Home Blog Page 5624

રાહુલ ગાંધી 3 દિવસ ગુજરાત પ્રવાસે

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે સોમવારથી 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓ 3 દિવસ મધ્યગુજરાતમાં નવસર્જન યાત્રા કરશે. રોડ શો દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર-પ્રસાર કરશે. રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પર આવ્યા ત્યારે તેમનું અહેમદ પટેલ, અશોક ગેહલોત અને શક્તિસિંહ ગોહિલે સ્વાગત કર્યું હતું, અને તુરત તેઓ રોડ શો માટે નીકળ્યા હતા.

ગોધરાકાંડઃ 11 દોષિતોની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવાઈ

અમદાવાદ– વર્ષ 2002માં ગોધરામાં ટ્રેનના ડબ્બાને સળગાવવાનો મામલામાં એસઆઈટીની ખાસ અદાલતના ચુકાદાને પડકારતી અરજી પર ગુજરાત હાઈકોર્ટે આજે ચુકાદો સંભળાવી દીધો છે. 11 દોષિતોને ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવાઈ છે. અને મૃતકના પરિવારોને રૂપિયા 10 લાખનું વળતર ચુકવવા હાઈકોર્ટે કહ્યું છે, અને આ વળતર એક અઠવાડિયામાં ચુકવવાનો આદેશ કર્યો છે. અન્ય આરોપીઓની આજીવન કેદ યથાવત રહી છે. અગાઉ કોર્ટે 63 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે, તે ચુકાદો પણ યથાવત રખાયો છે. તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા સરકાર નિષ્ફળ રહી છે, તેમ કોર્ટે નોંધ્યું છે.

ગોધરાકાડમાં સાબરમતી એક્સપ્રેસના એસ-6ના ડબ્બાને 27 ફેબ્રુઆરી,2002ના રોજ ગોધરા સ્ટેશન પર સળગાવી દેવામાં આવ્યો હતો, જે પછી ગુજરાતમાં તોફાનો ભડક્યા હતા. આ ડબ્બામાં 59 કાર કારસેવકો અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા, તે તમામના મોત થયા હતા.ગોધરા ટ્રેન કાંડમાં એસઆઈટીની ખાસ અદાલતે પહેલી માર્ચ, 2011ના રોજ 31 લોકોને દોષી કરાર કર્યા હતા, અને 63 લોકોને નિર્દોષ છોડી મુક્યા હતા. જેમાં 11 લોકોને ફાંસીની સજા સંભળાવી હતી અને 20 લોકોને આજીવન કેદની સજા ફરમાવી હતી.

  • 130થી વધુ આરોપીમાંથી એસઆઈટીની કોર્ટે 94 લોકોની સુનાવણી થઈ હતી.
  • ત્યાર પછી ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી, જે ચુકાદાને પડકારતી અરજી કરાઈ હતી. બીજી તરફ રાજ્ય સરકારે 63 લોકોને નિર્દોષ જાહેર કર્યા તે ચુકાદા પર સવાલો ઉભા કર્યા હતા.
  • આ મામલાની તપાસ માટે ગુજરાત સરકાર દ્વારા રચાયેલ નાણાવટી કમિશને કહ્યું હતું કે એસ-6 કૉચમાં આગ લગાડવાની કોઈ દુર્ઘટના નહી પણ આગ લગાડવામાં આવી હતી.
  • ગોધરા તોફાનો પછી 8 બીજા કેસની જેમ સુપ્રીમ કોર્ટે આ મામલામાં પણ એનએચઆરસીની અરજી પર પાંચ વર્ષ માટે આ મામલાની સુનાવણી પર સ્ટે મુક્યો હતો, ત્યાર પછી સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ માટે એસઆઈટીની રચના કરી હતી.
  • 27 ફેબ્રુઆરી, 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસના એસ-6 કૉચમાં ગુજરાતના ગોધરા સ્ટેશન પર આગ લગાડાઈ હતી. જેમાં 59 લોકોના મોત થયા હતા, જેમાં સૌથી વધુ કાર સેવકો હતા, અને તે અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા.

