર્ચે છારા બંદર પર નિર્મિત HPLNG LNG રિગેસિફિકેશન ટર્મિનલનું અને 5894 કરોડના ખર્ચે વડોદરાની ગુજરાત રિફાઇનરી ખાતે નિર્મિત ઇન્ડિયન ઓઇલના એક્રેલિક/ઓક્સો-આલ્કોહોલ પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય હેઠળ ₹1500 કરોડના ખર્ચે સુરેન્દ્રનગરમાં નિર્મિત 280 મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું અને ₹1660 કરોડના ખર્ચે ગુજરાતના અમરેલી, અમદાવાદ, બનાસકાંઠા, ભાવનગર, જામનગર, જૂનાગઢ, કચ્છ, મહેસાણા, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ અને બોટાદ એમ 17 જિલ્લાઓમાં પીએમ કુસુમ યોજના અંતર્ગત 475 મેગાવોટના લગભગ 172 ડિસેન્ટ્રલાઇઝ્ડ સોલાર પાવર પ્લાન્ટ્સના લોકાર્પણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેઓ કોલસા મંત્રાલય હેઠળ કરોડોના ખર્ચે તૈયાર થનારા વિવિધ વિંડ અને સોલાર પાવર પ્રોજેક્ટ્સ તેમજ રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય હેઠળ વિવિધ રોડ-રસ્તાઓના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરશે.

યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના હેઠળ ધોરડો ગામના 100% રહેણાંક હેતુના વીજજોડાણોનું સોલરાઇઝેશન થયું છે, જેનાથી સોલાર રૂફટોપની રાજ્યની ક્ષમતામાં વધારો થશે તથા ધોરડોના રહેણાંક ઘરો પોતાની વીજળી ઉત્પન્ન કરવા માટે સક્ષમ બનશે. વડાપ્રધાનશ્રી 20 સપ્ટેમ્બર, 2025ના રોજ ભાવનગરના કાર્યક્રમમાં સૌર ઊર્જા સંચાલિત ધોરડો ગામનું લોકાર્પણ કરશે.

દિશા પટનીના ફાયરિંગ કેસના પાંચમા આરોપીનું એન્કાઉન્ટર

બરેલી પોલીસે શાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીના ઘરે ગોળીબાર કરવાના કાવતરામાં સામેલ પાંચમા શંકાસ્પદની ધરપકડ કરી. શુક્રવારે મોડી રાત્રે, બિહારીપુર નદીના પુલ પાસે પોલીસ અને ગુનેગારો વચ્ચે ગોળીબાર થયો, જેમાં બિયાવર જિલ્લા (રાજસ્થાન)ના જૈતરન પોલીસ સ્ટેશનના બેડકાલાનો રહેવાસી 19 વર્ષીય રામનિવાસ ઉર્ફે દીપક ઉર્ફે દીપુ ગોળી મારીને ઘાયલ થયો. આરોપી માટે 25,000 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું.

પોલીસે તેના કબજામાંથી 32 બોરની પિસ્તોલ, ચાર જીવતા અને ચાર ખાલી કારતૂસ જપ્ત કર્યા. સોનીપત જિલ્લાના બાડી પોલીસ સ્ટેશનના રાજપુરના રહેવાસી સતીશના પુત્ર અનિલની પણ ઘટનાસ્થળેથી ધરપકડ કરવામાં આવી, તેની સાથે .315 બોરની પિસ્તોલ, બે જીવતા અને ચાર ખાલી કારતૂસ પણ હતા. બંને આરોપીઓ નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર પ્લસ બાઇક ચલાવી રહ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ગુનેગારોએ દિશા પટણીના ઘરે ગોળીબારની ઘટનાની રેકી કરી હતી અને તેઓ સતત સક્રિય હતા. શાહી પોલીસ સ્ટેશન અને SWAT ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને તેમને ઘેરી લીધા હતા. એન્કાઉન્ટર બાદ, ઘાયલ આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે ગેંગના અન્ય સભ્યોની શોધ ચાલુ છે. આરોપીનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે જાહેર કરે છે કે તે ક્યારેય ઉત્તર પ્રદેશ પાછો નહીં ફરે.

દિલ્હી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં લહેરાયો ભગવોઃ શાહે આપી શુભેચ્છા

નવી દિલ્હી: દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ (DUSU) ચૂંટણી 2025માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ શાનદાર જીત મેળવી છે. DUSUની કેન્દ્રીય પેનલની ચારમાંથી ત્રણ બેઠકો પર ABVPએ પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું છે, જ્યારે ભારતીય રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘ (NSUI)ને ફક્ત એક બેઠકથી સંતોષ માનવો પડ્યો છે.

DUSU ચૂંટણી 2025માં કુલ 1,53,100 નોંધાયેલા મતદાતાઓમાંથી 60,272 વિદ્યાર્થીઓએ મતદાન કર્યું હતું. મતદાન ટકાવારી 39.36 ટકા રહી હતી. આ વખતે કુલ 21 ઉમેદવારોએ પોતાની કિસ્મત અજમાવી હતી, પરંતુ મુખ્ય મુકાબલો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને કોંગ્રેસ સમર્થિત નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI) વચ્ચે જોવા મળ્યો હતો. દિલ્હી યુનિવર્સિટી ચૂંટણીમાં કોણ જીત્યા, કોણ હાર્યા

 

 પદ            ABVP ઉમેદવાર          NSUI ઉમેદવાર          

અધ્યક્ષ       આર્યન માન (જીત્યા)    જોશલિન નંદિતા ચૌધરી (હાર્યાં)

 ઉપાધ્યક્ષ     ગોવિંદ તંવર (હાર્યા)   રાહુલ ઝાંસલા (જીત્યા)        

 સચિવ         કુણાલ ચૌધરી (જીત્યા)  કબીર (હાર્યા)              

 સંયુક્ત સચિવ  દીપિકા ઝા (જીત્યા)    લવકુશ ભડાના (હાર્યા)         

 

DUSU ચૂંટણીમાં ABVPના કુણાલ ચૌધરીએ સચિવ પદ જીત્યું છે. તેમણે કહ્યું હતું કે મને દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘનો સચિવ તરીકે ચૂંટવામાં આવ્યો છે અને હું દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થી સમુદાયનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું હાથ જોડીને આપ સૌનો આભાર માનું છું અને આપ સૌને વિશ્વાસ અપાવું છું કે જ્યારે પણ કોઈને મારી જરૂર પડશે ત્યારે હું હંમેશાં તેમની સાથે ઊભો રહીશ.

ABVPની પ્રચંડ જીત પર અમિત શાહે આપી શુભેચ્છા


ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ABVPની પ્રચંડ જીત બદલ પરિષદના કાર્યકરોને શુભેચ્છા. આ જીત યુવાનોની રાષ્ટ્ર પ્રથમની વિચારધારા પર અડગ વિશ્વાસનું પ્રતિબિંબ છે. આ વિજય પરિષદની વિદ્યાર્થી શક્તિને રાષ્ટ્ર શક્તિમાં પરિવર્તિત કરવાની યાત્રાને વધુ ગતિ આપશે.