Home Blog Page 5007

દિલ્હી એક્ઝિટ પોલ: કેજરીવાલ હેટટ્રિક કરે એવી સંભાવના

નવી દિલ્હીઃ દિલ્હીમાં મતદાન પૂરું થવાની સાથે જ આવેલા એક્ઝિટ પોલમાં સત્તારૂઢ કેજરીવાલ સરકાર ભારે બહુમતી સાથે ફરી સત્તાનાં સૂત્રો સંભાળે એવી સંભાવના છે. મોટા ભાગના એક્ઝિટ પોલમાં આપ પાર્ટીને 40થી 60 બેઠકો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. ભાજપે હજી દિલ્હીમાં સત્તાથી દૂર રહેવું પડે એવી શક્યતા છે. જોકે ચૂંટણી પંચ દિલ્હી ચૂંટણીનાં પરિણામો 11 ફેબ્રુઆરીએ જાહેર કરવાની છે.

એબીપી ન્યૂઝ-સીટ વોટર એક્ઝિટ પોલના જણાવ્યા મુજબ આપને કુલ 70 બેઠકો પૈકી 49થી 63 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે ભાજપ અને એના સાથી પક્ષોને 5-19 બેઠકો મળે એવી ધારણા છે. આ એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષોને 0-4 બેઠકો મળે એવી શક્યતા છે.

ટાઇમ્સ-નાઉ ઇપસોસના એક્ઝિટ પોલ મુજબ આપને કુલ 70માંથી 44 બેઠકો પર જીત હાંસલ થશે, જ્યારે ભાજપને 26 બેઠકો પ્રાપ્ત થશે. કોંગ્રેસ અને અન્ય પક્ષો એક પણ ખાતું નહીં ખોલાવી શકે.

રિપબ્લિક ટીવીના એક્ઝિટ પોલ પ્રમાણે આપને 48-61 બેઠકો, ભાજપને 9-21 અને કોંગ્રેસને 0-1 બેઠક મળવાની સંભાવના દર્શાવવામાં આવી હતી. ટીવી9-સિસરો એક્ઝિટ પોલ અનુસાર આપને 54, ભાજપને 15 અને કોંગ્રેસને એક બેઠક મળવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

જોકે આ એક્ઝિટ પોલ અપેક્ષા મુજબનાં ના આવતાં ભાજપના દિલ્હી એકમના મનોજ તિવારીએ આ અનુમાન ખોટાં ઠરશે એમ જણાવતાં દિલ્હીમાં ભાજપની જ સરકાર બનશે વો દાવે કર્યો હતો. ગૃહપ્રધાન અમિત શાહે વિધાનસભ્યોની બેઠક બોલાવી હતી

વિવિધ એક્ઝિટ પોલનાં તારણો નીચે મુજબ છે.

 

 

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સરેરાશ 55 ટકા મતદાન થયું

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં  સાંજે 6.30 સુધી 55 ટકા મતદાન થયું હતું. દિવસ દરમ્યાન ત્રણ વાગ્યા સુધી મતદાન ધીમું રહ્યા પછી છેલ્લા કલાકોમાં મતદાન વધુ થયું હતું અને સાંજે સાડા છ સુધીમાં મતદાન 54.65 ટકાએ પહોંચ્યું હતું, એમ  ચૂંટણી પંચે જણાવ્યું હતું. દિલ્હીના 11 જિલ્લાઓમાં ખાસ કરીને ઉત્તર-પૂર્વ દિલ્હીમાં 62.75 ટકા મતદાન નોંધાયું હતું. દિવસ દરમ્યાન મતદાન મથકોએ લોકોની લાંબી લાઇનો લાગી હતી.

દિલ્હી વિધાનસભાની 70 બેઠકો છે, જેમાં 672 ઉમેદવારો વચ્ચે ચૂંટણીજંગ હતો. આ ચૂંટણીજંગ ખાસ કરીને આપ પાર્ટી અને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતો.

