Home Blog Page 5008

અમદાવાદમાં કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓ?

અમદાવાદઃ ચીનમાંથી જન્મેલો કોરોના વાયરસ હવે વિશ્વના ઘણા દેશોમાં પહોંચ્યો છે. ચીનમાં આ વાયરસે હજારો લોકોને પોતાની ઝપેટમાં લીધા છે અને 550 કરતા વધારે લોકોના જીવને આ વાયરસ ભરખી ગયો છે. ભારતમાં આ વાયરસ ન ફેલાય તે માટે સરકાર દ્વારા ખૂબ જ ચોક્સાઈ રાખવામાં આવી રહી છે અને જરુરી તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસનો ટેસ્ટ આજથી શરુ કરી દેવામાં આવ્યો છે. અહીંયા એક સ્પેશિયલ લેબ તૈયાર કરવામાં આવી છે કે જેમાં લોકોના ટેસ્ટ કરવામાં આવે છે.  

સિંગાપોરથી આવેલા બે પ્રવાસીઓ અત્યારે SVPમાં દાખલ થયા છે. તેમજ બન્નેના બ્લડ સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર એએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમદાવાદની SVP હોસ્પિટલમાં બે શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે, જેમના લોહીના પરીક્ષણ માટે બ્લડ સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યા છે. આ દરમિયાન સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેડ દ્વારા આજે એવું કહેવામાં આવ્યું છે કે હવેથી કોરોના વાયરસ માટેના બ્લડ સેમ્પલ પૂના મોકલવામાં આવશે નહી.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ચીનથી પરત ફર્યા બાદ આ બન્ને વ્યક્તિમાં કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. આ બંને દર્દીઓમાં એક વ્યક્તિ પહેલા અનેક લોકોના સંપર્કમાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે, ત્યારે જો તે વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવશે તો અન્ય લોકોમાં પણ આ વાઈરસ ફેલાવાની શક્યતા છે.

દિલવાલોં કી દિલ્હી: આ લોકોએ મતદાન કર્યું…

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 માટે આજે મતદાન થઈ રહ્યું છે. કુલ 70 સીટ માટે 672 ઉમેદવાર મેદાનમાં છે. આ વખતે પણ મુખ્ય સ્પર્ધા તો ભાજપ અને AAP વચ્ચે જ દેખાય છે. જોકે, કોંગ્રેસનો દાવો છે કે દિલ્હીના પરિણામો સૌને માટે આશ્ચર્યજનક રહેશે. CAA વિરોધી પ્રદર્શનનું કેન્દ્ર બનેલું શાહીન બાગમાં પાંચ પોલિંગ બૂથ છે. અહીં સુરક્ષા વ્યવસ્થાની વિશેષ તૈયારી કરવામાં આવી છે.

 

માતાના આશીર્વાદ લઈને મતદાન કરવા નિકળતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરિવાર સાથે કર્યું મતદાન

અભિનેત્રી તાપસી પન્નુએ પરિવાર સાથે દિલ્હીમાં મતદાન કર્યું. સોશિયલ મીડિયા પર મતદાનની તસવીર શેર કરીને લખ્યું કે, પન્નુ પરિવાર મતદાન કરી દીધું તમે કર્યું કે નહીં?

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પત્ની સાથે મતદાન કર્યું હતું.

આ ચૂંટણીમાં ભાજપના પ્રવેશ વર્મા તેમના નિવેદનોને લીધે ખૂબ ચર્ચામાં રહ્યા. પ્રવેશ વર્માએ મટિયાલા બેઠક પરથી મતદાન કર્યું.

દિલ્હીમાં સવારથી જ મતદાનને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ નિર્માણ ભવન સ્થિત મતદાન મથકે મત આપ્યો હતો.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ મતદાન કરી જીતનો વિશ્વાસ દર્શાવ્યો હતો.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન કૃષ્ણાનગરમાં તેમની માતા સાથે મતદાન કરવા પહોંચ્યા હતાં.

