નવી દિલ્હી- આરબીઆઈ દ્વારા કરવામાં આવેલા એક સર્વે અનુસાર ઘરાકીને લઈને લોકોનુ મનોબળ તૂટી રહ્યું છે. નિર્માણ ક્ષેત્રના વ્યવસાયકારો નિરાશ થઈ રહ્યા છે. વિકાસ દર સતત નીચે જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આરબીઆઈના સર્વેના પરિણામો તેની ચાર ઓક્ટોબરના રોજ રજૂ કરવામાં આવેલી આર્થિક નિતિ સમીક્ષા રિપોર્ટ સાથે પણ મેચ થાય છે. આરબીઆઈએ આર્થિક નીતિ સમીક્ષા રિપોર્ટમાં નાણીકીય વર્ષ 2017-18માં અનુમાનિત વિકાસ દર 7.3થી ઘટાડીને 6.7 કર્યો હતો.
આરબીઆઈ અનુસાર છેલ્લા ચાર ત્રિમાસીક ગાળામાં માન્ય ખરીદદારોમાં આર્થિક હાલતને લઈને નિરાશા વ્યાપેલી છે. ચાર ઓક્ટોબરના રોજ આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા કન્ઝ્યુમર કોન્ફિડેન્સ સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર 2017 સુધી સામાન્ય આર્થિક સ્થિતી વિશે 34.6 ટકકા લોકોએ જણાવ્યું કે સ્થિતી સુધરી છે. જ્યારે સપ્ટેમ્બર 2016 સુધી આવું માનનારા લોકોની સંખ્યા લોકો 44.6 ટકા હતા. સર્વે અનુસાર સપ્ટેમ્બર 2017 સુધી 40.7 ટકા જવાબ આપનારાઓએ જણાવ્યું કે આર્થિક સ્થિતિ બગડી છે, જ્યારે સપ્ટેમ્બર 2016 સુધી 25.3 ટકા જવાબ આપનારાઓ આવું માનતા હતા. સર્વે અનુસાર આવનારા એક વર્ષમાં આર્થિક હાલત વધારે સારી થશે તેવું માનનારા લોકોની સંખ્યા ઓછી થઈ છે. સર્વે અનુસાર આશરે 50.8 ટકા લોકોએ જણાવ્યું કે આવનારા એક વર્ષમાં આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનશે, જ્યારે ડિસેમ્બરમાં જવાબ આપનારા 66.3 ટકા લોકોને લાગતું હતું કે આવનારા એક વર્ષમાં આર્થિક સ્થિતી વધારે મજબૂત બનશે.