Home Blog Page 523

દિલ્હી-NCRમાં પ્રદૂષણનું તાંડવ, અનેક વિસ્તારોમાં AQI 300થી પાર

નવી દિલ્હીઃ દિવાળી નજીક આવતાં જ રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ઝડપી રીતે વધવા લાગ્યું છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) મુજબ શનિવારે સવારે અક્ષરધામ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 230 નોંધાયો હતો, જે ‘ખરાબ’ શ્રેણીમાં આવે છે. જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ અને બરાપુલા બ્રિજ આસપાસ AQI 252 સુધી પહોંચી ગયો છે.

દિલ્હી-NCRનાં શહેરોમાં સ્થિતિ હજી ખરાબ છે. ગાઝિયાબાદમાં AQI 306 નોંધાયો, જે ‘ખૂબ ખરાબ’ શ્રેણીમાં છે અને તે દેશનું સૌથી વધુ પ્રદૂષિત શહેર બની ગયું છે. નોઇડામાં 278 અને ગુરુગ્રામમાં 266 AQI નોંધાયો, જ્યારે ફરીદાબાદમાં 105 રહ્યો, જે ‘મધ્યમ’ શ્રેણીમાં છે.

દિલ્હીના 38 મોનિટરિંગ સ્ટેશનોમાંથી પાંચ સ્થળોએ હવાની ગુણવત્તા ‘ખૂબ ખરાબ’ શ્રેણીમાં જોવા મળી હતી. આનંદ વિહારમાં સૌથી વધુ AQI 382 રહ્યો, જ્યારે વઝીરપુર (351), જહાંગીરપુરિ (342), બવાનાં (315) અને સિરિ ફોર્ટ (309)માં હવા ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. CPCBના જણાવ્યા મુજબ 14 ઓક્ટોબરથી દિલ્હીની હવા સતત ખરાબ થઈ રહી છે. AQI 201થી 300 સુધી ‘ખરાબ’ અને 301થી 400 સુધી ‘ખૂબ ખરાબ’ શ્રેણીમાં ગણાય છે. તેથી પ્રશાસને લોકોને બહાર ન નીકળવાની અને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે દિલ્હીનું લઘુતમ તાપમાન 18.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે સામાન્ય કરતાં 1.2 ડિગ્રી ઓછું હતું. સવારે 8:30 વાગ્યે ભેજનું પ્રમાણ 74 ટકા હતું.

વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ પ્રદૂષણથી ફક્ત આંખોમાં જલન કે શ્વાસ લેવામાં તકલીફ જ થતી નથી, પણ તે ધીમે-ધીમે બ્લડ પ્રેશર વધારતું જાય છે અને હાર્ટ તેમ જ મગજ પર પણ ખરાબ અસર પાડે છે. પલ્મોનોલોજિસ્ટ અને વૈજ્ઞાનિક ડૉ. અનુરાગ અગ્રવાલના જણાવ્યા મુજબ આટલા ઊંચા પ્રદૂષણ સ્તર પર લગભગ દરેક વ્યક્તિનું બ્લડ પ્રેશર વધી જાય છે. જેમને હાઇ બ્લડ પ્રેશર અથવા હૃદયની તકલીફ છે, તેમને ખાસ જોખમ રહે છે.

OM Puri Birthday: અભિનેતાએ પોતે જ પોતાના જન્મદિવસની તારીખ નક્કી કરી હતી

ઓમ પુરી એક પ્રખ્યાત ભારતીય અભિનેતા હતા જેમણે 1970 ના દાયકાથી 2017માં તેમના મૃત્યુ સુધી હિન્દી, દક્ષિણ ભારતીય અને હોલીવુડ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમને ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે સલમાન ખાન અને અભિષેક બચ્ચન સહિત અનેક સ્ટાર્સ સાથે કામ કર્યું હતું.

ઓમ પુરી વિશ્વ સિનેમાના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક હતા, જેમને બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, બે ફિલ્મફેર પુરસ્કારો અને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેમણે 1976માં એક નાટક પર આધારિત મરાઠી ફિલ્મ “ઘાસીરામ કોટવાલ” થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની પહેલી હિન્દી ફિલ્મ “આક્રોશ” (1980) હતી, જેનું નિર્દેશન ગોવિંદ નિહલાની દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં તેમણે એક મૂંગા આદિવાસી વ્યક્તિની ભૂમિકા ભજવી હતી અને તેમના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ત્યારબાદ ‘અર્ધ સત્ય'(1982) એ તેમને ઓળખ અપાવી. જો કે, આઠ વર્ષ પહેલાં અવસાન પામેલા આ અભિનેતા ફક્ત તેમની કારકિર્દી અને સંઘર્ષો માટે જ નહીં, પરંતુ તેમના જન્મદિવસની તારીખ બદલવા માટે પણ જાણીતા હતા, જેનો સંબંધ દશેરા સાથે છે.

