ગ્રહો જીવન પર અસર કરે ખરા? કે પછી પૂર્વ ગ્રહના લીધે જીવનમાં પરિવર્તનો આવે છે? પૂર્વગ્રહ વધારવામાં પણ ક્યારેક ગ્રહોનું પરિવર્તન જવાબદાર બની શકે. જીવન સરસ ચાલતું હોય. બધાજ માણસો સારા લગતા હોય અને અચાનક જીવનમાં તોફાન મચી ગયું હોય તેવું લાગે ત્યારે વાસ્તુની ઉર્જાનો વિચાર તો થાય જ. પણ ક્યારેક ગ્રહોનું પરિવર્તન પણ ચકાસવું જરૂરી છે. જે ભૂમિ પર રહીએ છીએ તેની ઉર્જા સર્વપ્રથમ જીવનને અસર કરેજ. પણ પૃથ્વીની આસપાસનું વાતાવરણ જેનાથી પ્રભાવિત થાય છે તેને સમજવા જરૂરી છે. એવું નથી લાગતું કે અચાનક લોકોમાં ઉગ્રતા વધવા લાગી છે? નાની નાની વાતમાં મોટા મોટા ઝગડા થવા લાગ્યા છે. તો આવું થવાનું કારણ શું? અમાસના દિવસે શનિદેવ પોતાની રાશી બદલે છે. ૧૬૩૬ ના દિવસે આ પહેલા આવી ઘટના બની હતી. શનિનું એક રાશિમાં લાંબુ રોકાણ હોવાના કારણે શનિનું પરિવર્તન એક અગત્યનું પરિવર્તન ગણવામાં આવે છે. શનિ એક રાશિમાં અઢી વર્ષ રહે છે. જે રાશી પર શનિની વક્રી દ્રષ્ટી હોય અને જે રાશિમાં શનિ હોય તેનાથી છઠી રાશિમાં શનીની ઢેઇયા રહે છે, એટલે કે તે પોતાની રાશિમાં ચંદ્રની માફક તુરંત પાછો આવતો નથી. ૨૪મી જાન્યુઆરીએ શનિનો મકર રાશિમાં પ્રવેશી અને વાતાવરણ અને માનવ જીવન પર કેવી અસર કરશે તે જાણીએ.
ધાતુઓ જેવી કે સોનું, ચાંદી, લોખંડ તેમજ અન્ય ખનીજ જેમકે પેટ્રોલીયમ ના ભાવ વધવાની સંભાવના વિચારી શકાય. લોખંડ સાથે જોડાયેલા વ્યવસાય જેવા કે કારખાનાઓ પર પણ પ્રભાવ જોવા મળે. તો નિર્માણ કાર્યોમાં રુકાવટ કે મંદીની અસર દેખાય શકે. લોકોમાં ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધે. તો ધર્મ પ્રત્યે અભિગમ પણ અલગ જોવા મળે. કૃષિ શ્રેત્રમાં નવીનતા આવે અને ઉદ્યોગમાં નવતર પ્રયોગો સાથે સારા દિવસો આવી શકે. રાજકારણમાં નવા સંજોગો ઉદ્ભવતા દેખાય. સીમાઓ પર તણાવ રહે પણ તાત્કાલિક ધોરણે કોઈ મોટી ઘટના ન બને. ન્યાય તંત્રમાં સકારાત્મક પરિવર્તનો દેખાય. લોકોમાં રઘવાટ વધે.
નબળા મનના લોકોને નિર્ણય લેવામાં સમસ્યા આવે. પણ સારા સમાચાર એ છે કે ૨૫ જન્યુઆરીથી ૩ ફેબ્રુઆરી સુધી ગુપ્ત નવરાત્રી છે. 10 દિવસની આ નવરાત્રીમાં શક્તિની આરાધના કરવાથી ખુબજ સારું રહે. આ દસ દિવસમાં સાત શુભ યોગ બને છે. આ નવરાત્રી દરમિયાન કોઈનું મન ન દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. તે ઉપરાંત સારી ભાવના રાખવામાં આવે અને પોતાના લોકોને મદદ કરવામાં આવે તો ચોક્કસ સારું રહે. આ સમય દરમિયાન આકડો, તુલસી, પાન, દુર્વા જેવી વસ્તુઓ દેવીને ન ચડાવવી. કોરા કંકુથી અભિષેક કરી શકાય. આ સમય દરમિયાન ગાયત્રી અનુષ્ઠાન પણ કરી શકાય. પોતાની રાશિને અનુરૂપ સાધના પણ કરી શકાય.