 

RBI સર્વેઃ અર્થવ્યવસ્થાને લઈને લોકોમાં નિરાશા વધી, નોકરી સૌથી મોટી ચિંતા

નવી દિલ્હી- આરબીઆઈ દ્વારા કરવામાં આવેલા એક સર્વે અનુસાર ઘરાકીને લઈને લોકોનુ મનોબળ તૂટી રહ્યું છે. નિર્માણ ક્ષેત્રના વ્યવસાયકારો નિરાશ થઈ રહ્યા છે. વિકાસ દર સતત નીચે જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આરબીઆઈના સર્વેના પરિણામો તેની ચાર ઓક્ટોબરના રોજ રજૂ કરવામાં આવેલી આર્થિક નિતિ સમીક્ષા રિપોર્ટ સાથે પણ મેચ થાય છે. આરબીઆઈએ આર્થિક નીતિ સમીક્ષા રિપોર્ટમાં નાણીકીય વર્ષ 2017-18માં અનુમાનિત વિકાસ દર 7.3થી ઘટાડીને 6.7 કર્યો હતો.

આરબીઆઈ અનુસાર છેલ્લા ચાર ત્રિમાસીક ગાળામાં માન્ય ખરીદદારોમાં આર્થિક હાલતને લઈને નિરાશા વ્યાપેલી છે. ચાર ઓક્ટોબરના રોજ આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા કન્ઝ્યુમર કોન્ફિડેન્સ સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર 2017 સુધી સામાન્ય આર્થિક સ્થિતી વિશે 34.6 ટકકા લોકોએ જણાવ્યું કે સ્થિતી સુધરી છે. જ્યારે સપ્ટેમ્બર 2016 સુધી આવું માનનારા લોકોની સંખ્યા લોકો 44.6 ટકા હતા. સર્વે અનુસાર સપ્ટેમ્બર 2017 સુધી 40.7 ટકા જવાબ આપનારાઓએ જણાવ્યું કે આર્થિક સ્થિતિ બગડી છે, જ્યારે સપ્ટેમ્બર 2016 સુધી 25.3 ટકા જવાબ આપનારાઓ આવું માનતા હતા. સર્વે અનુસાર આવનારા એક વર્ષમાં આર્થિક હાલત વધારે સારી થશે તેવું માનનારા લોકોની સંખ્યા ઓછી થઈ છે. સર્વે અનુસાર આશરે 50.8 ટકા લોકોએ જણાવ્યું કે આવનારા એક વર્ષમાં આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનશે, જ્યારે ડિસેમ્બરમાં જવાબ આપનારા 66.3 ટકા લોકોને લાગતું હતું કે આવનારા એક વર્ષમાં આર્થિક સ્થિતી વધારે મજબૂત બનશે.

પરોઠાં

પરોઠાં સ્વાદિષ્ટ અને પોચાં બનાવવા માટે, લોટમાં થોડુંક પનીર ખમણીને
નાખો અને લોટ બાંધો. સ્વાદ વધારવા માટે કોથમીર સુધારીને ઉમેરી શકાય.

ટ્રકમાલિકોની ૩૬-કલાકની દેશવ્યાપી હડતાળનો આરંભ

મુંબઈ – ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) અંતર્ગત અમુક કથિત નુકસાનકારક નીતિઓ સામેના વિરોધમાં તેમજ ડિઝલના ભાવમાં કરાયેલા વધારા સામેના વિરોધમાં દેશભરના ટ્રકમાલિકો આજે સવારે ૮ વાગ્યાથી હડતાળ પર ઉતરી ગયા છે. એમણે ૩૬ કલાકની હડતાળનું એલાન કર્યું છે.

ટ્રકમાલિકોની માગણી છે કે ડિઝલને જીએસટી પણ કર-માળખામાં સામેલ કરવામાં આવે.

