ઇઝરાયલી સૈન્યએ રફાહમાં હવાઈ હુમલાની કબૂલાત કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે હમાસના આતંકવાદીઓએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને ઇઝરાયલી દળો પર ગોળીબાર કર્યો. આ કાર્યવાહી બદલો લેવા માટે કરવામાં આવી હતી. ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂએ આ કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. ઇઝરાયલી સૈન્ય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓએ દિવસની શરૂઆતમાં IDF પર ટેન્ક વિરોધી મિસાઇલો ચલાવી હતી, અને વળતો ગોળીબાર પણ કર્યો હતો. નિવેદનમાં ઉમેર્યું હતું કે ઇઝરાયલી સૈન્ય હમાસ સાથેના કરારની શરતો અનુસાર રફાહ વિસ્તારમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવા ગયું હતું.
એ નોંધવું જોઈએ કે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગાઝા પટ્ટીમાં આતંકવાદી ઠેકાણાઓ પર કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે સુરક્ષા દળોને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમણે હમાસ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.
ઇઝરાયલી સૈન્ય નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે IDF એ આતંકવાદીઓના ગોળીબારનો જવાબ હવાઈ હુમલાથી આપ્યો. લડાકુ વિમાનો અને તોપખાનાના ગોળીબારથી રફાહ વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યો હતો. ઇઝરાયલના જણાવ્યા અનુસાર, ઘણી ટનલ અને લશ્કરી માળખાકીય સુવિધાઓનો નાશ કરવામાં આવ્યો હતો, જે બધી આતંકવાદી પ્રવૃત્તિના સ્થળો હતા.
અગાઉ, ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂના કાર્યાલય દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે હમાસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. આને ધ્યાનમાં રાખીને, વડા પ્રધાને સંરક્ષણ પ્રધાન અને સુરક્ષા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ, ગાઝા પટ્ટીમાં આતંકવાદી ઠેકાણાઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા હતા.
ફ્રાન્સની રાજધાની પેરિસમાં સ્થિત વિશ્વના સૌથી પ્રખ્યાત સંગ્રહાલયોમાંના એક લૂવર મ્યુઝિયમમાંથી ચોરીના અહેવાલો સામે આવી રહ્યા છે. રવિવારે સવારે ચોરો મ્યુઝિયમમાં ઘૂસી ગયા અને કિંમતી ઝવેરાત લઈને ફરાર થઈ ગયા. ચોરી બાદ, મ્યુઝિયમ એક દિવસ માટે બંધ રાખવામાં આવ્યું હતું. ફ્રાન્સના સંસ્કૃતિ મંત્રી રચિદા દાતીએ સૌપ્રથમ ચોરીની જાણ કરી. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં, તેમણે કહ્યું, “આજે સવારે લૂવર મ્યુઝિયમમાં તેના ખુલવાના સમય દરમિયાન લૂંટ થઈ હતી. કોઈ ઈજા થઈ નથી. હું મ્યુઝિયમ સ્ટાફ અને પોલીસ સાથે ઘટનાસ્થળે છું.” તેમણે સમજાવ્યું કે મ્યુઝિયમ ખુલતા સમયે ચોરી થઈ હતી, જેના કારણે મ્યુઝિયમ દિવસ માટે બંધ કરવું પડ્યું.