પાકિસ્તાન અને ભારત વચ્ચે સંબંધો બગડે – બગડે એટલે કે વધારે બગડે ત્યારે વેપાર પણ બગડે છે. સ્વાભાવિક છે કે ભારત વધુ મોટો દેશ હોવાથી સામા દેશને જ વધારે ફટકો પડવાનો છે. ભારતની નિકાસ પણ થોડી ઘટે અને નજીકના દેશોમાંથી આયાત સ સ્તી પડતી હોય છે, તેમાં પણ થોડું નુકસાન થાય. પણ વધુ નુકસાન સામા દેશને થતું હોય છે. વેપારનું આ શસ્ત્ર બહુ અસરકારક હોય છે અને આજકાલથી નહિ, સદીઓથી તેનો ઉપયોગ થતો આવ્યો છે. બાલાકોટના મુદ્દે પાકિસ્તાનનું કોઈએ સાંભળ્યું નહિ ત્યારે યાદ હશે કે ઇમરાન ખાન બોલી ઉઠ્યા હતા કે અબજોનો વેપાર ભારત સાથે કરનારા દેશો અમારું સાંભળતા નથી.
મલેશિયાને પણ આ વાતનો હાલમાં જ અનુભવ થઈ ગયો. ભારતે મલેશિયાથી આવતા પામતેલની આયાતને બ્રેક મારી દીધી તેના કારણે તેને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. મલેશિયાના 94 વર્ષના અને વિશ્વના સૌથી મોટી ઉંમરના વડા પ્રધાન મોહાતીર મોહમ્મદે ભારતના નાગરિકતાના કાયદા અંગે પણ ટીપ્પણી કરી તે પછી ભારતે વળતો ઘા કર્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં મલેશિયાનું સૌથી વધુ પામ તેલ ભારત મોકલાયું છે. ભારતે વેપાર અટકાવ્યો પછી તમે શું કરશો એવા પત્રકારોના સવાલના જવાબમાં મોહાતીરે કહ્યું કે કોઈ વળતી વેપારી કાર્યવાહી કરી શકીએ તેમ નથી. ભારત બહુ મોટો દેશ છે અને તેની સામે કાર્યવાહી કરી શકાય તેમ નથી, તેથી સમસ્યાના ઉકેલ માટે બીજા પ્રયાસો કરીશું એમ તેમણે કહેવું પડ્યું હતું.
દરમિયાન પાકિસ્તાનમાંથી સત્તાવાર રીતે આંકડાં આવી ગયા છે કે કઈ રીતે ગયા નાણાકીય વર્ષના છ મહિના કરતાં આ વર્ષના છ મહિનામાં વેપારમાં ફટકો પડ્યો છે. અગાઉ પાકિસ્તાનની ભારત ખાતેની નિકાસ સવા 21 કરોડ ડૉલરની હતી, તે આ વખતે ઘટીને માત્ર પોણા બે કરોડની થઈ ગઈ છે. સામી બાજુ ભારતમાંથી નિકાસ પણ મોટા પાયે ઘટી ગઈ છે. તેનું નુકસાન ભારતના વેપારીઓને ખરું. ગત નાણાંકીય વર્ષના જુલાઈથી ડિસેમ્બરના છ મહિનામાં ભારતમાંથી 86.5 કરોડ ડૉલરની નિકાસ થઈ હતી. ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-ડિસેમ્બરમાં તે ઘટીને 28.6 કરોડ ડૉલરની જ રહી ગઈ છે. 50 કરોડ ડૉલરના વેપારનો ફટકો ભારતને પડ્યો છે, તેમાંથી 20 કરોડની આયાતને બાદ કરો તોય ભારતને 30 કરોડની નિકાસનું નુકસાન થયું છે. જોકે કુલ આયાત-નિકાસમાં વેપારી ખાધ ઊભી થાય તેમાં ભારતનો ફાયદો પહેલાંની જેમ યથાવત છે. 28.6 કરોડ ડૉલરની નિકાસ ભારતે કરી અને આયાત કરી માત્ર 1.68 કરોડ ડૉલર એટલે 26.9 કરોડ ડૉલર જેટલો તફાવત રહ્યો.
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ડામાડોળ હોવાથી આમ પણ આયાત ઓછી થઈ રહી છે. જેમ કે ચીનમાંથી થતી આયાત ગયા છ મહિનામાં 500 કરોડ ડૉલર હતી, તે આ વખતે ઘટીને 480 કરોડ ડૉલર રહી હતી. ચીનમાં થતી નિકાસ 88.9 કરોડ ડૉલર હતી તે થોડી વધીને 93.6 કરોડ ડૉલર થઈ. ચીન સાથે જ પાકિસ્તાન વધારે વેપાર કરે છે તે સ્પષ્ટ છે. સારા સંબંધો હોય તો ભારત પણ પાકિસ્તાનની બજારનો ફાયદો લઈ શકે છે, પણ વેપારી સંબંધો અને વ્યૂહાત્મક સંબંધો પડોશી દેશો વચ્ચે હંમેશા સારી રીતે ચાલી શકતા નથી. આની સામે મલેશિયા પડોશી દેશ ના હોવાથી વ્યૂહાત્મક અને સંરક્ષાત્મક સંબંધોની ખાસ અસર પડતી નથી, પણ વેપારી સંબંધોની અસર વધારે થાય છે. પાકિસ્તાનના આંકડાં મહત્ત્વના નથી, પણ મલેશિયાને સીધો 1100 કરોડ ડૉલરનો ફટકો પડશે તે આંકડો બહુ મોટો છે.