ઓમ પુરીએ પોતાની જન્મ તારીખ કેમ બદલી

તેમની અભિનય કારકિર્દી ઉપરાંત ઓમ પુરીની જન્મ તારીખની આસપાસ એક રસપ્રદ વાર્તા છે. તેમની પાસે શાળામાં પ્રવેશ માટે જરૂરી જન્મ પ્રમાણપત્ર નહોતું. તેથી, ઓમ પુરીના કાકાએ 9 માર્ચ, 1950 ને તેમના સત્તાવાર જન્મદિવસ તરીકે પસંદ કર્યું. જોકે, અભિનેતાએ પાછળથી તેને બદલીને 18 ઓક્ટોબર કરી. આ પાછળનું કારણ ખૂબ જ ખાસ છે. વાસ્તવમાં, ઓમ પુરીએ તેમની માતા માટે તેમની જન્મ તારીખ બદલી. તેમની માતાએ તેમને કહ્યું કે તેમનો જન્મ દશેરાના બે દિવસ પછી થયો હતો. ઓમ પુરીએ 1950 ના કેલેન્ડરનો સંદર્ભ લીધો અને જોયું કે દશેરા 16 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. તેથી, તેમણે બે દિવસ પછી તારીખ પસંદ કરી. આ જ કારણ છે કે તેમનો જન્મદિવસ દર વર્ષે 18 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે.

ઓમ પુરી પહેલી વાર આ અભિનેતાને મળ્યા હતા

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં તેમના શરૂઆતના અભિનય વર્ષો દરમિયાન ઓમ પુરી નસીરુદ્દીન શાહને મળ્યા હતા. આ પછી, બંને ખૂબ સારા મિત્રો હતા. તેમણે “આક્રોશ,” “દ્રોહ કાલ,” “સ્પર્શ,” “જાને ભી દો યારો,” “અર્ધ સત્ય,” અને “પાર” જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. ઓમ પુરીનું 66 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું. 6 જાન્યુઆરી, 2017 ના રોજ અવસાન પામેલા ઓમ પુરી છેલ્લે “ખેલા હોબે” નામની ફિલ્મમાં જોવા મળ્યા હતા.

ઓમ પુરીનું જીવન વિવાદોથી ભરેલું હતું

પોતાના અંગત જીવનમાં, ઓમ પુરીએ 1991માં દિગ્દર્શક/લેખિકા સીમા કપૂર સાથે લગ્ન કર્યા. તે અન્નુ કપૂરની બહેન હતી. જોકે, 1993માં ઓમ પુરીએ પત્રકાર નંદિતા પુરી સાથે લગ્ન કર્યા. તેમની પહેલી પત્ની સીમા કપૂરે જણાવ્યું હતું કે તેમને ખબર પડી ગઈ હતી કે ઓમ પુરી તેમના લગ્નના લગભગ દોઢ વર્ષમાં નંદિતા સાથે અફેર કરી રહ્યા છે. જોકે, નંદિતા પુરીએ આરોપ લગાવ્યો હતો કે ઓમ પુરીએ તેમને માર માર્યો હતો અને ધમકી આપી હતી. વધુમાં, સીમા કપૂરે ભરણપોષણની માંગણી કરી હતી. તેવી જ રીતે, નંદિતાએ ભરણપોષણ અને અન્ય કાનૂની કાર્યવાહી પણ કરી.

ચેક ક્લિયરિંગ સિસ્ટમ ઠપ, સેંકડો લોકોના કરોડો રૂપિયા અટવાયા

નવી દિલ્હીઃ ધનતેરસના અવસરે જ્યારે લોકો જમીન, દુકાન અને મકાનની ખરીદીમાં વ્યસ્ત હતા, ત્યારે બેંકિંગ સિસ્ટમમાં આવેલી ખામી તેમની ખુશીઓ પર પાણી ફેરવી દીધું છે. ચેક ક્લિયરન્સની પ્રક્રિયા બંધ પડી જવાથી સેંકડો લોકોના કરોડો રૂપિયા અટવાઈ ગયા છે. મોટા ભાગની બેંકોમાં આ સમસ્યા યથાવત્ છે, જેને કારણે ગ્રાહકો રોજ બેંકનાં ચક્કર લગાવી રહ્યા છે.

શા માટે ચેક ક્લિયર નથી થઈ રહ્યા?

ગ્રાહકોનું કહેવું છે કે બેંક ન તો ચેક ક્લિયર કરી રહી છે અને ન કોઈ સ્પષ્ટ જવાબ આપી રહી છે. બેંક કર્મચારીઓ જણાવી રહ્યા છે કે ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ચેક ક્લિયરન્સના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે અને તેને કારણે સિસ્ટમ અપગ્રેડ કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી વ્યવહારો પર અસર પડી રહી છે.