🚨 The thieves broke into the Louvre Museum in Paris using a freight elevator and stole jewelry of Napoleon Bonaparte. The crown of Empress Eugénie (wife of Emperor Napoleon) was found broken outside the museum. https://t.co/k3PxnOWcEDpic.twitter.com/j5QdUzyBls
અહેવાલો અનુસાર, ડિસ્ક કટરથી સજ્જ કેટલાક લોકો પેરિસના કડક સુરક્ષાવાળા લૂવર મ્યુઝિયમમાં સ્કૂટર પર પહોંચ્યા. તેઓએ માત્ર સાત મિનિટમાં ચોરીને અંજામ આપ્યો, લૂવર મ્યુઝિયમના નેપોલિયન સંગ્રહમાંથી કિંમતી ઝવેરાત લઈને ભાગી ગયા. સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે લૂંટ સવારે 9:30 થી 9:40 વાગ્યાની વચ્ચે થઈ હતી, જ્યારે ફ્રાન્સના ગૃહમંત્રી લોરેન્ટ નુનેઝે સમય ઓછો હોવાનો અંદાજ લગાવ્યો હતો, ફક્ત સાત મિનિટનો. ફ્રેન્ચ અખબાર લે પેરિસિયનએ મંત્રીને ટાંકીને કહ્યું હતું કે કેટલાક માણસો બહારથી ચેરી પીકર્સ (એક પ્રકારની હાઇડ્રોલિક સીડી) સાથે પ્રવેશ્યા હતા અને કિંમતી ઝવેરાત ચોરી ગયા હતા. ચોરી સાત મિનિટ ચાલી હતી.
ડિસ્ક કટરથી કાચ કાપવામાં આવ્યો
ફ્રેન્ચ ગૃહમંત્રી લોરેન્ટ નુનેઝે કહ્યું હતું કે ત્રણ કે ચાર લોકોએ ચોરી કરી હતી અને તેમનું ધ્યાન ગેલેરી ડી’એપોલોન (એપોલોની ગેલેરી) પર હતું. તેમણે કહ્યું હતું કે તે દેખીતી રીતે એક ટીમ હતી જેણે જાસૂસી કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચશ્મા “ડિસ્ક કટરથી” કાપવામાં આવ્યા હતા. (સમાચાર એજન્સીના ઇનપુટ સાથે)
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ JEE મેઈન 2026 પરીક્ષાની તારીખો જાહેર કરી છે. પરીક્ષા જાન્યુઆરી અને એપ્રિલ બંને સત્રોમાં યોજાશે. NTA અનુસાર, સત્ર 1 ની પરીક્ષા 21 થી 30 જાન્યુઆરી, 2026 ની વચ્ચે યોજાશે, અને નોંધણી પ્રક્રિયા ઓક્ટોબર 2025 માં સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર શરૂ થશે.
ઉમેદવારોની સુવિધા
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ JEE (મેઈન) 2026 માટે વધુ ઉમેદવારોને સમાવવા માટે ઘણા પગલાં લીધાં છે. આમાં પરીક્ષા કેન્દ્રોની સંખ્યા વધારવાનો સમાવેશ થાય છે જેથી ઉમેદવારોને લાંબા અંતરની મુસાફરી ન કરવી પડે. વધુમાં, દરેક વ્યક્તિ સરળતાથી પરીક્ષા આપી શકે તેની ખાતરી કરવા માટે દિવ્યાંગ ઉમેદવારોની ખાસ જરૂરિયાતોને સંબોધવામાં આવી રહી છે.
અરજીમાં આધાર અને નામ સંબંધિત સૂચનાઓ જુઓ
NTA, UIDAI પાસેથી આધાર પ્રમાણીકરણ દ્વારા ઉમેદવારનું નામ, જન્મ તારીખ, લિંગ, ફોટોગ્રાફ અને સરનામું મેળવશે. ઉમેદવારોએ આધારમાં કોઈપણ ફેરફાર કરવા માટે UIDAI માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. જો કે, પિતા/માતા/વાલીના નામ વગેરે આધારમાં નોંધાયેલા નથી, તેથી ઉમેદવારોએ ઓનલાઈન અરજી ફોર્મમાં આ માહિતી અલગથી દાખલ કરવાની રહેશે.
આજે અભિનેતા સની દેઓલ તેનો 68મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે, અભિનેતાની નવી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ફર્સ્ટ લુકમાં સની પાજીને કમાન્ડિંગ રીતે દર્શાવવામાં આવ્યા છે. ચાલો ફિલ્મ વિશે વધુ જાણીએ.