કઠોળ અને ખાદ્ય તેલોનું ઉત્પાદન વધારવા માટે ભારત પ્રયાસો કરી રહ્યું છે, પણ ખાવાનું તેલ ભારતને સૌથી વધુ જોઈએ છે. તેથી વિશ્વમાં સૌથી વધુ આયાત ભારત કરે છે અને મલેશિયા સૌથી વધુ નિકાસ કરે છે. આ વેપારી સંબંધનો જ ઉપયોગ કરીને ભારતે મલેશિયાને ભીંસમાં મૂકી દીધું છે. શાસ્ત્રોના શ્લોકો અને વાક્યો ગોખીને બકવાસ કરનારા ઝાકિર હુસૈન ભાગીને મલેશિયામાં ભરાયો છે. ઝાકિર હુસૈનના મામલે પણ ભારતે દબાણ કર્યું હતું, પણ વેપાર પર તેની અસર પડી નહોતી. પરંતુ હાલમાં ભારતે નાગરિકતાના કાયદામાં સુધારો કર્યો તે પછી વડા પ્રધાન મોહાતીરે તેનો વિરોધ કર્યો હતો. તે પછી ભારતે પગલાં લીધા છે અને મલેશિયાની પામ તેલની આયાત અટકાવી દીધી છે.
ભારતના જુદા જુદા બંદરો પર અત્યારે પામ તેલ ભરીને મલેશિયાથી આવેલા ઘણા જહાજો અટક્યા છે. તેમાં રહેલો જથ્થો ખાલી કરવા દેવાયો નથી. ભારતે મલેશિયાના પામ તેલને અટકાવી દીધું તેના કારણે ગયા અઠવાડિયે પામ તેલના વાયદા બજારમાં 10 ટકાનો કડાકો બોલી ગયો હતો. છેલ્લા 11 વર્ષમાં આ સૌથી મોટો કડાકો હતો.
૨૦૧૯ના વર્ષમાં મલેશિયાથી ૪૪ લાખ ટન પામ તેલની આયાત થઈ ચૂકી હતી. 2020ના વર્ષમાં તેમાં મોટો કાપ મૂકાઈ જશે. ભારતમાં ઘરઆંગણે પામ તેલ બનાવતી ઘાણીઓને થોડો ફાયદો થશે. જોકે બીજા દેશોથી આયાત ના થાય ત્યાં સુધી તેલ મોંઘુ પણ બની શકે છે. ડુંગળીમાં થયું હતું તેમ થોડા મહિના તેલના ભાવ ભડકે બળી શકે છે. ભારતના લોકોને તળેલું ખાધા વિના ચાલતું નથી. દર વર્ષે પ્રતિ વ્યક્તિ સરેરાશ ૨૦ કિલો ખાદ્ય તેલનો ઉપયોગ ભારતમાં થાય છે.
મલેશિયાથી રિફાઇન્ડ અને ક્રૂડ એમ બંને પ્રકારનું પામ ઑઇલ આયાત થાય છે. આ ઉપરાંત કોપર અને એલ્યુમિનિયમ વાયર, એલ્યુમિનિયમ ઇગ્નોટ જેવી આયાત થાય છે, તેના પર પણ પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું જાણકારો કહે છે. વર્તમાન નાણાકીય વર્ષમાં નવેમ્બર મહિના સુધીમાં મલેશિયામાંથી 700 કરોડ ડૉલરની આયાત થઈ ચૂકી છે. મલેશિયા વળતા વેપારી પગલાં ભરી શકે તેવી શક્યતા ઓછી છે, કેમ કે ભારત તરફથી આમ પણ મલેશિયામાં થતી નિકાસ ઘટી છે. ૨૦૧૮-૧૯માં ભારતે મલેશિયામાં ૬૪0 કરોડ ડૉલરની નિકાસ કરી હતી, જ્યારે ચાલુ વર્ષે નવેમ્બર સુધીમાં ૪00 કરોડ ડૉલરની નિકાસ થઈ છે. બીજું મલેશિયાએ હજી વળતાં પગલાં લીધાં નથી, તેથી નિકાસ અટકી નથી. તાત્કાલિક અટકે તેમ લાગતું પણ નથી. તેનું કારણ એ છે કે મલેશિયાએ ભારત સાથે વેપાર કરતો રહેવો જરૂરી છે. તેથી અમે બીજા રસ્તા વિચારીશું એમ મોહાતીર મોહમ્મદે કહ્યું છે. આ બીજા રસ્તા એટલે ભારત સાથે સમાધાન અને ભારતનો આ પ્રકારના મુદ્દે વિરોધ બંધ કરવો. ઝાકિર હુસૈન ત્રણ વર્ષથી ત્યાં છે તેને સોંપવાનું દબાણ પણ છે. તે દિશામાં પણ મલેશિયાએ વિચારવું પડશે. કદાચ ઝાકિરને ત્યાંથી અન્યત્ર રવાના કરી દેવાય તેવું પણ બને.
સદીઓથી વિશ્વ વેપારમાં ભારત સક્રિય હતું અને મરી-મસાલા, મખમલી વસ્ત્રો પૂરા પાડીને દુનિયામાંથી સોનુ-ચાંદી વેપારીઓ લઈ આવતા હતા. પરંતુ વેપારી જહાજ સાથે ભારતે લશ્કરી જહાજ તૈયાર નહોતા કર્યા અને તેના કારણે ધીમે ધીમે યુરોપના દેશોની દરિયાઇ તાકાત વધી ગઈ હતી. દરિયા માર્ગે થતા વેપાર પર પોર્ટુગીઝ, સ્પેનિશ અને અંગ્રેજોએ કબજો જમાવ્યો હતો. સમગ્ર વેપાર હવે યુરોપના લોકોના હાથમાં આવી ગયો હતો. વેપારી કોઠી સુરતમાં નાખી, પણ આગળ જતા સુરતનો જ કબજો કરી લીધો. વેપાર માટે આવેલા અંગ્રેજોએ દેશ પર કબજો જમાવ્યો હતો. ભારતમાં અફિણ તૈયાર કરીને તેની મોટા પાયે નિકાસ ચીનમાં થતી હતી. ચીનમાં અફીણ ઘૂસાડીને ચીનને પણ ખોખલું કરી નાખ્યું હતું. તે પછી ચીન પર પણ કબજો કર્યો. ચીનમાં ચા થતી હતી તેના પર અંગ્રેજોએ કબજો કર્યો. ભારત અને બર્મા અને શ્રીલંકામાં પણ ચાનું વાવેતર મોટા પાયે કર્યું અને સમગ્ર દુનિયામાં તેનો વેપાર પોતાના હાથમાં રાખ્યો. વિશ્વ વેપારનો કબજો કરીને જ શ્વેત પ્રજા સમૃદ્ધ થઈ છે. સમગ્ર દુનિયાનું શોષણ લશ્કરી માર્ગે ના થઈ શકે, પણ વેપારી રીતે સમગ્ર દુનિયાનું શોષણ ચાલતું રહ્યું અને આજે પણ ચાલે છે.
પશ્ચિમના આ વેપાર સામે ચીન, તાઇવાન, સિંગાપોર, જાપાન, દક્ષિણ કોરિયા અને ભારત પણ પડ્યા છે. પરંતુ ભારતની પોતાની વિશાળ વસતિ અને વિશાળ સમસ્યાને કારણે વેપારમાં ઘણું સ્વાવલંબન મળ્યું છે, પણ વિશ્વ વેપારમાં હિસ્સો મળ્યો નથી. ભારત કોઈ સેમસંગ, સોની, એલજી કે ઓપ્પો જેવી કંપની પેદા કરી શક્યું નથી. ભારતે વેપારી શસ્ત્રો પણ સજાવવા પડશે અને અત્યારે જે રીતે મલેશિયાને મીણ કહેવરાવી દીધું તે રીતે વિશ્વ વેપારમાં સિક્કો જમાવવા પર વધુ ધ્યાન આપવું જરૂરી છે. માત્ર ખાંડા ખખડાવાનો અને પાકિસ્તાનને પાડી દીધું તેની બડાઈ મારવાનો કોઈ અર્થ નથી. પાપડ પહેલવાન પાકિસ્તાન પહેલેથી જ બરબાદ થયેલું છે. તેને પાડી દેવાનો બકવાસ કરીને ભારતે પણ બરબાદ થવાની જરૂર નથી, પણ વેપારનું શસ્ત્ર વધારે ધારદાર કરવાની જરૂર છે.
ઈન્ડિયા આઈએનએક્સ પર લિસ્ટેડ બોન્ડ્સની કુલ રકમ 20.1 અબજ યુએસ ડોલરની થઈ
મુંબઈ તા.27ઃ જાહેર ક્ષેત્રની પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ (પીએફસી)એ તેની ગ્લોબલ નોટ્સ ગિફ્ટ આઈએફએસસી ખાતેના ઈન્ડિયા આઈએનએક્સની ગ્લોબલ સિક્યુરિટીઝ માર્કેટ (જીએસએમ)માં આજે લિસ્ટ કરી હતી. જીએસએમ વૈશ્વિક રોકાણકારો પાસેથી ભંડોળ પ્રાપ્ત કરવા માટેનું પ્લેટફોર્મ છે. પાંચ અબજ યુએસ ડોલરનાં બોન્ડ્સના ગ્લોબલ મીડિયમ ટર્મ નોટ પ્રોગ્રામ હેઠળ 3.950 ટકાનાં આ બોન્ડ્સ લિસ્ટ કરવામાં આવ્યાં હતાં.
