Home Blog Page 592

H-1B વિઝાનો નિર્ણયઃ. અમેરિકાનાં ભાડાં થયાં બમણાં

નવી દિલ્હીઃ ટ્રમ્પના H-1B વિઝા પર ફી વધારવાના નિર્ણયથી ટેક દિગ્ગજોમાં ખળભળાટ મચી ગયો છે. 21 સપ્ટેમ્બર પહેલાં લોકો કોઈ પણ રીતે અમેરિકા પહોંચવા માગે છે. જો તેઓ સમયસર પહોંચી નહીં શકે તો 88 લાખ રૂપિયા સુધી ચૂકવવા પડે એવી શક્યતા છે અથવા તો નોકરી પણ જતી રહી શકે છે. ટ્રમ્પના આ નિર્ણય બાદ અમેરિકન એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ. બીજી બાજુ ભારતથી અમેરિકા જતી ફ્લાઇટનાં ભાડાં પણ વધી ગયાં છે.

વાસ્તવમાં, ટ્રમ્પે H-1B વિઝા પર ફી વધારીને 1 લાખ ડોલર (લગભગ 88.10 લાખ રૂપિયા) કરી દીધી છે. આ નિયમ પહેલી વાર અથવા ફરી અમેરિકા આવનારા તમામ કર્મચારીઓ પર લાગુ થશે. તેને 21 સપ્ટેમ્બરથી અમલમાં લેવામાં આવશે. આ તારીખ બાદ જો કોઈ કર્મચારી પાછો અમેરિકા આવે છે તો તેની કંપનીએ 88 લાખ રૂપિયાનું ચૂકવવા પડશે.

હવાઈ ટિકિટ થઈ મોંઘી

ટ્રમ્પના આ નિર્ણયને કારણે અમેરિકન એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ. એવા ખબર છે કે જેમ-જેમ આ જાહેરાત થઈ, ઘણા ભારતીય ટેક્નિકલ નિષ્ણાતો વિમાનમાંથી ઊતરી ગયા હતા. તે ઉપરાંત, ભારતમાં અટવાયેલા લોકો માટે અમેરિકા જતી સીધી ફ્લાઇટના ખર્ચમાં ભારે ઉછાળો આવ્યો, કારણ કે એરલાઇન્સ ટ્રમ્પ દ્વારા પેદા કરાયેલી અરાજકતાનો લાભ લેવા માગે છે.

ભાડાં કેટલાં વધી ગયાં?

ટ્રમ્પની જાહેરાતના બે કલાકની અંદર નવી દિલ્હીની ન્યુ યોર્કના જોન એફ. કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધીની એકતરફી ફ્લાઇટનું ભાડું આશરે 37,000 રૂપિયાથી વધી 70,000-80,000 રૂપિયા થઈ ગયું છે.

એક યુઝરે સોશિયલ મિડિયા પર પોસ્ટમાં લખ્યું કે નવી દિલ્હીથી ન્યુયો ર્ક શહેર સુધીની ફ્લાઇટનું ભાડું હાલમાં 4500 ડોલર છે. તેઓ બધા પોતાનાં રાજ્યો તરફ દોડી રહ્યા છે કારણ કે તેઓ નવા H-1B વિઝા નિયમોને લઈને ચિંતિત છે.

હવામાન વિભાગની રાજ્યમાં સાત દિવસ વરસાદની આગાહી

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. રાજ્યમાંથી ભલે વરસાદી વિદાયનુ કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું હોય, પરંતુ જતાં-જતાં મેઘરાજા મન મૂકીને વરસશે. હવામાન વિભાગે પણ આગામી સાત દિવસ એટલે કે એક સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતને બાદ કરતાં રાજ્યના અન્ય તમામ વિસ્તારોમાં સટાસટી બોલાવી શકે છે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે.

બીજી તરફ કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની શકયતા નહિવત છે, જ્યારે પહેલા જ નોરતે મેઘો વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસે તેવી શક્યતા છે. જ્યારે આગામી ચાર દિવસ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે. જ્યારે કે ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લઇ ચૂક્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા 24 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ નવરાત્રીમાં ખેલૈયાઓને વરસાદનું વિઘ્ન નડી શકે છે. નવરાત્રીની શરૂઆતમાં જ હવામાનમાં પલટાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. 25 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે વરસાદ ખાબકે તેવી શક્યતા છે. ખાસ કરીને દક્ષિણના ભાગોમાં ધોધમાર વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે. તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલનાં એંધાણ છે.

