Home Blog Page 595

From journalism in USA to first film in India; actor Ojas Rawal shares his journey with Chitralekha.

બાનુ મુશ્તાકને દશેરા ઉત્સવમાં મુખ્ય અતિથિ બનાવાતાં વિવાદ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મૈસુર ચામુંડી મંદિરમાં દશેરા ઉત્સવના ઉદઘાટન માટે બાનુ મુશ્તાકને આમંત્રણ આપવાના કર્નાટક હાઇકોર્ટના ચુકાદાને પડકારતી અરજી ફગાવી કરી દીધી છે. અરજદાર તરફથી સિનિયર એડવોકેટ પી.બી. સુરેશે દલીલ કરી કે કોઈ ગેર-હિંદુ વ્યક્તિને પૂજા કરવાની પરવાનગી આપી શકાતી નથી. ત્યાર બાદ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે તેમના આ તર્કને ફગાવ્યો હતો. સુરેશે દલીલ કરી કે મંદિરમાં પૂજાને ધર્મનિરપેક્ષ કાર્ય માનવામાં આવી શકતું નથી. તેમણે કહ્યું હતું કે આ સંપૂર્ણપણે રાજકીય છે. કોઈ કારણ નથી કે તેમને ધાર્મિક ઉત્સવ માટે મંદિરમાં લાવવામાં આવે. જસ્ટિસ નાથે ફરી દોહરાવ્યું હતું કે અરજી ફગાવવામાં આવે છે.

આ પહેલાં અરજીમાં કહેવામાં આવ્યું છે કે ઉત્સવના શુભારંભના પ્રસંગે ચામુંડેશ્વરી મંદિરના ગર્ભગૃહમાં ગેર-હિંદુ ‘આગમિક પૂજા’ કરી શકતા નથી. બાનુ મુશ્તાક એક પ્રખ્યાત લેખિકા અને બુકર પુરસ્કારવિજેતા છે.

વકીલ સુઘોષ સુબ્રમણ્યમે CJI બી.આર. ગવઈની અધ્યક્ષતાવાળી પીઠ સમક્ષ કર્નાટક હાઇકોર્ટના તે આદેશ સામે તાત્કાલિક સુનાવણીની વિનંતી કરી, જેમાં 22 સપ્ટેમ્બરે દશેરા ઉત્સવના શુભારંભના પ્રસંગે મંદિરમાં એક મુસ્લિમ દ્વારા અનુષ્ઠાન કરવા સામે દાખલ અરજી ફગાવવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે આ હિંદુ રીતરિવાજોના વિરોધમાં હશે અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડશે.

અરજદાર એચ.એસ. ગૌરવે કહ્યું હતું કે ચામુંડેશ્વરી મંદિરમાં દશેરાનું ઉદઘાટન માત્ર એક ઔપચારિક કાર્યક્રમ નથી, પરંતુ એક પવિત્ર અનુષ્ઠાન છે જે દેવી ચામુંડેશ્વરીની ‘આગમિક પૂજા’થી શરૂ થાય છે, જે ઉદઘાટન કરનાર મહાનુભાવો દ્વારા કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે મુસ્લિમ દ્વારા આ પૂજા કરવામાં આવવાથી કર્નાટક તથા વિશ્વભરના લાખો હિંદુઓની લાગણીઓને ઠેસ પહોંચશે.

બાનુ મુશ્તાક કોણ છે?

62 વર્ષીય બાનુ મુશ્તાક એક કન્નડ લેખિકા, કાર્યકર તેમ જ ખેડૂત અને કન્નડ ભાષા આંદોલનનાં ભૂતપૂર્વ સભ્ય છે. મે, 2025માં તેઓ પોતાના લઘુકથા સંગ્રહ “એડેયા હનાટે (હાર્ટ લેમ્પ)” માટે આંતરરાષ્ટ્રીય બુકર એવોર્ડ જીતનાર પ્રથમ કન્નડ લેખિકા બન્યાં હતાં.  આ કૃતિનો અંગ્રેજીમાં અનુવાદ દીપા ભસ્થ દ્વારા કરવામાં આવ્યો હતો.

યુનિવર્સિટીમાં મહિલાઓ દ્વારા લખાયેલાં પુસ્તકો પર તાલિબાનનો પ્રતિબંધ

કાબુલઃ તાલિબાન સરકારે અફઘાનિસ્તાનની યુનિવર્સિટીના અભ્યાસક્રમમાંથી મહિલાઓ દ્વારા લખાયેલાં પુસ્તકો દૂર કર્યાં છે. નવા પ્રતિબંધ હેઠળ માનવ અધિકાર અને યૌન ઉત્પીડન સંબંધિત શિક્ષણને પણ ગેરકાયદે જાહેર કરવામાં આવ્યું છે.મહિલાઓ દ્વારા લખાયેલાં લગભગ 140 પુસ્તકો – જેમાં સેફ્ટી ઇન ધ કેમિકલ લેબોરેટરી જેવા શીર્ષક ધરાવતાં પુસ્તકો પણ સામેલ છે – તે 680 પુસ્તકોમાં સમાવિષ્ટ છે, જેને શરિયતવિરોધી અને તાલિબાનની નીતિઓ સામે “ચિંતાજનક” ગણવામાં આવી છે. યુનિવર્સિટીઓને જણાવી દેવામાં આવ્યું છે કે હવે તેમને 18 વિષયો ભણાવવાની પરવાનગી નહીં રહે. એક તાલિબાન અધિકારીએ કહ્યું હતું કે આ વિષયો શરિયતના સિદ્ધાંતો અને વ્યવસ્થાની નીતિઓના વિરોધમાં છે.

પુસ્તકોની સમીક્ષા કરનારી સમિતિના એક સભ્યે મહિલાઓ દ્વારા લખાયેલાં પુસ્તકો પર પ્રતિબંધની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે મહિલાઓ દ્વારા લખાયેલાં કોઈ પણ પુસ્તકો ભણાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.ઇન્ટરનેટ પર પ્રતિબંધ

લોકોને અનૈતિક વર્તનથી બચાવવા માટે તાલિબાન તરફથી ફાઇબર-ઓપ્ટિક ઈન્ટરનેટ સેવાઓ પર મુકાયેલો સંપૂર્ણ પ્રતિબંધ હવે અનેક પ્રાંતોમાં અમલમાં આવી ગયો છે. ઓગસ્ટ, 2021માં અમેરિકી દળોની પૂર્ણ પરત ફેરી પછી સત્તા કબજે કરનાર તાલિબાન દ્વારા પહેલી વાર આવો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેને કારણે સરકારી કચેરીઓ, ખાનગી દફતર, જાહેર સંસ્થાઓ અને ઘરો વાઈ-ફાઈ ઈન્ટરનેટ સેવાઓથી વંચિત થઈ ગયાં છે. જોકે દેશમાં મોબાઇલ ઈન્ટરનેટ સેવાઓ હજી ચાલુ છે.

