
વિચારોની શાખ અને મંત્રણા: સફળ નિર્ણય લેવાની આધારશિલા
વિચારોની શાખ અને મંત્રણા સંચાલનશાસ્ત્રનું મહત્વપૂર્ણ અંગ છે. કોઈપણ સંસ્થા કે રાષ્ટ્રની સફળતા તેના
નેતાઓ કેટલી ઊંડાણપૂર્વક મંત્રણા અથવા નિખાલસ અને સર્વાંગીણ વિચારવિમર્શ કરે છે અને વિવિધ વિચારશૈલીઓને કેવી રીતે એકત્રિત કરે છે તેના પર આધારિત છે.
મહાભારતના ઉદ્યોગપર્વમાં જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ અટકાવવાનો પ્રશ્ન ઊભો થયો, ત્યારે શ્રીકૃષ્ણે અનેકવાર દુર્યોધનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. વિદુર અને મહાબલી ભીષ્મ જેવા ધીરજવાન વડીલોએ વારંવાર ચર્ચા-વિચારણાનો માર્ગ અપનાવવાનો આગ્રહ રાખ્યો. પરંતુ દુર્યોધનના અહંકાર અને સ્વકેન્દ્રિત નિર્ણયોએ અંતે મહાવિનાશ સર્જ્યો. આ ઘટના દર્શાવે છે કે ચર્ચા વિના લેવાયેલા નિર્ણય ઘણીવાર વિનાશ તરફ દોરી જાય છે, જ્યારે મંત્રણા અને સહમતિથી લેવાયેલા નિર્ણય લાંબા ગાળે સફળતા આપે છે.

આજના સમયમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે સફળ સંસ્થાઓમાં ટીમ મીટિંગ્સ, બ્રેઇનસ્ટોર્મિંગ સેશન્સ અને સામૂહિક નિર્ણય લેવાની પ્રક્રિયા (Collective Decision-Making)ને ખૂબ મહત્વ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ટાટા ગ્રૂપના નેતૃત્વમાં હંમેશાં વિચારવિમર્શ અને પારદર્શક ચર્ચાને પ્રાથમિકતા અપાઈ છે, જેના કારણે તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સ્થિર રહ્યા છે.
બીજી તરફ, 2008ના વૈશ્વિક આર્થિક સંકટ દરમિયાન અનેક બેંકો અને નાણાકીય સંસ્થાઓએ એકતરફી અને જોખમી નિર્ણયો લીધા હતા, જેમાં પૂરતી ચર્ચા કે જોખમનું મૂલ્યાંકન કરવામાં આવ્યું ન હતું, અને તેનું પરિણામ વિનાશકારી સાબિત થયું.
રાજનીતિમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે ભારતના બંધારણ ઘડતર સમયે ડૉ. બાબાસાહેબ આંબેડકર અને અન્ય સભ્યોએ લાંબા સમય સુધી ચર્ચા-મંત્રણાઓ કરી, દરેક મુદ્દે વિચારવિમર્શ કર્યો, વિવિધ મતભેદોને સાંભળ્યા અને સર્વસહમતિનો માર્ગ શોધ્યો. તેના પરિણામે ભારતનું બંધારણ આજે વિશ્વના સૌથી સશક્ત લોકશાહી દસ્તાવેજોમાંનું એક બની શક્યું.
વિપરીત રીતે, જ્યારે કોઈ સરકાર કે સંગઠન ચર્ચા કર્યા વગર તાત્કાલિક નિર્ણયો લે છે, ત્યારે લોકોમાં અસંતોષ ફેલાય છે. ઉદાહરણ તરીકે, કેટલીક નીતિઓમાં પૂરતી મંત્રણા વિના કરવામાં આવેલા સુધારા વિરોધ અને અશાંતિનું કારણ બન્યા છે.

