વેપારનું શસ્ત્રઃ મલેશિયાને ભારે પડ્યો ભારતનો વિરોધ

પાકિસ્તાન અને ભારત વચ્ચે સંબંધો બગડે – બગડે એટલે કે વધારે બગડે ત્યારે વેપાર પણ બગડે છે. સ્વાભાવિક છે કે ભારત વધુ મોટો દેશ હોવાથી સામા દેશને જ વધારે ફટકો પડવાનો છે. ભારતની નિકાસ પણ થોડી ઘટે અને નજીકના દેશોમાંથી આયાત સ  સ્તી પડતી હોય છે, તેમાં પણ થોડું નુકસાન થાય. પણ વધુ નુકસાન સામા દેશને થતું હોય છે. વેપારનું આ શસ્ત્ર બહુ અસરકારક હોય છે અને આજકાલથી નહિ, સદીઓથી તેનો ઉપયોગ થતો આવ્યો છે. બાલાકોટના મુદ્દે પાકિસ્તાનનું કોઈએ સાંભળ્યું નહિ ત્યારે યાદ હશે કે ઇમરાન ખાન બોલી ઉઠ્યા હતા કે અબજોનો વેપાર ભારત સાથે કરનારા દેશો અમારું સાંભળતા નથી.

મલેશિયાને પણ આ વાતનો હાલમાં જ અનુભવ થઈ ગયો. ભારતે મલેશિયાથી આવતા પામતેલની આયાતને બ્રેક મારી દીધી તેના કારણે તેને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. મલેશિયાના 94 વર્ષના અને વિશ્વના સૌથી મોટી ઉંમરના વડા પ્રધાન મોહાતીર મોહમ્મદે ભારતના નાગરિકતાના કાયદા અંગે પણ ટીપ્પણી કરી તે પછી ભારતે વળતો ઘા કર્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં મલેશિયાનું સૌથી વધુ પામ તેલ ભારત મોકલાયું છે. ભારતે વેપાર અટકાવ્યો પછી તમે શું કરશો એવા પત્રકારોના સવાલના જવાબમાં મોહાતીરે કહ્યું કે કોઈ વળતી વેપારી કાર્યવાહી કરી શકીએ તેમ નથી. ભારત બહુ મોટો દેશ છે અને તેની સામે કાર્યવાહી કરી શકાય તેમ નથી, તેથી સમસ્યાના ઉકેલ માટે બીજા પ્રયાસો કરીશું એમ તેમણે કહેવું પડ્યું હતું.

દરમિયાન પાકિસ્તાનમાંથી સત્તાવાર રીતે આંકડાં આવી ગયા છે કે કઈ રીતે ગયા નાણાકીય વર્ષના છ મહિના કરતાં આ વર્ષના છ મહિનામાં વેપારમાં ફટકો પડ્યો છે. અગાઉ પાકિસ્તાનની ભારત ખાતેની નિકાસ સવા 21 કરોડ ડૉલરની હતી, તે આ વખતે ઘટીને માત્ર પોણા બે કરોડની થઈ ગઈ છે. સામી બાજુ ભારતમાંથી નિકાસ પણ મોટા પાયે ઘટી ગઈ છે. તેનું નુકસાન ભારતના વેપારીઓને ખરું. ગત નાણાંકીય વર્ષના જુલાઈથી ડિસેમ્બરના છ મહિનામાં ભારતમાંથી 86.5 કરોડ ડૉલરની નિકાસ થઈ હતી. ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-ડિસેમ્બરમાં તે ઘટીને 28.6 કરોડ ડૉલરની જ રહી ગઈ છે. 50 કરોડ ડૉલરના વેપારનો ફટકો ભારતને પડ્યો છે, તેમાંથી 20 કરોડની આયાતને બાદ કરો તોય ભારતને 30 કરોડની નિકાસનું નુકસાન થયું છે. જોકે કુલ આયાત-નિકાસમાં વેપારી ખાધ ઊભી થાય તેમાં ભારતનો ફાયદો પહેલાંની જેમ યથાવત છે. 28.6 કરોડ ડૉલરની નિકાસ ભારતે કરી અને આયાત કરી માત્ર 1.68 કરોડ ડૉલર એટલે 26.9 કરોડ ડૉલર જેટલો તફાવત રહ્યો.