અભિનેતા સની દેઓલની આગામી ફિલ્મનું નામ “ગબરુ” છે. આ ફિલ્મ શશાંક ઉદાપુરકર દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે. અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની આગામી ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો. તેને શેર કરતા અભિનેતાએ કેપ્શનમાં લખ્યું, શક્તિ એ નથી જે તમે બતાવો છો, શક્તિ એ છે જે તમે કરો છો! તમારા બધા પ્રેમ અને આશીર્વાદ બદલ આભાર. રાહ જોઈ રહેલા બધા માટે અહીં કંઈક છે. 13 માર્ચ, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થતી “ગબરુ”, હિંમત, શાણપણ અને કરુણાની વાર્તા છે.
ફિલ્મ પર એક નજર
ઓમ છંગાણી અને વિશાલ રાણા દ્વારા નિર્મિત, આ ફિલ્મ 13 માર્ચ, 2026 ના રોજ રિલીઝ થશે. તેમાં મિથુન દ્વારા સંગીત અને સઈદ કાદરી દ્વારા ગીતો છે. આ ફિલ્મ શશાંક ઉદાપુરકર દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે.
દિવાળી એટલે અંધકાર પર પ્રકાશનો વિજય, જીવનમાં શુભત્વનું આગમન કરવાનો પર્વ. જેમ દિવાળી પર ઘરમાં સુંદર દીવડા પ્રજ્વલિત કરી સુખ શાંતિની કામના કરીએ છીએ તેમ સારા ગુણ, સારી આદતોથી સફળતા મેળવીએ છીએ.
પરિવારનો ધબકાર એવા બાળકો માટે આ દિવાળી પર જાણીએ એવી પ્રવૃત્તિઓ વિશે જે ન માત્ર તેમના તન મનના વિકાસ માટે જરૂરી છે પણ ભવિષ્ય માં બાળકોનું સારા વ્યક્તિ તરીકે પણ ઘડતર કરે છે. સામાન્ય લગતી આ પ્રવૃત્તિઓ બાળકોના ઘડતરનો પાયો છે.
પ્રકૃતિ સાથે જોડાણ:
ઘરમાં સુંદર પ્લાન્ટ્સ લાવો, તેમાં પાણી નાખવાનું, તેની માવજત કરવાની આ કામમાં બાળકની મદદ લો. એક છોડમાં નવા નવા પાન અને ફૂલ ઊગતા જોઈએ બાળક પ્રકૃતિ સાથે જોડાશે. ભલે ઘર નાનું હોય કે મોટું, આજે ઇન્ડોર અને outdoor માં રાખી શકાય તેવા સુંદર પ્લાન્ટ્સ મળે છે.
અઠવાડિયાનો એક ખાસ દિવસ:
ઘણા માતાપિતાને એક અફસોસ રહેતો હોય છે કે પોતાના બાળકને પૂરતો time નથી આપી શકતા. તો આ નવા વર્ષની એક આદત રાખો કે અઠવાડિયામાં એક દિવસ એવો રાખો જેમાં પરિવાર સાથે મજા કરે. જરૂરી નથી કે બહાર ફરવા જવું પણ ઘર માં જ games રમો, સાથે ગાર્ડનિંગ, કુકિંગ કરો, બુક્સ વાંચો. બાળક સાથે વાતો કરી તેમની લાગણી જાણો.
Story time:
રોજ રાત્રે સૂતા પહેલાં બાળકને વાર્તા કહો. સુંદર મજાની બુક્સ બાળકો સાથે વાંચો. તમારા બાળપણની વાતો બાળકો સાથે શેરે કરો. વાર્તાની બાળકો પર જાદુઈ અસર થતી હોય છે. ન માત્ર તેમની કલ્પનાશક્તિ ખીલશે પણ માતા-પિતા સાથે બોન્ડ઼િંગ પણ વધશે.
Playtime with friends:
અઠવાડિયામાં એક દિવસ બાળકના મિત્રોને ઘરે બોલાવી ગેમ્સ રમવા દો. બાળકનો કોન્ફિડન્સ વધશે, સોશિયલ થશે. ગ્રુપમાં રમી શકાય તેવી ઈન્ડોર ગેમ્સથી બાળકનું માઈન્ડ ડેવલોપમેન્ટ થશે.
Outdoor activities:
બાળકને અઠવાડિયામાં એક દિવસ કોઈ સરસ જગ્યા એ લઈ જાઓ. પ્રાણી સંગ્રહાલય, નેચર પાર્ક, મંદિર વગેરે. વૈજ્ઞાનિક રિસર્ચમાં સાબિત થયું છે કે નવી-નવી જગ્યા એક્સપ્લોર કરવાથી બાળકનું ઘડતર ખૂબ મજબૂત થાય છે.
તો આ દિવાળીથી બાળક અને પરિવારને જોડતી આવી મજાની પ્રવૃતિઓ અપનાવો. બાળકને આપો આ બેસ્ટ ગિફ્ટ જે ભવિષ્યની બેસ્ટ યાદગીરી બનશે.
દિવાળીનો તહેવાર સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવે છે. મોટાભાગના લોકો દિવાળીની ઉજવણી પોતાના પરિવાર સાથે કરતા હોય છે.સ
જો કે છેલ્લાં કેટલાક વર્ષોથી દિવાળીની રજાઓમાં બહાર ફરવા જવાનું ચલણ પણ વધ્યું છે અનો લોકો બહારગામ જઇને દિવાળી મનાવે છે. કોઈ મિત્રો સાથે તો કોઈ પરિવાર સાથે દિવાળી વેકેશનની મજા માણવાનું આયોજન કરે છે.
જો તમે પણ મિત્રો કે પરિવાર સાથે આ દિવાળીમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો અને તમારો વિચાર ગુજરાત છોડીને દેશમાં કોઇ અન્ય સ્થળે ફરવા જવાનો હોય તો એ પણ જાણી લો કે દેશના ક્યા એવા સ્થળો છે, જ્યાં દિવાળીની રંગત જ જૂદી હોય છે.
કચ્છનું રણ
ગુજરાતનું કચ્છનું રણ દિવાળીના બાદ શરૂ થતા રણ ઉત્સવ માટે વિશ્વપ્રસિદ્ધ છે. સફેદ મીઠાના રણ પર ચાંદનીની કિરણો પડે ત્યારે એવું લાગે જાણે ધરતી પર ચાંદીની ચાદર ઓઢાઈ ગઈ હોય. સ્થાનિક લોકસંગીત, હસ્તકલા બજાર અહીંનો તહેવાર એક મહાન સંસ્કૃતિક ઉજવણી બની જાય છે. જો તમે ગુજરાતી સંસ્કૃતિ, રંગો અને કુદરતનો મેળ એકસાથે માણવા માંગતા હો, તો કચ્છની દિવાળી એ એવી યાત્રા છે જે હૃદયમાં સદાય વસે છે.
ગોવા
દિવાળીના દિવસોમાં ગોવામાં માત્ર લાઈટ્સ જ નહીં, પરંતુ સંગીત, નૃત્ય અને ઉત્સાહનો મહાસાગર જોવા મળે છે. અહીં નરક ચતુર્દશીના પ્રસંગે નારકાસુરની વિશાળ પ્રતિમાઓ બનાવીને પ્રગટાવવામાં આવે છે, જે દુષ્ટતાના નાશનો પ્રતિક છે. બીચ પર ફટાકડાંની ચમક અને ચાંદની રાતમાં સમુદ્રની લહેરો વચ્ચે બેસીને મિત્રો સાથે દિવાળી ઉજવવાનો આનંદ અવિસ્મરણીય બની જાય છે. જો તમે મોજ-મસ્તી અને ઉત્સવ બંને શોધી રહ્યા હો, તો ગોવા દિવાળીમાં ફરવા માટે એક પરફેક્ટ સ્થાન છે.
વારાણસી
ગંગાના કિનારે વસેલું વારાણસી, ઉત્તર પ્રદેશનું આ પ્રાચીન શહેર, દિવાળીના સમયમાં સ્વર્ગ સમાન લાગે છે. અહીં ગંગા ઘાટો પર હજારો દીવડા પ્રગટાવવામાં આવે છે. જેને દેવ દીપાવલી કહેવામાં આવે છે. જ્યારે રાત્રિના અંધકારમાં ગંગા નદીનું પાણી દીવડાઓના પ્રકાશથી ઝળહળી ઊઠે છે, ત્યારે એવો અનુભવ થાય કે ધરતી પર સ્વર્ગ ઉતરી આવ્યું હોય. ગંગા આરતીના મધુર સ્વર, ભક્તિભાવ મનને શાંતિ આપે છે. દિવાળીમાં વારાણસી એ માત્ર પ્રવાસ નથી, પરંતુ આત્માને શાંતિ આપતો એક અધ્યાત્મિક અનુભવ છે.
જયપુર
રાજસ્થાનનું પિંક સિટી જયપુર દિવાળીના સમયે રંગો, લાઇટ્સ અને આનંદથી જીવંત થઈ જાય છે. શહેરના હવા મહેલથી લઈને જોહરી બજાર સુધીના રસ્તાઓ પર હજારો દીવડાઓ અને લાઇટ્સ ઝગમગે છે. રાજાશાહી બજારમાં શોપિંગ, રાજસ્થાની સંગીત અને મીઠાઈઓનો સ્વાદ આખી દિવાળીને ઉત્સવમાં ફેરવી દે છે. અહીંના રાજમહેલો અને કિલ્લાઓ રાત્રિના પ્રકાશમાં સોનાની જેમ ચમકે છે. દિવાળીમાં જયપુર એ એવા પ્રવાસ માટે શ્રેષ્ઠ છે જ્યાં પરંપરા, વૈભવ અને ઉત્સવ એકસાથે જોવા મળે છે. આ ઉપરાંત તળાવની નગરી ઉદયપુર પણ આ સમયે ફરવા માટેનું બેસ્ટ ઓપ્શન છે.
અયોધ્યા
દિવાળીના પાવન તહેવાર દરમિયાન અયોધ્યા નગર દિવ્ય પ્રકાશથી ઝળહળતું બની જાય છે. સરયુ નદીના કિનારે હજારો લોકો એકત્ર થઈને લાખો માટીના દીવા પ્રગટાવે છે, જે અયોધ્યાને સ્વર્ગ સમાન દ્રશ્ય આપે છે. વિશ્વભરમાં પ્રસિદ્ધ આ દ્રશ્યે અયોધ્યાનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાવ્યું છે. દિવાળીના દિવસોમાં અયોધ્યાની મુલાકાત લેવી એ એક આધ્યાત્મિક અને અનોખો અનુભવ બની શકે છે. અહીં રામકોટ અને રામ જન્મભૂમિ જેવા પવિત્ર સ્થળો પર જઈને તમે ભગવાન શ્રીરામના જીવનની ઝાંખી મેળવી શકો છો. સાથે જ અયોધ્યાના ઐતિહાસિક મંદિરો અને સાંસ્કૃતિક વારસો તમારું વેકેશન યાદગાર બનાવી દેશે.
કુર્ગ
કુર્ગ, કર્ણાટકમાં આવેલું એક સુંદર હિલ સ્ટેશન છે. જેને દક્ષિણ ભારતનું સ્કોટલેન્ડ કહેવામાં આવે છે. અહીં કોફી પ્લાન્ટેશન, અભયારણ્ય અને ઝરણાંઓ કુર્ગના મુખ્ય આકર્ષણો છે. અહીંની હરિયાળી અને ઠંડક શાંત અનુભવ આપે છે. એબી ફોલ્સ, રાજા સીટ અને દુબારે એલિફન્ટ કેમ્પ જેવી જગ્યાઓ પર ફરવાનો આનંદ વધુ મનોહર બને છે. જો તમે શાંતિ, કુદરત અને થોડું પોતાને શોધવાનો સમય ઈચ્છતા હો, તો કૂર્ગ દિવાળીમાં એક સ્વર્ગ સમાન સ્થાન છે.
દાર્જિલિંગ
પશ્ચિમ બંગાળનું દાર્જિલિંગ શીતળ અને મનોરંજક હવામાન ધરાવે છે. ટોય ટ્રેન સફર, ચાના ખેતરો અને ટાઇગર હિલથી સનસેટ જોવો એ એક અદભૂત અનુભવ છે. મનમોહક પહાડીઓ સાથે દાર્જિલિંગ એના ચાના બગીચા માટે પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. દાર્જિલિંગની કુદરતી સુંદરતાને કારણે દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રીઓ અહી ફરવા માટે આવે છે.