આ છે RBIના નવા નિયમો

રિઝર્વ બેન્કે ત્રીજી જાન્યુઆરી, 2026થી દેશભરમાં સેમ-ડે ચેક ક્લિયરન્સ સિસ્ટમ (Cheque Clearance System) લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ નવા નિયમ હેઠળ કોઈ પણ બેંકમાં જમા કરાયેલ ચેક ત્રણ કલાકની અંદર ક્લિયર થઈ જશે. ચોથી ઓક્ટોબર, 2025થી લઈને 3 જાન્યુઆરી, 2026 સુધી આ સિસ્ટમનો પહેલો તબક્કો ચાલશે, જેમાં સાંજે સાત વાગ્યા સુધી બેંકને ચેકની પુષ્ટિ કરવી ફરજિયાત રહેશે. જો બેંક આવું નહીં કરે તો ચેક આપમેળે ક્લિયર માનવામાં આવશે.

ચેક બાઉન્સ થઈ રહ્યા છે

બેંક અધિકારીઓનું કહેવું છે કે આ અપગ્રેડ બાદ ગ્રાહકોને ઝડપી ચુકવણી મળશે અને બેંકિંગ વ્યવસ્થા વધુ સરળ બનશે, પરંતુ હાલ સોફ્ટવેર અપડેટને કારણે અનેક બેંકોમાં ટેકનિકલ અડચણો આવી રહી છે, જેને કારણે ઘણા ચેક તાત્કાલિક બાઉન્સ થઈ રહ્યા છે.

એ દરમિયાન ગ્રાહકો અને બેંક કર્મચારીઓ વચ્ચે તણાવ અને નારાજગી વધી રહી છે. ઘણા ગ્રાહકો ફરિયાદ કરી રહ્યા છે કે ખાતામાં પૂરતી રકમ હોવા છતાં તેમનાં ચેક ક્લિયર નથી થઈ રહ્યા. બેંક મેનેજમેન્ટે આશ્વાસન આપ્યું છે કે થોડા દિવસોમાં આ ટેકનિકલ મુશ્કેલી પૂરી રીતે દૂર કરી દેવામાં આવશે.

બિહાર કોંગ્રેસમાં ટિકિટની વહેંચણીને લઈને ઘમસાણ

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં આંતરિક જૂથબાજી ખુલ્લેઆમ સામે આવી છે. બેઠક વહેંચણી અને ઉમેદવારોની પસંદગીને લઈને પક્ષ બે જૂથોમાં વહેંચાઈ ગયો છે. કોંગ્રેસનું એક મોટું જૂથ ટિકિટની વહેંચણીથી અસંતોષી છે અને આજે બપોરે 12 વાગ્યે પટનામાં એક મહત્વપૂર્ણ બેઠક તથા પ્રેસ કોન્ફરન્સ રાખી રહ્યો છે. આ બેઠકમાં ભૂતપૂર્વ વિધાનસભ્યો, જિલ્લા અધ્યક્ષો, ભૂતપૂર્વ ઉમેદવારો અને અનેક વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓ હાજર રહેવાની શક્યતા છે.

જાતિ આધારિત સમીકરણોને લઈને અસંતોષ

આ અસંતોષનું મૂળ જાતિઆધારિત રીતે ટિકિટ વહેંચવાનો નિર્ણય છે. કોંગ્રેસ હાઈકમાન્ડના આ નિર્ણયથી એક જૂથ ખૂબ નારાજ છે અને તેને “દલિત કાર્ડ”ની રાજકારણ ગણાવી રહ્યું છે. આ જૂથોનું માનવું છે કે લાયક ઉમેદવારોની અવગણના કરીને માત્ર જાતિ સંતુલન જાળવવા માટે ટિકિટો આપવામાં આવી રહી છે.

કોંગ્રેસ અધ્યક્ષ સામે બળવો

આ વિવાદના કેન્દ્રમાં છે બિહાર કોંગ્રેસ અધ્યક્ષ રાજેશ રામ. તેમના વિરુદ્ધ પક્ષની અંદર ભારે અસંતોષ છે. બે દિવસ પહેલાં પટના એરપોર્ટ પર તેમની હાજરીમાં જ કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારી અને લાતંલાત સુધીની સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાએ પક્ષની આંતરિક સ્થિતિ વધુ ખુલ્લી પાડી છે.

રાજેશ રામનો પ્રતિકાર

આ ઘટનાઓ વચ્ચે રાજેશ રામે સોશિયલ મિડિયા X  પર એક તીખો સંદેશ પોસ્ટ કર્યો. તેમણે લખ્યું હતું કે “દલિત દબાશે નહીં… ઝૂકશે નહીં, હવે ઇન્કલાબ થશે…” તેમના આ સંદેશને વિરોધીઓ માટે ચેતવણી અને પક્ષની અંદર પોતાની સ્થિતિ મજબૂત કરવાની કોશિશ તરીકે જોવામાં આવી રહ્યું છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો આ વિવાદને તાત્કાલિક ન ઉકેલવામાં આવે તો ચૂંટણીની તૈયારી પર તેની ગંભીર અસર પડશે.

દિવાળીની ઉજવણી અને તેનું સાચું તાત્પર્ય

દિવાળી – પ્રકાશનો તહેવાર, આનંદનો ઉત્સવ અને સદાચારના વિજયનું પ્રતીક. આ તહેવાર માત્ર દીવા પ્રગટાવવાનો કે ઘર-આંગણું સજાવવાનો અવસર નથી, પણ અંધકાર ઉપર પ્રકાશના અને અસત્ય ઉપર સત્યના વિજયની ઉજવણી છે. જે બહારના દીવાઓ સુધી મર્યાદિત નથી. સાચી દિવાળી તો ત્યારે ઉજવી ગણાય, જ્યારે આપણે પોતાના અંતરમાંથી અહંકાર, ઈર્ષ્યા, લાલચ અને દ્વેષ જેવા અંધકારને દૂર કરી દિલમાં પ્રેમ, ક્ષમા અને સદભાવના જેવા પ્રકાશના દીવા પ્રગટાવીએ.

દિવાળીનું ધાર્મિક મહત્વ અનેક કથાઓ સાથે જોડાયેલું છે. ભગવાન શ્રીરામ ચૌદ વર્ષના વનવાસ બાદ અયોધ્યામાં પરત ફર્યા, ત્યારે લોકોના હૃદયમાં જે આનંદ છલકાયો હતો, તે આજે પણ દીવાના રૂપે ઝળહળી ઊઠે છે. સાથે માતા લક્ષ્મીની પૂજા દ્વારા ધન, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે.

તહેવારો માત્ર ધર્મ અને આસ્થા સિવાય બીજું ઘણું શીખવે છે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે માત્ર ધનસંપત્તિ જ નહીં, પણ સારા સંસ્કાર અને શાંતિપૂર્ણ મન પણ જરૂરી છે. પરિવાર સાથે એકતા, મિત્રો માટે લાગણી અને સમાજ પ્રત્યેની ફરજ – આ બધું દિવાળીની ઉજવણી સાથે સમજવું જરૂરી છે..

આજના સમયમાં, જ્યાં દેખાવ અને ભૌતિકતાનું મહત્વ વધ્યું છે, પોતાની પહોંચ કરતા પણ વધુ ખર્ચાઓ કરીને તહેવારો મનાવવામાં આવે છે. મીઠાઈઓ, ફટાકડા, નવા કપડા, ચીજ વસ્તુઓ, દાગીના અને એથી વધારે આગળ વધી મોંઘી કાર વગેરે આ દિવસોમાં વસાવી બીજાઓ સામે રૂઆબ વધારવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. એમાય સોશ્યલ મીડિયા જેવા પ્લેટફોર્મ આવ્યા પછી આ બધું અનેક ગણું વધી ગયું છે.

જો કે દિવાળીનું સાચું સૌંદર્ય સાદગી અને સંવેદનામાં છે, એ વાત સમજનાર સમાજ પણ અસ્તિત્વમાં છે. ઓછી આવક ધરાવતા કે જરુરીયાત મંદ સાથે ખુશી વહેંચવી, પર્યાવરણને બચાવતા રહી ફટાકડાનો ઉપયોગ ન કરવો, પર્યાવરણને નુકશાન ન કરે એવી રોશની, દીવા પ્રગટાવવી દિવાળી ઉજવવી. આમ વિચારનાર એક વર્ગ સ્નેહથી દિવાળી ઉજવી સમાજને સહકાર અને પ્રેમની શક્તિ વિષે ઉદાહરણ પૂરું પાડે છે.

કોઈ પણ તહેવારને એકલા મનાવવામાં કોઈ આનંદ નથી. સગા વહાલા કે મિત્રો વિના કોઈ ખુશી પુરી થતી નથી. દિવાળીમાં ખુશી વહેંચ્યા વિના સાચા અર્થમાં માણી શકાતી નથી. એથી જ પરસ્પર ગળે મળવું, ઘરે જમવા બોલાવવા, મીઠાઈઓ વહેચવી વગેરે પ્રથા જળવાઈ છે.

સાચી ઉજવણી એ કહેવાય જ્યારે લોકો જાતિ, કે વર્ગના ભેદ ભૂલીને સાથે મળીને ઉજવે છે. જેમ કે ઉત્તરાયણમાં દરેકના બહુમાળી બિલ્ડીંગ, અગાસીઓ કે જમીન ઉપરથી ઉડતી પતંગો કોઈ પણ ઘર્મ કે વર્ગને જોયા વિના એકમેક સાથે આનંદની હરીફાઈ કરે છે, અમીર ગરીબ જોયા વિના એકબીજામા લપેટાય છે અને ઉજવણી કરે છે તેમ દિવાળી હળીમળીને દિવાળી ઉજવાવવી જોઈએ.

 

દિવાળી, નવું વર્ષ, ભાઈબીજ વગેરે તહેવારો આપણને આપણા સંસ્કાર, ભાષા અને સંસ્કૃતિ સાથે જોડે છે. જે આપણી પરંપરા અને સંસ્કૃતિની ઓળખ સમા છે. સાથે માફી, સમાધાન અને નવા સંબંધો શરૂ કરવાની પ્રેરણા આપે છે. સાથે દાન અને કરુણાનો અર્થ સમજાવે છે. સાચી ખુશી ત્યારે મળે છે જ્યારે આપણે આપણા આનંદમાં અન્ય લોકોનો પણ ભાગ આપીએ. પરદેશમાં ઉજવાતા તહેવારોમાં નાત-જાત કે અમીર-ગરીબ એવા ભેદ મંદિર કે કોઈ બીજા દેવસ્થાનમાં નથી હોતા. આજ કારણે અહીંના બાળકોમાં એવી કોઈ ભાવના જન્મ નથી લેતી પરિણામે ગમે તે ઘર્મ અને જાતિને અપનાવી લેવાની તેમની તૈયારી સહુથી વધારે હોય છે.