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ડામાડોળ હોવાથી આમ પણ આયાત ઓછી થઈ રહી છે. જેમ કે ચીનમાંથી થતી આયાત ગયા છ મહિનામાં 500 કરોડ ડૉલર હતી, તે આ વખતે ઘટીને 480 કરોડ ડૉલર રહી હતી. ચીનમાં થતી નિકાસ 88.9 કરોડ ડૉલર હતી તે થોડી વધીને 93.6 કરોડ ડૉલર થઈ. ચીન સાથે જ પાકિસ્તાન વધારે વેપાર કરે છે તે સ્પષ્ટ છે. સારા સંબંધો હોય તો ભારત પણ પાકિસ્તાનની બજારનો ફાયદો લઈ શકે છે, પણ વેપારી સંબંધો અને વ્યૂહાત્મક સંબંધો પડોશી દેશો વચ્ચે હંમેશા સારી રીતે ચાલી શકતા નથી. આની સામે મલેશિયા પડોશી દેશ ના હોવાથી વ્યૂહાત્મક અને સંરક્ષાત્મક સંબંધોની ખાસ અસર પડતી નથી, પણ વેપારી સંબંધોની અસર વધારે થાય છે. પાકિસ્તાનના આંકડાં મહત્ત્વના નથી, પણ મલેશિયાને સીધો 1100 કરોડ ડૉલરનો ફટકો પડશે તે આંકડો બહુ મોટો છે.

કઠોળ અને ખાદ્ય તેલોનું ઉત્પાદન વધારવા માટે ભારત પ્રયાસો કરી રહ્યું છે, પણ ખાવાનું તેલ ભારતને સૌથી વધુ જોઈએ છે. તેથી વિશ્વમાં સૌથી વધુ આયાત ભારત કરે છે અને મલેશિયા સૌથી વધુ નિકાસ કરે છે. આ વેપારી સંબંધનો જ ઉપયોગ કરીને ભારતે મલેશિયાને ભીંસમાં મૂકી દીધું છે. શાસ્ત્રોના શ્લોકો અને વાક્યો ગોખીને બકવાસ કરનારા ઝાકિર હુસૈન ભાગીને મલેશિયામાં ભરાયો છે. ઝાકિર હુસૈનના મામલે પણ ભારતે દબાણ કર્યું હતું, પણ વેપાર પર તેની અસર પડી નહોતી. પરંતુ હાલમાં ભારતે નાગરિકતાના કાયદામાં સુધારો કર્યો તે પછી વડા પ્રધાન મોહાતીરે તેનો વિરોધ કર્યો હતો. તે પછી ભારતે પગલાં લીધા છે અને મલેશિયાની પામ તેલની આયાત અટકાવી દીધી છે.
ભારતના જુદા જુદા બંદરો પર અત્યારે પામ તેલ ભરીને મલેશિયાથી આવેલા ઘણા જહાજો અટક્યા છે. તેમાં રહેલો જથ્થો ખાલી કરવા દેવાયો નથી. ભારતે મલેશિયાના પામ તેલને અટકાવી દીધું તેના કારણે ગયા અઠવાડિયે પામ તેલના વાયદા બજારમાં 10 ટકાનો કડાકો બોલી ગયો હતો. છેલ્લા 11 વર્ષમાં આ સૌથી મોટો કડાકો હતો.
૨૦૧૯ના વર્ષમાં મલેશિયાથી ૪૪ લાખ ટન પામ તેલની આયાત થઈ ચૂકી હતી. 2020ના વર્ષમાં તેમાં મોટો કાપ મૂકાઈ જશે. ભારતમાં ઘરઆંગણે પામ તેલ બનાવતી ઘાણીઓને થોડો ફાયદો થશે. જોકે બીજા દેશોથી આયાત ના થાય ત્યાં સુધી તેલ મોંઘુ પણ બની શકે છે. ડુંગળીમાં થયું હતું તેમ થોડા મહિના તેલના ભાવ ભડકે બળી શકે છે. ભારતના લોકોને તળેલું ખાધા વિના ચાલતું નથી. દર વર્ષે પ્રતિ વ્યક્તિ સરેરાશ ૨૦ કિલો ખાદ્ય તેલનો ઉપયોગ ભારતમાં થાય છે.