હિન્દી ફિલ્મોએ મુંબઈ પોલીસ સાથે અન્યાય કર્યો છે: દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શનિવારે મુંબઈમાં ભારતીય પોલીસ ફાઉન્ડેશન (IPF) ના વાર્ષિક દિવસના કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે હિન્દી ફિલ્મો પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે તે મુંબઈ પોલીસની વીરતાને સંપૂર્ણ રીતે દર્શાવવામાં નિષ્ફળ જાય છે.

ઇન્ડિયન પોલીસ ફાઉન્ડેશન (IPF) ના વાર્ષિક દિવસ 2025 કાર્યક્રમને સંબોધતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈને સ્થળ તરીકે પસંદ કરવા બદલ આયોજકોને અભિનંદન આપ્યા અને એ પણ નિર્દેશ કર્યો કે હિન્દી ફિલ્મોમાં ઘણીવાર મુંબઈ પોલીસને નકારાત્મક રીતે દર્શાવવામાં આવી છે. ફિલ્મો મુંબઈ પોલીસને સકારાત્મક રીતે દર્શાવવામાં નિષ્ફળ ગઈ છે.

ANI અનુસાર મુખ્યમંત્રીએ આ કાર્યક્રમમાં કહ્યું, “વર્ષોથી, ફિલ્મોએ મુંબઈ પોલીસ સાથે અન્યાય કર્યો છે. આપણી પોલીસ હંમેશા સમયસર ઘટનાસ્થળે પહોંચે છે, પરંતુ હિન્દી ફિલ્મો હંમેશા ઘટનાના કલાકો પછી તેમને આવતા બતાવે છે. મારું માનવું છે કે સિનેમાએ ક્યારેય સત્યનું સચોટ ચિત્રણ કર્યું નથી. પરંતુ મને ગર્વ છે કે આપણી પોલીસે હંમેશા તેમના ધોરણો જાળવી રાખ્યા છે. આપણી પોલીસે સૌથી વિશ્વસનીય પોલીસ દળ તરીકે દેશભરમાં આદર મેળવ્યો છે.”

મુખ્યમંત્રીએ પોલીસમાં થયેલા ફેરફારો પર પણ પ્રકાશ પાડ્યો

કાર્યક્રમમાં આગળ, મુખ્યમંત્રીએ ટેકનોલોજીએ પોલીસિંગમાં કેવી રીતે પરિવર્તન લાવ્યું છે તે પર પ્રકાશ પાડ્યો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કેટલા અધિકારીઓ નવી ટેકનોલોજીને સમજવા અને અપનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તે પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું, “અમે સાયબર સુરક્ષા પ્રયોગશાળાની સ્થાપના કરી છે. પોલીસ પાસે પ્રતિભાશાળી અધિકારીઓ છે જે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. ચાર દેશોએ અમારો સંપર્ક કર્યો છે, અને તેમાંથી એકે તો તેમના માટે સમાન પ્રયોગશાળા સ્થાપવા વિનંતી પણ કરી છે.”

તેમણે પોલીસ સામેના પડકારોનો પણ ઉલ્લેખ કર્યો

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ડ્રગ્સ અને માદક દ્રવ્યોથી ઉભા થતા પડકારો વિશે વાત કરી. તેમણે કહ્યું, “ડ્રગ્સ અને માદક દ્રવ્યોની યુવા પેઢી પર મોટા પાયે નકારાત્મક અસર પડી રહી છે. અમે નક્કી કર્યું છે કે જો પોલીસ દળમાં કોઈ પણ આમાં સંડોવાયેલું જોવા મળશે, તો અમે તેમને સીધા જ બરતરફ કરીશું. આવા વ્યક્તિઓનું પોલીસ દળમાં કોઈ સ્થાન નથી.” મુખ્યમંત્રીએ જે પોલીસ કાર્યક્રમમાં આ ટિપ્પણી કરી હતી તેનો વિષય “ભારતના આર્થિક વિકાસ માટે પોલીસનું પુનર્નિર્માણ” હતો.

