GSTના ૧૦૦ દિવસ પૂરા: ઘરાકી વધતાં FMCG કંપનીઓ ખુશ

નરેન્દ્ર મોદી સરકારે ‘એક-દેશ-એક-ટેક્સ’ ‘સમાન-રાષ્ટ્ર-સમાન-કર’ થીમ અન્વયે ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST)ને દેશભરમાં લાગુ કર્યાને આજે ૧૦૦ દિવસ પૂરા થયા છે. આ ટેક્સને ગઈ ૧ જુલાઈથી લાગુ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં GST વિશે રોષ, નારાજગીની લાગણી પ્રવર્તતી હતી તે હવે ધીમે ધીમે ઘટી રહી છે. ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યૂમર ગૂડ્સ (FMCG) અથવા કન્ઝ્યૂમર પેકેજ્ડ ગૂડ્સ કંપનીઓ હવે રાજી થઈ ગઈ છે, કારણ કે ઉત્પાદનોની ડીમાન્ડ વધવા માંડી છે.

ડાબર અને ગોદરેજ કન્ઝ્યૂમર જેવી FMCG કંપનીઓને એવી આશા છે કે નવી ટેક્સ વ્યવસ્થા અમલમાં મૂકાતાં ગ્રાહક-માગમાં જે તીવ્ર ઘટાડો થયો હતો તે પરિસ્થિતિ ઘણે અંશે બદલાઈ ગઈ છે અને કંપનીઓ ટૂંક સમયમાં જ ફૂલ રીકવરી મેળવી શકશે.

ગઈ ૧ જુલાઈથી GSTના અમલ પૂર્વે નવી પદ્ધતિ અંગે પ્રવર્તતી અચોક્કસતાને કારણે ચેનલ પાર્ટનર્સે પોતપોતાનો સ્ટોક ખતમ કરવા માંડ્યો હતો એટલે મોટા ભાગની એફએમસીજી કંપનીઓને માથે મુસીબત આવી પડી હતી.

ડાબર ઈન્ડિયા અને ગોદરેજ કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ લિમિટેડનું કહેવું છે કે અમે સહુએ GST ટ્રાન્ઝિશનને સરસ રીતે અપનાવી લીધું છે અને અમને આશા છે કે બજાર સેન્ટીમેન્ટ્સ સ્થિર થશે એટલે આ જ ક્વાર્ટરના અંત સુધીમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે સુધરી જશે.

એફએમસીજી કંપનીઓ એ વાતે ખુશ છે કે પરોક્ષ વેરાઓની નવી વ્યવસ્થા GST ધીમે ધીમે સેટ થઈ રહી છે અને ગ્રાહકોનાં સેન્ટીમેન્ટ્સમાં નોંધનીય સુધારો જોવા મળ્યો છે તથા ઉત્પાદનોની ડીમાન્ડ વધી રહી છે.

ગયા જૂન મહિનામાં ડીલર્સ દ્વારા જે જંગી પાયે ડીસ્ટોકિંગ શરૂ કરાયું હતું તે હવે ભૂતકાળની વાત થવા માંડી છે અને ડીલર્સ પર્યાપ્ત રીતે માલ રીફિલ કરી રહ્યાં છે. આમ સ્પષ્ટ રીકવરી પ્રાપ્ત થવાની એફએમસીજી કંપનીઓને આશા છે.

માર્કેટના નિષ્ણાતોનું માનવું છે કે હોલસેલ ચેનલને નવી કર વ્યવસ્થા અપનાવતાં થોડોક સમય લાગશે, પણ રીટેલ ચેનલો ખૂબ ઝડપથી એડજસ્ટ થઈ ગઈ છે. રીટેલ ચેનલ પાર્ટનર્સ ફરી નોર્મલ થવા માંડ્યાં છે. ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં હોલસેલ ચેનલમાં પણ ફૂલ રીકવરીની આશા છે.

જીએસટીનો અમલ શરૂ થયા બાદ ટ્રેડ પાર્ટનર્સ દ્વારા મોટા પાયે ડી-સ્ટોકિંગ કરાતાં હિન્દુસ્તાન યૂનીલીવર લિમિટેડ, મેરિકો અને ડાબર ઈન્ડિયા જેવી કંપનીઓનાં વેચાણમાં તીવ્રપણે ઘટાડો નોંધાયો હતો.

જીએસટી અંતર્ગત, હેર ઓઈલ, સાબુઓ, ટૂથપેસ્ટ્સ જેવી સામાન્ય પ્રકારની વપરાશી ચીજવસ્તુઓ પર ૧૮ ટકાનો રેટ લાગુ કરાયો હતો. જીએસટી પૂર્વે આ જ ચીજવસ્તુઓ પર ૨૨-૨૪ ટકા ટેક્સ વસૂલ કરાતો હતો. એમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારોના વેરાઓ એકસાથે ઝીંકાતા હતા.

ઘટાડેલા કરવેરાનો લાભ ગ્રાહકોને આપવા માટે આ કંપનીઓએ એમની પ્રોડક્ટ્સની કિંમતમાં ફેરફાર કર્યો હતો.

પતંજલિ, આઈટીસી, હિન્દુસ્તાન લીવર, મેરિકોનું કહેવું છે કે એમણે ચીજવસ્તુઓનાં ભાવ કાં તો ઘટાડી દીધા છે અથવા ડિસ્પેચીસ ઉપર પ્રોડક્ટનું વજન વધારી દીધું છે. આ રીતે એમણે ગ્રાહકોને લાભ આપવાનું શરૂ કર્યું છે.