વ્યક્તિગત સ્તરે પણ જો આપણે કુટુંબ કે વ્યવસાયમાં નિર્ણય લેતા પહેલાં સૌ સાથે ચર્ચા કરીએ અને શક્ય તેટલા વિચારોને સ્થાન આપીએ, તો સમરસતા અને વિશ્વાસ વધે છે તથા ભૂલની સંભાવના ઘટે છે.
મહાભારતના ઉદ્યોગપર્વમાંથી મળતો આ પાઠ એ છે કે મંત્રણા અને સહમતિ વિના લેવાયેલા નિર્ણયો ટકાઉ નથી, જ્યારે વિચારશીલ ચર્ચા અને સર્વાંગી વિમર્શ આધારિત નિર્ણયો નૈતિક, વ્યવહારૂ અને સફળ સાબિત થાય છે. તેથી જીવનના દરેક ક્ષેત્રમાં – રાજકીય, સામાજિક, આર્થિક કે વ્યક્તિગત – ‘વિચારોની શાખ અને પરામર્શ’ને આધારશિલા તરીકે સ્વીકારવી એ જ સાચી સફળતાનો માર્ગ છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
હર્ષ સંઘવીએ નાયબ મુખ્ય મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો
ગાંધીનગરઃ ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-૧, આજે હર્ષ સંઘવીએ વિધિવત્ નાયબ મુખ્ય મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. તેમણે ચાર્જ સંભાળતાં પહેલાં ભગવાનનાં દર્શન કરીને ગુજરાતની પ્રગતિ અને નાગરિકોની જનસુખકારી માટે પ્રાર્થના કરી હતી.
નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં સાથી સભ્ય તરીકે ચાર્જ સંભાળવાની તક મળી છે. આજે ચાર્જ સંભાળ્યા બાદ નાયબ મુખ્ય મંત્રીએ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો શરૂ કરી છે.
आज धनतेरस के शुभ एवं पावन अवसर पर नए पद का कार्यभार ग्रहण किया।
पूजा-अर्चना कर ईश्वर एवं सभी वरिष्ठजनों का आशीर्वाद प्राप्त किया।
नई ऊर्जा, नए संकल्प और पूर्ण समर्पण के साथ प्रदेश की सेवा के लिए प्रतिबद्ध हूँ। pic.twitter.com/SGlotkyEa8— Harsh Sanghavi (@sanghaviharsh) October 18, 2025
તે ઉપરાંત સાથી મંત્રીઓ અને ભૂતપૂર્વ મંત્રીઓ સાથે બેઠક યોજીને તેમના અનુભવનું માર્ગદર્શન તેમ જ તેમના સહયોગથી રાજ્યના નાગરિકોની સુખાકારીમાં વધુમાં વધુ વધારો થાય તે દિશામાં કામ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. ચાર્જ સંભાળવાના આ પ્રસંગે અલગ-અલગ જિલ્લાઓ અને શહેરોમાંથી ખૂબ મોટી સંખ્યામાં પધારેલા શુભેચ્છકોએ હર્ષ સંઘવીને રૂબરૂ મળીને શુભેચ્છાઓ પાઠવી હતી.
કૃષિ મંત્રી જિતુભાઈ વાઘાણીએ, શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબાએ પદભાર સંભાળ્યો
કૃષિ મંત્રી જિતુભાઈ વાઘાણીએ આજે સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગરમાં પૂજન-અર્ચન બાદ પોતાના હોદ્દાનો વિધિવત્ રીતે પદભાર સંભાળ્યો હતો.
આ ઉપરાંત શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ પણ આજે સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગરમાં ભગવાનની પૂજા-અર્ચના બાદ હોદ્દાનો પદભાર સંભાળ્યો હતો.

કૃષિ મંત્રી તેમ જ શિક્ષણ રાજ્ય મંત્રીએ ચાર્જ સંભાળ્યો તે વેળાએ વિવિધ પદાધિકારી-અધિકારી અને કર્મચારીઓ સહિત અનેક શુભેચ્છકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી.