અધિકારીઓનું કહેવું છે કે જરૂરિયાત પૂરી કરવા માટે વિકલ્પો શોધવામાં આવી રહ્યા છે. ઉત્તર બલ્ખ પ્રાંતે મંગળવારે વાઈ-ફાઈ ઈન્ટરનેટ સેવા બંધ થવાની પુષ્ટિ કરી હતી, જ્યારે દેશના અન્ય ભાગોમાં પણ ગંભીર વિક્ષેપની ખબર મળી છે.

પાકિસ્તાન ઘર જેવું લાગે છેઃ સેમ પિત્રોદાનું વિવાદાસ્પદ નિવેદન

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નજીકના મિત્ર અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સેમ પિત્રોદાના એક નિવેદનથી વિવાદ ઊભો થયો છે. એક ઇન્ટરવ્યુમાં સેમ પિત્રોદાએ નેપાળથી લઈને બાંગ્લાદેશ સુધી પ્રશંસા કરી હતી, પરંતુ એ સાથે જ પાકિસ્તાનનાં પણ ખૂબ વખાણ કર્યાં હતાં.

Jaipur: Congress leader Sam Pitroda addresses a press conference in Jaipur, on April 26, 2019. (Photo: Ravi Shankar Vyas/IANS)હું પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ ગયો છું અને દરેક જગ્યાએ મને ઘર જેવું લાગ્યું છે. મારા મતે અમારી વિદેશ નીતિએ સૌપ્રથમ પડોશીઓ પર ધ્યાન આપવું જોઈએ. શું અમે સાચે જ આપણા પડોશી દેશો સાથેના સંબંધોમાં સુધારો કરી શકીએ? મને ક્યારેય એવું લાગ્યું નથી કે હું કોઈ વિદેશી દેશમાં છું, એમ તેમણે કહ્યું હતું,

સેમ પિત્રોદાના આ નિવેદન બાદ સ્પષ્ટ છે કે કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. ભાજપ તો પહેલેથી જ કોંગ્રેસનાં દેશવિરોધી નિવેદનોને મુદ્દો બનાવતી આવી છે. હવે આ નવા નિવેદન બાદ ફરી એક વાર રાજકીય ઘર્ષણ નક્કી છે. સેમ પિત્રોદાએ આ પહેલી વાર કોંગ્રેસને મુશ્કેલીમાં નાખી નથી. એ પહેલાં પણ તેઓ ઘણી વાર વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે.

 સેમ પિત્રોદાના વિવાદિત નિવેદનો

ચીન પર નિવેદન: સેમ પિત્રોદાએ એક વખત કહ્યું હતું કે ચીનનો ખતરો ઘણી વાર વધારીને બતાવવામાં આવે છે. તેમણે સૂચન કર્યું હતું કે ભારતે ચીનને દુશ્મન માનવાનું બંધ કરવું જોઈએ અને સહકાર પર ધ્યાન આપવું જોઈએ.

વંશીય ટિપ્પણી: સેમ પિત્રોદાએ ભારતીય લોકોના રંગ-રૂપ અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ઉત્તર-પૂર્વના લોકો ચીની જેવા લાગે છે અને દક્ષિણના લોકો આફ્રિકન જેવા લાગે છે. આ નિવેદન પર પણ ભાજપે કોંગ્રેસને ઘેર્યું હતું.

પુલવામા હુમલો: સેમ પિત્રોદાએ પુલવામા હુમલા અંગે પણ વિવાદિત નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે આ હુમલામાં માત્ર આઠ લોકો સામેલ હતા.

રામ મંદિર: જૂન, 2023માં સેમ પિત્રોદાએ રામ મંદિર અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું, જે ચર્ચાનો વિષય બન્યું હતું.

મુંબઈમાં iPhone 17 ખરીદવા માટે લાંબી કતારોમાં ઉમટી લોકોની ભીડ

એપલે આજે 19 સપ્ટેમ્બરના રોજ ભારતમાં તેના iPhone 17 સિરીઝનું વેચાણ શરૂ કર્યું. મુંબઈના BKCમાં એપલ સ્ટોરની બહાર લાંબી કતારો જોવા મળી હતી.

ભારતમાં એપલની આઇફોન 17 સીરીઝ લોન્ચ થઈ ગઈ છે. લોકો આ ફોનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. શુક્રવાર, 19 સપ્ટેમ્બરના રોજ મુંબઈના બીકેસી જિયો સેન્ટર ખાતે એપલ સ્ટોરની બહાર લોન્ચ માટે મોટી ભીડ એકઠી થઈ ગઈ. અંધાધૂંધી સર્જાઈ, અને ઘણા લોકો એકબીજા સાથે ઝપાઝપી પણ કરી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

મુંબઈના BKC જિયો સેન્ટર ખાતે iPhone 17 સિરીઝના લોન્ચ માટે એપલ સ્ટોરની બહાર મોટી ભીડ એકઠી થઈ હતી. ભીડના કેટલાક સભ્યો વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેના કારણે સુરક્ષા કર્મચારીઓને દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી. આ ઝપાઝપીનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

સવારથી જ iPhone 17 ખરીદવા માટે લોકોની ભીડ લાઈનમાં લાગી હતી, અને ઘણા લોકો નવીનતમ ફોન મેળવવા માટે રાતભર રાહ જોતા હતા. Apple એ ભારતમાં આજથી તેની iPhone 17 શ્રેણીનું વેચાણ શરૂ કર્યું. એક ગ્રાહકે જણાવ્યું હતું કે, “મેં iPhone 17 Pro Max ખરીદ્યો, એક 256GB અને એક 1TB સાથે. હું મધ્યરાત્રિથી લાઈનમાં રાહ જોઈ રહ્યો હતો અને હવે મારી પાસે તે છે. તેમાં નવી સુવિધાઓ છે. નારંગી રંગ નવો છે.”

મુંબઈના બીકેસીમાં એપલ સ્ટોરમાં ફોન ખરીદવા આવેલા ગ્રાહક ઇરફાને કહ્યું, “હું નારંગી રંગનો આઇફોન 17 પ્રો મેક્સ ખરીદવા આવ્યો હતો. હું રાત્રે 8 વાગ્યાથી રાહ જોઈ રહ્યો છું…. આ વખતે કેમેરા અને બેટરીમાં ફેરફાર થયા છે, અને તેનો લુક પણ અલગ છે.” દિલ્હીના સાકેતમાં એપલ સ્ટોરની બહાર પણ લાંબી કતારો જોવા મળી હતી. એપલે આજે અહીં તેના સત્તાવાર સ્ટોર પર આઇફોન 17 શ્રેણીનું વેચાણ પણ શરૂ કર્યું.