પહેલવાન સુશીલ કમારે તેમની પત્ની સાથે બપરોલામાં મતદાન કર્યું.

મતદાન કરીને પરત ફરતા રાહુલ ગાંધી

પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રા મતદાન માટે લોધી એસ્ટેટ પહોંચ્યા હતા. સાથે તેમનો પુત્ર રિહાન વાડ્રા પણ હતો રિહાને પ્રથમ વખત મતદાન કર્યું.

સાઉથ એક્સટેંશન પાર્ટ 2ના એક બુથ પર મતદાન કરવા પહોંચ્યા ભાજપના સાંસદ મીનાક્ષી લેખી

સોનિયા ગાંધીએ પુત્રી પ્રિયંકા ગાધી સાથે મતદાન કર્યું.

કોંગ્રેસનાં ચાંદની ચોકના ઉમેદવાર અલકા લાંબા બૂથ નંબર 126 પર મતદાન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન આપના કાર્યકર્તાઓ પણ હાજર હતા. ત્યારે કોંગી ઉમેદવાર અલકા લાંબાએ આપના કાર્યકર્તાને થપ્પડ મારી હતી.

ચૂંટણી કમિશ્નર સુશીલ ચંદ્રા અને તેમની પત્ની નીલુ ચંદ્રાએ ન્યૂ મોતીબાગ ખાતે મતદાન કર્યું.

વિદેશ પ્રધાન એસ જયશંકરે દિલ્હીના એનડીએમસી સ્કુલ ખાતે મતદાન કર્યું. તેમણે કહ્યું કે મતદાન માટે બધાનું બહાર આવવું જરૂરી છે.

બીજેપીની વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ પુત્રી પ્રતિભા અડવાણી સાથે ઔરંગજેબ લેન ખાતે મતદાન કર્યું.

મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ નિર્માણ ભવન ખાતે મતદાન કર્યું.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ચાર વાગ્યા સુધી 42 ટકા મતદાનઃ શાહીનબાગમાં પોલીસ ફ્લેગ માર્ચ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં લોકો મતદાન મથકોએ સવારથી મત આપવા આવી રહ્યા છે. દિલ્હીમાં 1.47 કરોડ લોકો મત આપવાનો મતાધિકાર ધરાવે છે, જેમાં 2.08 લાખ યુવાન પ્રથમ વાર તેમના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. સત્તાધારી આપ પક્ષે  દિલ્હીમાં પુનરાગમન કરવાનો વિશ્વાસ દર્શાવ્યો હતો. સામે પક્ષે ભાજપ દિલ્હીમાં 20 વર્ષ બાદ પક્ષનો મુખ્ય પ્રધાન આવવાનો દાવો કર્ઓ છે. કોંગ્રેસે 15 વર્ષ દિલ્હીમાં સત્તાનાં સૂત્રો સંભાળ્યાં છે. કોંગ્રેસ પણ તેના મતની ટકાવારી વધવાની આશા રાખે છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં બપોરે એક વાગ્યા સુધી આશરે 42.29 ટકા મતદાન થયું હતું.

દિલ્હીમાં શાહીનબાગમાંથી ઘણી મોટી સંખ્યામાં મતદારો તેમના મતધિકારનો ઉપયોગ કરવા નીકળ્યા હતા.જોકે દિલ્હી પોલીસે સીએસએનો વિરોધ કરી રહેલા શાહીન બાગ અને જામિયા યુનિવર્સિટીમાં ફ્લેગમાર્ચ યોજી હતી. અહીં ઘણી મોટી સંખ્યામાં મતદારો મત આપવા લાઇનમાં ઊભા હતા.દિલ્હી ચૂંટણીમાં લાલ કૃષ્ણ અડવાની, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ સહિતના અનેક મહાનુભાવોએ મતદાન કર્યું હતું.