મુંબઈની ગલીઓમાં દિવાળી શોપિંગ પર નિકળી વિદ્યાબાલન
વિદ્યા બાલન તેની સાદગી અને સંયમ માટે જાણીતી છે. તાજેતરમાં, અભિનેત્રી દિવાળીની ખરીદી કરતી જોવા મળી હતી. આ ખરીદી દરમિયાનનો વિદ્યા બાલનો સોશિયલ મીડિયા પર એક વીડિયો યુઝર્સના ચર્ચામાં આવ્યો છે.

વિદ્યા બાલનનો દિવાળીની ખરીદી કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેનો લુક એકદમ સિમ્પલ છે. વિદ્યા બાલન તેની દિવાળીની ખરીદી દરમિયાન એકદમ સામાન્ય વસ્તુઓ ખરીદતી દેખાય છે. વધુમાં, યુઝર્સે તે જગ્યાઓની પ્રશંસા કરી છે જ્યાં તેણે ખરીદી કરી હતી.
View this post on Instagram
સ્થાનિક ફૂલ બજારમાં ખરીદી કરતી અભિનેત્રી
વાઈરલ થયેલા એક વીડિયોમાં, વિદ્યા બાલન પોતાની કારમાંથી ઉતરીને એક ફૂલ વેચનાર પાસે જાય છે. તે અનેક ફૂલો ખરીદે છે. યુઝર્સ તેણીના આ કામની પ્રશંસા કરી રહ્યા છે. તેઓ માને છે કે દિવાળી પર સ્થાનિક ઉત્પાદનોનો પ્રચાર કરીને, વિદ્યા સકારાત્મક સંદેશ મોકલી રહી છે.
વિદ્યા બાલનના પ્રયાસો પર યુઝર્સે પ્રતિક્રિયા આપી
યુઝર્સે વિદ્યા બાલનની સ્થાનિક ખરીદીની પ્રશંસા કરી. એક યુઝરે લખ્યું, “કોઈક મગજ ધરાવતું.” બીજા યુઝરે લખ્યું, “વિદ્યાએ સ્થાનિક રીતે ખરીદી કરીને સારું કામ કર્યું. સ્થાનિક વિક્રેતાઓ માટે કમાણી કરવી મહત્વપૂર્ણ છે.” ઘણા ચાહકોએ કમેન્ટ બોક્સમાં વિદ્યા બાલન માટે હૃદયના ઇમોજી પણ શેર કર્યા.
અમદાવાદમાં દિવાળીના અવસરે રંગોળી સાથે સજાવટ શરૂ
દિવાળીને હવે ગણતરીના કલાકો જ બાકી છે. ઠેક-ઠેકાણે દિવાળીના પર્વ પર સજાવટની તૈયારી શરૂ થઈ ગઈ છે. ઘર, ઓફિસ, શૈક્ષણિક સંસ્થાઓને સ્વચ્છ કરી વિવિધ રંગોનો ઉપયોગ કરી ડીઝાઇનર રંગોળી બનાવાઈ રહી છે. અંધકારને દૂર કરી ઉજાસ આપતા દીવડાંથી આંગણાને ઝગમગી રહ્યા છે. તેમજ અવનવા તોરણ અને પારંપરિક સામગ્રીથી સજાવટ થવા લાગી છે.


આધુનિક યુગમાં વિવિધ આકાર સાથે પાણીથી ચાલતાં દીવડાં આવી ગયા છે. કાગળ અને ધાતુમાં રંગોળીની ડિઝાઈન પણ તૈયાર મળી જાય છે. પરંતુ હજુ પણ ઘર, શાળાઓ અને ઓફિસોને સજાવવા લોકો પોતાની હસ્તકલા દ્વારા સજાવટ કરે છે. અમદાવાદ શહેરની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભેગા મળી રંગોળી પૂરી. મંદિરોમાં સાધુઓ અને હરિભક્તોએ ભેગા મળી રંગોળી, રોશની અને દીવડાંથી સજાવટ કરી.