મૈસુર
દિવાળીના અવસર પર મૈસુર પેલેસ એક અદભૂત નજારો બની જાય છે. હજારો દીવડાઓ અને લાઈટ્સની ઝગમગાટમાં આ ઐતિહાસિક મહેલ એવી તેજસ્વી ચમક સાથે ઝળહળે છે કે જાણે સ્વર્ગ ધરતી પર ઉતરી આવ્યું હોય. પેલેસની દરેક દિવાલ, દરવાજા અને ગુંબજ રંગીન પ્રકાશોથી શણગારાય છે, જે રાત્રે મનમોહક દૃશ્ય સર્જે છે. દિવાળીના દિવસોમાં અહીં એક વિશાળ મેળાનું આયોજન પણ થાય છે, જ્યાં લાખો લોકો તહેવારની ઉજવણી કરવા માટે ઉમટી પડે છે. સંગીત, નૃત્ય, હસ્તકલા, અને સ્થાનિક વાનગીઓનો આ મેળો મૈસુરની સાંસ્કૃતિક પરંપરાનું પ્રતિબિંબ આપે છે.
કોલકાતા
‘સિટી ઓફ જોય’ તરીકે ઓળખાતું કોલકાતા દિવાળીના દિવસોમાં રોશનીથી ઝળહળતું બની જાય છે. અહીં દિવાળીની સાથે સાથે કાલી પૂજા પણ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે, જે શહેરની સૌથી લોકપ્રિય પરંપરાઓમાંની એક છે. આખું કોલકાતા દીવડાઓ, ફેરી લાઇટ્સ અને મીણબત્તીઓથી પ્રકાશિત થઈ જાય છે. રસ્તાઓ, ઘરો અને મંદિરો ચમકતા તેજથી ઝળહળે છે. તહેવાર દરમિયાન શહેરમાં બનાવાયેલા સુંદર કાલી પૂજા પંડાલો કલાત્મક અદ્ભુતતા અને ભક્તિભાવનું પ્રતિબિંબ બને છે, જ્યાં હજારો લોકો દર્શન કરવા ઉમટી પડે છે. પ્રવાસીઓ માટે આ દિવસોમાં કાલીઘાટ મંદિર અને દક્ષિણેશ્વર કાળી મંદિરની મુલાકાત ખાસ અનુભૂતિ આપે છે, જ્યાં માતા કાળીની પૂજા અને દીવડાઓની આરતી મનને ભક્તિભાવથી ભરપૂર કરી દે છે.
ફોનની રીંગ ક્યારનીય વાગી રહી હતી પરંતુ અરિંદમ તો અન્યમનસ્ક બનીને એમ જ બેસી રહ્યો હતો. મેજ પર કોરા કાગળો ફરફરી રહ્યા હતા અને એની આંગળીઓ યંત્રવત્ પેન્સિલને રમાડી રહી હતી.
મન જાણે કે શૂન્યમાં ગરક થઈ ગયું હોય એમ કોઈ જ વિચારની રેખાઓ કાગળ પર ઊતરી રહી નહોતી
એક અવ્યક્ત-અકથ્ય પીડાના ભારથી અરિંદમે આંખો મીંચી દીધી પરંતુ એમ કરવાથી તો ઊલટાનાં T.V. પર વ્હેલી સવારે જોયેલાં દૃશ્યો જીવંત થઈને ખડાં થઈ ગયાં.
ગાઝાપટ્ટી પર થઈ રહેલા વિનાશક હુમલાનું રિપોર્ટિંગ આવી રહ્યું હતું. ભોગ બનેલ ઇમારતોનો કાટમાળ, એમાં દબાયેલા—દટાયેલા માણસોની મરણચીસો, જીવ બચાવવા કરેલી જીવલેણ કોશિશોનાં, ભગ્નાવશેષો, બૉમ્બમારાના ભયાનક વિનાશથી હેબતાઈ ગયેલાં બાળકો, રઘવાઈ માતાઓ, સ્વજનોને શોધતા પ્રિયજનોનો વિલાપ, અહીં-તહીં ઊડતાં—ગંધાતાં માનવઅંગો કમકમાટી ઉપજાવી રહ્યાં હતાં.