 

પુષ્કળ આવક છતાં ડુંગળીની કિંમત હજી પણ ઊંચી

અમદાવાદઃદેશભરનાં બજારોમાં ડુંગળીની કિંમતો આસમાને પહોંચી હતી. ડુંગળીની કિંમતો એટલી બધી વધી ગઈ હતી કે ચોરે કીમતી ચીજવસ્તુઓ ચોરવાને બદલે ડુંગળીની ટ્રકોની ચોરી કરી હોવાના કિસ્સા પણ દેશમાં બન્યા હતા. વળી, વોટ્સએપ પર ડુંગળી કબાટમાં કીમતી જણસની જેમ લોકરમાં મૂકી હોવાના વિડિયો પણ વાઇરલ થયા હતા, પણ હાલ ડુંગળીની જથ્થાબંધ આવકો પર્યાપ્ત છે છતાં છૂટક બજારમાં ડુંગળીની કિંમતો ઘટવાનું નામ નથી લેતી.

બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાવે એવો ઘાટ છે હાલ. દિલ્હીની આઝાદપુર મંડીમાં દરરોજ ગુજરાત અને મહારાષ્ટ્રથી આશરે 50 ટ્રકની ડુંગળીની આવક છે. એટલે કે 20 ટન ડુંગળી રોજ મંડીમાં આવી રહી છે, છતાં છૂટકમાં ડુંગળીની કિંમતો પ્રમાણમાં હજી વધુ છે. જોકે આમાં વર મરો, કન્યા મરો, પણ કન્યાનું તરભાણું ભરો એવો ઘાટ છે. એટલે કે ખેડૂતોને તેમની ઊપજના ઓછા ભાવ ઊપજે છે, જ્યારે ગાહકને છૂટકમાં ડુંગળી ઊંચા ભાવે મળે છે… એટલે વચેટિયાઓ (વેપારીઓ) બે વચ્ચેની મલાઈ હડપ કરી જાય છે. એટલે સરકારે ભાવ અંકુશમાં રહે એવી પદ્ધતિ વિકસાવવી જોઈએ.

મંડીઓમાં જે ડુંગળીની કિંમતો રૂ. 15થી રૂ. 25 ચાલી રહ્યા છે, ત્યારે છૂટક બજારમાં એ ડુંગળી કિલોદીઠ રૂ. 40-60 વેચાય છે. સામાન્ય રીતે વેપારી ટ્રાન્સપોર્ટેશન, સ્ટોરેજ વગેરેનો ખર્ચ જોતાં રૂ. 15નું માર્જિન રાખે છે, પણ 100 ટકા માર્જિન મધ્યમ વર્ગનાં ખિસ્સાં પર સીધી અસર કરે છે. જોકે કેટલાય વેપારીઓ આનું સાચું કારણ નથી જણાવી રહ્યા.

નાસિકમાં જથ્થાબંધ કિંમતોમાં ભારે ઘટાડો

દિલ્હીમાં સૌથી વધુ ડુંગળીની આવક નાસિકથી થાય છે. પાછલાં કેટલાંક સપ્તાહથી ડુંગળીની સરેરાશ જથ્થાબંધ કિંમતોમાં ભારે ઘટાડો થયો છે. શુક્રવારે એક ક્વિન્ટલ ડુંગળીની કિંમતો રૂ. 1600 હતી, જે 31 જાન્યુઆરી, 2019એ રૂ. 2600 હતી. 18 ડિસેમ્બરે લાસલગાંવ મંડીમાં સરેરાશ ડુંગળીની કિંમતો ઓલટાઇમ હાઇ એટલે કે રૂ. 8,625 હતી. આ હિસાબે ડુંગળીની કિંમતોમાં 81 ટકાનો ઘટાડો નોંધાયો છે.

20 જાન્યુઆરીએ એક ક્વિન્ટલ ડુંગળીનો જથ્થાબંધ ભાવ રૂ. 4,100 હતો. એટલે કે એ દિવસે જ 64 ટકાનો ઘટાડો થયો હતો, પણ રિટેલમાં ડુંગળી એટલી સસ્તી નહોતી થઈ. 15 ડિસેમ્બર અને 15 જાન્યુઆરી સુધી ડુંગળીની જથ્થાબંધ કિંમતો રૂ. 100થી રૂ. 60ની વચ્ચે હતા.