એસ.જી.વી.પી સંસ્થા સાથે સંકળાયેલા ભાવિની મિસ્ત્રીએ ચિત્રલેખા ડૉટ કોમ ને જણાવ્યું કે દિવાળી જેવા તહેવારોમાં બાળકો સાથે મળીને રંગો સાથે એક કલાકૃતિ તૈયાર કરવાનો આનંદ અલગ જ હોય છે. સંસ્થાઓનું આંગણું દીપી ઉઠે છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ એકબીજાની નજીક આવે છે. આ સાથે પોતાની કલા આવડતને રજુ કરવાનું પ્લેટફોર્મ મળે છે.

ડૉ. ધારાબહેન કાપડિયા કહે છે મને ઘરમાં અને આંગણામાં વિવિધ રંગોળીથી સજાવવું ખૂબજ ગમે છે. આ વર્ષે વિવિધ રંગોથી મોરની રંગોળી બનાવી છે. આ સાથે કમળ પણ દોર્યુ છે. મોર એવું પક્ષી છે જેને જોઈ સૌ ખુશ ખુશાલ થઈ જાય. એના રંગો અને પીંછા સૌને આકર્ષિત કરે છે. કુદરતની આ અદભૂત કલાને મેં રંગોથી ઘરને સજાવવા પ્રયાસ કર્યો. ઘણાં પરિવારોએ ઘર આંગણામાં તુલસી ક્યારા નજીક અને ઘર આંગણમાં જુદા જુદા આકાર, સ્વરૂપોની રંગોળી દીવડાંથી સજાવટ શરૂ કરી દીધી છે.
(તસીવરો: પ્રજ્ઞેશ વ્યાસ)
ગૂજરાત વિદ્યાપીઠે સ્થાપના દિવસની ઉજવણી કરી
અમદાવાદઃ અસહકાર આંદોલનના સમયમાં બાળકોને સ્વદેશી પદ્ધતિથી શિક્ષણ મળી રહે તે હેતુથી મહાત્મા ગાંધીએ 18 ઓક્ટોબર, 1920એ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠે આજે 105 વર્ષ પૂર્ણ કરીને 106માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ અવસરે 18 ઓક્ટોબર, 2025એ ગૂજરાત વિદ્યાપીઠના પ્રાણજીવન વિદ્યાર્થી ભવનમાં ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી અને ગૂજરાત વિદ્યાપીઠના વરિષ્ઠ ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અધ્યક્ષસ્થાને રહ્યા હતા. પ્રાણ જીવન વિદ્યાર્થી ભવન ગૂજરાત વિદ્યાપીઠના સ્થાપના કાળનું છે. એની દરેક ઈંટ પર ચરખાનું પ્રતીક અંકિત છે.
ગૂજરાત વિદ્યાપીઠના સ્થાપના દિવસના આ કાર્યક્રમની શરૂઆતમાં ધ્વજવંદન અને ધ્યેયપઠન કરવામાં આવ્યા. ધ્યેયપઠન ગૂજરાત વિદ્યાપીઠની મૂલ્યવ્યવસ્થા અને મહાત્મા ગાંધીજીના આદર્શો પ્રત્યેની અખંડ નિષ્ઠાનું પ્રતિબિંબ છે. શિક્ષણ, સ્વરાજ, અહિંસા, સ્વભાષા, ગ્રામજીવન અને સ્ત્રીશક્તિના સમન્વય દ્વારા રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ વ્યક્ત કરતાં ગૂજરાત વિદ્યાપીઠના સેવકોએ આજે પોતાના જીવનને રાષ્ટ્રસેવા અને માનવમૂલ્યોની ઉન્નતિ માટે અર્પિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

આ કાર્યક્રમમાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત દફતર વિદ્યાની પરીક્ષા તેમ જ સરકાર દ્વારા સંદર્ભરૂપે સ્વીકૃત દફતરવિદ્યા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ સાથે બંધારણના પ્રતીકનું અને સાર્થ જોડણીકોશની છઠ્ઠી આવૃત્તિનું તથા પદવીદાન સમારોહ- 2025ની કોફી ટેબલ બુકનું પણ અનાવરણ થયું હતું. વર્ષ 2025માં યોજાનારી સ્વાવલંબન યાત્રા, જેનો મુખ્ય વિષય સ્વદેશી છે, એના ગીતનું વિમોચન અભિનય ગીતના સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યું હતું.

