બાસ્કેટબોલના સુપરસ્ટાર ખેલાડી કોબી બ્રાયન્ટનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન

લોસ એન્જેલીસ – અમેરિકામાં બાસ્કેટબોલ રમતના દંતકથાસમાન ખેલાડી કોબી બ્રાયન્ટનું કેલિફોર્નિયામાં ગઈ કાલે થયેલી એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. એને કારણે બાસ્કેટબોલ જગત સહિત સમગ્ર અમેરિકામાં આઘાતની લાગણી ફેલાઈ છે. દુર્ઘટનામાં બ્રાયન્ટની સાથે એમની 13 વર્ષની પુત્રી જિયાના સહિત 9 જણનાં કરૂણ મરણ નિપજ્યાં છે.

કોબી બ્રાયન્ટ 41 વર્ષના હતા. અમેરિકાની નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન (NBA) સ્પર્ધાના કોબી બ્રાયન્ટ સુપરસ્ટાર ખેલાડી હતા.

કોબી બ્રાયન્ટના નિધનથી ભારતના સ્પોર્ટ્સપ્રેમીઓમાં પણ આઘાત ફેલાઈ ગયો છે. યુવરાજ સિંહ, પ્રીતિ ઝીન્ટા, કરણ જોહર, જસપ્રિત બુમરાહે બ્રાયન્ટને ટ્વીટ દ્વારા શ્રદ્ધાંજલિ આપી છે.

રવિવારે કોબી બ્રાયન્ટ સાથેનું હેલિકોપ્ટર કેલિફોર્નિયાના કેલાબેસાસમાં પહાડી વિસ્તારમાં તૂટી પડ્યું હતું. એની સાથે એની પુત્રી તેમજ પુત્રીની ટ્રાવેલ સ્પોર્ટ્સ ટીમની એક સાથી, અન્ય વાલીનો સમાવેશ થાય છે.

આ દુર્ઘટના સાથે જ બ્રાયન્ટની 20 વર્ષની ઝળહળતી પ્રોફેશનલ કારકિર્દીનો અંત આવી ગયો છે. તે ઈન્વેસ્ટર તરીકે પોતાની બીજી ઈનિંગ્ઝ શરૂ કરી રહ્યા હતા, પણ જિંદગીનો અકાળે અંત આવી ગયો.

કોબી બ્રાયન્ટ 6 ફૂટ 6 ઈંચ લંબાઈ ધરાવતા હતા. બાસ્કેટબોલ રમવામાં એમની ચપળતા, સ્ફૂર્તિ અને તીવ્રતા જગવિખ્યાત બની હતી.

તેઓ 1996માં સીધા હાઈસ્કૂલમાંથી જ NBA સ્પર્ધામાં સામેલ કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં એ લોસ એન્જેલીસ લેકર્સ ટીમ વતી રમ્યા હતા.