આમિરને ખાતર અક્ષયે પોતાની ‘બચ્ચન પાંડે’ની રિલીઝને મુલતવી રાખી

મુંબઈ – બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાનને મોટી રાહત મળી છે, કારણ કે આ વર્ષના નાતાલ તહેવારમાં એની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા માત્ર એકલી જ રિલીઝ થશે. એની સામે કોઈ ફિલ્મ હરીફાઈમાં નહીં ઉતરે.

સહ-અભિનેતા અક્ષય કુમારે આમિરને આ રાહત આપી છે. અક્ષય એની નવી ફિલ્મ બચ્ચન પાંડેને આ વર્ષના નાતાલમાં જ રિલીઝ કરવા માગતો હતો, પણ હવે આમિરે કરેલી વિનંતીને માન આપીને એણે પોતાની ફિલ્મની રિલીઝ તારીખને લંબાવી છે અને એને 2021ની 22 જાન્યુઆરીએ રિલીઝ કરશે.

 

આમિરની લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મ હોલીવૂડની ઓસ્કર એવોર્ડ વિજેતા ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની સત્તાવાર હિન્દી રીમેક હશે. એ 25 ડિસેંબરે રિલીઝ કરવાનું નિર્ધારિત છે. એ જ તારીખે બચ્ચન પાંડે પણ રિલીઝ કરવામાં આવનાર હતી, પરંતુ આમિર ખાને કરેલી વિનંતીને માન આપીને નિર્માતા સાજિદ નડિયાદવાલા અને અક્ષયે બચ્ચન પાંડેની રિલીઝને મુલતવી રાખવાનું નક્કી કર્યું છે.

આમિરે આજે ટ્વીટ દ્વારા આ જાણકારી આપી છે. એણે લખ્યું છે: ‘ક્યારેક માત્ર એક જ વારની વાતચીતમાં કામ થઈ જતું હોય છે. મારા મિત્રો અક્ષય કુમાર અને સાજિદ નડિયાદવાલાનો આભાર કે એમણે મારી વિનંતીને માન આપીને એમની ફિલ્મ બચ્ચન પાંડેની રિલીઝ તારીખને પાછળ રાખીને લાગણીસભર ચેષ્ટા કરી છે.’

આમિરની એ પોસ્ટના જવાબમાં અક્ષયે લખ્યું છે, ‘ગમે ત્યારે આમિર… અહીંયા આપણે સૌ મિત્રો છીએ.’

આટલું જ નહીં, અક્ષયે તેની બચ્ચન પાંડે ફિલ્મની નવી રિલીઝ તારીખની પણ જાહેરાત કરી છે અને એની સાથે ફિલ્મમાં પોતાનો નવો લૂક રિલીઝ પણ કર્યો છે.

નવા પોસ્ટરમાં અક્ષય સોનાની ચેન પહેરેલો જોઈ શકાય છે.

ફરહાદ સામજી દિગ્દર્શિત બચ્ચન પાંડેમાં અક્ષયની સાથે કૃતિ સેનન રોમાન્સ કરતી જોવા મળશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]