ત્રણ માગ સાથે CJPનું અલ્ટિમેટમઃ બે પર સરકારનું પોઝિટિવ વલણ

નવી દિલ્હીઃ નીટ પેપર લીક વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનનું નેતૃત્વ કરતી કોક્રોચ જનતા પાર્ટી (CJP) અને કેન્દ્ર સરકાર વચ્ચે ચર્ચા થઈ છે. નવી દિલ્હીના વિઠ્ઠલ હાઉસમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને પીએમઓમાં રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે CJPના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. લગભગ એક કલાક ચાલેલી બેઠકમાં CJP તરફથી સૌરભ દાસ અને આશુતોષ રાંકાએ ફરીથી પોતાની ત્રણ મુખ્ય માગ રજૂ કરી, જે તેઓ અગાઉ પણ અનેક વખત રજૂ કરી ચૂક્યા છે.

આ બેઠક દરમિયાન તેમણે ફરી માંગ કરી કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાય. એ ઉપરાંત, નીટ પેપર લીકથી આઘાત પામી આત્મહત્યા કરનાર 20થી વધુ લોકોના પરિવારજનોને વળતર આપવામાં આવે. ત્રીજી માગણી મુજબ આંદોલન કરનારા લોકો સામે કોઈ કાનૂની કાર્યવાહી ન કરવામાં આવે અને જેમની સામે કેસ નોંધાયા હોય તે પાછા ખેંચી લેવામાં આવે.

સૂત્રોના જણાવ્યાનુસાર સરકાર બીજી અને ત્રીજી માગ સ્વીકારવા તૈયાર છે, પરંતુ પ્રથમ માગ અંગે હજુ સુધી સહમત નથી. CJPના પ્રતિનિધિઓએ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાની માગ કરી હતી, પરંતુ સરકાર હાલ તેના પક્ષમાં દેખાતી નથી.

બીજી બાજુ, શુક્રવારે વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પેપર લીક વિધેયક સુધારાને મંજૂરી આપવામાં આવી છે. આ કાયદા હેઠળ પેપર લીક માફિયાઓ સામે કડક જોગવાઈઓ કરવામાં આવશે. આમાં વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટને કાનૂની આધાર આપવામાં આવશે. એ સાથે જ ફાસ્ટ ટ્રેક કોર્ટને ત્રણ મહિનાની અંદર સુનાવણી પૂર્ણ કરીને ચુકાદો આપવાનો નિર્દેશ આપવામાં આવશે. આ ઉપરાંત પેપર લીકના ગુનામાં 10 વર્ષની સજા અને 10 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવશે.