Home Blog Page 5006

ચિત્રકાર રાજા રવિ વર્માનાં જગવિખ્યાત ચિત્રોને નવી કલ્પના સાથે જીવંત કરાયા

જી. વેંકટ રામ નામના જાણીતા ફોટોગ્રાફરે 2020ના વર્ષ માટે પોતાના કેલેન્ડર માટે 19મી સદીના પ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિ વર્માના ખૂબ પ્રચલિત થયેલા પેઈન્ટિંગ્સને પસંદ કર્યા છે. રાજા રવિ વર્માએ દોરેલા ચિત્રોને વેંકટ રામે નવી કલ્પના અને નવા સ્વરૂપ સાથે ફરી જીવંત કર્યા છે. ફોટોશૂટ માટે વેંકટે દક્ષિણ ભારતની ફિલ્મોની 12 જાણીતી અભિનેત્રીઓનાં ચહેરાઓનો ઉપયોગ કર્યો છે.

આ અભિનેત્રીઓમાં શ્રુતિ હાસન, સામંથા રુથ પ્રભુ, ખૂશ્બૂ સુંદર, રામ્યા કૃષ્ણન, લિસી લક્ષ્મી, નાદિયા, લક્ષ્મી માંચુ, પ્રિયદર્શિની ગોવિંદ, ઐશ્વર્યા રાજેશ, શોભના ચંદ્રકુમારનો સમાવેશ થાય છે.

વેંકટ રામે આ કેલેન્ડર જાણીતા ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક મણી રત્નમના પત્ની સુહાસિની સંચાલિત ચેરિટેબલ ટ્રસ્ટ ‘નામ’ માટે તૈયાર કરવામાં આવ્યું છે.

આ છે 12 તસવીરો, જેમાં ડાબી બાજુ છે રાજા રવિ વર્મા રચિત જૂનું ચિત્ર અને જમણી બાજુએ છે નવી અભિનેત્રી સાથે રીક્રિએટ કરાયેલી તસવીર.

ચાંદનીના પ્રકાશમાં રાધાના નવા ચિત્રમાં શ્રુતિ હાસન.

અભિનેત્રી નાદિયા

એક નવા જીવનના પ્રતિક સમાન એક ફળ હાથમાં પકડીને ઊભેલી ગર્ભવતી સ્ત્રી તરીકે સામંથા રુથ પ્રભુ

અભિનેત્રી અને નેતા ખૂશ્બૂ સુંદર

રવિ વર્માનાં પુત્રી મહાપ્રભાનાં ચિત્રમાં ભારતનાટ્યમ નર્તકી શોભના ચંદ્રકુમાર

લિસી લક્ષ્મી

લક્ષ્મી માંચુ બની છે રાણી ચિમનાબાઈ

મહારાણી લક્ષ્મીના રૂપમાં ચામુંડેશ્વરી

શ્રુતિ હાસન

મલયાલી અભિનેત્રી ઐશ્વર્યા રાજેશ

રાજા નળ અને રાણી દમયંતીની વાર્તાવાળી દમયંતી બની છે રામ્યા કૃષ્ણન

પ્રિયદર્શિની ગોવિંદ

રાજા રવિ વર્માનો જન્મ 29 એપ્રિલ, 1848માં કેરળના કિલિમાનૂર નગરમાં થયો હતો. પાંચ વર્ષની જ વયે તેઓ એના ઘરની દીવાલો પર દૈનિક જીવનની ઘટનાઓને ચિત્રિત કરતા હતા. એમના કાકા રાજા રાજ વર્મા કલાકાર હતા અને એમણે ભત્રીજા રાજા રવિની પ્રતિભાને પારખી લીધી હતી અને એને કળાનું પ્રારંભિક શિક્ષણ આપ્યું હતું. 14 વર્ષની વયે રાજા રવિ વર્મા ત્રિવેન્દ્રમ ગયા હતા અને ત્યાં રાજમહેલમાં તૈલ ચિત્રણનું શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ ચિત્રકળામાં વિવિધ પ્રકારે કુશળતા હાંસલ કરી હતી. એમણે યુરોપીયન ચિત્રકળાનો પણ ખૂબ અભ્યાસ કર્યો હતો. રાજા રવિ વર્માનું 58 વર્ષની વયે 1906માં નિધન થયું હતું.

ઉલ્લેખનીય છે કે, વિશ્વની સૌથી મોંઘી સાડી રાજા રવિ વર્માનાં ચિત્રોની નકલથી સુસજ્જિત છે. અત્યંત કિંમતી એવા 12 રત્નો તથા ધાતુઓ જડિત એ સાડીની કિંમત રૂ. 40 લાખ છે અને દુનિયાની સૌથી મોંઘી સાડી તરીકે એને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સામેલ કરવામાં આવી છે.

ટ્રેનની કન્ફર્મ્ડ ટિકિટ નહીં મળે તો ફ્લાઈટથી સફર કરવાનો મોકો મળશે

મુંબઈ – લાંબા અંતરની રેલવે ટિકિટ બુક કરાવતી વખતે બધાયને એ જ ચિંતા સતાવતી હોય છે કે કન્ફર્મ્ડ ટિકિટ મળશે કે નહીં? કન્ફર્મ્ડ સીટ મળે એ માટે લોકો ખૂબ વહેલા, ઘણા તો ત્રણ-ત્રણ મહિના વહેલાથી જ એમનો પ્રવાસ પ્લાન તૈયાર કરે છે અને ટિકિટ પણ બુક કરાવી દેતા હોય છે.

કોઈ એજન્ટની મારફત તત્કાલ ટિકિટ બુક કરાવી શકાય છે, પણ એના માટે વધારે પૈસા ચૂકવવા પડે છે.

હવે લોકોની આ સમસ્યા ટૂંક સમયમાં જ દૂર થાય એમ છે.

મુંબઈની એક સ્ટાર્ટઅપ કંપનીનો દાવો છે કે ટૂંક સમયમાં જ રેલવેની ટિકિટ બુક કરવાની પ્રવાસીઓની સમસ્યા દૂર થઈ શકે છે. આ સ્ટાર્ટઅપે Railofy નામની એક ખાસ એપ્લિકેશન તૈયાર કરી છે.

આ એપની ઓફર છે કે એની મારફત જો તમારી તત્કાલ AC  ટ્રેન ટિકિટ કન્ફર્મ ન થાય તો સ્ટાર્ટઅપ તમને એ જ કિંમતમાં વિમાન પ્રવાસની ટિકિટ ઉપલબ્ધ કરાવી આપશે.

કોઈ ટ્રેન પેસેન્જરે કોઈ રેલવે પોર્ટલ પરથી કોઈ વેઈટલિસ્ટ કે RAC (રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન) ટિકિટ બુક કરાવી હોય તો એણે https://www.railofy.com/ ની વિઝિટ લઈને પોતાની ટિકિટનો પીએનઆર નંબર એન્ટર કરવો. રેલોફાય એના આધારે પ્રવાસીને રીફંડેબલ ટ્રાવેલ ગેરન્ટી ફીનો આંકડો બતાવશે. મતલબ કે પ્રવાસીએ તે ફી અથવા ચાર્જ ભરીને રજિસ્ટર થવાનું રહેશે. પ્રવાસી એ ફી ચૂકવશે કે રેલોફાય એને સફરની ગેરન્ટી આપશે. જો પ્રવાસીના રવાનગીના સમયે ટ્રેનની ટિકિટ કન્ફર્મ્ડ થઈ નહીં હોય તો (રેલવે ટિકિટની રકમનું રીફંડ આપશે), રેલોફાય એના યુઝરને અગાઉ નક્કી કરાયેલ કિંમતે (જે કિંમત ટ્રેનની તત્કાલ ટિકિટની જ હોય છે), એ કિંમત પર એને ફ્લાઈટની ટિકિટ પૂરી પાડશે. બુકિંગ થયા બાદ પણ રેલોફાય યુઝરને ટ્રાવેલ ગેરન્ટી ફી રદ કરવાની છૂટ પણ આપે છે.

હાલ આ એપને માત્ર મુંબઈ શહેર માટે જ શરૂ કરવામાં આવી છે. આ એપ પ્રવાસીઓને રેલવેની તત્કાલ ટિકિટ બુક કરવાની સુવિધા આપે છે. એપ પર પ્રવાસી રૂ. 50થી લઈને રૂ. 500 સુધીની રકમ ચૂકવીને રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ એપનો દાવો છે કે પ્રવાસીઓ આ એપ પર એક વાર રજિસ્ટર થઈ જાય એ પછી એમને તત્કાલ ટિકિટ બુક કરાવવાની સુવિધા મળશે.

સ્ટાર્ટઅપનું કહેવું છે કે તે ટૂંક સમયમાં જ એપને દેશભરમાં ઉપલબ્ધ કરાવશે.

આમ, સ્ટાર્ટઅપ કંપની પ્રવાસીને એની સફર પડતી ન મૂકી ટ્રેનને બદલે વિમાન દ્વારા એના ગંતવ્ય સ્થાને પહોંચવામાં મદદરૂપ થાય છે.

આને એક પ્રકારનો ટ્રાવેલ ઈન્શ્યૂરન્સ કરી શકાય. આ એપની સુવિધાને કારણે રેલવે પ્રવાસીઓને ટિકિટ કાઉન્ટર અને પ્લેટફાર્મ પર લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. સાથોસાથ, એમણે કોઈ એજન્ટને ત્યાં ચક્કર પણ લગાવવા નહીં પડે.

રેલોફાયના સહ-સ્થાપક રિષભ સિંઘવીનું કહેવું છે કે અમારું બિઝનેસ મોડેલ ભારતીય રેલવેના પ્રવાસીની સફરના વીમા જેવું છે. પ્રવાસીઓએ એમની તત્કાલ ટિકિટને અમારી વેબસાઈટ પર કે એપ પર પ્રવાસી દીઠ રૂ. 50થી લઈને રૂ. 500નો ચાર્જ ચૂકવીને રજિસ્ટર કરાવવાની રહેશે. ધારો કે એમની તત્કાલ ટિકિટ કન્ફર્મ્ડ થઈ જાય તો તેઓ ટ્રેન દ્વારા જ એમના ડેસ્ટિનેશન ખાતે જઈ શકે છે, પરંતુ જો ટિકિટ કન્ફર્મ્ડ ન થાય, ટિકિટ વેઈટલિસ્ટેડ અથવા RAC હોય તો એમને રેલવે દ્વારા ટ્રેનની ટિકિટના પૈસાનું રીફંડ મળશે અને તો અમે એમને ફ્લાઈટની ટિકિટ પૂરી પાડીશું અને એમને 24 કલાકની અંદર સફરની ગેરન્ટી આપીશું.

રેલોફાય કંપની કોઈ પ્રવાસીની તત્કાલ ટિકિટ કન્ફર્મ્ડ થઈ ન હોય તો એના બોર્ડિંગ સ્ટેશનથી નિકટના એરપોર્ટ પરથી એને માટે ફ્લાઈટની વ્યવસ્થા કરી આપશે. હાલને તબક્કે રેલોફાયની સુવિધા માત્ર મુંબઈમાંથી AC તત્કાલ ટ્રેન ટિકિટ પર જ ઉપલબ્ધ છે, પરંતુ ટૂંક સમયમાં જ અમે એને ભારતભરમાં વિસ્તારવાના છીએ.

રેલોફાય કંપની તત્કાલ ટિકિટ ધરાવનાર ભારતીય રેલવે પ્રવાસીઓને કેવી રીતે ચાર્જ કરશે? એ સવાલના જવાબમાં સંઘવીએ કહ્યું કે અમારા ચાર્જિસનો આધાર રેલવે પ્રવાસીના વેઈટલિસ્ટ નંબર તથા એના ડેસ્ટિનેશન પર રહેશે.

આમ, જો કોઈ મુંબઈગરાને તાકીદની પરિસ્થિતિમાં ભારતીય રેલવે દ્વારા સફર કરવાની હોય, તો એ આ ટ્રાવેલ ટેક સ્ટાર્ટઅપનો સહારો લઈ શકે છે. કોને ખબર, એમની રેલવે તત્કાલ ટિકિટ કદાચ કોઈ ફ્લાઈટની ટિકિટમાં કન્વર્ટ થઈ જાય.

રેલોફાય સ્ટાર્ટઅપને મુંબઈમાં IIT મુંબઈ, IIM લખનઉ અને ISB (ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ)ના કેટલાક તેજસ્વી યુવાનોએ મળીને બનાવી છે.

ભારતના રનમશીન કોહલીને રોકી દેનાર ફાસ્ટ બોલર ટીમ સાઉધી

ઓકલેન્ડ – ભારતના ક્રિકેટપ્રેમીઓને જબ્બર આંચકા સહન કરવા પડ્યા છે. સતત બે વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ટીમ ઈન્ડિયાનો ન્યૂઝીલેન્ડ સામે પરાજય થયો અને એ સાથે સિરીઝ પણ ગુમાવી દીધી છે. શનિવારે બીજી વન-ડે મેચમાં ભારતનો 22-રનથી પરાજય થયો.

ભારતના આ પરાજયમાં ન્યૂઝીલેન્ડના બે ખેલાડીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો – એક, અનુભવી બેટ્સમેન રોસ ટેલર અને બીજો ફાસ્ટ બોલર ટીમ સાઉધી.

સાઉધીએ ભારતના રનમશીનને ખોટકાવી દીધું. કેપ્ટન વિરાટ કોહલીને એ ફરી આઉટ કરી ગયો. ગઈ કાલની મેચમાં સાઉધીની બોલિંગમાં કોહલી ક્લીન બોલ્ડ થયો હતો અને એ માત્ર 15 રન જ કરી શક્યો હતો. સાઉધીએ કેદાર જાધવ (9)ને પણ આઉટ કર્યો હતો.

કોહલીએ ટોસ જીત્યો હતો અને ન્યૂઝીલેન્ડને પહેલા બેટિંગ આપી હતી. રોસ ટેલરના અણનમ 73 અને ઓપનર માર્ટિન ગપ્ટીલના 79 રનના યોગદાન સાથે ગૃહ ટીમે તેના હિસ્સાની 50 ઓવરમાં 8 વિકેટે 273 રન કર્યા હતા. ભારતીય ટીમ તેના જવાબમાં 48.3 ઓવરમાં 251 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રવિન્દ્ર જાડેજાએ 55, શ્રેયસ ઐયરે 52 અને 9મા નંબરે આવેલા નવદીપ સૈનીએ 45 રન કર્યા હતા, પણ ટોપ ઓર્ડર નિષ્ફળ ગયું હોવાને કારણે ભારતને જીત માટે 22 રન ઓછા પડ્યા હતા. હવે ત્રીજી અને સિરીઝની આખરી મેચ 11 ફેબ્રુઆરીએ માઉન્ટ મોન્ગેનૂઈમાં રમાશે.

ભારત અને કોહલી માટે હવે વ્હાઈટવોશને રોકવો એ જ કામ બાકી રહે છે.

ટીમ સાઉધીએ વન-ડે ક્રિકેટમાં આ છઠ્ઠી વાર કોહલીની વિકેટ ઝડપી હતી. આટલી જ વખત કોહલીને વેસ્ટ ઈન્ડિઝનો ફાસ્ટ બોલર રવિ રામપાલ પણ આઉટ કરી ગયો છે.

શ્રીલંકાના મધ્યમ ઝડપી બોલર થિસારા પરેરા અને ઓસ્ટ્રેલિયાના લેગસ્પિનર એડમ ઝમ્પાએ કોહલીને પાંચ-પાંચ વખત આઉટ કરવામાં સફળતા મેળવી છે.

ક્રિકેટની તમામ ફોર્મેટની દ્રષ્ટિએ સાઉધીએ કોહલીને કુલ 9 વખત આઉટ કર્યો છે. આ પરાક્રમ કરવામાં એ દુનિયાના બધા બોલરો કરતાં મોખરે છે. ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન કોહલીને કુલ 8 વખત, ઈંગ્લેન્ડનો સ્પિનર ગ્રેમ સ્વોન 8 વખત અને દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર મોર્ન મોર્કેલ, ઓસ્ટ્રેલિયાનો સ્પિનર નેથન લિયોન અને એડમ ઝમ્પા કોહલીને 7-7 વખત આઉટ કરી ચૂક્યા છે.

ભારતીય ટીમના હાલના ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં 31 વર્ષીય કેપ્ટન કોહલી અપેક્ષા મુજબનો બેટિંગ દેખાવ કરી શક્યો નથી. આ પ્રવાસમાં અત્યાર સુધીમાં એ સાત મેચ રમ્યો છે, પણ એમાં માત્ર એક જ વાર હાફ સેન્ચુરી ફટકારી શક્યો છે.

હેમિલ્ટનમાંની પહેલી વન-ડે મેચમાં એણે 51 રન કર્યા હતા. એ પહેલાં ઓકલેન્ડમાંની પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં એણે 45 રન કર્યા હતા. એના અન્ય સ્કોર આ પ્રમાણે રહ્યા – 11, 38 અને 11.

સુવિચાર – ૯ ફેબ્રુઆરી, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૯ ફેબ્રુઆરી, ૨૦૨૦

મહિન્દા રાજપક્ષેની ભારત મુલાકાત, ચર્ચા ઓછી, પણ મહત્તવ મોટું

શ્રીલંકામાં ગયા વર્ષે ઇસ્ટર દરમિયાન જુદા જુદા ચર્ચો પર ત્રાસવાદી હુમલો થયો હતો અને અઢીસોથી વધુ લોકો માર્યા ગયા હતા. તે પછી થયેલી ચૂંટણીમાં લંકામાં રાષ્ટ્રવાદનો માહોલ ઊભો થયો હતો અને મહિન્દા રાજપક્ષેને ફરીથી વડા પ્રધાન તરીકે ચૂંટાવાની તક મળી ગઈ હતી. આ વખતનો રાષ્ટ્રવાદ થોડા અલગ અંદાજનો હતો, કેમ કે અગાઉ રાજપક્ષે અને તેમના ભાઈ ગોટાબાયા તમિળ વિભાજનવાદીઓ સામેની લડાઈને કારણે ઊભા થયેલા રાષ્ટ્રવાદને કારણે જીત્યા હતા. પરંતુ તમિળ સમસ્યાના અંત પછી વાસ્તવિકતાઓ સામે આવી ત્યારે રાજપક્સાને હાર પણ મળી હતી અને વિપક્ષમાં બેસવું પડ્યું હતું.

ત્રાસવાદી હુમલા પછી મુસ્લિમ વિરોધી માહોલ ઊભો થયો હતો અને તેનો લાભ મળ્યો. જોકે અહીં પણ મુસ્લિમ વસતિ છે તે મહદ અંશે તમિળ છે તેથી બે મુદ્દાઓ ભેગા થઈ ગયા હતા. બંને ભાઈઓ ફરીથી જીત્યા અને ગોટાબાયા પ્રમુખ બન્યા, જ્યારે મહિન્દા વડા પ્રધાન. ફરીથી જીત્યા પછી મહિન્દા રાજપક્ષે શુક્રવારથી ચાર દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે. તેઓ દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ અને વિદેશ પ્રધાન જયશંકર સાથે વાટાઘાટો પછી વારાણસી, બોધગયા અને તીરુપતિ જેવા ધાર્મિક સ્થળોની મુલાકાતે જવાના છે. જોકે દિલ્હીમાં ચૂંટણીનો માહોલ હોવાથી તેમની મુલાકાતની ખાસ નોંધ લેવાઈ નથી.

આમ છતાં આ મુલાકાત અગત્યની છે, કેમ કે ભારતના આ પડોશી દેશ સાથેના સંબંધો પણ ચિંતા કરાવે તેવા છે. નેપાળ તો ચીનની સરહદે છે એટલે ત્યાં પ્રભાવ પાથરવા કોશિશ કરે છે, પણ આખો મોટો આંટો મારીને ચીન દરિયા માર્ગે છેક લંકા સુધી પણ પહોંચ્યું છે. મહિન્દા રાજપક્ષેનું વલણ ચીન તરફ રહ્યું છે અને ચીનની મદદથી તેઓ મોટો મોટા પ્રોજેક્ટ્સ પોતાના દેશમાં કરી રહ્યા છે. કોલંબો સિટિ પોર્ટનો મામલો જૂનો છે, જેની નારાજગી ભારતમાં છે. પરંતુ બીજી વાર વડા પ્રધાન બન્યા પછી અને થોડા વખત બાદ ફરી ચૂંટણી આવવાની છે ત્યારે રાજપક્ષેને દક્ષિણ લંકામાં પોતાના મતવિસ્તારમાં અને પોતાના પક્ષનો ટેકેદાર વર્ગ છે ત્યાં મોટી યોજનાઓ માટે ચીનનો સહારો લેવો પડ્યો છે.

ચૂંટણીમાં હાર્યા ત્યારે અકળાઈને મહિન્દા એવું બોલી ગયા હતા કે ભારતને કારણે પોતાને હારવું પડ્યું. તેના કારણે બંને દેશોના સંબંધો બગડ્યા હતા. જોકે ઇસ્ટરના ત્રાસવાદી હુમલા પછી લંકા અને તેના નેતાઓને સમજાયું હતું કે ભારત સાથે તેમને વધારે સારા સંબંધોની જરૂર રહેવાની. તમારી ભૂમિ પર મોટા ત્રાસવાદી હુમલાની તૈયારીઓ થઈ રહી છે તેવી સ્પષ્ટ ચેતવણી ભારતના ગુપ્તચર તંત્રે આપી હતી. ભારતે લગભગ સચોટ માહિતી આપી હતી, પણ કોણ નિર્ણય કરે, સત્તા કોની, રાષ્ટ્રપતિની કે વડા પ્રધાનની કે પછી સંરક્ષણ પ્રધાનની વગેરેમાં મામલો અટવાયો હતો. તેના કારણે 10 દિવસ સુધી ચેતવણી પર કોઈ પગલાં ના લેવાયા અને મોટો ત્રાસવાદી હુમલો થઈ ગયો.
લંકામાં બૌદ્ધ રાષ્ટ્રવાદ પણ પ્રબળ બની રહ્યો છે. બોડુ બાલા સેના બૌદ્ધ ધર્મના માહાત્મ્ય માટે ચળવળ ચલાવે છે. સેનાના વડાએ એવું જાહેરમાં કહેલું કે બૌદ્ધ સાધુઓ સાત હજાર બૌદ્ધ મઠોનો ટેકો મેળવી અને દરેક મઠ દસ દસ હજાર મતો પણ અમુક જ પક્ષને અપાવી શકે તો સિંહાલા સરકાર આવી શકે છે. લગભગ એવું જ થયું હતું અને 49 સિંહાલી બૌદ્ધ નેતાઓ જીત્યા હતા. તેની સામે માત્ર બે તમિલ હિન્દુ જીત્યા અને એક પણ મુસ્લિમ ઉમેદવાર જીતી શક્યો નહોતો.

આ સંજોગોમાં ભારત સંબંધો સુધારવા સાથે તમિળ હિન્દુઓના પ્રશ્નોને પણ ઉઠાવશે તેમ માનવામાં આવે છે. એલટીટીઈને ખતમ કરી નખાયા પછી તમિળ હિન્દુઓની ઉપેક્ષા ના થાય તે પણ જરૂરી છે અને તો જ લંકા ફરીથી બેઠું થઈ શકશે એવો મુદ્દો ભારત ઉપસ્થિત કરી શકશે. લંકામાં 11 ટકા જેટલા તમિળ હિન્દુઓ છે અને તેમનું મતદાન રાજપક્ષે બંધુઓ વિરુદ્ધ રહ્યું હતું તે પરિણામોમાં સ્પષ્ટ દેખાયું હતું. એલટીટીઈ સામેની કાર્યવાહી વખતે મહિન્દા સંરક્ષણ પ્રધાન હતા. દક્ષિણ ભારતમાં તામિલનાડુમાં આ મુદ્દાની અસર થઈ શકે છે. તે સિવાય પણ ભારત ચીનનો પ્રભાવ લંકામાં જેટલો ઓછો થાય તેટલો કરવા માગે છે.

રાણિલ વિક્રમાસિંઘે

વચ્ચે થોડો સમય વડા પ્રધાન તરીકે રાનીલ વિક્રમાસિંઘે આવ્યા હતા. તેમણે ચીન સાથેનો હંબનટોલા પોર્ટ પ્રોજેક્ટ અટકાવ્યો હતો. હંબનટોલામાં 15000 એકર જમીન ચીનને આપવામાં આવી છે, જેથી બારમાસી બંદર તૈયાર થઈ શકે. ભારતે ચિંતા વ્યક્ત કરી છે કે આ વેપારી બંદરનો ઉપયોગ ચીન દ્વારા લશ્કરી રીતે પણ થઈ શકે છે. આ પ્રોજેક્ટ રાજપક્સા ફરી શરૂ કરે તેવી પૂરી શક્યતા છે, પણ તે પહેલાં તેઓ ભારત સાથેના સંબંધોમાં પણ થોડો રાબેતો લાવવાની કોશિશ કરી રહ્યા છે. તે માટે જ તેમણે ચાર દિવસની મુલાકાત યોજી છે.

ચૂંટણીમાં પોતાની હાર માટે તેમણે ભારત અને તેના ગુપ્તચર તંત્રને દોષ આપ્યો તે પછી તેમને કદાચ ભૂલ સમજાઈ પણ હતી. તેથી વિપક્ષમાં હતા ત્યારે પણ તેઓ ત્રણ વાર ભારતની મુલાકાતે આવ્યા હતા. એક વખતની મુલાકાતમાં તેઓ પોતાના ધારાસભ્ય પુત્ર નમલને પણ સાથે લઈને આવ્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ભારતમાં પણ બીજી વાર સત્તામાં આવ્યા પછી મોદી સરકારે લંકા સાથેના સંબંધોને મહત્ત્વન આપવાનું નક્કી કરેલું હોય તેમ લાગે છે. વિદેશ પ્રધાન બનેલા જયશંકર નવેમ્બર 2019માં કોલંબો પહોંચ્યા હતા. ગોટાબાયા રાજપક્ષે પ્રમુખ બન્યા પછી તેમને ભારતની મુલાકાતે આવવા આમંત્રણ અપાયું હતું. તેઓ પ્રમુખ બન્યા પછી પ્રથમ મુલાકાત ચીનની ના કરે, પણ ભારત આવે તે માટે પ્રયાસો કર્યા હતા. તે રીતે નવેમ્બરના અંતમાં તેઓ ત્રણ દિવસ માટે ભારત આવ્યા પણ હતી. એ જ રીતે મહિન્દા રાજપક્ષેની પણ ચાર દિવસની મુલાકાત ગોઠવાઈ છે. બીજી વાર વડા પ્રધાન બન્યા પછી મોદીએ પણ પ્રથમ મુલાકાત લંકાની જ લીધી હતી.

મહિન્દાના ટેકેદારો એવું કહે છે કે તમિળ ઉગ્રવાદીઓ સામેનું યુદ્ધ પૂરું થયું છે તે પછી હવે જંગી પ્રોજેક્ટ્સ દેશમાં શરૂ કરીને વિકાસના કાર્યોને વેગ આપવો જરૂરી છે. તે માટે ચીન જ સૌથી વધુ મદદ કરે છે. પશ્ચિમના દેશોમાંથી મદદ મળે ત્યારે તેની સાથે શરતો જોડાયેલી હોય છે. યોજનાના અમલમાં અમુક પ્રકારની પારદર્શિતાની અપેક્ષા હોય છે, જે લંકા જેવા દેશમાં હજીય મુશ્કેલ છે. બીજી બાજુ ભારત એટલી જંગી સહાય આપી શકે નહિ. જોકે ભારતે શક્ય એટલી આર્થિક સહાયની પણ કોશિશ કરી છે. ગોટાબાયાના પ્રવાસ વખતે ભારતે સુરક્ષા અને ત્રાસવાદ વિરોધી તંત્ર માટે 5 કરોડ ડૉલર આપવાની જાહેરાત કરી હતી. અન્ય વિકાસ કાર્યો માટે 40 કરોડ ડૉલરની જાહેરાત કરી હતી. મહિન્દા રાજપક્સા સાથેની મુલાકાત દરમિયાન કેવા સહયોગની જાહેરાત થાય છે તેના પર પણ સૌની નજર રહેશે.