પીએફસીના ઈશ્યુનું સ્વાગત કરતાં ઈન્ડિયા આઈએનએક્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વી. બાલાસુબ્રમણિયમે કહ્યું, “અમે પીએફસીને તેના સૌથી મોટા સિંગલ ટ્રાન્ચ ગ્લોબલ બોન્ડ ઈશ્યુ માટે અભિનંદન આપીએ છીએ. આ દર્શાવે છે કે દેશના વધી રહેલા પાવર ક્ષેત્ર અંગે વિશ્વમાં હકારાત્મક વલણ પ્રવર્તે છે. ઈન્ડિયા આઈએનએક્સ ખાતે વધી રહેલા સતત વોલ્યુમથી આઈએફએસસીને ભારતના અને વિશ્વના ઈશ્યુઅરો અને રોકાણકારો માટેના મુખ્ય મથક તરીકે ઉભારવાના વિઝનને ચરિતાર્થ કરે છે. અમે વર્લ્ડ ક્લાસ લિસ્ટિંગ પ્રથા પૂરી પાડવાનું ચાલુ રાખીશું.”
ગ્લોબલ સિક્યુરિટીઝ માર્કેટના પ્રારંભ બાદ તે ગિફ્ટ આઈએફએસસી ખાતે બોન્ડ્સ માટેનું અગ્રણી લિસ્ટિંગ પ્લેટફોર્મ બની રહ્યું છે. ઈન્ડિયા આઈએનએક્સનું ગ્લોબલ સિક્યુરિટીઝ માર્કેટ પ્લેટફોર્મ ઈન્ટનેશનલ સ્થળોની સમકક્ષ ભંડોળ એકત્ર કરવાની સુવિધા પૂરી પાડે છે. ઈન્ડિયા આઈએનએક્સ પ્લેટફોર્મ પર જાન્યુઆરી 2018માં શરૂ કરાયું એ પછી અત્યાર સુધીમાં 46.5 અબજ યુએસ ડોલર એકત્ર કરવામાં આવ્યા છે અને 20.1 અબજ યુએસ ડોલરથી અધિકનાં બોન્ડ્સ લિસ્ટ કરવામાં આવ્યાં છે. ઈન્ડિયા આઈએનએક્સ પ્રથમ એવું પ્લેટફોર્મ છે જેણે પ્રથમ વાર ગ્રીન બોન્ડ્સ માટે ગ્રીન સિક્યુરિટીઝ પ્લેટફોર્મ શરૂ કર્યું છે.
મુંબઈ – બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાનને મોટી રાહત મળી છે, કારણ કે આ વર્ષના નાતાલ તહેવારમાં એની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા માત્ર એકલી જ રિલીઝ થશે. એની સામે કોઈ ફિલ્મ હરીફાઈમાં નહીં ઉતરે.
સહ-અભિનેતા અક્ષય કુમારે આમિરને આ રાહત આપી છે. અક્ષય એની નવી ફિલ્મ બચ્ચન પાંડેને આ વર્ષના નાતાલમાં જ રિલીઝ કરવા માગતો હતો, પણ હવે આમિરે કરેલી વિનંતીને માન આપીને એણે પોતાની ફિલ્મની રિલીઝ તારીખને લંબાવી છે અને એને 2021ની 22 જાન્યુઆરીએ રિલીઝ કરશે.
આમિરની લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મ હોલીવૂડની ઓસ્કર એવોર્ડ વિજેતા ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની સત્તાવાર હિન્દી રીમેક હશે. એ 25 ડિસેંબરે રિલીઝ કરવાનું નિર્ધારિત છે. એ જ તારીખે બચ્ચન પાંડે પણ રિલીઝ કરવામાં આવનાર હતી, પરંતુ આમિર ખાને કરેલી વિનંતીને માન આપીને નિર્માતા સાજિદ નડિયાદવાલા અને અક્ષયે બચ્ચન પાંડેની રિલીઝને મુલતવી રાખવાનું નક્કી કર્યું છે.
આમિરે આજે ટ્વીટ દ્વારા આ જાણકારી આપી છે. એણે લખ્યું છે: ‘ક્યારેક માત્ર એક જ વારની વાતચીતમાં કામ થઈ જતું હોય છે. મારા મિત્રો અક્ષય કુમાર અને સાજિદ નડિયાદવાલાનો આભાર કે એમણે મારી વિનંતીને માન આપીને એમની ફિલ્મ બચ્ચન પાંડેની રિલીઝ તારીખને પાછળ રાખીને લાગણીસભર ચેષ્ટા કરી છે.’
આમિરની એ પોસ્ટના જવાબમાં અક્ષયે લખ્યું છે, ‘ગમે ત્યારે આમિર… અહીંયા આપણે સૌ મિત્રો છીએ.’
આટલું જ નહીં, અક્ષયે તેની બચ્ચન પાંડે ફિલ્મની નવી રિલીઝ તારીખની પણ જાહેરાત કરી છે અને એની સાથે ફિલ્મમાં પોતાનો નવો લૂક રિલીઝ પણ કર્યો છે.