યુરોપના અનેક દેશોનાં એરપોર્ટ્સ પર મોટો સાયબર હુમલો

બ્રસેલ્સઃ  યુરોપના અનેક દેશોના એરપોર્ટ્સ પર મોટો સાઇબર હુમલો થયો છે. તેને કારણે બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સ, બ્રિટનની રાજધાની લંડનનો હીથ્રો એરપોર્ટ અને જર્મનીની રાજધાની બર્લિન જેવાં મુખ્ય યુરોપિયન એરપોર્ટ્સ પર શનિવારે સેકડો ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. તેમાંની મોટા ભાગની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી કે પછી મોડી પડી હતી. આ સાઇબર હુમલાએ ચેક-ઇન અને બોર્ડિંગ સિસ્ટમ સંચાલિત કરનાર સેવા પ્રોવાઇડરને નિશાન બનાવી હતી.

સાયબર હુમલા પછી કમ્પ્યુટર સિસ્ટમ જામ

બ્રસેલ્સ એરપોર્ટએ પુષ્ટિ કરી કે શુક્રવાર રાત્રે થયેલા આ હુમલાને કારણે તેમની સ્વચાલિત સિસ્ટમ બંધ થઈ ગઈ, જેને કારણે ફક્ત મેન્યુઅલ ચેક-ઇન અને બોર્ડિંગ શક્ય બન્યું હતું. એરપોર્ટે જણાવ્યું હતું કે 19 સપ્ટેમ્બરની રાત્રે અમારા સેવા પ્રોવાઇડર પર સાઇબર હુમલો થયો, જે ચેક-ઇન અને બોર્ડિંગ સિસ્ટમ માટે જવાબદાર છે અને આ હુમલાએ અનેક યુરોપિયન એરપોર્ટ્સને અસર કરી છે, જેમાં બ્રસેલ્સ એરપોર્ટ પણ સામેલ છે.

સમસ્યા ઉકેલવા નિષ્ણાતો પ્રયત્નશીલ

એરપોર્ટે વધુમાં જણાવ્યું  હતું કે સેવા પ્રોવાઇડરો આ સમસ્યાનો ઉકેલ શોધવામાં સક્રિય રીતે કામ કરી રહ્યા છે અને મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ એરપોર્ટ પર જતાં પહેલાં પોતાની ફ્લાઇટની સ્થિતિ પોતાની એરલાઇન સાથે તપાસી લે.

સેવાઓ ક્યારે પુનઃસ્થાપિત થશે તે કહેવું મુશ્કેલ

બર્લિન એરપોર્ટે પણ ચેક-ઇન પર લાંબી રાહ જોવાની વાત કરતાં જણાવ્યું હતું કે આ સમસ્યા યુરોપના એક સિસ્ટમ પ્રોવાઇડરની ટેક્નિકલ ખામીને કારણે છે. તેમણે કહ્યું હતું કે સમસ્યાના જલદી ઉકેલ માટે ટીમ કામ કરી રહી છે. અધિકારીઓ અને એરલાઇન્સે સેવાઓ ક્યારે સંપૂર્ણ રીતે પુનઃસ્થાપિત થશે તેની કોઈ સમયમર્યાદા નથી આપી.

મને લાગે છે બહુ બધું કરવાની જરૂર છે, રાજનીતિના દિવસો યાદ કર્યા અમિતાભે

અમિતાભ બચ્ચને તાજેતરમાં KBC 17 ના સેટ પર પોતાના રાજકીય દિવસોની યાદ તાજી કરી. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે ગામડાઓમાં હજુ ઘણું કરવાનું બાકી છે.

લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિ હાલમાં તેની 17મી સીઝનમાં છે. ઘણા સ્પર્ધકો અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર પરફોર્મ કરી ચૂક્યા છે. તાજેતરમાં જ પ્રીમિયર થયેલા એપિસોડમાં અમિતાભ બચ્ચને સ્પર્ધક ઓમકાર ઉદાવંત સાથેના તેમના રાજકીય કારકિર્દીની યાદ તાજી કરી.