લડાઈનો અર્થ પણ ન જાણી શકનારાં બાળકોએ જે કંઈ જોયું, અનુભવ્યું હતું એ એટલું તો વિદારક હતું કે હવે પછીથી એ બાળકનો વિકાસ દુનિયાના કેવા નાગરિક તરીકે થવાનો હશે! એના વિશે ઈશ્વર સિવાય કોઈનેય કંઈ ખબર નહોતી!
સળગતાં ઘર – શેરીઓ—સળગતાં સ્વજનો, સળગતાં અરમાનોમાંથી પસાર થયેલ વ્યક્તિ પાસેથી વિશ્વ પ્રેમાળ હોવાની અપેક્ષા કેવી રીતે રાખી શકે ?
અરિંદમ …! બેટા ફોન તો રિસીવ કર! આ શું? સવાર-સવારમાં ચિત્ર કરવા બેસી ગયો છે! ત્યાં T.V. પર પણ યુદ્ધના સમાચારો જ આવે છે…… જોવું જ શા માટે જોઈએ સવાર-સવારમાં આવું બધું!! ચેનલ ફેરવી નાખ જોઉં…’
માના શબ્દો કદાચ અરિંદમના કાનમાં તો રેડાયા પણ મન સુધી ન ગયા હોય એમએ ખુલ્લી બારીમાંથી દેખાતા આકાશને અનિમેષ તાકી રહ્યો. હવે માએ નજીક આવી… ટેબલ પર જરાક હથેળી થપકાવીને, થોડાં ઝૂકીને અરિંદમને કહ્યું:
આશુના મેરેજ ફંક્શનમાં જવાનું છે ને અરિ…? તો! આ બૂઠી પેન્સિલને મૂક બાજુએ અને ઊભો થઈને તૈયાર થા જોઉં… બેઠો છે…! ચિત્ર બનાવવા તે… ચલ… ચલ… ઊઠ જોઉં…’ જરાક ઊંચા સ્વરે કહેવાયેલું વાક્ય અરિંદમને જાણે કે હચમચાવી ગયું!!
માએ રીતસર અરિંદમને ખભામાંથી ઝકઝોળી નાખ્યો. અરિંદમ ઉદાસ નજરે બૂઠ્ઠી પેન્સિલને જોઈ રહ્યો એના અંતરમાં એક એવી અજાણી અણી ભોંકાણી હતી કે માની વાતોથી જાણે કે વિષયાંતર થઈ ગયું પણ તેમ છતાં… પેન્સિલની બૂઠ્ઠી ધાર અણીદાર બનીને અરિંદમની સંવેદનાઓ પર અટ્ટહાસ્ય કરી રહી હતી.
(રેખાબા સરવૈયા)
(લેખિકા હાલમાં પોરબંદર ખાતે એડિશનલ કલેક્ટર તરીકે કાર્યરત છે. ગુજરાતી સાહિત્યમાં લઘુકથાઓ ઉપરાંત કવિતા, વાર્તા અને નિબંધોથી જાણીતું નામ છે.)
વિચારોની શાખ અને મંત્રણા સંચાલનશાસ્ત્રનું મહત્વપૂર્ણ અંગ છે. કોઈપણ સંસ્થા કે રાષ્ટ્રની સફળતા તેના નેતાઓ કેટલી ઊંડાણપૂર્વક મંત્રણા અથવા નિખાલસ અને સર્વાંગીણ વિચારવિમર્શ કરે છે અને વિવિધ વિચારશૈલીઓને કેવી રીતે એકત્રિત કરે છે તેના પર આધારિત છે.