દિવાળી જેવા પવિત્ર તહેવારમાં આપણે દીવા પ્રગટાવીએ છીએ. બહારના દીવા તો થોડાં સમય માટે ઝળહળે છે પરંતુ અંતરમાં પ્રકાશમાન પ્રેમ અને કરુણાનો દીવો સદાય માટે પ્રકાશ ફેલાવે છે. બસ આવા દીવા દરેકના હૈયામાં પ્રજવલિત રહે અને શુભ દિવાળી, સહુની રંગેચંગે ઉજવાય.

હેપી દિવાળી!

(રેખા પટેલ- ડેલાવર, અમેરિકા)

ભાગેડુ મેહુલ ચોકસીને લાવવામાં આવશે ભારત

નવી દિલ્હીઃ બેલ્જિયમની એક અદાલતે ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીને ભારત હવાલે કરવાની મંજૂરી આપી છે. એન્ટવર્પની કોર્ટે નિર્ણય આપ્યો કે ભારતની વિનંતી પર બેલ્જિયમ પોલીસે ચોકસીની કરેલી ધરપકડ કાયદેસર છે. ચોકસીને આ આદેશ સામે આગામી 15 દિવસમાં બેલ્જિયમ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો હક છે. કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આ નિર્ણય આપ્યો હતો. ચોકસીની એન્ટવર્પ પોલીસે 11 એપ્રિલે ધરપકડ કરી હતી અને તે છેલ્લા ચાર મહિનાથી જેલમાં છે. બેલ્જિયમની અદાલતે તેની અનેક જામીન અરજી ફગાવી દીધી હતી.

બેલ્જિયમ કોર્ટ કેમ થઈ પ્રત્યાર્પણ માટે રાજી?

ભારતે 66 વર્ષીય ચોકસી પર છેતરપિંડી, ષડયંત્ર, પુરાવા નષ્ટ કરવાનો અને ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે, જે ભારતીય દંડ સંહિતાની કલમ 120બી, 201, 409, 420 અને 477એ તેમ જ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 અને 13 હેઠળ આવે છે. આ ગુનાઓ બેલ્જિયમના કાયદા હેઠળ પણ દંડનીય છે, એટલે દ્વિ-અપરાધિકતાની શરત પૂરી થાય છે.

ભારતે પોતાના કેસને મજબૂત કરવા માટે આંતરરાષ્ટ્રીય કરારનો ઉલ્લેખ કર્યો હતો, જેમ કે સંયુક્ત રાષ્ટ્રનો ટ્રાન્સનેશનલ સંગઠિત અપરાધો સામેનો કરાર (UNTOC) અને સંયુક્ત રાષ્ટ્રનો ભ્રષ્ટાચાર વિરુદ્ધનો કરાર (UNCAC). CBIએ પુરાવા રજૂ કરવા માટે ત્રણ વાર બેલ્જિયમની મુલાકાત લીધી હતી અને મદદ માટે યુરોપની એક ખાનગી કાનૂની કંપનીને પણ નિયુક્ત કરી હતી.

 ચોકસીએ બચવા માટે કરી અનેક કોશિશો

ભારતનું કહેવું છે કે ચોકસી હજી પણ ભારતીય નાગરિક છે અને એન્ટિગુઆની નાગરિકતા હોવાના તેના દાવાનો ભારતે વિરોધ કર્યો છે. ચોકસીએ કોર્ટને જણાવ્યું હતું કે તેણે 14 ડિસેમ્બર, 2018એ ભારતીય નાગરિકતા છોડી દીધી હતી અને 16 નવેમ્બર, 2017એ એન્ટિગુઆની નાગરિકતા મેળવી હતી.

ભારતે 2018થી 2022 વચ્ચે થયેલી રૂ. 13,000 કરોડની બેંક છેતરપિંડીના પુરાવા રજૂ કર્યા હતા. કોર્ટે સ્વીકાર્યું હતું કે ચોકસી ખરેખર ભાગી જવાની સંભાવના ધરાવે છે, એટલે તેની ધરપકડ યોગ્ય છે.

કેસર મણિ મીઠાઈ

દિવાળીના તહેવારમાં ખાસ બનાવવામાં આવતી ગુજરાતની પારંપરિક મીઠાઈ કેસર મણિ, જે બનાવવામાં ઘણી જ સહેલી છે!