ટ્રકમાલિકોની હડતાળને કારણે દેશભરમાં માલની હેરફેરને માઠી અસર પડશે.

હડતાળનું એલાન ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસની આગેવાની તથા અન્ય ટ્રાન્સપોર્ટ સંગઠનોએ કર્યું છે. એમની હડતાળ ૯ ઓક્ટોબરના સોમવારે સવારે ૮ વાગ્યાથી શરૂ થઈ ૧૦ ઓક્ટોબરના મંગળવારે રાતે ૮ વાગ્યા સુધી ચાલશે.

અમદાવાદઃ આવી દિવાળી, ઉઘડી ખરીદી…

દિવાળીના તહેવારને આડે હવે અમુક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદમાં જુદી જુદી બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ વધવા માંડી છે. જીએસટી ટેક્સ અને નોટબંધીની અસર એમ તો બજારો પર હજી વર્તાઈ રહી છે. મંદીની અસરને કારણે આ વર્ષે છેલ્લા કેટલાક પર્વોની ઉજવણીમાં સામાન્ય પ્રજાનો ઉત્સાહ ઓછો દેખાયો હતો. પરંતુ ઘરનાં સદસ્યો નારાજ ન થાય એટલે દિવાળીના તહેવારમાં નાની-મોટી ખરીદી તો કરવી જ પડે એ હેતુથી કાપડ બજાર, પગરખાં બજાર અને સુશોભનની ચીજવસ્તુઓથી ઉભરાતી ફૂટપાથો પર હાલ લોકોની ભીડ જોવા મળી રહી છે. આજે 8 ઓક્ટોબર, રવિવારે રજાનો લાભ લઈ જીવનજરૂરી ચીજવસ્તુઓની સાથે ઘરસજાવટની વસ્તુઓની ખરીદી માટે અમદાવાદના ભદ્ર–લાલ દરવાજા વિસ્તારમાં લોકો ખરીદી માટે ઉમટી પડેલા જોવા મળ્યાં છે. વ્યાજબી ભાવે અને ઓછા બજેટમાં ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે શહેર બહારના વિસ્તારો અને આજુબાજુના ગામડાંના લોકોની ભીડ અમદાવાદમાં જોવા મળે છે. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

‘ધ વાયર’નો લેખ બદનામીભર્યો; જય શાહ વેબસાઈટ સામે દાવો માંડશેઃ ભાજપ

નવી દિલ્હી – ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહના પુત્ર જય શાહની માલિકીની કંપનીઓએ કરેલા સોદાઓ અંગે સવાલો ઉઠાવતા એક લેખને પાર્ટીએ દ્વેષીલો અને બદનામીભર્યો ગણાવ્યો છે અને કહ્યું છે કે જય શાહ આ લેખ લખનાર રોહિણી સિંહ સામે તેમજ આ લેખ જેમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે એ વેબસાઈટ ‘ધ વાયર’ના તંત્રી અને માલિકો સામે અમદાવાદની કોર્ટમાં રૂ. 100 કરોડનો સિવિલ તથા ક્રિમિનલ માનહાનિનો કેસ કરશે.

રેલવેપ્રધાન પીયૂષ ગોયલે આ બાબત અંગે આજે પત્રકારોને સંક્ષિપ્તમાં જાણકારી આપી હતી. એમણે કહ્યું હતું કે જય શાહની કંપનીઓ – ટેમ્પલ એન્ટરપ્રાઈઝીસ પ્રાઈવેટ લિમિટેડ અને કુસુમ ફિન્સર્વ – એ કરેલા તમામ સોદા અને મેળવેલી લોન પારદર્શક પ્રકારનાં છે અને લોન વ્યાજ સાથે ચૂકવી દેવામાં આવી છે.

ગોયલે કહ્યું કે આ લેખ દ્વારા અમારા નેતા અમિત શાહની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જય શાહે લેખક તેમજ ન્યૂઝ વેબસાઈટ ‘ધ વાયર’ના તંત્રી તથા માલિકો સામે રૂ. 100 કરોડનો માનહાનિનો કેસ કરવાનો નિર્ણય લીધો છે.