આખી વાર્તા કેવી રીતે શરૂ થઈ

કૌન બનેગા કરોડપતિ 17ના તાજેતરના એપિસોડમાં ઓમકાર ઉદાવંત હોટ સીટ પર બેસવા માટે સ્પર્ધક બન્યા. તે હોસ્ટ અમિતાભ બચ્ચનના પગ સ્પર્શ કરવા ગયા. બિગ બીએ કહ્યું, “તમારે ખુરશીની પૂજા કરવી જોઈએ; હું તેને લાયક નથી.”

બિગ બીએ સ્પર્ધકના કાનના સ્ટડની પ્રશંસા કરી અને તેમની સુસંગતતા વિશે પૂછ્યું. ઓમકારે કહ્યું, “હું એક સોની છું, અને લોકો કાન વીંધાવવા માટે મારી પાસે આવે છે. એવું કહેવાય છે કે જે લોકોના કાન વીંધે છે તેના કાન પણ વીંધેલા હોવા જોઈએ.” તે મહારાષ્ટ્રનો છે. તેની સાથે તેની પત્ની પણ હતી, જે કહે છે, “તેનું વ્યક્તિત્વ હસમુખુ છે. અમારા લગ્નને 10 વર્ષ થયા છે, અને તેણે ક્યારેય પોતાનો અવાજ ઉઠાવ્યો નથી.” સ્પર્ધકે ખુલાસો કર્યો કે તેણે એક વખત મહારાષ્ટ્રમાં ધોધના શહેર તરીકે જાણીતા પોતાના શહેર માટે પ્રચાર કરવા માટે સ્વતંત્ર રીતે ચૂંટણી લડી હતી. જો કે, તેને સૌથી ઓછા મત મળ્યા હતા. અહીં, બિગ બી તેના શહેર, અલ્હાબાદથી ચૂંટણી લડવાનો પોતાનો અનુભવ વર્ણવે છે.

અમિતાભ બચ્ચને પણ પોતાના રાજકીય દિવસો યાદ કર્યા

“હું જબરદસ્ત વિજય સાથે જીત્યો અને ત્યાં પાછો ગયો. પરંતુ ત્યાં થોડા દિવસો વિતાવ્યા પછી, મને સમજાયું કે તે ખૂબ જ મુશ્કેલ હતું. ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડતું હતું: કેવી રીતે વાત કરવી, કોની સાથે વાત કરવી, શું કહેવું, વગેરે. પરંતુ તે બે વર્ષનો અનુભવ હંમેશા મારી સ્મૃતિમાં કોતરાયેલો રહેશે,” તે કહે છે. “મને સમજાયું કે મારું હૃદય ભારતના ગામડાઓનું છે. મેં શીખ્યું કે ત્યાંના લોકો કેવી રીતે રહે છે અને ચૂંટણી લડવા આવનાર વ્યક્તિને તેઓ કેટલો પ્રેમ આપે છે. તેમને ખૂબ માન મળે છે.” 1984માં બિગ બીએ અભિનયમાંથી વિરામ લીધો અને થોડા સમય માટે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

ITRA દ્વારા આયુર્વેદ અંગે જાગૃતિ રેલી

જામનગર: આયુષ મંત્રાલય, ભારત સરકાર હેઠળના ITRAએ ૧૦મા આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત જાગૃતિ રેલીનું આયોજન કર્યું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય સર્વાંગી સ્વાસ્થ્ય અને સુખાકારી માટે આયુર્વેદના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો.સંસ્થાના કાર્યકારી ડાયરેક્ટર પ્રો. વૈદ્ય બી. જે. પાટગિરીએ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં ITRAના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ પ્રસંગે સંસ્થાના ડિન, ડેપ્યુટી ડાયરેક્ટર, વિભાગ અધ્યક્ષો અને અન્ય કર્મચારીઓ પણ જોડાયા હતા. આયુર્વેદના સમૃદ્ધ વારસાને પ્રોત્સાહન આપવા અને જાળવવા માટે ITRA દ્વારા વિવિધ શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગરમાં PM મોદીનું ભાવુક સંબોધન

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાવનગરમાં ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં વિશાળ જનસભા સંબોધી. 1.5 કિલોમીટર લાંબા ભવ્ય રોડ શો પછી જવાહર મેદાનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે 34,200 કરોડથી વધુ કિંમતના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. ભાષણમાં વડાપ્રધાને તેમના જન્મદિવસના આશીર્વાદો માટે આભાર વ્યક્ત કર્યો, કૃષ્ણ કુમારસિંહજીનું સ્મરણ કર્યું અને આત્મનિર્ભર ભારત, મારિટાઇમ સેક્ટરના વિકાસ અને કોંગ્રેસની નીતિઓની ટીકા કરી. તેમણે કહ્યું કે, “બીજા દેશો પર નિર્ભરતા આપણો સૌથી મોટો દુશ્મન છે,” અને ચિપથી લઈને શિપ સુધી ભારતમાં જ બનાવવાનો આગ્રહ કર્યો.