નવા પોસ્ટરમાં અક્ષય સોનાની ચેન પહેરેલો જોઈ શકાય છે.
ફરહાદ સામજી દિગ્દર્શિત બચ્ચન પાંડેમાં અક્ષયની સાથે કૃતિ સેનન રોમાન્સ કરતી જોવા મળશે.
નવી દિલ્હીઃ સરકારે એર ઈન્ડિયાને વેચવા માટે ઓપન ટેન્ડરની જાહેરાત કર છે. સરકાર એર ઈન્ડિયામાં 100 ટકા શેર્સ વેચશે. સરકારી ટેન્ડર મુજબ ખરીદનારાઓએ 17 માર્ચ સુધી આવેદન કરવાનું રહેશે. ખરીદનારને મુંબઈની એર ઈન્ડિયાની બિલ્ડિંગ નહીં મળે. બોલી લગાવવાની પ્રક્રિયા પછી 31 માર્ચ સુધી શોર્ટ લિસ્ટ ખરીદનારાઓને સુચના આપવામાં આવશે.
એર ઈન્ડિયાની સાથે સરકાર એર ઈન્ડિયા એક્સપ્રેસના 100 ટકા અને એઆઈએસએટીએસના 50 ટકા શેર વેચશે. વર્ષ 2018માં પણ સરકારે એર ઈન્ડિયાને વેચવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તે સમયે કોઈએ રસ દાખવ્યો ન હતો. ગત પ્રયાસમાં સરકારે 76 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો હતો. માનવામાં આવે છે કે તે સમયે એક પણ ખરીદનાર ન મળવાથી સરકારે આ વખતે 100 ટકા હિસ્સો વેચવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક મંત્રીના સમૂહે સાત જાન્યુઆરીએ એર ઈન્ડિયાના ખાનગીકરણ સાથે જોડાયેલા પ્રસ્તાવને મંજૂરી આપી હતી. એર ઈન્ડિયા પર 80 હજાર કરોડ રૂપિયાનું બાકી દેવું છે. સરકારના આ નિર્ણય અંગે કોંગ્રેસે પણ નિશાન સાધ્યું છે.
એર ઈન્ડિયાને વેચવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મોદી સરકારે સોમવારે પ્રારંભિક માહિતી આપતું મેમોરેન્ડમ જાહેર કરવામાં આવ્યું છે. સરકારના આ પ્રસ્તાવ વિરૂદ્ધ ભાજપના સાંસદ સુબ્રમણિયમ સ્વામીએ વિરોધ વ્યક્ત કર્યો છે. ભાજપના સાંસદ સુબ્રમણિયમ સ્વામીએ ટ્વીટ કરી નિર્ણયનો વિરોધ કરતા કહ્યું કે ડીલ સંપૂર્ણ રીતે દેશ વિરોધી છે અને આ માટે કોર્ટમાં જવું મજબૂર થવું પડશે. પરિવારની કિંમતી વસ્તુને વેંચી ન શકાય. ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણિયમ સ્વામી પહેલાં પણ એર ઈન્ડિયાને વેચવાની સરકારની યોજના અંગે નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. માનવામાં આવે છે કે કેન્દ્રના આ નિર્ણયને લઈને રાજકીય અને કાયદાકીય અડચણ ઊભી થઈ શકે છે.
નવી દિલ્હીઃ નિર્ભયા મામલે ફાંસીની સજા પામેલા દોષિતોમાંથી એક મુકેશ સિંહની અરજી પર સુનાવણી દરમિયાન આજે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરજીકર્તાના વકીલ જલ્દી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી પાસે અપીલ કરે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની અધ્યક્ષતા વાળી બેંચે કહ્યું કે, કોઈને આગામી 1 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવાનું નક્કી છે અને આ અરજી જલ્દી જ સાંભળવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012 માં થયેલા નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યા મામલે મૃત્યુની સજા પામેલા દોષિતો પૈકી એક મુકેશ સિંહે દયા અરજી ફગાવવાના રાષ્ટ્રપતિના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. શનિવારના રોજ અરજી દાખલ કરીને તેણે દયા અરજી ફગાવવામાં આવી તેની ન્યાયિક સમીક્ષા કરવા અરજી કરી છે. દોષિત મુકેશ દ્વારા આ અરજી વકીલ વૃંદા ગ્રોવરે દાખલ કરી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 17 જાન્યુઆરીના રોજ મુકેશ સિંહની દયા અરજી ફગાવી હતી. વકીલ વૃંદા ગ્રોવર અનુસાર, જે પ્રકારે દયા અરજી ફગાવવામાં આવી છે, તેની ન્યાયિક સમીક્ષા કરવા માટે અરજી આર્ટિકલ 32 અંતર્ગત દાખલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 16 ડિસેમ્બર 2012 ના રોજ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં ચાલતી બસમાં નિર્ભયા સાથે દુષ્કર્મ થયું હતું, બાદમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ મામલામાં કુલ 6 આરોપીઓ હતા. આ પૈકી રામ સિંહે તિહાડ જેલમાં આત્મ હત્યા કરી લીધી હતી જ્યારે એક નાબાલિકની સજા પૂરી થઈ ગઈ છે. આ સિવાય મુકેશ સિંહ, વિનય કુમાર શર્મા, પવન કુમાર ગુપ્તા અને અક્ષય કુમાર સિંહને પહેલા નિચલી કોર્ટ અને પછી દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ફાંસીની સજા સંભળાવી ચૂકી છે.