દરમિયાન ભૂતપૂર્વ બેન્ક મેનેજર અને ભાજપના રાષ્ટ્રીય માહિતી અને ટેક્નોલોજીના ઈન્ચાર્જ અમિત માલવિયાએ પણ એમના ટ્વિટર હેન્ડલ પર મૂકેલી આ જાણકારીમાં જણાવ્યું છે કે અમિત શાહ ‘ધ વાયર’ વેબસાઈટ સામે રૂ. 100 કરોડનો દાવો માંડશે.

માલવિયાએ એ સાથે જય શાહનું નિવેદન પણ પોસ્ટ કર્યું છે, જેમાં જય શાહે એમની કંપનીએ કોઈ પણ પ્રકારની ગેરરીતિ આચરી હોવાના આક્ષેપને નકારી કાઢ્યો છે.

httpss://twitter.com/malviyamit/status/916990395824902144

જય શાહ વિરુદ્ધનો લેખ આજે પ્રકાશિત થયા બાદ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. એમાં આમ આદમી પાર્ટી અને ભારતીય માર્ક્સવાદી પાર્ટી પણ જોડાઈ હતી.

કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ ટ્વીટ દ્વારા મોદી સરકારને ટકોર કરી હતી અને કહ્યું હતું કે નોટબંધીના એકમાત્ર લાભાર્થી કોણ છે એની આપણને આખરે પડી.

httpss://twitter.com/OfficeOfRG/status/916937155372474373

કોંગ્રેસ પાર્ટીએ નવી દિલ્હીમાં તેના મુખ્યાલયમાં પત્રકાર પરિષદ બોલાવી હતી અને વડાપ્રધાન મોદીને કહ્યું હતું કે તેઓ જય અમિત શાહ વિરુદ્ધના આક્ષેપો વિશે સીબીઆઈ દ્વારા તપાસ કરવાનો આદેશ આપે.

આમ આદમી પાર્ટીના નેતા આશુતોષે પત્રકાર પરિષદમાં માગણી કરી કે આ આક્ષેપના સંબંધમાં અમિત શાહની પૂછપરછ કરાવી જોઈએ.

httpss://twitter.com/AamAadmiParty/status/916948690807382017

GSTના ૧૦૦ દિવસ પૂરા: ઘરાકી વધતાં FMCG કંપનીઓ ખુશ

નરેન્દ્ર મોદી સરકારે ‘એક-દેશ-એક-ટેક્સ’ ‘સમાન-રાષ્ટ્ર-સમાન-કર’ થીમ અન્વયે ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST)ને દેશભરમાં લાગુ કર્યાને આજે ૧૦૦ દિવસ પૂરા થયા છે. આ ટેક્સને ગઈ ૧ જુલાઈથી લાગુ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં GST વિશે રોષ, નારાજગીની લાગણી પ્રવર્તતી હતી તે હવે ધીમે ધીમે ઘટી રહી છે. ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યૂમર ગૂડ્સ (FMCG) અથવા કન્ઝ્યૂમર પેકેજ્ડ ગૂડ્સ કંપનીઓ હવે રાજી થઈ ગઈ છે, કારણ કે ઉત્પાદનોની ડીમાન્ડ વધવા માંડી છે.

ડાબર અને ગોદરેજ કન્ઝ્યૂમર જેવી FMCG કંપનીઓને એવી આશા છે કે નવી ટેક્સ વ્યવસ્થા અમલમાં મૂકાતાં ગ્રાહક-માગમાં જે તીવ્ર ઘટાડો થયો હતો તે પરિસ્થિતિ ઘણે અંશે બદલાઈ ગઈ છે અને કંપનીઓ ટૂંક સમયમાં જ ફૂલ રીકવરી મેળવી શકશે.