જન્મદિવસના આશીર્વાદોને ‘મારી શક્તિ’ કહ્યા

વડાપ્રધાને તેમના 17 સપ્ટેમ્બરે થયેલા જન્મદિવસ પર દેશ-દુનિયાથી મળેલા પ્રેમ અને શુભેચ્છાઓ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યા. તેમણે કહ્યું, “ભાવનગરવાળાએ તો વટ પાડી દીધો છે. ભાવનગર અને ગુજરાતના લોકોને ખૂબ ખૂબ અભિનંદન. તમે બધાએ પોતાના નરેન્દ્રભાઈને જન્મદિવસે જે શુભકામનાઓ મોકલી છે, તે આશીર્વાદ અને પ્રેમ મારી મોટી તાકાત છે.” તેમણે દેશભરમાં યોજાયેલા સફાઈ અભિયાનો અને ગુજરાતમાંથી 1 લાખ યુનિટ બ્લડ એકત્ર કરવાની પ્રશંસા કરી, જેને “એક મોટી વાત” કહ્યી.

કૃષ્ણ કુમારસિંહજીનું સ્મરણ

ભાષણની શરૂઆતમાં વડાપ્રધાને ભાવનગરના મહાન દેશભક્ત કૃષ્ણ કુમારસિંહજીનું સ્મરણ કર્યું. તેમણે કહ્યું, “હું સૌથી પહેલાં કૃષ્ણ કુમારસિંહજીનું સ્મરણ કરું છું, જેમણે સરદાર સાહેબના મિશન સાથે જોડાઈને ભારતની એકતા માટે ખૂબ મોટું યોગદાન આપ્યું.” આ પ્રસંગે તેમણે કહ્યું કે, “આજે આવા જ મહાન દેશભક્તોની પ્રેરણાથી ભારતની એકતાને મજબૂત કરી રહ્યા છીએ.”

GST ઘટાડાની ખુશખબર

ભાવનગરના લોકોને સંબોધી વડાપ્રધાને કહ્યું, “ભાવનગરના ભાઈઓ મને માફ કરજો, મારે હિન્દીમાં બોલવું પડશે, કારણ કે આમાં દેશભરના લોકો જોડાયેલા છે.” તેમણે GST રેટમાં ઘટાડાની જાહેરાત કરી અને કહ્યું કે, “જીએસટી ઘટાડતા દિવાળી તહેવારમાં બજારમાં રોનક રહેવાની છે.” આ જાહેરાતથી જનસભામાં તરફદારીનો વાવાઝોડો ઉઠ્યો.

આત્મનિર્ભર ભારત: ‘100 દુખની એક જ દવા‘

વડાપ્રધાને મુખ્યત્વે આત્મનિર્ભર ભારત અને મારિટાઇમ સેક્ટર પર ભાર મૂક્યો. તેમણે કહ્યું, “સૌથી મોટો દુશ્મન બીજા પર નિર્ભરતા છે. જેટલી બીજા દેશો પર નિર્ભરતા, એટલી દેશની નિષ્ફળતા.” તેમણે ઉમેર્યું, “140 કરોડ દેશવાસીઓના ભવિષ્યને બીજા પર ન છોડી શકીએ. ગુજરાતીમાં કહે 100 દુખની એક જ દવા – આત્મનિર્ભર ભારત.” તેમણે આઝાદી પછી કોંગ્રેસની નીતિઓની ટીકા કરી: “કોંગ્રેસે ભારતના દરેક સામર્થ્યની અવગણના કરી. લાઇસન્સ રાજ અને ગોટાળાઓએ ભારતની તાકાતને દબાવી દીધી.”