દેશમાં GenZ પરિવારવાદના વિરોધમાં: રાહુલ ગાંધી પર નિશિકાંતનો હુમલો

નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પર લગાવેલા ગંભીર આરોપો બાદ ભાજપે તેમના પર તીખી પ્રતિક્રિયા આપી છે. આ આરોપો પર ભાજપના અનેક નેતાઓએ રાહુલ પર તીખો પ્રહાર કર્યો છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ પણ લોકસભામાં વિપક્ષના નેતા પર તીખો હુમલો કર્યો છે. ઝારખંડના ગોડ્ડાથી સાંસદે X પર પોતાના એક પોસ્ટમાં કહ્યું હતું કે ભારતમાં Gen Z પરિવારવાદ અને ભ્રષ્ટાચારના વિરોધમાં છે. તે નેહરુજી, ઇન્દિરાજી, રાજીવજી, સોનિયાજી બાદ રાહુલજીને શા માટે સહન કરશે?

ભાજપ સાંસદે કહ્યું હતું કે Gen Z બાંગ્લાદેશમાં ઈસ્લામિક રાષ્ટ્ર, નેપાળમાં હિંદુ રાષ્ટ્ર બનાવવા માગે છે તો પછી ભારતને હિંદુ રાષ્ટ્ર શા માટે નહીં બનાવે? દેશ છોડવાની તમે કરો તૈયારી…રાહુલે X પર કહ્યું હતું કે  ભારતમાં GenZ ‘વોટ ચોરી’ રોકશે

દુબેનું આ નિવેદન રાહુલ ગાંધીના એક X પોસ્ટના જવાબમાં આવ્યું હતું. રાહુલે પોસ્ટમાં કહ્યું હતું કે દેશના યુવાનો, દેશના વિદ્યાર્થીઓ અને દેશના GenZ સંવિધાનને બચાવશે. તેઓ લોકશાહીનું રક્ષણ કરશે અને ‘વોટ ચોરી’ રોકશે.

રાહુલે હાલમાં પત્રકાર પરિષદમાં CEC પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે CEC પર ‘વોટ ચોરી’ કરનારાઓને બચાવવાનો આરોપ લગાવ્યો હતો. મહારાષ્ટ્ર અને કર્ણાટકના મતદાર યાદીમાં મતદારોનાં નામ કાઢવામાં આવ્યા છે અને નવાં ઉમેરાયાં છે, તેવો દાવો કરતાં રાહુલે કહ્યું હતું કે આ ખૂબ જ સુનિયોજિત અને વ્યવસ્થિત રીતે મતને ‘હાઇજેક’ કરવાની પ્રક્રિયા છે.

રાહુલના આરોપ ખોટા અને નિરાધાર – ચૂંટણી પંચ

રાહુલ ગાંધીના આરોપો પર ચૂંટણી પંચે કહ્યું હતું કે રાહુલ ગાંધી દ્વારા લગાવેલા આરોપ ખોટા અને નિરાધાર છે. કોઈ પણ મત ઓનલાઈન કોઈ પણ વ્યક્તિ દ્વારા દૂર કરી શકાતી નથી, જેમ કે ગાંધીએ ખોટી ધારણા ઊભી કરી છે.

ઓપન & ક્લોઝ…

`આટલી સાદી વાત તેમને કેમ સમજાતી નથી? ગમે તેટલી માથાફોડી કરવા છતાં નકામું છે. હું એકદમ ફ્રસ્ટ્રેટ થઈ ગયો છું.’ ફિલ નાઈટ, `નાયકી શૂઝ’ના નિર્માતા જાપાનમાં તેમના ગુરુ સામે બેસીને પોતાની સમસ્યા જણાવતા હતા. તેમનો ઉચાટ તેમના દરેક શબ્દમાંથી છલકાતો હતો અને જાપાનીઝ ગુરુ જો કે શાંતિથી નિર્વિકાર ચહેરાથી તેમને સાંભળતા હતા. તેમની વાત પૂરી થયા પછી ફિલ નાઈટે ગુરુ પાસે આશાની નજરે જોયું કે આ વિફલતામાંથી બહાર આવવા તેઓ કોઈક માર્ગ સૂચવશે. ફિલની વાત પૂરી થઈ છે એ જાણતાં ગુરુ તેમની જગ્યા પરથી ઊભા થયા. ફિલને લઈને તે ઈમારતના પાછળના દરવાજા તરફ ગયા. ત્યાંનાં ઊંચાં ઊંચાં બાંબૂનાં ઝાડ પાસે જોઈને કહ્યું,`આ બાંબૂનાં બીજ વાવ્યાં પછી આરંભમાં પાંચ વર્ષ કશું ઊગતું નથી. ઉપર કશું જ દેખાતું નથી.જો કે તે સમયમાં બાંબૂ પોતાનાં મૂળિયાં ઊંડાણમાં ફેલાવતો હોય છે. એક વાર તે મૂળિયાં પાક્કાં થઈ જાય એટલે છઠ્ઠા વર્ષે અમુક અઠવાડિયામાં જ બાંબૂનું તે ઝાડ એંશીથી નેઉ ફૂટ વધે છે. તારી ટીમ પણ મૂળિયાં ફેલાવી રહી છે. થોડું થોભ, ઈટ ટેક્સ ટાઈમ! એક વાર તેમનું શીખવાનું બરોબર થઈ જાય પછી જો કેટલી ઝડપથી તેઓ આગળ વધશે અને તને જોઈએ તે પરિણામ આપશે.’ ફિલ નાઈટ કહે છે, `આ એક માર્ગદર્શનથી હું ખાસ્સો શાંત થઈ ગયો. મારી અંદર પેશન્સ વધ્યું અને હું વ્યાપક દ્રષ્ટિકોણથી બાબતો સામે જોવા લાગ્યો, અન્યોને સમજવાનું મારા માટે આસાન બન્યું.’ ફિલ નાઈટના `શૂ ડોગ’ જીવન ચરિત્રમાંથી અને ઓનલાઈન ઈન્ટરવ્યૂઝમાંથી આ કિસ્સો મને જાણવા મળ્યો. મારા મન પર આ સંદેશ કાયમનો કંડારાઈ ગયો છે.