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ અને ગૂજરાત વિદ્યાપીઠ મંડળના મંત્રી ડૉ. હર્ષદ પટેલ તેમ જ ટ્રસ્ટી સુરેશભાઈ રામાનુજ, ચંદ્રવદન શાહ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં સંઘગાન સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
(પ્રજ્ઞેશ વ્યાસ)
‘ભારત સરકાર અને BCCI, અફઘાનિસ્તાન પાસેથી શીખો’, શિવસેના UBT નેતાનો કેન્દ્ર પર કટાક્ષ
અફઘાનિસ્તાનના સરહદી પ્રાંત પક્તિકામાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં ત્રણ અફઘાન ક્રિકેટરો સહિત આઠ લોકો માર્યા ગયા હતા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે ખેલાડીઓ મૈત્રીપૂર્ણ મેચ રમવા માટે ઉર્ગુનથી પક્તિકા પ્રાંતના શરાના જઈ રહ્યા હતા.

શિવસેના યુબીટી નેતા પ્રિયંકા ચતુર્વેદીએ સરકાર અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને અફઘાનિસ્તાન પાસેથી શીખવાની સલાહ આપી છે. સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં પ્રિયંકા ચતુર્વેદીએ લખ્યું છે કે બીસીસીઆઈ અને સરકારે અફઘાનિસ્તાન પાસેથી શીખવાની જરૂર છે કે રમત કરતાં દેશને કેવી રીતે પ્રાથમિકતા આપવી.
શિવસેના યુબીટી સાંસદે પાકિસ્તાની શાસનને કાયરોનું જૂથ ગણાવ્યું
શિવસેના યુબીટી સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું, “પાકિસ્તાની શાસન કાયરોનું જૂથ છે, નિર્દોષ લોકોનું લોહી વહેવડાવી રહ્યું છે અને સરહદ પર માર ખાતો રહે છે. તેમના પર શરમ આવે છે. એ જોઈને સારું લાગે છે કે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન સાથે ક્રિકેટ શ્રેણી ન રમવાનો નિર્ણય લીધો છે. કદાચ બીસીસીઆઈ અને ભારત સરકારે પણ દેશને રમતથી ઉપર કેવી રીતે રાખવું તે અંગે તેમની પાસેથી કેટલીક ટિપ્સ લેવી જોઈએ.”
પાકિસ્તાની હવાઈ હુમલામાં ત્રણ અફઘાન ક્રિકેટરોના મોત
અફઘાનિસ્તાનના સરહદી પ્રાંત પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલામાં ત્રણ અફઘાન ક્રિકેટરો સહિત આઠ લોકો માર્યા ગયા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે ખેલાડીઓ મૈત્રીપૂર્ણ મેચમાં ભાગ લેવા માટે ઉર્ગુનથી પક્તિકા પ્રાંતના શરાના ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે પાકિસ્તાની હુમલામાં તેઓ માર્યા ગયા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ત્રણ ખેલાડીઓની ઓળખ કબીર, સિબઘતુલ્લાહ અને હારૂન તરીકે કરી હતી, અને કહ્યું હતું કે હુમલામાં અન્ય પાંચ લોકો પણ માર્યા ગયા હતા. ACBએ તેને પાકિસ્તાની શાસન દ્વારા કરવામાં આવેલ કાયરતાપૂર્ણ હુમલો ગણાવ્યો હતો. હુમલા બાદ અફઘાનિસ્તાને ત્રિકોણીય શ્રેણીમાંથી ખસી ગયું.