બજારના નિષ્ણાતો જણાવ્યા પ્રમાણે જથ્થાબંધ અને રિટેલમાં મોટું અંતર છે. ડુંગળીની આવકો ઓછી નથી, પણ રિટેલમાં કિંમતો ઘણી વધારે છે. અમદાવાદમાં પણ ડુંગળીની કિંમતો કિલાદીઠ રૂ. 40-60 જેટલી છે.

આમ ડુંગળીની આવકો વધુ છે, પણ હંમેશની જેમ દેશમાં જેતે ચીજવસ્તુની વધેલી કિંમતો એક વાર વધ્યા પછી ફરી ઘટે ક્યાં છે?

દિલ્હીઃમતદાનના કલાકો પહેલા મહિલા પોલીસ કર્મચારીની હત્યા

નવી દિલ્હીઃ શહેરમાં એક મહિલા પોલીસ કર્મચારીની હત્યા થતા ખભળાટ મચી ગયો છે. દિલ્હીના રોણિહી પૂર્વ મેટ્રો સ્ટેશન નજીક ગત મોડી રાત્રે દિલ્હી પોલીસની જે 26 વર્ષીય મહિલા સબ ઈન્સ્પેક્ટર પ્રીતિ અહલાવતની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી તેને મારવા વાળો 2018 બેચનો સબ ઈન્સ્પેક્ટર દીપાંશુ રાઠી છે. દીપાંશુ પ્રીતિ સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ તેણે ના પાડી હતી.

પ્રીતિની હત્યા બાદ દીપાંશુ રાઠીએ સોનીપતમાં આત્મહત્યા કરી લીધી છે. તેની ગાડી અને મૃતદેહ સોનીપતથી મળી આવ્યો હતો. દીપાંશુ સોનીપતનો રહેવાસી હતી. દિલ્હીની ચૂંટણીમાં વોટિંગના થોડા કલાકો પહેલા મહિલા સબ ઈન્સપેક્ટરની હત્યાની આ ઘટના બની છે. મહિલા પોલીસકર્મી દિલ્હીના પટપડગંજ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતી. તે ડ્યૂટી બાદ જ્યારે રોહિણીમાં પોતાના ઘરે પાછી આવી રહી હતી ત્યારે રોહિણી પૂર્વ મેટ્રો સ્ટેશન પાસે તેની હત્યા કરી દેવામાં આવી.

પ્રાપ્ત વિગતો અનુસાર, શુક્રવારે રાત્રે આશરે 9:30 વાગ્યે 26 વર્ષની પ્રીતિ અહલાવત ડ્યૂટી બાદ મેટ્રોથી રોહિણી પૂર્વ મેટ્રો સ્ટેશન પર ઉતરી અને ચાલતી ઘર તરફ જઈ રહી હતી. આશરે 50 મીટર ચાલ્યા બાદ તે વ્યક્તિ આવ્યો અને તેણે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું. એક ગોળી પ્રીતિના માથામાં વાગી અને તેનું સ્થળ પર જ મોત થયું. ઘટનાની જાણ થતા જ પોલીસ ત્યાં પહોંચી અને મહિલા પોલીસ કર્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. પોલીસે બાજુમાં લાગેલા સીસીટીવી કેમેરામાંથી ફુટેજ જપ્ત કર્યા છે. પોલીસનું કહેવું છે કે, તમામ રીતે આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

કેજરીવાલની બેઠક પર દેશની નજર

નવી દિલ્હીઃ છેલ્લા 20 વર્ષ કરતા પણ વધારે સમયથી VIP સીટ રહેલી નવી દિલ્હી વિધાનસભાના ચૂંટણી પરિણામો પર માત્ર દિલ્હી જ નહી પરંતુ આખા દેશની નજર રહેશે. કારણ કે આ સીટ પરથી આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ ચૂંટણી મેદાને છે. જો આ સીટ પર અરવિંદ કેજરીવાલે ત્રીજી વાર પણ જીત મેળવી લીધો તો, તેઓ શીલા દીક્ષિતનો રેકોર્ડ તોડી નાંખશે. શીલા દીક્ષીત સતત આ સીટ પરથી ત્રણવાર જીતી છે. અરવિંદ કેજરીવાલ 2013 અને 2015 માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં નવી દિલ્હી સીટ પરથી જીત મેળવી ચૂક્યા છે.  