મહાભારતના ઉદ્યોગપર્વમાં જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ અટકાવવાનો પ્રશ્ન ઊભો થયો, ત્યારે શ્રીકૃષ્ણે અનેકવાર દુર્યોધનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. વિદુર અને મહાબલી ભીષ્મ જેવા ધીરજવાન વડીલોએ વારંવાર ચર્ચા-વિચારણાનો માર્ગ અપનાવવાનો આગ્રહ રાખ્યો. પરંતુ દુર્યોધનના અહંકાર અને સ્વકેન્દ્રિત નિર્ણયોએ અંતે મહાવિનાશ સર્જ્યો. આ ઘટના દર્શાવે છે કે ચર્ચા વિના લેવાયેલા નિર્ણય ઘણીવાર વિનાશ તરફ દોરી જાય છે, જ્યારે મંત્રણા અને સહમતિથી લેવાયેલા નિર્ણય લાંબા ગાળે સફળતા આપે છે.
આજના સમયમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે સફળ સંસ્થાઓમાં ટીમ મીટિંગ્સ, બ્રેઇનસ્ટોર્મિંગ સેશન્સ અને સામૂહિક નિર્ણય લેવાની પ્રક્રિયા (Collective Decision-Making)ને ખૂબ મહત્વ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ટાટા ગ્રૂપના નેતૃત્વમાં હંમેશાં વિચારવિમર્શ અને પારદર્શક ચર્ચાને પ્રાથમિકતા અપાઈ છે, જેના કારણે તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સ્થિર રહ્યા છે.
બીજી તરફ, 2008ના વૈશ્વિક આર્થિક સંકટ દરમિયાન અનેક બેંકો અને નાણાકીય સંસ્થાઓએ એકતરફી અને જોખમી નિર્ણયો લીધા હતા, જેમાં પૂરતી ચર્ચા કે જોખમનું મૂલ્યાંકન કરવામાં આવ્યું ન હતું, અને તેનું પરિણામ વિનાશકારી સાબિત થયું.
રાજનીતિમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે ભારતના બંધારણ ઘડતર સમયે ડૉ. બાબાસાહેબ આંબેડકર અને અન્ય સભ્યોએ લાંબા સમય સુધી ચર્ચા-મંત્રણાઓ કરી, દરેક મુદ્દે વિચારવિમર્શ કર્યો, વિવિધ મતભેદોને સાંભળ્યા અને સર્વસહમતિનો માર્ગ શોધ્યો. તેના પરિણામે ભારતનું બંધારણ આજે વિશ્વના સૌથી સશક્ત લોકશાહી દસ્તાવેજોમાંનું એક બની શક્યું.
વિપરીત રીતે, જ્યારે કોઈ સરકાર કે સંગઠન ચર્ચા કર્યા વગર તાત્કાલિક નિર્ણયો લે છે, ત્યારે લોકોમાં અસંતોષ ફેલાય છે. ઉદાહરણ તરીકે, કેટલીક નીતિઓમાં પૂરતી મંત્રણા વિના કરવામાં આવેલા સુધારા વિરોધ અને અશાંતિનું કારણ બન્યા છે.
વ્યક્તિગત સ્તરે પણ જો આપણે કુટુંબ કે વ્યવસાયમાં નિર્ણય લેતા પહેલાં સૌ સાથે ચર્ચા કરીએ અને શક્ય તેટલા વિચારોને સ્થાન આપીએ, તો સમરસતા અને વિશ્વાસ વધે છે તથા ભૂલની સંભાવના ઘટે છે.
મહાભારતના ઉદ્યોગપર્વમાંથી મળતો આ પાઠ એ છે કે મંત્રણા અને સહમતિ વિના લેવાયેલા નિર્ણયો ટકાઉ નથી, જ્યારે વિચારશીલ ચર્ચા અને સર્વાંગી વિમર્શ આધારિત નિર્ણયો નૈતિક, વ્યવહારૂ અને સફળ સાબિત થાય છે. તેથી જીવનના દરેક ક્ષેત્રમાં – રાજકીય, સામાજિક, આર્થિક કે વ્યક્તિગત – ‘વિચારોની શાખ અને પરામર્શ’ને આધારશિલા તરીકે સ્વીકારવી એ જ સાચી સફળતાનો માર્ગ છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)