 

પંજાબના તરનતારનમાં શીખોના નગર કીર્તનમાં ધડાકો 12થી વધુનાં મોત

પંજાબઃ પંજાબના તરનતારન જિલ્લામાં શનિવારે ધાર્મિક જુલૂસ દરમ્યાન ફટાકડાથી થયેલા વિસ્ફોટમાં 12થી વધુ લોકોનાં મોત થયાં હતાં. આ આકસ્મિક ઘટનામાં 20થી વધુ લોકો ગંભીરરૂપે ઘાયલ થયા હોવાની આશંકા છે. આ વિસ્ફોટમાં મૃતકોની સંખ્યામાં વધારો થવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. પંજાબ પોલીસે આ ઘટનાને પુષ્ટિ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે શીખોના નગર કીર્તન દરમ્યાન આ ફટાકડાઓને એક ટ્રેક્ટર-ટ્રોલી પર લઈ જઈ રહ્યા હતા. આ ટ્રેક્ટરમાં તણખાથી વિસ્ફોટ થયો હતો, જેમાં 12થી વધુ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 20 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

આઇજીપી (બોર્ડર) એસપીએસ પરમારે જણાવ્યું હતું કે આ ધાર્મિક જુલૂસ દરમ્યાન લોકો ફટાકડા પણ ફોડી રહ્યા હતા. આવામાં ભારે માત્રામાં ફટાકડા ટ્રેક્ટર ટ્રોલી પણ મૂકવામાં આવ્યા હતા, જેમાં તણખો લાગતાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે ટ્રોલીના ફુરચેફુરચા થયા હતા.

બાઇકસવારને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ રૂ. 42,500નો દંડ ફટકારાયો

ભુવનેશ્વરઃ ઓરિસ્સાના ભદ્રક જિલ્લામાં ન્યુ મોટર વેહિકલ્સ એક્ટ 2019 હેઠળ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ એક સગીર યુવકને તેની મોટરસાઇકલ ચલાવવા બદલ મોટરસાઇકલ માલિકને રૂ. 42,500નો દંડ ફટકારવામાં આવ્યો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. આ સગીર ભદ્રક જિલ્લાના ભડારીપોકરી ના નુઆપોકરી ગામનો રહેવાસી છે. અધિકારીએ કહ્યું હતું કે આ મોટરબાઇકના માલિક વિરુદ્ધ રૂ. 42,500નું ચલણ બહાર પડ્યું હતું. આ સગીર મોટરબાઇકચાલકને સ્થાનિક આરટીઓના અધિકારીઓએ અટકાવ્યો હતો અને વાહનમાલિક વિરુદ્ધ ચલણ ઇસ્યુ કર્યું હતું, એમ સૂત્રોએ કહ્યું હતું.આ સગીર મોટરબાઇક ચાલક ભદ્રક જિલ્લાના ભંડારીપોકરી બ્લોકના નુઆપોકરી ગામનો છે. મોટરબાઇકના માલિકને અપાયેલા ચલણમાં સામાન્ય અપરાધ માટે રૂ. 500નો દંડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વિનાની વ્યક્તિને વાહન ચલાવવાની મંજૂરી આપવા બદલ રૂ. 5000નો દંડ, નો-એન્ટ્રીમાં વાહન ચલાવવા બદલ રૂ. 5000નો દંડ, ટૂ વ્હીલર પર બે કરતાં વધુ વ્યક્તિઓની સવારી કરવા બદલ રૂ. 1000, તેમ જ હેલ્મેટ વગર સવારી કરવા બદલ રૂ. 1000 અને જુવેનાઇલ ગુના હેઠળ રૂ. 25,000 સહિતનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે રાજ્યના ટ્રાફિક સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે ડ્રાઇવિંગ લાઇસન્સ વગરના સગીર યુવકના માતાપિતાએ-વાહનમ માલિકે રૂ. 25,000નો દંડ તો ભરવો ડ પડશે. વધુમાં આ સગીર યુવકને 25 વર્ષ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નહીં મળે.