આ વખતે મોદી કરતાં રાજપક્ષે માટે પણ મુલાકાત વધારે મહત્ત્વની છે. તેમણે પોતાના દેશમાં પોતાની કામગીરી દર્શાવવાની છે. ભારતે ત્રાસવાદી હુમલાની ચેતવણી આપી હતી, પણ સાવચેતી ના રખાઈ તે વાત લંકામાં બહુ ચર્ચાઇ હતી. તેના પરથી નાગરિકોને પણ એટલું સમજાયું કે ચીન તરફથી આર્થિક સહાય મળે તે ઠીક છે, પણ સલામતી ખાતર ભારત સાથે સંબંધો જરૂરી છે. આ પ્રજા મતનો પણ ખ્યાલ રાજપક્સા બંધુઓએ રાખવાનો છે.
શ્રીલંકામાં એપ્રિલ 2020માં ચૂંટણી યોજાવાની છે. ગયા વખતે બૌદ્ધ મઠો તરફથી સમર્થન મળ્યું હતું, તે પ્રકારનું સમર્થન આ વખતે મળશે કે કેમ તે જોવાનું રહે છે. બીજું પ્રમુખની સત્તા વધારે કે વડા પ્રધાનની સત્તા તે મામલો સ્થાનિક રાજકારણમાં મહત્ત્વનો બન્યો હતો, અને તેના કારણે વચ્ચે રાજકીય અસ્થિરતા ઊભી થઈ હતી. તે પછી શ્રીલંકાના બંધારણમાં 19મો સુધારો કરીને વડા પ્રધાનની સત્તા વધારવામાં આવી છે. આમ છતાં બંધારણમાં હજી પણ કેટલાક સુધારા કરવાની ગણતરી રાજપક્સા બંધુઓની છે. તે માટે આગામી ચૂંટણીમાં બે તૃતિયાંશ બહુમતી મળે તે પણ જરૂરી છે.

ભારત સાથેના સંબંધોમાં પોતે નમી જતા નથી તેવું દર્શાવવું પણ રાજપક્ષે બંધુઓ માટે જરૂરી છે. સિંહાલા બૌદ્ધ રાષ્ટ્રવાદ તેમને ગયા વખતે ફળ્યો હતો, તે આ વખતે પણ ફળી શકે છે. પરંતુ ભારત સાથેના સંબંધો બીજી રીતે અગત્યના છે અને તેથી તેની અવગણના પણ ના થાય અને પોતે પ્રેક્ટિકલ બનીને દેશના હિતમાં ભારત સાથે સંબંધો સુધારે છે તેવી છાપ બંને ભાઈઓ ઊભી કરવા માગે છે. બીજું કે ભારતે હાલમાં નાગરિકતા કાયદામાં જે સુધારો કર્યો તેમાં ત્રણ જ દેશોનો ઉલ્લેખ છે. તેમાં શ્રીલંકાનો ઉલ્લેખ કરાયો નહોતો. શ્રીલંકાના તમિળો ભારતમાં આવે ત્યારે તેને નાગરિકતાના નવા કાયદા હેઠળ લાભ મળે નહિ. તેથી આ મુદ્દો શ્રીલંકાના રાજકારણમાં બહુ અગત્યનો બન્યો નથી. તમિળ હિન્દુઓમાં એવી લાગણી હતી ખરી કે તેમનો પણ સમાવેશ કરવાની જરૂર છે, પણ ભૂતકાળમાં લંકન તમિળોને ભારતમાં આશરો મળેલો જ છે. તેથી તે મુદ્દો આ વખતે વચ્ચે આવ્યો નથી.

બંને દેશના વડા પ્રધાનોની મુલાકાતમાં લંકન તમિળોની સમસ્યા અંગે ચર્ચા થશે ખરી, પરંતુ તેના કારણે બેમાંથી એકેય દેશમાં મોટી રાજકીય હલચલ થાય તેમ નથી. તેથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તે મુદ્દો ખટરાગનું કારણ બને તેવું લાગતું નથી. ચીનનો મુદ્દો જ બંને દેશો માટે અગત્યનો છે. ભારત એટલી કાળજી લેવાની કોશિશ કરશે કે ચીનનું મૂડીરોકાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવે ત્યાં સુધી વાંધો નથી, પરંતુ બારમાસી બંદરો વિકસાવવા જેવા પ્રોજેક્ટ માટે ચિંતા કરવી પડે. ભારતની સુરક્ષા અંગેની અને હિન્દ મહાસાગરમાં ચીનની હાજરી મજબૂત ના બને તે માટેની ભારતની ચિંતાને રાજપક્સા બંધુઓએ ધ્યાનમાં લેવી પડે. દિલ્હીની ચૂંટણીમાં બીજા મુદ્દાઓ ખાસ ચર્ચામાં નથી, ત્યારે શ્રીલંકાના વડા પ્રધાનની મુલાકાત ઓછી ચર્ચાસ્પદ રહેશે, પણ તે અગત્યની છે એટલું ખરું.

રાશિ ભવિષ્ય 09/02/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે શાંતિ રાખવી, તમારા શબ્દપ્રયોગ અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું તેમજ ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી થોડું સાચવવું, થોડી આળસવૃતિના કારણે કામના થવાની મનમાં ફરિયાદ રહે તેવું બની શકે છે.


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો જોવા મળી શકે છે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, કોઈ અગત્યની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે અને તેમાં અન્યની મદદકે માર્ગદર્શન તમને સારો ટેકો આપી શકે છે


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમે થોડા ઉત્સાહિત રહો, અગત્યના કામ માટે ક્યાંક વાર્તાલાપકે મિલનમુલાકાતમાં તમારા મનમાં રહેલા કોઈ પ્રશ્નનો કોઈ રસ્તો આપમેળે મળે તેવું બની શકે છે


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, ખોટા વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી,પ્રેસર જેવી તકલીફથી સાચવવું, મનમાંને મનમાં કોઈવાતનો અજંપો રહ્યા કરે અને તેને કારણે તમારા રોજીંદા વ્યવહાર અને વર્તન પર તેની થોડી અસર વર્તાઈ શકે છે, વાદવિવાદથી દુર રહેવું


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થઈ શકે છે, તમારા કામમાં વ્યસ્તતાથી થાક લાગવાની લાગણી અનુભવાય અને આરામકરવાની વૃતિ જાગે, ફરવાકે મુસાફરીમાં ઉત્સાહની સાથે થાક પણ અનુભવો, કોઈ જગ્યાએ કામકાજ અર્થે મિલનમુલાકાત કરવાની હોયતો શાંતિ અને ચોકસાઈ રાખવી યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, મિત્ર અને પરિચિત સાથે કોઈ લાભની વાત કરવાની તક મળી શકે છે, ઘણા વખત થી કોઈ ચીજવસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોવતો તેપણ ફળીભૂત થાય તેવા સંજોગો બની શકે છે, આગળના કોઈ અધૂરાકામ પુરા કરવા માટે પ્રયત્ન કરવાથીતે કામને પણ ગતિ મળી શકે છે


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો ઇચ્છનીય છે, ક્યાંક પડવાકે વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે,  હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવું, ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, પ્રભુભક્તિમાં વધુ ધ્યાન રાખવું યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સારો અને મસ્તીમજાક વાળો કહી શકાય,  તમારી ક્યાંક જૂનીઓળખાણ તાજી થાય અને તમે કરેલા ભૂતકાળના કોઈ કામની કદર થાય, અગત્યના કામની કોઈ વાર્તાલાપકે મિલનમુલાકાત તમારા માટે આજે કરવી યોગ્ય છે જેમાં તમને સારો પ્રતિસાદ મળે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય પરંતુ કોઈ આજના દિવસ માટેનું આયોજન હોયતો તેમાં થોડો વિલંબ થઇ શકે છે પરંતુ કામ સારી રીતે થયાની લાગણી પણ અનુભવાય, ખરીદી કરવા જાવ ત્યારે ધાર્યા કરતા પણ વધુ ખર્ચ થાય તેવું બની શકે છે પરંતુ પસંદગીની ખરીદીનો સંતોષ પણ થાય


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો કહી શકાય, કોઈ મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકામ થવાથી ખુશીની લાગણીનો અનુભવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, તમારા કોઈપણ કામકાજમાં અન્યનો સાથ સહકાર સારો મળી શકે, યુવાવર્ગ માટે ક્યાંક નવીનઓળખાણ પણ થાય.


આજનો દિવસ સામાન્ય છે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાથી થાકની લાગણીનો અનુભવ થાય, કોઈકામ પરાણે કરતા હોવ તેવું લાગ્યા કરે, ખરીદી કરવા પાછળકે કોઈ સામાજિકકાર્ય કરવા પાછળ નાણા અને સમયનો વ્યય થાય, વ્યવહારુ અભિગમ અપનાવો અને શાંતિ જાળવવી ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે, હરવાફરવામાં અને મિલનમુલાકાતમાં દિવસ પસાર થઇ શકે છે. નોકરીઅંગે કોઈ પસંદગીની જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત કરવાની હોય તેમાં તમારા કોઈ અંગત વિશ્વાસુવ્યક્તિની મદદકે માર્ગદર્શન તમને લાભ અપાવે,  ક્યાંક સારી વાત આપલે કરવાની તક પણ મળે તેવા યોગ છે.

મંગળનું રાશિ પરિવર્તન: રાશિ મુજબ કરો આ ઉપાય

ભૂમિ પુત્ર મંગળ. રક્ત વર્ણ પુરુષ જાતિનો ગ્રહ. મંગળ પરાક્રમનો કારક ગ્રહ ગણાય. વળી સુર્ય મંડળમાં તેનું સ્થાન ચોથું છે. ૮ ફેબ્રુઆરીથી આ ગ્રહ ગુરુની રાશિ ધનરાશિમાં ૪૩ દિવસ માટે પરિભ્રમણ કરશે. ગુરુ એ ગુરુતાનો ગ્રહ. જ્ઞાનનો ગ્રહ. ગુમાનનો ગ્રહ. મંગળ જોમ, આવેગ, જુસ્સા અને ગુસ્સાનો ગ્રહ. ધન રાશિમાં મંગળ આવવાથી લોકોની ભ્રમણાઓ ઓછી થાય. અંતર સુજ વધે. શેરબજારને સારાસારા સમાચાર મળે. લોકોની આત્મ શ્રદ્ધા વધે. જેનો પ્રભાવ તેમના વિચારો પર આવે. જો કે અમુક લોકોને તામસીપણું પણ વધે. કારણ વિના ઉગ્રતા થતી જોવા મળે. જેમનો તામસી સ્વભાવ હોય તેમને શાંતિથી સમય પસાર કરવાની સલાહ છે. વિનાકારણ મનમાં બેચેની રહે. હૃદયને તક્લીફ આપે તેવી ઘટનાઓ બનવાથી લાગણીશીલ માણસોને તકલીફ વધે. અચાનક કોઈ ઘટના બની શકે.