મારિટાઇમ સેક્ટરમાં ક્રાંતિ: 6 લાખ કરોડનું વાર્ષિક નુકસાન

ભારતના શિપિંગ સેક્ટરના નુકસાન પર ભાર મૂકતા વડાપ્રધાને કહ્યું, “આજે ભારત વર્ષે 75 બિલિયન ડોલર (6 લાખ કરોડ રૂપિયા) વિદેશી શિપિંગ કંપનીઓને ભાડા પેટે આપે છે. આ રકમ ડિફેન્સ બજેટ જેટલી છે.” તેમણે ઉમેર્યું, “ચિપ હોય કે શિપ, આપણે ભારતમાં જ બનાવવા પડશે.” તેમણે મુંબઈમાં ઇન્ટરનેશનલ ક્રુઝ ટર્મિનલના લોકાર્પણ અને ગુજરાતમાં વિકાસ પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કર્યો.

ભારત પાસે નબળા PM છે, જલદી અમે હાઈડ્રોજન બોમ્બ ફોડીશું: રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાએ H-1B વિઝામાં એક લાખ ડોલરના (બમણો વધારો- ~88 લાખ રૂપિયા) પ્રતિ શુલ્ક મૂકવાના નિર્ણય પછી શનિવારે વડા પ્રધાન મોદી પર તીખા પ્રહારો કરતાં દાવો કર્યો હતો કે ભારત પાસે એક નબળા વડા પ્રધાન છે.તેમણે જુલાઈ, 2017માં X પર પોતાની એક પોસ્ટ શેર કરતાં વડા પ્રધાન નક્કર ટિપ્પણી કરી હતી. તે પોસ્ટમાં પણ કોંગ્રેસ નેતાએ વડા પ્રધાન પર “નબળા વડા પ્રધાન” હોવાનો આરોપ લગાવ્યો હતો.

H-1B વિઝાના બદલાયેલા નિયમો વિશે રાહુલ ગાંધી શું બોલ્યા?

તેમણે દાવો કર્યો હતો  કે હું ફરીથી કહું છું, ભારતમાં એક નબળા વડા પ્રધાન છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારે ‘કેટલાક ગેર-પ્રવાસી કામદારોના પ્રવેશ પર પ્રતિબંધ’ સંબંધિત શાસનાકીય આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. આ નિર્ણય હેઠળ એ કામદારોની અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ લાગશે જેમના H-1B અરજી સાથે એક લાખ યુએસ ડોલરની ચુકવણી ન હોય.

અમે એક હાઈડ્રોજન બોમ્બ ફોડીશું: રાહુલ ગાંધી

બીજી તરફ તેમણે “વોટ ચોરી”નો ઉલ્લેખ કરીને કેન્દ્ર સરકારને ઘેરી હતી. વોટ ચોરી અંગેના પુરાવાઓ વિશે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે તેને એવી રીતે પ્રદર્શિત કરીશું કે દેશમાં કોઈને શંકા ન રહે કે નરેન્દ્ર મોદીજી દ્વારા ‘વોટ ચોરી’ થઇ છે અને તેઓ ચૂંટણી જીતી ગયા છે. અમે એક હાઈડ્રોજન બોમ્બ ફોડવા જઈ રહ્યા છીએ જે પરિસ્થિતિની વાસ્તવિકતાને સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરી દેશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે કર્ણાટકમાં CID તપાસ ચાલી રહી છે। CIDએ ખાસ કરીને એ ફોન નંબરની માહિતી માંગેલી છે જેના દ્વારા આ ‘વોટ ચોરી’ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે જ્ઞાનેશ કુમાર CEC છે. CEC એવી માહિતી આપી રહ્યા નથી, જે કર્ણાટક CID માગે છે. CEC પર આથી મોટો કોઈ આરોપ નથી હોઈ શકે.

Video: ભાવનગરમાં PM મોદીનો ભવ્ય રોડ શો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને ભાવનગર પહોંચી ગયા છે. તેમનો રોડ શો પણ શરૂ થઈ ગયો છે. રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. લોકોએ મોદી… મોદીના નારા પણ લગાવ્યા હતા. પીએમ મોદીના આગમનના પગલે ભાવનગર શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દઈને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.