નવી દિલ્હીઃ ચીનમાં ફેલાયેલ કોરોના વાયરસ હવે ધીમે-ધીમે દુનિયાના કેટલાંય દેશોમાં પગપેસારો કરી ચૂકયું છે. થાઇલેન્ડ, નેપાળ, અમેરિકા, ફ્રાન્સ બાદ હવે ભારતમાં પણ આ બીમારીના શંકાસ્પદ દર્દીઓ મળ્યાના સમાચાર છે. મુંબઇ અને જયપુર બાદ હવે બિહારના છપરાથી કોરોના વાયરસના શંકાસ્પદની ખબર પડી છે. તેમાં કોરોના વાયરસ જેવા લક્ષણ મળ્યા છે. આ મહિલા દર્દીને પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (PMCH) મોકલાઇ છે. જોકે રાહતની વાત એ છે કે દેશમાં હજુ સુધી કોઇ પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.શંકાસ્પદ મહિલા દર્દી થોડાંક દિવસ પહેલાં જ ચીનથી પરત આવ્યા છે. મહિલામાં કોરોના વાયરસ જેવા લક્ષણ બાદ આનન-ફાનનમાં તેને છપરામાં તપાસ કરાવી, જ્યાં તેને PMCH રિફર કરી દેવાઇ. PMCHના સુપ્રિટેન્ડન્ટ વિમલ કરકે કહ્યું કે તાજેતરમાં ચીનથી પાછી આવેલી છોકરીમાં કોરોના વાયરસને મળતા લક્ષણ દેકાતા તેને છપરાની એક હોસ્પિટલના ICU દાખલ કરાઇ છે. PMCH આવ્યા બાદ છોકરીના લોહીના નમૂના તપાસ માટે પૂણે મોકલાશે અને ત્યારબાદ રિપોર્ટ અનુસાર તેની સારવાર થશે.
ચીનમાં કોરોના વાયરસથી હાહાકાર મચી ગયો છે અને દુનિયાના કેટલાંય હિસ્સાને તેણે પોતાની ઝપટમાં લેવાની કોશિષ કરી છે. રવિવારના રોજ જયપુરમાં કોરોના વાયરસનો શંકાસ્પદ દર્દી સામે આવ્યો છે. તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. કહેવાય છે કે કોરોના વાયરસથી પીડિત છોકરો ચીનમાં અભ્યાસ કરી રહ્યો છે. આ બીમારીના લક્ષણ મળ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
જયપુરની એસએમએસ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડીએસ મીણાએ પુષ્ટિ કરી છે કે એક દર્દીને આઇસોલેશન વોર્ડમાં રખાયો છે. તેમણે કહ્યું કે તેનો સેમ્પલ ટેસ્ટ માટે મોકલાશે. હજુ કોરોના વાયરસના મામલાની પુષ્ટિ થઇ નથી. ત્યાં વિદેશ મંત્રાલયે રવિવારના રોજ કહ્યું કે હજુ સુધી ચીનમાં કોઇપણ ભારતીયને કોરોના વાયરસની અસર થઇ નથી. બેઇજીંગ સ્થિત દૂતાવાસ તમામ ભારતીયોની સાથે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સંપર્કમાં છે. વુહાન અને હબેઇ પ્રાંતથી પણ તમામ અપડેટ લેવામાં આવી રહ્યા છે.
ચીનમાં કોરોના વાયરસના પ્રકોપના લીધે મૃતકોની સંખ્યા વધીને 56 થઇ ગઇ છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 1975 સુધી પહોંચી ગઇ છે.
મુંબઈ – પંચરંગી વસ્તી ધરાવતા મુંબઈ મહાનગરમાં શોપિંગ મોલ્સ, દુકાનો અને હોટલ્સ-રેસ્ટોરન્ટ્સને ચોવીસ કલાક ખુલ્લી રાખવાનો નિર્ણય આજથી (વીતેલી મધરાતથી) અમલમાં આવ્યો છે. પહેલા દિવસે જોકે મુંબઈ નાઈટ લાઈફને અલ્પ પ્રતિસાદ મળ્યો હતો.