ગઈ ૧ જુલાઈથી GSTના અમલ પૂર્વે નવી પદ્ધતિ અંગે પ્રવર્તતી અચોક્કસતાને કારણે ચેનલ પાર્ટનર્સે પોતપોતાનો સ્ટોક ખતમ કરવા માંડ્યો હતો એટલે મોટા ભાગની એફએમસીજી કંપનીઓને માથે મુસીબત આવી પડી હતી.

ડાબર ઈન્ડિયા અને ગોદરેજ કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ લિમિટેડનું કહેવું છે કે અમે સહુએ GST ટ્રાન્ઝિશનને સરસ રીતે અપનાવી લીધું છે અને અમને આશા છે કે બજાર સેન્ટીમેન્ટ્સ સ્થિર થશે એટલે આ જ ક્વાર્ટરના અંત સુધીમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે સુધરી જશે.

એફએમસીજી કંપનીઓ એ વાતે ખુશ છે કે પરોક્ષ વેરાઓની નવી વ્યવસ્થા GST ધીમે ધીમે સેટ થઈ રહી છે અને ગ્રાહકોનાં સેન્ટીમેન્ટ્સમાં નોંધનીય સુધારો જોવા મળ્યો છે તથા ઉત્પાદનોની ડીમાન્ડ વધી રહી છે.

ગયા જૂન મહિનામાં ડીલર્સ દ્વારા જે જંગી પાયે ડીસ્ટોકિંગ શરૂ કરાયું હતું તે હવે ભૂતકાળની વાત થવા માંડી છે અને ડીલર્સ પર્યાપ્ત રીતે માલ રીફિલ કરી રહ્યાં છે. આમ સ્પષ્ટ રીકવરી પ્રાપ્ત થવાની એફએમસીજી કંપનીઓને આશા છે.

માર્કેટના નિષ્ણાતોનું માનવું છે કે હોલસેલ ચેનલને નવી કર વ્યવસ્થા અપનાવતાં થોડોક સમય લાગશે, પણ રીટેલ ચેનલો ખૂબ ઝડપથી એડજસ્ટ થઈ ગઈ છે. રીટેલ ચેનલ પાર્ટનર્સ ફરી નોર્મલ થવા માંડ્યાં છે. ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં હોલસેલ ચેનલમાં પણ ફૂલ રીકવરીની આશા છે.

જીએસટીનો અમલ શરૂ થયા બાદ ટ્રેડ પાર્ટનર્સ દ્વારા મોટા પાયે ડી-સ્ટોકિંગ કરાતાં હિન્દુસ્તાન યૂનીલીવર લિમિટેડ, મેરિકો અને ડાબર ઈન્ડિયા જેવી કંપનીઓનાં વેચાણમાં તીવ્રપણે ઘટાડો નોંધાયો હતો.

જીએસટી અંતર્ગત, હેર ઓઈલ, સાબુઓ, ટૂથપેસ્ટ્સ જેવી સામાન્ય પ્રકારની વપરાશી ચીજવસ્તુઓ પર ૧૮ ટકાનો રેટ લાગુ કરાયો હતો. જીએસટી પૂર્વે આ જ ચીજવસ્તુઓ પર ૨૨-૨૪ ટકા ટેક્સ વસૂલ કરાતો હતો. એમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારોના વેરાઓ એકસાથે ઝીંકાતા હતા.

ઘટાડેલા કરવેરાનો લાભ ગ્રાહકોને આપવા માટે આ કંપનીઓએ એમની પ્રોડક્ટ્સની કિંમતમાં ફેરફાર કર્યો હતો.

પતંજલિ, આઈટીસી, હિન્દુસ્તાન લીવર, મેરિકોનું કહેવું છે કે એમણે ચીજવસ્તુઓનાં ભાવ કાં તો ઘટાડી દીધા છે અથવા ડિસ્પેચીસ ઉપર પ્રોડક્ટનું વજન વધારી દીધું છે. આ રીતે એમણે ગ્રાહકોને લાભ આપવાનું શરૂ કર્યું છે.