`ઈટ ટેક્સ ટાઈમ’ આ શબ્દ મારા સતત ઉચાટ કરતા મનને શાંત કરે છે. તેમાંથી વીણા વર્લ્ડમાં નિર્માણ થઈ `કન્ટિન્યુઅસ લર્નિંગ પ્રોસેસ.’ `જ્ઞાન ગ્રહણ કરીએ, અન્યોમાં-ટીમમાં તેનું આદાન-પ્રદાન કરીએ, એકબીજા પાસેથી શીખતા રહીએ’, આ નિશ્ચય અમે કર્યો અને સતત તે દિશામાં આગળ વધવાનું શરૂ કર્યું. આથી રોચક લર્નિંગ સેશન્સ અમે બધાં મળીને નિર્માણ કરી શક્યાં તેની અલગ ખુશી છે. તેમાંથી જ એક લીડરશિપ લર્નિંગ સેશન અથવા જેને અમે `લીડરશિપ મીટ’ કહીએ છીએ તે દર મહિનાના ચોથા ગુરુવારે હોય છે. 100થી વધુ મેનેજર્સ અને ઈનચાર્જીસ તેમાં ભાગ લે છે. સામાન્ય રીતે 3 થી 4 કલાકનું આ સેશન આઈડિયાઝ, ઈનપુટ્સ, ફીડબેક, ડિસ્કશન અને ક્નસ્ટ્રક્ટિવ કોન્વર્સેશન્સના માસ્ટર ક્લાસ બની જાય છે. આ ટીમ એટલે માણસોને ઘડતા માણસો. ઘડનારો જો બરોબર નહીં હોય તો આગળનું બધું જ બગડતું જાય છે, જેને લીધે આ બધી બાબતોને વાર લાગે તો પણ અમે શીખવું અને શીખવવું એ એક મિશન તરીકે ઝીલી લીધું. પહેલાં આપણે પરિપૂર્ણ બનીએ પછી અન્યોને સુધારવાનો આપણો અધિકાર છે આ એક સાદું સૂત્ર તેની પાછળ છે. આથી પ્રથમ અમે અમને, એટલે કે, પોતે પોતાને જોખ્યા કે હું કયા પ્રકારનો/ની લીડર છું? મારી લીડરશિપની ઓરિજિનલ સ્ટાઈલ શું છે? મારા જઠઘઝ એનાલિસિસ એટલે કે, સ્ટ્રેન્ગ્ધ, વીકનેસીસ, ઓપોર્ચ્યુનિટીઝ અને થે્રટ્સએમ ચારેય બાજુથી મેં પોતાની પરીક્ષા એકદમ પ્રામાણિકતાથી લીધી છે અને ટીમમાંના દરેકે તે લીધી હશે તેની મને ખાતરી છે. જે સ્ટ્રેન્ગ્સ છે તે વધારવી, વીકનેસીસ જાણી લઈને તેની પર માત કરવા પ્રયાસોની પરાકાષ્ઠા કરવી, ઓપોર્ચ્યુનિટી ફક્ત એક વાર દ્વાર ખખડાવે છે, જેથી હાથમાંથી છટકી જવા નહીં દેવી જોઈએ અને થે્રટ્સથી ગભરાઈ નહીં જતાં તે પડકારનો સામનો કરવો એ એકસરસાઈઝથી જ ખરેખર તો શરૂઆત થઈ. તે પછી લીડરની મહત્ત્વની ક્વોલિટી, એટલે કે, `આઈ મસ્ટ ટેક અ ચાર્જ,’ પછી તે સિચ્યુએશન હોય, પ્રોબ્લેમ હોય કે આર્ગ્યુમેન્ટ, લીડરે સામે આવવું જ જોઈએ અને તેવા લીડર આપણે છીએ ખરા? તેનું મથન થયું.

અહીં મને કેપ્ટન ચેસલી (સલી) સુલેન બર્ગર યાદ આવે છે. પંદર-એક વર્ષ પૂર્વે યુ.એસ. એરવેઝથી વિમાન ન્યૂયોર્ક જવા માટે ઊપડ્યું અને ફક્ત થોડી મિનિટમાં જ બંને એન્જિન બંધ પડી ગયાં. કોઈ મદદ શક્ય નહોતી, મૃત્યુ સામે હતું, આવા સમયે કેપ્ટન સલીએ ફક્ત બે શબ્દ ઉચ્ચાર્યા, `માય પ્લેન’ અને તે ભીષણ પ્રસંગની સંપૂર્ણ જવાબદારી લઈને વિમાન હડસન નદી પર ઉતાર્યું. 155 પ્રવાસીઓના પ્રાણ બચી ગયા. એકેય જીવિત હાનિ નહીં થઈ. તે પછી મિડિયા સામે તેમણે કહ્યું, `આ સફળતા મારી નથી, તે આખી ટીમની છે.’ આ દાખલો એટલે લીડરે કેવા હોવું જોઈએ તેનું હાર્દ છે. આપણી પર જ્યારે સંકટ આવે ત્યારે `મારું’ કહેવાની અને તેની જવાબદારી લેવાની તાકાત હોવી જોઈએ અને જ્યારે સફળતા મળે ત્યારે તે આપણા બધાની એવું કહેવાની નમ્રતા રાખવી જોઈએ. આવી ઘણી બધી ડે ટુ ડેની વાતો અમે ચર્ચા કરી. આપણી ટીમ જ્યારે આપણી પાસે રજા માગવા આવે ત્યારે આપણે પ્રથમ વાક્ય શું બોલીએ તે પરથી લીડરનું વ્યક્તિત્વ સમજાય છે. `વેરી ગૂડ, ક્યારેક તને પણ બ્રેકની જરૂર હતી. રિફ્રેશ રિજ્યુવિનેટ થઈને પાછો આવ’ કહે છે કે `હવે ફરી રજા? હાલમાં જ તો લીધી હતી?’ એવું કહીને એપ્રુવલ આપવા નાહક વિલંબ કરે છે અને પોતાનો બ્યુરોક્રેટિક એપ્રોચ બતાવી દે છે?