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2013 માં અરવિંદ કેજરીવાલે રાજનૈતિક જીવનની પ્રથમ ચૂંટણી આ સીટ પરથી લડતા 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહેલા શીલા દીક્ષિતને મોટા અંતરથી હરાવ્યા હતા. બાદમાં દિલ્હી વિધાનસભા ચૂંટણી 2015 માં અરવિંદ કેજરીવાલે ભાજપના નૂપુર શર્માને પણ ખાસ્સા વોટથી હરાવ્યા હતા. બાદમાં આ સીટ અરવિંદ કેજરીવાલની માનવામાં આવે છે. આ વિધાનસભા વિસ્તારમાં મોટાભાગના સરકારી કર્મચારીઓ રહે છે.

આ વખતે અરવિંદ કેજરીવાલ સામે ભાજપમાંથી સુનીલ યાદવ અને કોંગ્રેસમાંથી રમેશ સભરવાલ ઉમેદવાર છે. બંન્ને પોતાના જોરદાર પ્રચાર દ્વારા કેજરીવાલ સામે પડકાર ફેંકી રહ્યા છે, એક બાજુ આમ આદમી પાર્ટી આશ્વસ્ત છે કે કેજરીવાલ જીતશે, તો ભાજપના ઉમેદવાર સુનીલ યાદવ અને કોંગ્રેસના રમેશ સભરવાલનું કહેવું છે કે અમે જીતીશું. આજે મતદાન બાદ 11 ફેબ્રુઆરીના રોજ પરિણામો આવશે, ત્યારે આવામાં કોઈપણ પાર્ટીના ઉમેદવાર જીતે પરંતુ એ વાત તો ચોક્કસ છે આ પરિણામ પર સહુકોઈની નજર રહેશે.

મહત્વનું છે કે, નવી દિલ્હી વિધાનસભા સીટ બે દશક કરતા પણ વધારે સમયથી વીવીઆઈપી સીટ છે. વર્ષ 2008 માં નવી દિલ્હી સીટ અસ્તિત્વમાં આવી હતી.

અનિલ અંબાણીએ કોર્ટને કહ્યું, હું કંગાળ છું, બધું બરબાદ થઈ ગયું

લંડનઃ ક્યારેક વિશ્વભરના અબજોપતિઓની યાદીમાં છઠ્ઠું સ્થાન મેળવનારા માલેતુજાર અનિલ અંબાણી આજે કંગાળ થઈ ગયા છે. તેમણે બ્રિટનની એક કોર્ટને કહ્યું છે કે તેમની નેટવર્થ ઝીરો છે અને તેઓ નાદાર થઈ ચૂક્યા છે. ચીનની બેન્કોએ 68 કરોડ ડોલર (રૂ. 4,760 કરોડ)ના દેવાંના કેસની સુનાવણી દરમ્યાન અનિલ અંબાણીના વકીલે કહ્યું કે એક સમય હતો, જ્યારે તેઓ અબજોપતિ બિઝનેસમેન હતા, પણ ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં મચેલી અફરાતફરી પછી બધું બરબાદ થઈ ગયું છે અને તેઓ હવે શ્રીમંત નથી રહ્યા.

ત્રણ બેન્કોએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સને 925.20 મિલિયન ડોલર (આશરે રૂ. 6,475 કરોડ)ની લોન આપી હતી. તે સમયે અનિલ અંબાણીએ કહ્યું હતું કે તેઓ આ લોનની પર્સનલ ગેરન્ટી આપે છે,પણ ફેબ્રુઆરી, 2017 પછી કંપની લોન ચૂકવવામાં એ નાદાર થઈ ગઈ.