સામગ્રીઃ

  • ઘી 3 ટી.સ્પૂન
  • દૂધ 2 ટી.સ્પૂન
  • ચણાનો લોટ 1 કપ
  • કાજુ-બદામના ટુકડા 70 ગ્રામ
  • ગુંદર 30 ગ્રા.
  • ઘઉંના લોટની સેવ 50 ગ્રા.
  • દૂધનો પાઉડર ½ કપ
  • દેશી ઘી ¾ કપ
  • ખાંડનો પાઉડર ½ કપ
  • એલચી પાઉડર 1 ટી.સ્પૂન
  • કેસરના તાંતણા 8-10

રીતઃ એક કઢાઈમાં 3 ટી.સ્પૂન ઘી તેમજ 3 ટી.સ્પૂન દૂધ સહેજ હૂંફાળું કરીને ચણાના લોટમાં મેળવી દેવું. બંને હાથ વડે આ મિશ્રણને મિક્સ કરતાં જવું. જયારે તેમાં કણી પડવા લાગે એટલે ધાબો તૈયાર થઈ ગયો સમજવો. આ ધાબાને 10-15 મિનિટ રહેવા દો. ત્યારબાદ તેને સ્ટીલની ચાળણીમાં ચાળી લો.

એક કઢાઈમાં 3 ટે.સ્પૂન ઘી ગરમ કરી, ગેસની આંચે કાજુ-બદામના ટુકડા શેકીને એક પ્લેટમાં કાઢી લો. ત્યારબાદ તેમાં થોડા થોડા ગુંદરને ઉમેરીને તળો. જેવા ગુંદર ફુલી જાય એટલે ઝારા વડે એક પ્લેટમાં કાઢતા જાઓ. ત્યારબાદ ઘઉંની સેવના નાના ટુકડા કરીને તે પણ ગુલાબી રંગના શેકીને પ્લેટમાં કાઢી લો.

કઢાઈમાં બાકી રાખેલું ઘી ઉમેરીને ગરમ થાય એટલે ધાબો દીધેલો ચણાનો લોટ ગેસની ધીમી આંચે શેકો. ઝારા વડે હલાવતાં રહો. લોટ બ્રાઉન રંગનો થાય ત્યારપછી પણ સહેજ વધુ લાલાશ પડતો થાય એટલે તેમાં કેસરના તાંતણા તેમજ એલચી પાઉડર અને થોડા કાજુ-બદામના ટુકડા મેળવી દો. દવે તેમાં દૂધનો પાઉડર મેળવીને ઝારા વડે હલાવતાં રહો. તેમાં ગઠ્ઠા ના પડવા જોઈએ. મિશ્રણ બધું એકસરખું મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો અને તેમાં થોડા કાજુ-બદામના ટુકડા તેમજ તળેલી સેવમાંથી થોડી સેવ મેળવી દો. મિશ્રણ ઠંડું થવા દો. લગભગ અડધા કલાક બાદ મિશ્રણ ઠંડું થઈ જાય એટલે તેમાં સાકરનો પાઉડર મેળીને એક ઘી લગાડેલી થાળીમાં મિશ્રણ પાથરી દો. ઉપરથી બાકી રાખેલાં કાજુ-બદામના ટુકડા ભભરાવીને તળેલી સેવ પણ ભભરાવી દો. આ મિશ્રણના ચપ્પૂ વડે ચોસલા પાડી દો અને થાળીને 2 કલાક માટે સેટ થવા દો.

ત્યારબાદ કેસર મણિ મીઠાઈ ખાવાના ઉપયોગમાં લો.

૧૮ ઑક્ટોબર ૨૦૨૫

ચિંતામુક્ત જીવન: સુખની અસલ ચાવી

મારા વરિષ્ઠ સહયોગી શ્રીમતી ફોરમ શાહ એક દિવસ આવીને મને કહેવા લાગ્યાં, “સર, તમે નવા ક્લાયન્ટ શ્રી અને શ્રીમતી રેગે સાથે વાત કરી શકશો? તેઓ પોતાની સંપત્તિ વિશે વધુપડતી ચિંતા કરે છે.”

છેલ્લાં કેટલાંક વર્ષોથી અમે જોઈ રહ્યા છીએ કે લોકોમાં પૈસા, સંપત્તિ, વગેરે વિશેની ચિંતા ઘણી વધતી જાય છે. ખરું પૂછો તો અમારી ઑફિસમાં અમે હવે એવું કહેવા લાગ્યા છીએ કે નાણાકીય આયોજન ખરેખર નાણાંનું નહીં, માનસિકતાનું આયોજન છે.

સૌ જાણે છે, છતાં અહીં ફરી કહેવાનું કે ચિંતાથી ક્યારેય કોઈ સમસ્યા હલ થતી નથી. તેનાથી લાંબા ગાળે તબિયતને નુકસાન થાય છે. આ વિષયે કબીરનો એક દુહો નોંધનીય છેઃ

चिंता से चतुराई घटे, घटे रूप रंग ज्ञान; 

चिंता बड़ी अभागनी, चिंता चिता समान

આપણામાં પણ ચિંતાને ચિતા સમાન કહી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ એક વખત કહ્યું હતું, ચિંતા કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે એક વર્ષ પહેલાં તમે શેની ચિંતા કરતા હતા એ યાદ પણ નહીં આવે.