મારું નોલેજ અને મારી સ્પીડ વધારવા માટે હું શું પ્રયત્ન કરું છું? તે પણ મહત્ત્વનો ભાગ દરેક મિટિંગના ડિસ્કશનમાં હોય છે. અડધી મિટિંગ રિકેપ અને ડિસ્કશનમાં થયા પછી એક નવા ટોપિક તરફ અમે વળીએ છીએ, તેની પર ચર્ચા કરીએ છીએ, એક મારો ટોપિક હતો અને એક નીલનો. નીલનો પોઈન્ટ હતો, ફીડબેક સ્વીકારવી અને ફીડબેક આપવી તે દરેક લીડરનું કામ છે. આપણા વિશે કોઈ ફીડબેક આપતું હોય તો તે આપણે ખુલ્લા મનથી સ્વીકારીને, આપનાર વિશે કોઈ પણ ભેદ નહીં રાખતાં પોતાની અંદર સુધારણા કરવી તે લીડરશિપનું મહત્વનું તત્વ છે, પરંતુ જે સમયે આપણે આપણા ટીમ મેમ્બરને ફીડબેક આપીએ ત્યારે `સુધારણા’ એ બાબત કેન્દ્રસ્થાને રાખીને આપણે અનેક બાબતોનું ભાન રાખવું પડે છે. તેમાં આપણને ક્લિયર ફીડબેક આપવાનો જ હોય છે, પરંતુ તેને લીધે તે માણસને ઠેસ નહીં પહોંચે તેનું ભાન રાખવું જોઈએ. નીલે નેટફ્લિક્સના રીડ હેસ્ટિંગના `નો રુલ રુલ્સ’ પુસ્તકનો સંદર્ભ આપ્યો. નેટફ્લિક્સમાં ઓડિટોરિયમમાં સી.ઈ.ઓ. વિશે પણ ખુલ્લેઆમ ફીડબેક આપવાની છૂટ છે, કારણ કે `એકબીજાની સહાયથી એકબીજાને સુધારીએ’આ પદ્ધતિ છે. જો કે તે અલગ-અલગ દેશોમાં ફેલાવા લાગ્યું ત્યારે તેમની આ અમેરિકન પદ્ધતિ મુશ્કેલીમાં આવી. જાપાનમાં ફીડબેક ધીમેથી ફક્ત તે માણસને જ ખાનગી રીતે કહેવાની રીત છે. દેશો પ્રમાણે તેને બદલવું પડ્યું. લીડરને પણ માણસો પ્રમાણે ફીડબેક આપવાની પદ્ધતિમાં ફેરફાર કરવાનું ફાવવું જોઈએ. નીલે, તમે ટીમ મેમ્બરને કઈ રીતે ફીડબેક આપો છે અને તેમાં કઈ રીતે ફેરફાર થાય છે તેનો દાખલો આગામી મિટિંગમાં શેર કરવા માટે કહ્યું. મારો ટોપિક હતો `ઓપન એન્ડ ક્લોઝ.’

દરેક ઓર્ગેનાઈઝેશનમાં અનેક બાબતો હોય છે. પછી તે એકાદ પ્રોજેક્ટ હોય કે એકાદ પ્રોમિસ, એકાદ પ્રોબ્લેમ હોયકે એકાદ આર્ગ્યુમેન્ટ… બાબતો બનતી રહે છે અને આપણી સામે નવાં નવાં કામો તૈયાર થતાં રહે છે અને કામની વાત આવે એટલે તે કરવું જ પડે છે. અસલી લીડરને કામ ટાળવાનું નહીં આવડે. ઘણીવાર એવું બને છે કે આપણે કામની શરૂઆત કરીએ છીએ, પરંતુ તે કામ નક્કી થયા પ્રમાણે આગળ વધે ખરું? તેમાં કોઈ મુશ્કેલી તો આવતી નથી ને? અને મહત્ત્વપૂર્ણ એ છે કે તે કામ પૂર્ણ થયું ખરું? આ જોવામાં આવતું નથી અને કામ અધૂરું રહે છે, ભુલાઈ જવાય છે. આવાં અધૂરાં કામો આપણા બેક ઓફ ધ માઈન્ડમાં અધૂરાપણાનો વસવસો લઈને મુકામ કરે છે. અગાઉ સરકારી ઓફિસના ટેબલ પર ભેગી ફાઈલો દેખાતી તે રીતે. આપણા અજાણતા આપણી ક્રિયાત્મક શક્તિ પર તેની અસર થાય છે. અગાઉ મેં ક્યાંક વાંચ્યું હતું, `મોસ્ટ ઓફ ધ પીપલ ડાઈડ ડ્યુ ટુ ઈનકમ્પ્લીટ ટાસ્ક્સ.’ કામો અધૂરાં રહેવાની કેટલી મોટી કિંમત. કામ પૂર્ણ કરવું તે દરેક લીડરે શીખવું જોઈએ. કામ શરૂ કરતી વખતે તે દરેકના દ્રષ્ટિપથમાં `સ્ટાર્ટ ટુ એન્ડ’ ચિત્ર પૂર્ણપણે હોવું જોઈએ. આપણા માજી વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી વિશે એક કિસ્સો યાદ આવ્યો. કહેવાય છે કે કારગિલ યુદ્ધના સમયે અટલજી પાસે યુદ્ધ શરૂ કરવાનો ઓર્ડર માગવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, `જબ તક મુઝે યે પતા નહીં કી મૈ યે યુદ્ધ કબ ઔર કહાં ખત્મ કરુ તબ તક મૈં યે શુરૂ કરને કી ઓર્ડર કૈસે દૂ?’ લીડરશિપ માટે તેનાથી મોટી ટ્રેનિંગ શું હોઈ શકે? દરેક લીડરે શરૂ કરેલું કામ પૂરું કરવાની નૈતિક જવાબદારી સમજવી જોઈએ. ક્યારેક અમુક પ્રોજેક્ટ્સ બંધ પણ કરવા પડશે અને તે પણ લીડરને ફાવવું જોઈએ.