મલેશિયાથી રિફાઇન્ડ અને ક્રૂડ એમ બંને પ્રકારનું પામ ઑઇલ આયાત થાય છે. આ ઉપરાંત કોપર અને એલ્યુમિનિયમ વાયર, એલ્યુમિનિયમ ઇગ્નોટ જેવી આયાત થાય છે, તેના પર પણ પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું જાણકારો કહે છે. વર્તમાન નાણાકીય વર્ષમાં નવેમ્બર મહિના સુધીમાં મલેશિયામાંથી 700 કરોડ ડૉલરની આયાત થઈ ચૂકી છે. મલેશિયા વળતા વેપારી પગલાં ભરી શકે તેવી શક્યતા ઓછી છે, કેમ કે ભારત તરફથી આમ પણ મલેશિયામાં થતી નિકાસ ઘટી છે. ૨૦૧૮-૧૯માં ભારતે મલેશિયામાં ૬૪0 કરોડ ડૉલરની નિકાસ કરી હતી, જ્યારે ચાલુ વર્ષે નવેમ્બર સુધીમાં ૪00 કરોડ ડૉલરની નિકાસ થઈ છે. બીજું મલેશિયાએ હજી વળતાં પગલાં લીધાં નથી, તેથી નિકાસ અટકી નથી. તાત્કાલિક અટકે તેમ લાગતું પણ નથી. તેનું કારણ એ છે કે મલેશિયાએ ભારત સાથે વેપાર કરતો રહેવો જરૂરી છે. તેથી અમે બીજા રસ્તા વિચારીશું એમ મોહાતીર મોહમ્મદે કહ્યું છે. આ બીજા રસ્તા એટલે ભારત સાથે સમાધાન અને ભારતનો આ પ્રકારના મુદ્દે વિરોધ બંધ કરવો. ઝાકિર હુસૈન ત્રણ વર્ષથી ત્યાં છે તેને સોંપવાનું દબાણ પણ છે. તે દિશામાં પણ મલેશિયાએ વિચારવું પડશે. કદાચ ઝાકિરને ત્યાંથી અન્યત્ર રવાના કરી દેવાય તેવું પણ બને.

સદીઓથી વિશ્વ વેપારમાં ભારત સક્રિય હતું અને મરી-મસાલા, મખમલી વસ્ત્રો પૂરા પાડીને દુનિયામાંથી સોનુ-ચાંદી વેપારીઓ લઈ આવતા હતા. પરંતુ વેપારી જહાજ સાથે ભારતે લશ્કરી જહાજ તૈયાર નહોતા કર્યા અને તેના કારણે ધીમે ધીમે યુરોપના દેશોની દરિયાઇ તાકાત વધી ગઈ હતી. દરિયા માર્ગે થતા વેપાર પર પોર્ટુગીઝ, સ્પેનિશ અને અંગ્રેજોએ કબજો જમાવ્યો હતો. સમગ્ર વેપાર હવે યુરોપના લોકોના હાથમાં આવી ગયો હતો. વેપારી કોઠી સુરતમાં નાખી, પણ આગળ જતા સુરતનો જ કબજો કરી લીધો. વેપાર માટે આવેલા અંગ્રેજોએ દેશ પર કબજો જમાવ્યો હતો. ભારતમાં અફિણ તૈયાર કરીને તેની મોટા પાયે નિકાસ ચીનમાં થતી હતી. ચીનમાં અફીણ ઘૂસાડીને ચીનને પણ ખોખલું કરી નાખ્યું હતું. તે પછી ચીન પર પણ કબજો કર્યો. ચીનમાં ચા થતી હતી તેના પર અંગ્રેજોએ કબજો કર્યો. ભારત અને બર્મા અને શ્રીલંકામાં પણ ચાનું વાવેતર મોટા પાયે કર્યું અને સમગ્ર દુનિયામાં તેનો વેપાર પોતાના હાથમાં રાખ્યો. વિશ્વ વેપારનો કબજો કરીને જ શ્વેત પ્રજા સમૃદ્ધ થઈ છે. સમગ્ર દુનિયાનું શોષણ લશ્કરી માર્ગે ના થઈ શકે, પણ વેપારી રીતે સમગ્ર દુનિયાનું શોષણ ચાલતું રહ્યું અને આજે પણ ચાલે છે.


પશ્ચિમના આ વેપાર સામે ચીન, તાઇવાન, સિંગાપોર, જાપાન, દક્ષિણ કોરિયા અને ભારત પણ પડ્યા છે. પરંતુ ભારતની પોતાની વિશાળ વસતિ અને વિશાળ સમસ્યાને કારણે વેપારમાં ઘણું સ્વાવલંબન મળ્યું છે, પણ વિશ્વ વેપારમાં હિસ્સો મળ્યો નથી. ભારત કોઈ સેમસંગ, સોની, એલજી કે ઓપ્પો જેવી કંપની પેદા કરી શક્યું નથી. ભારતે વેપારી શસ્ત્રો પણ સજાવવા પડશે અને અત્યારે જે રીતે મલેશિયાને મીણ કહેવરાવી દીધું તે રીતે વિશ્વ વેપારમાં સિક્કો જમાવવા પર વધુ ધ્યાન આપવું જરૂરી છે. માત્ર ખાંડા ખખડાવાનો અને પાકિસ્તાનને પાડી દીધું તેની બડાઈ મારવાનો કોઈ અર્થ નથી. પાપડ પહેલવાન પાકિસ્તાન પહેલેથી જ બરબાદ થયેલું છે. તેને પાડી દેવાનો બકવાસ કરીને ભારતે પણ બરબાદ થવાની જરૂર નથી, પણ વેપારનું શસ્ત્ર વધારે ધારદાર કરવાની જરૂર છે.