એવું દૃઢપણે કહેવાય છે કે જેમને ભગવાનમાં શ્રદ્ધા નથી હોતી એ જ લોકો ચિંતા કરતા હોય છે.

આજકાલના યુવાનો ઝડપથી પૈસા કમાઈ લેવા માગતા હોય છે; એમને ધીરજ હોતી નથી. જો તેઓ અત્યારે ધન નહીં કમાય તો ક્યારે કમાશે અને ક્યારે મોજમજા કરશે. આ વિચારસરણીને લીધે જીવન ઊંધા રવાડે ચડી જાય છે, આરોગ્યને નુકસાન થાય છે અને બીજી પણ સમસ્યાઓ સર્જાય છે. પૈસાની પાછળ દોડવાથી કોઈ સમસ્યા હલ થતી નથી. સંપત્તિનું સર્જન કરવું જ જોઈએ અને ભૌતિક જીવનનો આનંદ પણ માણવો જોઈએ, પરંતુ જો એમ કરતી વખતે ચિંતા, અસલામતી, લઘુતાગ્રંથિ અનુભવાય તો એ કમાણીનો કોઈ અર્થ નથી.

અમે ઘણા ક્લાયન્ટ્સમાં જોયું છે કે પૈસા વિશે ચિંતા કરવાનો એમનો સ્વભાવ બની ગયો છે. સામાન્ય જીવન જીવવા માટે પૂરતું રોકાણ હોવા છતાં અને પોતાનાં નાણાકીય લક્ષ્યોમાંથી મોટાભાગનાં લક્ષ્યો સિદ્ધ કરવાનું શક્ય હોવા છતાં તેઓ પૈસાની ચિંતા કરતા હોય છે.

યોગિક વેલ્થ પ્રસન્ન જીવન જીવવાનું કહે છે. ચિંતા કરતાં રહીએ તો ધન શું, બીજી કોઈ વસ્તુનો આનંદ માણી શકાતો નથી. ભવિષ્યમાં કોઈ બનાવ બને અને કદાચ ન પણ બને. આ અનિશ્ચિતતાને લીધે પરેશાની થાય છે, પરંતુ હકીકતમાં જીવનમાં કંઈ જ નિશ્ચિત હોતું નથી. આથી જ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના શ્લોક ક્રમાંક 47માં ભગવાન કૃષ્ણે કહ્યું છેઃ

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन |
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि || 

આડકતરી રીતે કૃષ્ણે કહ્યું છે કે અત્યારે જે કર્તવ્ય નિભાવવાનું છે એ નિભાવો અને ભવિષ્યની ચિંતા નહીં કરો. ભવિષ્ય આપણા હાથમાં નથી, જે કંઈ કરી શકાય એ વર્તમાનમાં જ કરી શકાય છે. આથી ભવિષ્યની ચિંતા કરવાને બદલે બધું ઈશ્વર પર છોડી દો. આપણા માટે જે સારું હશે એ એમણે નક્કી કરી રાખ્યું છે.

પૈસા કે સંપત્તિની વાત આવે ત્યારે કહેવું ઘટે કે આપણે ચાદર પ્રમાણે જ સોડ તાણવી જોઈએ. પોતાની જવાબદારીઓ નિભાવવી, બચત કરવી અને રોકાણ કરવું.

કેટલાક લોકો મને પૂછતા હોય છે કે ભવિષ્યની ચિંતા કરવાની ન હોય તો ભવિષ્ય માટે બચત અને રોકાણ કરવાં કે નહીં? મારો જવાબ હોય છે, ભવિષ્ય માટે હાલ બચત પણ કરવી અને રોકાણ પણ કરવું. પોતાનું કર્મ કરતાં જાઓ, પણ ફળની આશા નહીં રાખો. સટ્ટો નહીં ખેલો અને ટૂંકા રસ્તે પૈસા કમાવાનું નહીં વિચારો.

ભગવદ્ ગીતાના શ્લોક ક્ર. 16.13 અને 16.14માં આસુરી વૃત્તિ ધરાવતી વ્યક્તિ વિશે કહેવાયું છે. આવી વ્યક્તિ હંમેશાં વિચારતી હોય છે કે મારી પાસે ઘણું ધન આવી ગયું હોવાથી હું મારી ઈચ્છાઓ પૂરી કરીશ. આ મારું છે અને ભવિષ્યમાં આનાથી પણ વધારે મારી પાસે હશે.

ભવિષ્યમાં રાચતી વ્યક્તિ પોતાના માટે અને સમાજની અન્ય વ્યક્તિઓ માટે તકલીફો ઊભી કરતી હોય છે. વર્તમાનમાં જીવો, પૈસાની ચિંતા કરવાનું બંધ કરો. પ્રસન્નતા બક્ષતી યોગિક વેલ્થ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

 

ગીતકાર મનોજ શુક્લા જ્યારે ‘મનોજ મુંતશિર’ બન્યા!