અતિશય સમાજોપયોગી વિચારમાંથી નેનો કારનો જન્મ થયો. જો કે અમુક કારણોસર જનતાએ તેને નકારી. આવા સમયે પરાણે આગળ વધવાને બદલે નિષ્ફળતા સ્વીકારી અને પ્રોજેક્ટ બંધ કરીને પારદર્શી રીતે તેનું કમ્યુનિકેશન કર્યું. `ક્લીન ક્લોઝર’ એવું આ વિશે કહી શકાય. ક્યારેક પ્રોજેક્ટ અવરોધાય ત્યારે એક પૉઝ આપવો, રિફ્લેક્ટ કરવું, રી-અલાઈન અથવા રિજેક્ટ કરવાનો નિર્ણય લેવાનું બહુ મહત્ત્વનું છે. અમે આ મિટિંગમાં દસ મિનિટની એક એસાઈનમેન્ટ પણ કરી જેમાં આ સો જણે તેમની પાસેનાં હાલના જ પૂર્ણ થયેલાં કામો અને ઘણા સમયથી પડતર કામની લિસ્ટ બનાવી અને પૂર્ણ કર્યાની ખુશી અને અધૂરું રહ્યાનું દુઃખ આ બંનેનું મનોમન મંથન કર્યું. એકાદ બાબત, પછી તે શિક્ષણ હોય કે બિઝનેસ પ્રોજેક્ટ, શરૂ કરીને તે અધૂરી છોડવાનું નુકસાન આપણા બધાએ જ અનેક વાર અનુભવ્યું હશે. મહાભારતના અભિમન્યુનો દાખલો તો આપણી સામે સદીઓથી છે. ચક્રવ્યૂહ ભેદીને અંદર પ્રવેશવાનું શિક્ષણ તો તેને મળ્યું હતું, પરંતુ તેમાંથી બહાર આવવાનું નહીં અને તેનું પરિણામ આવવું જોઈએ તે જ આવ્યું. કોડેકનું પણ આવું જ છે. 1975માં સ્ટીવ નામે એન્જિનિયરે કોડેકમાં પ્રથમ ડિજિટલ કેમેરા તૈયાર કર્યો અને તે મેનેજમેન્ટને બતાવ્યો, પરંતુ તેને કારણે આપણો ફિલ્મ બિઝનેસ જોખમમાં આવશે એ ભયથી તે શોધ અભેરાઈએ ચઢાવી દીધી. 2000 વર્ષમાં જ્યારે ડિજિટલ રિવોલ્યુશનથી દુનિયા વ્યાપ્ત બની ત્યારે પણ કોડેકે ગંભીરતા સમજી નહીં અને એક સમયે દુનિયા પર રાજ કરનારી કંપનીએ 2012માં દેવાળિયું ફૂંક્યું. સમયસર જૂની બાબતોને અલવિદા કરવી અને નવી સ્વીકારવી તે અનિવાર્ય છે. જો આવું નહીં કરી શકાય તો સમય આપણને કોડેકની જેમજ ક્લોઝર આપે છે. કહેવાનું તાત્પર્ય એ જ કે શરૂ કરેલું કામ પૂર્ણ કરવું, કોઈને પ્રોમિસ કર્યું હોય તો તે અચૂક ડિલિવરી કરવી, એકાદ વાદ-વિવાદમાંથી માર્ગ કાઢવો, આપણા લાઈફ પાર્ટનર સાથે થયેલી તૂ-તૂ મૈ-મૈ દિવસ પૂરો થવા પૂર્વે ખતમ કરાય તે લીડરશિપનાં અથવા સારા વ્યક્તિત્વનાં લક્ષણો છે. તેમાં આપણે જેટલું પ્રાવીણ્ય મેળવીશું તેટલું આનંદિત જીવન જીવી શકીશું. ક્લોઝર એટલે લીડરશિપ અને કમ્પ્લીશન એટલે રિસ્પેક્ટઃ માણસોનો, સમયનો અને પ્રોસેસનો.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)

ટેરિફ લગાવીને અમેરિકા ભારતને ડરાવે નહિઃ ટ્રમ્પને રશિયાની ચેતવણી

મોસ્કોઃ રશિયાએ ટ્રમ્પના ટેરિફની આકરી ટીકા કરી છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગે લાવરોફે ભારત પર લાગેલા અમેરિકન ટેરિફને અન્યાયપૂર્ણ ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે ભારત અને ચીન જેવી પ્રાચીન સંસ્કૃતિઓને ધમકીઓ અને અલ્ટિમેટમથી ડરાવી નથી શકાતી.

ટ્રમ્પની કાર્યવાહી અન્યાયપૂર્ણ: રશિયાતેમણે કહ્યું હતું કે ટ્રમ્પની નીતિઓને કારણે અનેક દેશોને નવાં ઊર્જા બજારો અને સંસાધનો શોધવા માટે મજબૂર થવું પડી રહ્યું છે અને તેમને વધારે કિંમતે ખરીદી કરવી પડી રહી છે. ટ્રમ્પની ખોટી નીતિઓને કારણે ભારત અને ચીન અમેરિકાથી દૂર જઈ રહ્યા છે. ભારત સામે કરવામાં આવેલી કાર્યવાહી વિદેશ મંત્રીએ અયોગ્ય, અન્યાયપૂર્ણ અને અવ્યવહારુ ગણાવી છે.

અમેરિકાના પ્રતિબંધોથી રશિયાને ડર નથી: સર્ગે લાવરોફ

અમેરિકા દ્વારા રશિયા પર મૂકાયેલા પ્રતિબંધોની ધમકીઓ પર ટિપ્પણી કરતાં તેમણે કહ્યું હતું કે આ કોઈ મોટી સમસ્યા નથી. તેમણે કહ્યું હતું કે સાચું કહું તો રશિયા પર મુકાયેલા નવા પ્રતિબંધોમાં મને કોઈ સમસ્યા દેખાતી નથી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન રશિયા પર અભૂતપૂર્વ પ્રમાણમાં પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા.

થોડા દિવસો પહેલા રશિયન તેલની ખરીદીના મુદ્દે ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ લગાવ્યો છે. ટ્રમ્પે આક્ષેપ કર્યો હતો કે રશિયાથી તેલ ખરીદી કરીને ભારત યુક્રેન યુદ્ધમાં તેની મદદ કરી રહ્યું છે. જોકે ભારતે અમેરિકાના આ આક્ષેપોને નકારી કાઢ્યા છે. ભારત સરકારે સ્પષ્ટ કહ્યું છે કે અમે કોઈ પણ દેશની રાજકીય પ્રવૃત્તિઓમાં હસ્તક્ષેપ કરતા નથી. એ સાથે જ ભારત રાષ્ટ્રહિત સાથે કોઈ સમજૂતી નહીં કરે.

શું ગરબા ગ્રાઉન્ડ માટેના કોઈ વાસ્તુ નિયમો હોય છે?

તહેવાર એટલે સમાજને સાથે રાખી ઉત્સાહની સાથે ઉર્જા વધારવાનું પર્વ. શું આપણે એ રીતે ઉત્સવ મનાવીએ છીએ? માત્ર માર્કેટિંગ માટે તહેવાર આવે એ પહેલા વૃક્ષો પર લાઈટ લગાડીને ઝળહળાટ કરી તો દઈએ છીએ. વૃક્ષમાં જીવ છે એ વાત ભૂલી જઈએ છીએ. એક તરફ કોનોકાર્પશ જેવા વૃક્ષોને જીવદયાના નામે કાપવાનો વિરોધ કરીએ છીએ અને જેવો સ્વાર્થ જાગે ત્યારે દરેક વૃક્ષ પર ગરમ ફલડ લાઈટ લગાવીને ધંધો કરી લેવાની વૃત્તિ પણ જાગે છે. પાછુ એવું કહે પણ ખરા કે અમે તો મંદિરમાં દસ ટકા આપીને પાપ ધોઈ આવીએ છીએ. કેટલી ભયાનક ગેરસમજણ છે? પાપ ધોવાની વાત કોઈ ધર્મનો આધાર નથી. કર્મનો સિદ્ધાંત જ ચાલે છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે દર્શાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: ગરબા ગ્રાઉન્ડ માટેના કોઈ વાસ્તુ નિયમો હોય છે?