27 જાન્યુઆરીથી અમલમાં આવેલા નિર્ણયમાં શહેરમાં રાતે 1 વાગ્યા પછી પણ મોલ્સ અને હોટલ્સને ખુલ્લી રાખવા દેવામાં આવશે. જેથી લોકો મધરાત બાદ પણ ખરીદી કરી શકે અને ભોજન ખાઈ શકે.
રાતે મોલ્સ અને હોટલ્સ ખુલ્લી રાખવાની પરવાનગી મુંબઈમાં અમુક જ વિસ્તારોમાં આપવામાં આવી છે.
આખી રાત ખુલ્લું રાખવાની પરવાનગી બીયર બાર, પબ્સને આપવામાં આવી નથી. જો કોઈ બીયર બાર કે પબ રાતે દોઢ વાગ્યા બાદ ખુલ્લા દેખાશે તો એમનું લાઈસન્સ બે વર્ષ માટે રદ કરી દેવામાં આવશે.
ગઈ કાલે પહેલી રાતે 1 વાગ્યા બાદ ક્યાંય કોઈ શોપિંગ મોલ કે રેસ્ટોરન્ટ ખુલ્લી જોવા મળી નહોતી.
મુંબઈ નાઈટ લાઈફની કોન્સેપ્ટ આદિત્ય ઠાકરેનો છે, જે મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન છે.
આદિત્ય ઠાકરે મધ્ય મુંબઈના વરલી વિસ્તારમાંથી વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા છે. એમણે ગઈ કાલે રાતે વરલી ફેસ્ટિવલમાં હાજરી આપ્યા બાદ નાઈટ લાઈફ શરૂ થઈ ગઈ છે કે નહીં એ જોવા માટે એક ચક્કર લગાવ્યો હતો, પરંતુ દોઢ વાગ્યા બાદ ક્યાંય દુકાનો કે રેસ્ટોરન્ટ્સ કે મોલ ખુલ્લા જોવા મળ્યા નહોતા.
સરકાર નાઈટ લાઈફમાં સામેલ થવા માટે હોટલ-મોલ માલિકો પર કોઈ સખ્તાઈ કરવાની નથી અને દુકાનો, હોટલો, મોલ્સ ચોવીસ કલાક ખુલ્લાં રાખવાનો નિર્ણય સંબંધિત માલિકોની પસંદગી પર છોડવામાં આવ્યો છે.
લોસ એન્જેલીસ – અમેરિકામાં બાસ્કેટબોલ રમતના દંતકથાસમાન ખેલાડી કોબી બ્રાયન્ટનું કેલિફોર્નિયામાં ગઈ કાલે થયેલી એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. એને કારણે બાસ્કેટબોલ જગત સહિત સમગ્ર અમેરિકામાં આઘાતની લાગણી ફેલાઈ છે. દુર્ઘટનામાં બ્રાયન્ટની સાથે એમની 13 વર્ષની પુત્રી જિયાના સહિત 9 જણનાં કરૂણ મરણ નિપજ્યાં છે.
કોબી બ્રાયન્ટ 41 વર્ષના હતા. અમેરિકાની નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન (NBA) સ્પર્ધાના કોબી બ્રાયન્ટ સુપરસ્ટાર ખેલાડી હતા.
કોબી બ્રાયન્ટના નિધનથી ભારતના સ્પોર્ટ્સપ્રેમીઓમાં પણ આઘાત ફેલાઈ ગયો છે. યુવરાજ સિંહ, પ્રીતિ ઝીન્ટા, કરણ જોહર, જસપ્રિત બુમરાહે બ્રાયન્ટને ટ્વીટ દ્વારા શ્રદ્ધાંજલિ આપી છે.
રવિવારે કોબી બ્રાયન્ટ સાથેનું હેલિકોપ્ટર કેલિફોર્નિયાના કેલાબેસાસમાં પહાડી વિસ્તારમાં તૂટી પડ્યું હતું. એની સાથે એની પુત્રી તેમજ પુત્રીની ટ્રાવેલ સ્પોર્ટ્સ ટીમની એક સાથી, અન્ય વાલીનો સમાવેશ થાય છે.
આ દુર્ઘટના સાથે જ બ્રાયન્ટની 20 વર્ષની ઝળહળતી પ્રોફેશનલ કારકિર્દીનો અંત આવી ગયો છે. તે ઈન્વેસ્ટર તરીકે પોતાની બીજી ઈનિંગ્ઝ શરૂ કરી રહ્યા હતા, પણ જિંદગીનો અકાળે અંત આવી ગયો.
કોબી બ્રાયન્ટ 6 ફૂટ 6 ઈંચ લંબાઈ ધરાવતા હતા. બાસ્કેટબોલ રમવામાં એમની ચપળતા, સ્ફૂર્તિ અને તીવ્રતા જગવિખ્યાત બની હતી.
તેઓ 1996માં સીધા હાઈસ્કૂલમાંથી જ NBA સ્પર્ધામાં સામેલ કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં એ લોસ એન્જેલીસ લેકર્સ ટીમ વતી રમ્યા હતા.