ભારતની અર્થવ્યવસ્થા આઈસીયૂમાંઃ પી. ચિદમ્બરમ

હૈદરાબાદઃ પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે મોદી સરકાર પર અર્થવ્યવસ્થાને લઈને નિશાન સાધ્યું છે. હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા સમયે ચિદમ્બરમે કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થા આઈસીયૂમાં છે. આ સરકાર ગરીબ વિરોધી સરકાર છે. નોટબંધી ઐતિહાસિક ભૂલ હતી. આના કારણે નોકરીઓમાં ઘટાડો થયો છે. નાના અને મધ્યમ ઉદ્યોગો બરબાદ થઈ ગયા છે.

ચિદમ્બરમે કહ્યું કે, નોટબંધીના કારણે રોજગાર ખતમ થઈ ગયા છે. નોકરીઓ જતી રહી છે, ઉદ્યોગો બરબાદ થઈ ગયા છે. માઈક્રો મીડિયમ ઈન્ડસ્ટ્રી પણ બરબાદ થઈ ગઈ છે. આ સરકારની બીજી સૌથી મોટી ભૂલ જીએસટી હતી. સિંગલ ટેક્સનો વિચાર ખૂબ સારો છે. પરંતુ જીએસટી સિંગલ ટેક્સ નથી. આના માટે અપનાવવામાં આવેલી પદ્ધતી યોગ્ય નથી.

આ સૌથી મોટી ગરીબ વિરોધી સરકાર છે. અત્યારે ફેક્ટરી માત્ર 70 ટકા કામ કરી શકે છે. પ્લાન્ટ લોડ ફેક્ટર માત્ર 45 ટકા છે. ચિદમ્બરમે કહ્યું કે, એવા કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી, કે જેનાથી ખ્યાલ આવી શકે કે અર્થવ્યવસ્થા સુધરી રહી છે. ચિદમ્બરમે પ્રશ્ન કર્યો કે, શા માટે નાણામંત્રી અર્થવ્યવસ્થાની ખરાબ સ્થિતિ પર એક શબ્દ નથી બોલી રહ્યા. ફોરેન રિઝર્વ સતત નીચે આવી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ શાં માટે આ તથ્યને સ્વિકારવાનો ઈનકાર કરી રહી છે.

પાકિસ્તાને એલઓસી પર અંધાધૂંધ ગોળીબાર કર્યોઃ ભારતે આપ્યો વળતો જવાબ

નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાન સીમા પારથી સતત ફાયરિંગ કરી રહ્યું છે. પાકિસ્તાને ફરીથી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે અને પૂંછ જિલ્લાના દિઘવાર સેક્ટરમાં એલઓસી પર ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાની આર્મી સરહદ પારથી સતત ફાયરિંગ કરી રહી છે અને મોર્ટાર પણ છોડી રહી છે. ભારતીય સુરક્ષા દળો પણ પાકિસ્તાનના કૃત્યનો જવાબ આપી રહ્યા છે. આ પહેલા કુપવાડાના તંગધાર સેક્ટરમાં ગત 4 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં એક નાગરિકનું મોત થયું હતું અને ચાર લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાને કાશ્મીરમાં એલઓસીની નજીક ભારતીય સુરક્ષા ચોકીઓ અને ગામો પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો અને મોર્ટાર છોડ્યા હતા.

જૈશ-એ-મહોમ્મદના ત્રણ આતંકીઓને જમ્મૂ-કાશ્મીર પોલીસે ગઈકાલે પકડ્યા હતા. ત્રણેય આતંકીઓ શ્રીનગર ગ્રેનેડ એટેક સાથે જોડાયેલા હતા. શ્રીનગર પોલીસ દ્વારા પકડાયેલા આતંકવાદીઓની ઓળખ નાવેદ ઉલ લતીફ પાદરુ, શકીલ અહમદ પાદરુ અને શમશાદ મંજૂર તરીકે થઈ હતી. પોલીસ રેકોર્ડ અનુસાર, ત્રણેયનો જૈશ સાથે સંબંધ છે અને પ્રતાપ પાર્કમાં થયેલા ગ્રેનેડ હુમલામાં જોડાયેલા હતા.

