અમદાવાદઃ આવી દિવાળી, ઉઘડી ખરીદી…

દિવાળીના તહેવારને આડે હવે અમુક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદમાં જુદી જુદી બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ વધવા માંડી છે. જીએસટી ટેક્સ અને નોટબંધીની અસર એમ તો બજારો પર હજી વર્તાઈ રહી છે. મંદીની અસરને કારણે આ વર્ષે છેલ્લા કેટલાક પર્વોની ઉજવણીમાં સામાન્ય પ્રજાનો ઉત્સાહ ઓછો દેખાયો હતો. પરંતુ ઘરનાં સદસ્યો નારાજ ન થાય એટલે દિવાળીના તહેવારમાં નાની-મોટી ખરીદી તો કરવી જ પડે એ હેતુથી કાપડ બજાર, પગરખાં બજાર અને સુશોભનની ચીજવસ્તુઓથી ઉભરાતી ફૂટપાથો પર હાલ લોકોની ભીડ જોવા મળી રહી છે. આજે 8 ઓક્ટોબર, રવિવારે રજાનો લાભ લઈ જીવનજરૂરી ચીજવસ્તુઓની સાથે ઘરસજાવટની વસ્તુઓની ખરીદી માટે અમદાવાદના ભદ્ર–લાલ દરવાજા વિસ્તારમાં લોકો ખરીદી માટે ઉમટી પડેલા જોવા મળ્યાં છે. વ્યાજબી ભાવે અને ઓછા બજેટમાં ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે શહેર બહારના વિસ્તારો અને આજુબાજુના ગામડાંના લોકોની ભીડ અમદાવાદમાં જોવા મળે છે. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)