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમવાનો ભારે વિરોધ થયો હતો. પ્રિયંકા ચતુર્વેદીના આ નિવેદનને એશિયા કપમાં પાકિસ્તાન સામે રમવાના ભારતના તાજેતરના નિર્ણય પર નિશાન સાધવા તરીકે જોવામાં આવી રહ્યું છે. પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ, ભારતમાં ઘણા રાજકીય પક્ષો અને વ્યક્તિઓ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનો વિરોધ કરી રહ્યા હતા. જોકે, ઘણી વિચાર-વિમર્શ પછી સરકારે એશિયા કપમાં પાકિસ્તાન સામે રમવાનો નિર્ણય લીધો.
દિલ્હી-NCRમાં પ્રદૂષણનું તાંડવ, અનેક વિસ્તારોમાં AQI 300થી પાર
નવી દિલ્હીઃ દિવાળી નજીક આવતાં જ રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ઝડપી રીતે વધવા લાગ્યું છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) મુજબ શનિવારે સવારે અક્ષરધામ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 230 નોંધાયો હતો, જે ‘ખરાબ’ શ્રેણીમાં આવે છે. જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ અને બરાપુલા બ્રિજ આસપાસ AQI 252 સુધી પહોંચી ગયો છે.
દિલ્હી-NCRનાં શહેરોમાં સ્થિતિ હજી ખરાબ છે. ગાઝિયાબાદમાં AQI 306 નોંધાયો, જે ‘ખૂબ ખરાબ’ શ્રેણીમાં છે અને તે દેશનું સૌથી વધુ પ્રદૂષિત શહેર બની ગયું છે. નોઇડામાં 278 અને ગુરુગ્રામમાં 266 AQI નોંધાયો, જ્યારે ફરીદાબાદમાં 105 રહ્યો, જે ‘મધ્યમ’ શ્રેણીમાં છે.
દિલ્હીના 38 મોનિટરિંગ સ્ટેશનોમાંથી પાંચ સ્થળોએ હવાની ગુણવત્તા ‘ખૂબ ખરાબ’ શ્રેણીમાં જોવા મળી હતી. આનંદ વિહારમાં સૌથી વધુ AQI 382 રહ્યો, જ્યારે વઝીરપુર (351), જહાંગીરપુરિ (342), બવાનાં (315) અને સિરિ ફોર્ટ (309)માં હવા ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. CPCBના જણાવ્યા મુજબ 14 ઓક્ટોબરથી દિલ્હીની હવા સતત ખરાબ થઈ રહી છે. AQI 201થી 300 સુધી ‘ખરાબ’ અને 301થી 400 સુધી ‘ખૂબ ખરાબ’ શ્રેણીમાં ગણાય છે. તેથી પ્રશાસને લોકોને બહાર ન નીકળવાની અને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે દિલ્હીનું લઘુતમ તાપમાન 18.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે સામાન્ય કરતાં 1.2 ડિગ્રી ઓછું હતું. સવારે 8:30 વાગ્યે ભેજનું પ્રમાણ 74 ટકા હતું.
વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ પ્રદૂષણથી ફક્ત આંખોમાં જલન કે શ્વાસ લેવામાં તકલીફ જ થતી નથી, પણ તે ધીમે-ધીમે બ્લડ પ્રેશર વધારતું જાય છે અને હાર્ટ તેમ જ મગજ પર પણ ખરાબ અસર પાડે છે. પલ્મોનોલોજિસ્ટ અને વૈજ્ઞાનિક ડૉ. અનુરાગ અગ્રવાલના જણાવ્યા મુજબ આટલા ઊંચા પ્રદૂષણ સ્તર પર લગભગ દરેક વ્યક્તિનું બ્લડ પ્રેશર વધી જાય છે. જેમને હાઇ બ્લડ પ્રેશર અથવા હૃદયની તકલીફ છે, તેમને ખાસ જોખમ રહે છે.