કારોની લાઇન છે, પ્રાઇવેટ જેટ છે, પણ

કોર્ટમાં બેન્કોના વકીલોએ કહ્યું હતું કે અંબાણીની પાસે 11 અથવા એનાથી પણ વધુ લક્ઝરી કારો, એક પ્રાઇવેટ જેટ, એક યાટ અને દક્ષિણ મુંબઈમાં એક વિશિષ્ટ સીવિન્ડ પેન્ટ હાઉસ છે. જજ વાક્સમેને સવાલ કર્યો કે અંબાણી એ વાત પર ભાર આપી રહ્યા છે કે તેઓ વ્યક્તિગતરૂપે નાદાર થઈ ચૂક્યા છે. શું તેમણે ભારતમાં નાદારી માટે અરજી આપી છે. અંબાણીના વકીલોની ટીમમે સામેલ દેશના અગ્રણી વકીલ હરીશ સાલ્વેએ આનો જવાબ નામાં આપ્યો હતો. ત્યાર બાદ કોર્ટમાં ભારતની ઇનસોલવન્સી અને બેન્કરપ્સી કાયદા (આઇબીસી)નો ઉલ્લેખ કર્યો હતો. વકીલે કહ્યું હતું કે બધું મળીને તેમની સ્થિતિ એવી છે કે અંબાણીની 70 કરોડ ડોલર ચૂકવવાની સ્થિતિમાં નથી.

સંકટમાં પરિવાર મદદ નહીં કરે?

બેન્કોના વકીલોએ આવાં કેટલાંય ઉદાહરણ આપતાં કહ્યું હતું કે તેમના પરિવારના સભ્યો તેમને સંકટમાંથી બહાર નીકળવામાં મદદ કરી છે. બચાવ પક્ષના વકીલોએ એ સમજાવવાના પ્રયાસો કર્યા હતા કે અંબાણી પાસે તેમની માતા કોકિલા, પત્ની ટીના અંબાણી અને પુત્રો અણમોલ અને અંશુલની સંપત્તિઓ અને શેરો તેમના સુધી નથી પહોંચ્યા. આના પર વકીલોએ કહ્યું કે અમે ગંભીરતાથી માનીએ કે સંકટ સમયે તેમની માતા, પત્ની અને પત્ની તેમની મદદ નહીં કરે.

ભાઈ મુકેશ અંબાણી એશિયાના સૌથી વધુ શ્રીમંત

બેન્કોના વકીલોએ કોર્ટને એ પણ જણાવ્યું હતું કે અનિલ અંબાણીના ભાઈ મુકેશ અંબાણી એશિયાના સૌથી વધુ શ્રીમંત વ્યક્તિ છે. તેઓ ફોર્બ્સની અબજોપતિઓની યાદીમાં વિશ્વના 13મા શ્રીમંત વ્યક્તિ છએ. તેમની નેટવર્થ આશરે 55થી 57 અબજ ડોલર છે.

મૂડીરોકાણની ક્ષમતા ખતમ

અંબાણીના વકીલ રોબર્ટ હોવેએ કહ્યું હતું કે અંબાણીની મૂડીરોકાણની વેલ્યુ વર્ષ 2012 પછી પૂરી થઈ ગઈ હતી.ભારત સરકારની સ્પેક્ટ્રમ આપની નીતિમાં પરિવર્તનને કારણે ભારતીય ટેલિકોમ સેક્ટર પર પ્રતિકૂળ અસર પડી હતી. વર્ષ 2012માં અબાણીના રોકાણની કિંમત સાત અબજ ડોલરથી વધુ હતી, પણ હવે એ 8.9 કરોડ ડોલર (રૂ. 623 કરોડ) છે. આમ હવે તેમનાં દેવાં પર વિચાર કરીએ તો તેમની સંપત્તિ ઝીરો થઈ જાય છે.