ફિલ્મ ‘બાહુબલી’ ના સંવાદ લેખક અને ‘તેરી મિટ્ટી’ જેવા ગીતોના ગીતકાર તરીકે વધુ જાણીતા મનોજ મુંતશિરનું અસલ નામ ‘મનોજ શુક્લા’ છે. એમણે ‘શુક્લા’ ને બદલે ‘મુંતશિર’ કેમ કર્યું એની વાત રસપ્રદ છે. 1997 ની સાલમાં શિયાળાની એક સાંજે મનોજ શુક્લા ચા પીવા નીકળ્યા હતા.

ઘણું ફર્યા પછી એક ટપરી દેખાઈ અને ચા માંગી. ચા બનતી હતી ત્યારે ત્યાં લટકાવેલા રેડિયો પર કવિ સંમેલન ચાલતું હતું. કાવ્ય સાહિત્યના શોખીન મનોજે રેડિયોનો અવાજ મોટો કરાવ્યો. એમાં એક શેર સાંભળ્યો. મુંતશિર હમ હૈ તો રૂખસાર પે શબનમ ક્યૂં હૈ, આઈને તૂટતે રહેતે હૈ તો તુમ્હે ગમ ક્યૂં હૈ.

મનોજે ‘મુંતશિર’ શબ્દ પહેલી વખત સાંભળ્યો ન હતો. તે એનો અર્થ જાણતા હતા કે તૂટેલું – વિખરાયેલું. ‘મુંતશિર’ શબ્દ સાંભળીને મનોજને થયું કે લાંબા સમયની ઉપનામની જે શોધ હતી એ અહીં પૂરી થઈ ગઈ છે. ઉર્દૂ શાયરી કરનારા ઉપનામ રાખતા હતા. અને ત્યારે મોટાભાગના કવિઓ ‘સાહિર’ કે ‘સાગર’ જેવા ઉપનામ વધુ રાખતા હતા. મનોજને એવું ઉપનામ જોઈતું હતું જે કોઈનું ના હોય. મનોજે પોતે ‘મનોજ મુંતશિર’ એવું બોલીને સાંભળ્યું. એનો જે ધ્વનિ સંભળાયો એ ગમી ગયો. અને નક્કી કરી લીધું કે આજથી તે ‘મનોજ મુંતશિર’ છે.

હવે ભોળા અને ખેડૂત પિતાને આ વાત કહેવાનું સરળ ન હતું. એ જાણતા હતા કે પુત્ર ફિલ્મોમાં ગીતો લખવા માંગે છે, કવિતા કરવા માંગે છે. મનોજ દસમા ધોરણમાં હતો ત્યારથી જ પોતાની આ ઈચ્છા જણાવી દીધી હતી. પણ પિતા એને મહત્વ આપતા ન હતા. એ સમજતા હતા કે મનોજની આ ફાલતુ જીદ છે. ત્યારે એમના ઘરનું રીપેરીંગનું કામ ચાલતું હતું. ચા પીને મનોજ ઘરે ગયો અને પિતાને પૂછ્યું કે નેમ પ્લેટ હવે નવી જ બનશે ને? એમણે ‘હા’ કહ્યું. મનોજે કહ્યું કે એના પર મારું નામ લખાવી દો. એમણે હા પાડી દીધી અને નેમ પ્લેટ બનાવતા રામફેરને કહેવા કહી દીધું.

મનોજે નવી નેમ પ્લેટ બનાવીને લગાવી દીધી હતી. સવારે પિતા નેમ પ્લેટ પર ‘મનોજ મુંતશિર’ નામ જોઈને ગુસ્સે થઈ ગયા. તે પેઈન્ટર માટે કહેવા લાગ્યા કે એક કામ સરખું થતું નથી. નામ લખવામાં ભૂલ કરી દીધી. પિતાએ મનોજને બોલાવીને કહ્યું કે તારું નામ ખોટું લખી દીધું છે. રામફેરને કહે કે ફરી બનાવી આપે. આપણે તો સાચું નામ આપ્યું હતું. મનોજે કહ્યું કે આ સાચું જ નામ છે. એમણે નામ વાંચ્યું અને મનોજે કહ્યું કે હું જ ‘મનોજ મુંતશિર’ છું! આ વાતથી એ નારાજ થઈ ગયા. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. કોઈ એકબીજા સાથે વાત કરતું ન હતું.

એમને પહેલો વિચાર એ આવ્યો કે પુત્રએ પોતાનો ધર્મ બદલી નાખ્યો છે. મનોજની માતાએ એમને સમજાવ્યા કે એણે પોતાની જાતિ કે ધર્મ બદલ્યા નથી. એ આજે પણ એ જ છે. એણે માત્ર ઉપનામ લગાવ્યું છે. ધીમે ધીમે પિતાને વાત સમજમાં આવી અને એમની નારાજગી દૂર થઈ હતી.

(ગીતકાર તરીકે મનોજને પહેલી ફિલ્મ મળી હતી એને થિયેટરમાં જોઈ ના શક્યા અને અમિતાભ સાથેની પહેલી મુલાકાત કેવી રહી હતી એની અજાણી અને રસપ્રદ વાતો હવે પછીના લેખમાં વાંચશો.)