ચીનનો આર્થિક ગ્રોથ ઘટવાનું અનુમાનઃ વૈશ્વિક અર્થતંત્રો પર પણ આંશિક અસર

નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધી ચીનમાં કોરોના વાઇરસથી 700થી વધુ લોકોનાં મોત થયાં છે તો બીજી બાજુ વૈશ્વિક સ્તરે 34,000 લોકોથી વધુ આ રોગના ભરડામાં છે. વુહાનની સાથે ચીનનાં અનેક શહેરોમાં જનજીવન ઠપ થઈ ગયું છે. કોરોના વાઇરસને કારણે ઓદ્યૌગિક કામકાજ ધીમાં થઈ ગયાં છે. જેનાથી વેપાર-ધંધા ધીમા પડ્યા છે. વૈશ્વિક વેપારમાં પણ ચીન વિશ્વના બીજા ક્રમાંકનું અર્થતંત્ર ધરાવતું રાષ્ટ્ર છે. જેથી વૈશ્વિક જીડીપી પણ 0.20-0.30 ટકા ઘટવાનું અનુમાન છે.

ઓસ્ટ્રેલિયન થિંક ટેન્કે એક સંશોધન પેપરમાં જણાવ્યું હતું કે કોરોના વાઇરસને કારણે વૈશ્વિક અર્થંતંત્રો પર બહુ જલદી અસર દેખાશે. ક્રૂડ ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમતો 20 ટકા ઘટી છે. વૈશ્વિક બજારોમાં ક્રૂડની કિંમતો ચીનની માગ ઘટવાને કારણે 55 ડોલરની અદર જતી રહી હતી. વિશ્વ વેપારમાં ચીનનો દબદબો અમેરિકા કરતાં વધુ છે. વિશ્વના મોટા ભાગના દેશો અમેરિકાની તુલનાએ ચીન સાથે વધુ વેપાર કરે છે.

રેટિંગ એજન્સી એએન્ડ પીએ ચીનનો ગ્રોથ રેટનું અનુમાન 5.7થી ઘટાડીને પાંચ ટકા કર્યો છે. જોકે એ 2021માં ફરી વધીને 6.4 ટકા થવાનો અંદાજ મૂક્યો છે.

ચીનમાં પ્રસરેલા કોરોના વાઇરસને કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભારે ઘટાડો

નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાઇરસને લીધે પેટ્રોલ અને ડીઝલની માગમાં ઘટાડો થવાની આશંકાને પગલે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો આવતાં દેશમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત ઘટી રહી છે. દિલ્હી સહિત દેશના વિવિધ શહેરોમાં પેટ્રેલ-ડીઝલની કિંમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દિલ્હીમાં શનિવારે પેટ્રોલ 23 પૈસા સસ્તું થઈને પ્રતિ લિટર રૂ. 72.45 હતું, જ્યારે ડીઝલની કિંમતો પણ 25 પૈસા ઘટી રૂ. 65.43 પ્રતિ લિટર હતી.

મુંબઈમાં પેટ્રોલની કિંમતો 23 પૈસા ઘટીને પ્રતિ લિટરે રૂ. 78.11 થઈ હતી, જ્યારે ડીઝલની કિંમતો 27 પૈસાના ઘટાડા સાથે પ્રતિ લિટર રૂ. 68.57 પૈસા થઈ હતી.

ક્રૂડ ઓઇલની માગ ઘટતાં કિંમતોમાં ઘટાડો

બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમતો પ્રતિ બેરલ 54.47 ડોલર અને ન્યુયોર્ક ક્રૂડ પ્રતિ ડોલરે 50.34 હાજરમાં હતું. બીજી બાજુ ક્રૂડ ઓઇલ ફ્યુચરનના ભાવો 13 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હતા. જેને લીધે ઓપેક અને તેના સહયોગીઓએ ક્રૂડ ઓઇલની માગમાં હજી ઘટાડો થવાને લીધે ઉત્પાદનમાં કાપ મૂકે એવી શક્યતા છે. ચીનકોરોના વાઇરસ સાથે જંગ લડી રહ્યું છે, ત્યારે ક્રૂડની માગમાં આવેલા ઘટાડાને કારણે કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો. આને પરિણામે દેશમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો.