રૂ. 93,000 કરોડનું દેવું

અનિલ અંબાણી રિલાયન્સ કોમ્યુનિકેસન્સના ચેરમેન છે અને તેમનું ગ્રુપ પાછલા કેટલાક સમયથી મુશ્કેલીના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. બ્લુમબર્ગના અહેવાલ મુજબ સપ્ટેમ્બર સુધી ગ્રુપ પર 13.2 અબજ ડોલર (આશરે 93,000 કરોડ)નાં દેવાં છે.

એરિકશનના મામલે મુકેશે મદદ કરી

એરિક્શનને આરકોમે રૂ. 550 કરોડનું દેવું ચૂકવવાનું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ પર અનિલ અંબાણી દેવું ચૂકવવા તૈયાર થયા ત્યારે મુકેશ અંબાણીએ તેમને મદદ કરી હતી.

દિલ્હીની વિધાનસભા ચૂંટણીઃ 11 વાગ્યા સુધીમાં 6.96 ટકા જેટલું મતદાન

નવી દિલ્હીઃ દિલ્હીની તમામ 70 સીટો માટે આજે સવારે 8 કલાકથી મતદાન શરૂ થઈ ગયું છે. આ ચૂંટણીમાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ મુખ્ય રૂપે મેદાનમાં છે. આ ચૂંટણીમાં કુલ 672 ઉમેદવાર પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે. દિલ્હીના 1,47,86,382 મતદાતા આજે નક્કી કરશે કે દિલ્હીની સત્તા કોને મળશે. ચૂંટણીનું પરિણામ 11 ફેબ્રુઆરીએ આવશે. તો મતદાન સાંજે 6 કલાકે સમાપ્ત થશે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન ચાલી રહ્યું છે ત્યારે પ્રાપ્ત આંકડા પ્રમાણે સવારે 11 કલાક સુધીમાં માત્ર 6.96 ટકા મતદાન થયું છે.

દિલ્હી વિધાનસભા માટે મતદાન ચાલી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ દિલ્હીમાં પોત-પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. સોનિયા ગાંધીએ નિર્માણ ભવન બૂથમાં મતદાન કર્યું. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, પોતાના અધિકારને સ્પષ્ટ કરો અને મતદાન કરો.

દિલ્હી: વિદેશ મંત્રી એસ.જયશંકરે તુગલક ક્રિસેંટની એનડીએસી સ્કૂલ ઓફ સાયન્સ અને હ્યુમેનિટીઝમાં વોટિંગ કર્યું. કહ્યું – નાગરિકની આ મૂળ જવાબદારી છે કે વોટ આપે. બહાર નીકળીને વોટ આપવો મહત્વપૂર્ણ છે.

દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે પોતાની પત્ની સાથે વોટિંગ કર્યું

View image on Twitter

ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું અને જણાવ્યું કે, હું દિલ્હીની જનતાને અપીલ કરું છું છે, અસત્ય અને વોટબેંકની રાજનીતિથી દિલ્હીને મુક્ત કરવા માટે મતદાન જરુર કરે.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાનનો દિવસ છે. તમામ મતદાતાઓને મારી અપીલ છે કે, તેઓ વધારેમાં વધારે સંખ્યામાં લોકતંત્રના આ મહોત્સવમાં ભાગ લે અને વોટિંગનો નવો રેકોર્ડ બનાવે.

વાહ ભાઈ વાહ! ૮ ફેબ્રુઆરી, ૨૦૨૦

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાનનો આરંભઃ 1.47 કરોડ મતદારો છે

નવી દિલ્હી – દેશના હાર્દ સમા દિલ્હી રાજ્યમાં નવી વિધાનસભાની ચૂંટણી માટે આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. સવારે આરંભથી જ લોકોમાં મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક મતદાન કેન્દ્રો ખાતે મતદારોની લાંબી લાઈન જોવા મળી હતી. મતગણતરી અને પરિણામની જાહેરાત માટે 11 ફેબ્રુઆરીનો દિવસ નક્કી કરાયો છે.