પીએમ મોદીનું ભાવનગર એરપોર્ટ મુખ્યપ્રધાન, મંત્રી મંડળ, ઉચ્ચ અધિકારીઓ અને ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા સ્વાગત કરાયું હતું. ત્યાંથી કોન્વોય સાથે મહિલા કોલેજ સર્કલ પહોંચ્યા બાદ વડાપ્રધાનનો ભવ્ય રોડ શો શરૂ થયો હતો. મહિલા કોલેજ, આંબાવાડી સર્કલ, ઘોઘા સર્કલથી રૂપાણી સર્કલ સુધીના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

આ કાર્યક્રમ બાદ તેઓ બપોરે અમદાવાદ જિલ્લાના લોથલ જવા રવાના થશે. જ્યાં તેઓ હાલ નિર્માણ પામી રહેલા એશિયાના સૌથી મોટા નેશનલ મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમ પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યારસુધી તૈયાર થયેલા કામનું નિરીક્ષણ કરશે.

તેમજ પીએમ મોદી ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. દેશની વિકાસયાત્રાને સમુદ્રથી સમૃદ્ધિની દિશામાં લઇ જવા માટે વડાપ્રધાન આ કાર્યક્રમ દરમિયાન ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ 66,025 કરોડના MoUsનું રિમોટ બટન દબાવીને લોકાર્પણ કરશે, જેમાં બંદરો અને શિપિંગ સંબંધિત 21 એમઓયુનો સમાવેશ થાય છે. આ સાથે જ, વડાપ્રધાન પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે ₹7870 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને મળશે મોટી રાહત

કેન્દ્ર સરકારે દિવાળી પહેલા પોતાના કર્મચારીઓને મોટી ભેટ આપવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. સરકાર જુલાઈ 2025 માટે દિવાળી પહેલા મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે. અહેવાલો અનુસાર, આ કર્મચારીઓને હાલમાં 55 % મોંઘવારી ભથ્થું મળે છે. જો વધારો જાહેર કરવામાં આવે તો તે 3% વધીને 58% થશે.

50 લાખ કર્મચારીઓને ફાયદો થશે

આ નિર્ણય લાગુ થયા પછી 50 લાખથી વધુ સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને ફાયદો થશે. સરકાર દર વર્ષે બે વાર ડીએમાં વધારો કરે છે. પહેલો વધારો જાન્યુઆરીમાં અને બીજો જુલાઈમાં અમલમાં આવે છે. આ વર્ષે પહેલો વધારો પહેલાથી જ જાહેર કરવામાં આવ્યો છે, અને જુલાઈમાં હજુ સુધી વધારો જાહેર કરવામાં આવ્યો નથી. તેથી, અટકળો પ્રવર્તી રહી છે કે વધારો દિવાળીની આસપાસ થઈ શકે છે.

ડીએમાં 3 %નો વધારો થશે

પ્રશ્ન એ છે કે મોંઘવારી ભથ્થામાં ૩%નો વધારો કેમ કરવામાં આવી રહ્યો છે. સરકાર ટૂંક સમયમાં 8મા પગારપંચનો અમલ કરી રહી છે. આ પહેલા, આ વર્ષે ફુગાવામાં ઘટાડો થયો છે. તેથી, એવો અંદાજ છે કે વધારો 3% સુધી હોઈ શકે છે.

DA ગણતરીની પદ્ધતિ શું છે?

આ કરવા માટે સરકાર દર મહિને CPI-IW ના આધારે ફુગાવાનો દર નક્કી કરે છે. જેમ જેમ ફુગાવો વધે છે, તેમ તેમ DA વધારો ગુણોત્તર પણ તે મુજબ નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો CPI-IW અનુસાર છેલ્લા છ મહિનામાં ફુગાવામાં 5 % નો વધારો થયો હોય, તો સરકાર DA માં 5 % નો વધારો કરશે.

કોના પગારમાં કેટલો વધારો થશે?

જો મોંઘવારી ભથ્થામાં 3 % નો વધારો કરવામાં આવે છે, તો એન્ટ્રી-લેવલ કર્મચારીને તેમના મૂળ પગાર ઉપરાંત દર વર્ષે વધારાના ₹6,480 મળશે. જો કોઈનો પગાર 18,000 રૂપિયા છે, તો પહેલા તેને 9,900 રૂપિયાનો વધારાનો મોંઘવારી ભથ્થો મળતો હતો, જે હવે વધીને 10,440 રૂપિયા થશે.