જવાબ: જી. હોય છે. આપનો સવાલ સમાજ માટે ખુબ ઉપયોગી છે. પહેલાના જમાનામાં ચોકમાં ગરબા થતા હતા. એનું કારણ એ હતું કે રહેણાંક વિસ્તારમાં માતાજીની આરાધના જાહેરમાં ન કરાય. એ સમયે કોઈ માસિક ધર્મમાં હોય, કામની પ્રક્રિયામાં હોય અથવાતો સુતું હોય તો એને યોગ્ય નહોતું માનવામાં આવતું. આના કારણે જે તે જગ્યાની ઉર્જા નકારાત્મક થઇ શકે. માતાજીનું સ્થાપન બરાબર વચ્ચે રાખવું જરૂરી છે. એની આસપાસ ગરબા રૂપે પ્રદક્ષિણા કરવી એ ગરબાની સાચી રીત છે. એક ખૂણામાં સ્થાપન કરી નાનાનાના ગ્રુપમાં થતા ગરબા એ નૃત્ય માત્ર ગણાય. કોઈ પણ જીવને રંજાડીને ગરબા ન કરાય. ગરબા માટે પૈસાનું ઉઘરાણું ન કરાય. આપવા અને લેવાવાળા બંને માટે એ નકારાત્મક ગણાય છે.

ગરબાના ગ્રાઉન્ડને શાસ્ત્રોક્ત રીતે શુદ્ધિકરણ કરીને ગરબા કરવા જોઈએ. એના માટે કોઈ નિષ્ણાતની સલાહ પણ લઇ શકાય. નાના બાળકોના ઉદ્યાન કે વડીલોના બેસવાની જગ્યાએ ગરબા ન કરી શકાય. ગરબા કરવાની જગ્યાએ વાસ્તુનિયમ મુજબ દ્વાર હોવું જરૂરી છે. લીલોતરી પર ગરબા ન કરાય. કારણકે એમાં જીવ હોય છે. ટૂંકા કપડા પહેરીને માતાજીના સ્થાપન પાસે ન જવાય. સ્થાપન એ દેખાડો નથી. એની આમન્યા નવરાત્રીમાં દિવસે પણ જાળવવી જરૂરી છે. ઈલેક્ટ્રોનિક ઉપકરણો નકારાત્મક અસર ઉભી કરે છે. તેથી એના વિના ગરબા કરવા જોઈએ. રાત્રીના પ્રથમ પ્રહરે ગરબા કરવા જોઈએ. વરસાદમાં ગરબા ન કરાય. અંગ પર કપડા ચોંટેલા હોય એ રીતે આરાધના ન થાય. ધોયેલા સ્વચ્છ કપડા પહેરીને ગરબા કરવા જોઈએ. પગરખા ન પહેરાય.

સવાલ: ગરબા માટેના નિયમો સરકારે બનાવ્યા છે. પણ કેટલીક સોસાયટીઓમાં પૈસા લઈને ગરબા થાય છે. આખી રાત ડી જે ચાલે. મકાનો ધણધણી ઉઠે. અને આયોજકો એને શેરી ગરબામાં ખપાવે. બગીચામાં જ્યાં ત્યાં સીરીઝ હોય. પાણી પીવરાવીને માળી જતો રહે, પછી કોઈ બાળક ચોંટી જાય તો એ કોની જવાબદારી? વળી આયોજકો ફાંકા મારતા હોય કે અમે તો મંત્રીઓને ખિસ્સામાં લઈને ફરીએ. અમારી પાર્ટીમાં એ ફેમીલી સાથે આવે છે. ત્યારે સરકાર પરનો વિશ્વાસ ઓછો થઇ જાય છે. આમ જોવા જઈએ તો સોસાયટીઓમાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ જરૂરી છે. જો સરકાર સામાન્ય માણસનો વિચાર નહિ કરે તો અંતે આવા લેભાગુઓ જ એમની સાથે રહી જશે. એ લોકો કદાચ ફંડ આપશે પણ મત થોડા લાવી શકશે? પોલીસને બોલાવીએ તો એમને પણ સમજાવીને આખી રાત છાકટા થાય છે.

જવાબ: આપણા દેશની મૂળભૂત સમસ્યા આપણી વસ્તી છે. તમારી વાત સાચી છે કે કેટલાક લેભાગુઓના લીધે સરકારનું નામ ખરાબ થાય છે. સોસાયટીમાં લાઉડ સ્પીકર ન જ હોવા જોઈએ. બીમાર અને વૃદ્ધો કોઈના પાપે શા માટે હેરાન થાય? વળી કેટલાક લોકો સંબંધમાં બોલી નથી શકતા એટલે આવા લોકો ચાલી જાય છે. સરકારનો ઈરાદો કોઈનું નુકશાન કરવાનો ન હોઈ શકે. પણ આટલા મોટા દેશમાં ઠેર ઠેર આવી પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં એ ક્યાં પહોંચે? સોસાયટીમાં પૈસા લઈને ગરબા કરાવવા એ ધંધો જ કહેવાય. આવા લોકોને કોઈ પણ સરકારનો સપોર્ટ ન જ હોય. અમદાવાદમાં કાયદાની વ્યવસ્થા પહેલા જેવી નથી એનું એક કારણ આવી માનસિકતા પણ હોઈ શકે. સરકાર સામાન્ય માણસના પ્રતિનિધિઓ દ્વારા જ બની છે. આવા લોકોના ફંડથી એ નથી ચાલતી. તમારો મુદ્દો વ્યાજબી છે.

તમારી સોસાયટીનું દ્વાર ત્રાંસુ છે. એટલે આવી સમસ્યાઓ આવ્યા કરે છે. જો મંજુરી મળે તો એની આસપાસ પુત્ર્મ્જીવાના બે છોડ વાવી દો.

સુચન: વધારે પડતો ઘોંઘાટ હૃદયને નુકશાન કરે છે.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com )

ગરબા રમો ને… કૅલરી ઉતારો!

નવરાત્રિ નજીક આવે એટલે ગુજરાતી હૈયાં તાનમાં આવી જાય. હજી તો ચાલતાં જ શીખ્યાં હોય એવાં બાળકોથી લઈને માંડ માંડ ચાલી શકે એવા વયોવૃદ્ધો પણ આ તહેવાર ઉત્સાહપૂર્વક ઊજવે છે. આખું વર્ષ ભલેને પગમાં દુખાવાની સમસ્યા હોય, પરંતુ ઘણા ગુજરાતી આ ઉત્સવ દરમિયાન કોઈ દુખાવા કે દર્દની ફરિયાદ વગર જાણે માતાજીના આશીર્વાદ હોય એમ ગરબે ઘૂમે છે. આ નવલા દિવસો માની આરાધના, ઉપાસના, જાપ, વ્રત, ગરબો તેમ જ રાસોત્સવ સાથે પસાર કરવા મહિનાઓ પહેલાં એની તૈયારી પણ શરૂ થઈ જાય.