 

દિલ્હીના મતદારો માટે આ કલંક ધોવાનો સમયઃકુમાર વિશ્વાસ

નવી દિલ્હીઃ  દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની વચ્ચે આપ પક્ષના ભૂતપૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસે આપ પાર્ટીને પર કટાક્ષ કર્યો હતો. તેમણે લોકોને સીધી નહીં પણ આડકતરી તરીકે  કેજરીવાલ સરકારની વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે  કેજરીવાલને ટોણો મારતાં કહ્યું હતું કે  આ સમય કલંક ધોવાનો છે.

કુમાર વિશ્વાસે લખ્યું હતું કે ઓ દિલ્હીવાસીઓ આ સમય કલંક ધોવાનો છે. તેમણે ટ્વીટ કરતાં લખ્યું હતું કે મતના અધિકારથી સમાજ, દેશ, આશાઓ, સેના, મિત્રતા અને વિશ્વાસની હત્યા કરવાવાને ધ્વસ્ત કરવાનો સમય આવી ગયો છએ. તેમણે લોકોને મતદાનની હાકલ કરતાં કહ્યું હતું કે બતાવી દો કે બનાવી શકો છો તો અહંકારી શિશુપાલોને મિટાવી પણ શકો છો. કુમાર વિશ્વાસ ભાજપમાં જોડાવાના અહેવાલ હતા, પણ તેમણે ખુદ આ વાતનું ખંડન કર્યું હતું.

 

રાજ્યસભા: કેમ સદનના રેકોર્ડમાંથી મોદીના ભાષણનો આ શબ્દ હટાવવો પડ્યો?

નવી દિલ્હી: રાજ્યસભામાં આપેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણમાંથી એક શબ્દને રેકોર્ડમાંથી હટાવવામાં આવ્યો છે. હકીકતમાં ગુરુવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધનના આભાર પ્રસ્તાવ પર પીએમ મોદીએ કેટલાક મુદ્દાઓને લઈ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. આ દરમ્યાન વડાપ્રધાને એક એવો શબ્દ કહ્યો જેને સદનની કાર્યવાહીથી હટાવવામાં આવ્યો છે. પીએમ મોદીએ વિપક્ષ પર એનપીઆરને લઈને જૂઠાણું ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. ‘જૂઠ’ શબ્દ અસંસદીય છે. એટલા માટે તેને હટાવવામાં આવ્યો છે.

બજેટ સત્રની શરૂઆતમાં સંસદના બંને સદનોની બેઠકમાં રાષ્ટ્રપતિએ અભિભાષણ આપ્યું હતું. જેના પર ધન્યાવાદ પ્રસ્તાવ દરમ્યાન રાજ્યસભામાં પીએમ મોદીએ આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. જેને રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડૂએ હટાવ્યો છે. રાજ્યસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,”અધ્યક્ષે 6 ફેબ્રુઆરીના રોજ સાંજે 6.20થી સાંજ 6.30 સુધી રાજ્યસભાની કાર્યવાહીનો અમુક ભાગ હટાવી દીધો છે.”

વડાપ્રધાનના ભાષણના શબ્દોને સંસદીય કાર્યવાહીમાંથી હટાવવા દુર્લભ ઘટના છે. 2013મા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના ભાષણના કેટલાક અંશ પણ રાજ્યસભાની કાર્યવાહીમાંથી હટાવવા પડ્યા હતા. વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદના ભાષણમાંથી પણ એક શબ્દને હટાવવામાં આવ્યો છે તેમણે ગુમરાહ શબ્દનો પ્રયોગ કર્યો જે અસંસદીય શ્રેણીમાં આવે છે.