મતદાન માટે 2688 મતદાન સ્થળો પર 13,750 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. મતદાન માટે 20,385 ઈવીએમ મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ વખતની ચૂંટણી માટે 1 કરોડ 47 લાખ મતદારો નોંધાયા છે. આમાં 80,55,686 પુરુષ મતદારો છે અને 66,35,635 મહિલા મતદારો છે. 815 મતદારો તૃતિય પંથીનાં લોકો છે.

70 બેઠકોની વિધાનસભા ચૂંટણી માટે કુલ 672 ઉમેદવારો ચૂંટણીજંગમાં ઉતર્યાં છે.

ત્રણ મતવિસ્તારોમાં મતદાન કેન્દ્રો ખાતે બે ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે, કારણ કે ત્યાં 15થી વધારે ઉમેદવારો મેદાનમાં ઉતર્યાં છે.

દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ એમના પ્રધાનમંડળના સાથીઓ – નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયા, ગોપાલ રાય, સત્યેન્દ્ર જૈન, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન અને રાજેન્દ્ર પાલ ગૌતમની સાથે ચૂંટણીમાં ઉતર્યા છે. આ ઉપરાંત વિધાનસભાના સ્પીકર રામનિવાસ ગોયલ અને નાયબ સ્પીકર રાખી બિરલા પણ ચૂંટણી લડી રહ્યાં છે.

દિલ્હીમાં 2014ની ચૂંટણીમાં ઝળહળતો વિજય મેળવીને આમ આદમી પાર્ટીએ સત્તા મેળવી હતી અને કેજરીવાલ મુખ્ય પ્રધાન બન્યા હતા. હવે AAP ફરી જીત હાંસલ કરવા કૃતનિશ્ચયી છે અને કેજરીવાલ પોતાની સત્તા જાળવી રાખવાનો ભરોસો ધરાવે છે.

કોંગ્રેસનાં દિલ્હીના ભૂતપૂર્વ પ્રધાન ડો. એ.કે. વાલિયા, ડો. નરેન્દ્ર નાથ, અરવિંદર સિંહ લવલી, હારુન યુસુફ, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન કૃષ્ણા તીરથ, ભૂતપૂર્વ સંસદસભ્ય પરવેઝ હાશમી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સુભાષ ચોપરાનાં પુત્રી શિવાની ચોપરા, પ્રચાર સમિતિના વડા કીર્તિ આઝાદના પત્ની પૂનમ આઝાદ પણ ચૂંટણી લડી રહ્યાં છે.

ભારતીય જનતા પાર્ટી તરફથી વિધાનસભા પક્ષમાં વિપક્ષી નેતા વિજેન્દ્ર ગુપ્તા, રાષ્ટ્રીય સચિવ આર.પી. સિંહ, પ્રદેશ ઉપપ્રમુખ અને ભૂતપૂર્વ વિધાનસભ્ય મોહન સિંહ બિષ્ટ, પ્રદેશ મહામંત્રી રવિન્દ્ર ગુપ્તા, ભૂતપૂર્વ નાયબ મેયર સંજય ગોયલ, પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ સુનીલ યાદવ ચૂંટણીજંગમાં ઉતર્યા છે.

સૌથી વહેલા જઈને મતદાન કરનાર મહાનુભાવોમાં વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરનો સમાવેશ થાય છે, જેમણે દિલ્હીના તુઘલક ક્રેસન્ટ વિસ્તારમાં જઈને મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ એમણે લોકોને અપીલ કરતા કહ્યું હતું કે, દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે કે પોતે મતદાન કરે.

મતદાનને ધ્યાનમાં રાખીને સમગ્ર દિલ્હીમાં સુરક્ષાનો અત્યંત કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

દિલ્હી પોલીસ ઉપરાંત 40 હજાર જેટલા સુરક્ષા જવાનો, હોમગાર્ડના 19 હજાર જવાનો અને સીઆરપીએફની 190 ટૂકડીઓને તહેનાત કરવામાં આવી છે.