આ દિવસોમાં ઉપવાસનું ખૂબ મહત્ત્વ છે, કારણ કે આ સમય ઋતુસંક્રમણનો પણ છે. આથી આ સમયે આહાર પર ધ્યાન આપીએ તો એ દ્વારા શરીરમાં રહેલાં ઝેરી તત્ત્વોનો નાશ કરી શકાય, એને કારણે કોષો નવજીવન પામે છે અને શરીર સ્વસ્થ બની શકે છે. એ રીતે આ ગાળામાં કરવામાં આવતો ઉપવાસ એ શરીરને સ્વસ્થ રાખવા માટેનો અસરકારક ઉપચાર છે.

જાણીને નવાઈ લાગશે કે અડધા કલાક સુધી ગરબા રમવાથી લગભગ 200-250 કૅલરી બર્ન થઈ શકે છે. જો કે એનો આધાર વ્યક્તિની તીવ્રતા અને આહાર પર રાખે છે. આ પરંપરાગત ભારતીય નૃત્ય માત્ર વજન ઘટાડવામાં મદદ કરે છે એવું જ નથી, પરંતુ મસલ્સને પણ પ્રવૃત્ત રાખે છે. આ ઉપરાંત, હૃદયના સ્વાસ્થ્ય અને એકંદરે ફિટનેસમાં પણ સુધારો કરે છે.

વધુ સારી રીતે સમજવા માટે અહીં ગરબા રમવાથી થતી કૅલરી બર્ન થવાનો અંદાજ કાઢવામાં આવે તો, ગરબા અથવા દાંડિયા દર કલાકે આશરે 500 થી 600 કૅલરી બર્ન કરે છે, જ્યારે બોલરૂમ નૃત્ય દ્વારા 207-220 પ્રતિ કલાક કૅલરી બર્ન થાય છે. હિપ હોપથી ૫૩૨ કૅલરી પ્રતિ કલાક તો ઝુમ્બા કરવાથી દર કલાકે સરેરાશ ૫૦૦ કૅલરી વપરાય છે. આ પ્રમાણ ચોક્કસપણે વજન, ધૈર્ય અને નૃત્યના અનુભવ જેવાં વ્યક્તિગત પરિબળના આધારે બદલાઈ શકે છે. આનાથી પણ અંદાજ લગાડી શકાય કે ગુજરાતની આ પારંપરિક નૃત્યશૈલી ફિટનેસ માટે કેટલી અસરકારક છે. જો તમે વજન ઘટાડવા અથવા તમારી ફિટનેસ સુધારવા માગતા હો તો નવરાત્રિ દરમિયાન દિનચર્યામાં ગરબાનો સમાવેશ કરીને તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવાની તક મેળવી શકો છો.

આ સમયે પ્રવાહી વધુ પ્રમાણમાં લેવું જરૂરી છે, કારણ કે ગરબા રમતી વખતે પરસેવા દ્વારા શરીરમાંથી પ્રવાહીનો નિકાલ થતો હોય છે. અગર આ સમયે પાણીનું પ્રમાણ ન જળવાય તો ચક્કર આવવાં, શ્ર્વાસ ચઢવા અને પાચનતંત્રને લગતી તકલીફો પણ થવાના ચાન્સ રહે છે. આ માટે શુદ્ધ પાણી એ સૌથી સારો વિકલ્પ છે. એ ઉપરાંત, નાળિયેરપાણી, લીંબુ શરબત અથવા મિલ્ક શેક પી શકાય.

એનર્જેટિક રહેવા માટે ફળ અને સૂકા મેવાનો ઉપયોગ કરી શકાય. પ્રોટીન પૂરતી માત્રામાં લેવાય એનું ધ્યાન રાખવું. મોટા ભાગે આ સમયે વધુપડતા તળેલા ખાદ્ય પદાર્થ તેમ જ સૉલ્ટી અને સુગરી ફૂડ લેવાતાં હોય છે, પણ એના પર અંકુશ મૂકવો. ગરબે રમીને શરીરમાં રહેલી ચરબી બાળવા ઉપરાંત ચરબીયુક્ત તળેલા નાસ્તા અને પ્રસાદના નામે વધુપડતી મીઠાઈ ન લેવી. કોલ્ડ ડ્રિન્ક, આઈસક્રીમનો પણ બને ત્યાં સુધી ત્યાગ કરવો. થાય છે એવું કે નવરાત્રિ દરમિયાન રાત્રે મોડે સુધી ગરબા રમનારા ઘણા યુવાનો રાત્રે ભૂખ લાગે ત્યારે જંક ફૂડ ખાય છે, જે શરીરમાં વધારાની કૅલરી ભરે છે.

આ સમય મેદસ્વી વ્યક્તિને વજન ઉતારવાનો પણ ચાન્સ આપે છે. કસરત, યોગ, જિમ, વગેરે સવારે વહેલા ઊઠવાની આળસને કારણે કદાચ આપણી રોજનીશીમાં ન હોય એવું બની શકે, પરંતુ આપણે ગરબે ઘૂમીને ઘણી બધી કૅલરી બાળી શકીએ છીએ. આથી જ જો આ સમયે આહાર પર અંકુશ રાખી શકાય તો આ તહેવાર વજન ઉતારવા માટે ચોક્કસ અસરકારક બની શકશે.

નવરાત્રિમાં ઉપવાસ હોય કે ન હોય, આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્યસંબંધી આહાર યોજના એટલે કે હેલ્ધી ડાયેટ પ્લાનને એક ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીશું.

આહાર યોજના (સૅમ્પલ મેનુ)

વહેલી સવારે: ગરમ હૂંફાળું પાણી + લીંબુ + પલાળેલી બદામ તથા અખરોટ (૨૦ ગ્રામ).

સવારે નાસ્તો: દૂધ/ચા/કૉફી (ઓછી ખાંડવાળા) + મોરૈયો ૧૦૦ ગ્રામ.

મોડી સવારે: નાળિયેરપાણી અથવા લીંબુ શરબત.

બપોરે જમવામાં (ફરાળ હોય તો): રાજગરાના પરાંઠા બે + દૂધીનું શાક એક નાની વાટકી + દહીં કે છાશ. (ફરાળ ન હોય તો): રોટલી ત્રણ + શાક + દળ + સૅલડ + છાશ.

સાંજે: ચા અથવા કૉફી (ઓછી ખાંડવાળી). કલાક રહીને ફળ ૧૦૦ ગ્રામ.

રાત્રે ભોજન: સાબુદાણાની ખીચડી (૨૫૦ ગ્રામ) + દહીં (વેફર/ચેવડો ન લેવા) ફરાળ ન હોય તો હલકો ઓછી ચરબીયુક્ત આહાર લેવો.

સૂતાં પહેલાં: દૂધ (ખાંડ વગરનું).

આ ફક્ત કઈ રીતે આહાર લેવો એનું ઉદાહરણ છે. સારું પ્રોટીન મેળવવા માટે દૂધ તેમ જ ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરી શકાય.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)