વાતાવરણ બદલાયા કરે. વિશ્વાસે ન ચાલવાની સલાહ છે. કોઈ પણ સહી કરતા પહેલા કાગળોનો અભ્યાસ કરવો જરૂરી છે. પૂર્વાર્ધમાં કોઈ સારા સમાચાર આવી શકે. હવે દરેક રાશિને શું કરવાથી લાભ થાય તે પણ સમજીએ.

 

  • મેષ: વડીલોને સન્માન આપવું. કોઈનું મન ન દુભાવવું. ગણેશજી ને ગોળ ધરાવી પ્રસાદ લઇ લેવો.
  • વૃષભ: સવારે વહેલા ઉઠવું. સૂર્યને જળ ચડાવવું. ગુરુ વારે પીળી રાંધેલી વસ્તુનું દાન કરવું.
  • મિથુન: અંગત વ્યક્તિથી વાત છુપાવવી નહિ. પુરતી ઊંઘ લેવી. સવારે મધ લેવું.
  • કર્ક: શિવલિંગ પર યોગ્ય રીતે અભિષેક કરવો. વધારે પાણી પીવું.
  • સિંહ: ગુરુવારે દત્ત બાવની નો પાઠ કરવો. રક્ત વર્ણ ગણેશજીને ગોળ ધરાવી પ્રસાદ લઇ લેવો.
  • કન્યા; ગોળના લાડવા નાના બાળકોને આપવા. શિવ પૂજા કરવી. કુંવારી કન્યાને ભેટ આપવી.
  • તુલા: શિવલિંગ પર દહીંમાં કાળા તલથી અભિષેક કરવો. જ્ઞાની વ્યક્તિને ગમતી વસ્તુ આપવી.
  • વૃશ્ચિક: કોઈ સાફ હૃદયની વ્યક્તિને ગમતી ભેટ આપવી. સત્ય આચરણ કરવું. શિવલિંગ પર પંચામૃતથી અભિષેક કરવો.
  • ધન: પરિવારમાં વડીલ સ્ત્રીના આશીર્વાદ લેવા. કોઈનું મન દુભાવવું નહિ. ગણેશજીને ગોળ ધરાવવો.
  • મકર: કોઈનું મન ન દુભાવવું. સૂર્યને જળ ચડાવવું. વડીલોને સન્માન આપવું.
  • કુંભ: ખોટા વિશ્વાસે ન રહેવું. ગણેશજીને કોરા કંકુથી અભિષેક કરી ગોળનો પ્રસાદ ધરાવવો.
  • મીન: ભૂતકાળમાં જેમણે મદદ કરી હોય તેમનો આભાર માનવો. શિવલિંગ પર ઘી અને મધથી અભિષેક કરવો.

 

નોંધ. અભિષેકમાં વધારે દ્રવ્ય વપરાય તો વધારે લાભ થાય તેવું હોતું નથી. દરેકના કર્મના અને ભાવના આધારે ફળ મળે છે. તેથી જે કઈ કાર્ય કરાય તે સારા ભાવથી નિષ્ઠા પૂર્વક કરવું જરૂરી છે. આ દરમિયાન બ્રાહ્મણને તુલસીનો છોડ પણ આપી શકાય. વૃક્ષો પણ વાવી શકાય.

 

શું તમે જાણો છો ડાયાબિટીસ માટે કેટલી ઉપયોગી છે ડુંગળી?

ભારતમાં ડાયાબિટીસનો રોગ મોટી સમસ્યા બની ગયો છે. ભારતમાં અંદાજે 5 કરોડ 70 લાખ લોકો ડાયાબીટીસની બીમારીથી પીડાય રહ્યા છે, સર્વે અનુસાર દર 2 મિનિટે 1 વ્યક્તિ આ બીમારીને કારણે મૃત્યુ પામે છે. ખેર, આ તો થઈ ભારતની વાત પણ સમગ્ર વિશ્વની જો વાત કરીએ તો વર્ષ 2030 સુધીમાં લોકોના મૃત્યુ થવામાં ડાયાબિટીસ સાતમાં નબંરનું સૌથી મોટું કારણ બની શકે છે. હકીકતમાં ડાયાબિટીસ એક મેટાબોલિજ્ય ડિસઓર્ડર છે, જેમાં બ્લડ સુગર લેવલ સામાન્યસ્તર કરતા વધી અથવા ઘટી જાય છે. ડાયાબિટીસ મેલિટ્યુઝથી અત્યારે વિશ્વમાં અંદાજે 425 મિલિયન લોકો પ્રભાવિત છે.

યોગ્ય દેખભાળના અભાવે ડાયાબિટીસ મોટાપો, કિડની અને હાર્ટના રોગોનો આમંત્રણ આપે છે. ડાયાબિટીસના દર્દીઓને સામાન્ય રીતે યોગ્ય ડાયટ લેવાની સલાહ આપવામાં આવે છે, જેમાં ભરપૂર માત્રામાં ફાઇબરયુક્ત આહાક લેવાની સલાહ આપવામાં આવે છે.

ડાયાબિટીસ ડાયટ મેનેજમેન્ટની વાત કરીએ તો તમને જાણીને નવાઈ લાગશે પણ ડુંગળી ડાયાબિટીસને કંટ્રોલ કરીને બ્લડ સુગર નિયંત્રણમાં મહત્વનો ફાળો ભાગ ભજવે છે. પણ એ જાણવું જરૂરી છે કે, ડુંગળીનો ઉપયોગ કેવી રીતે કરવો…

અનેક સંશોધનોમાં સાબિત થઈ ચૂક્યું છે કે, ડુંગળીમાં રહેલું એન્ટિઓક્સીડન્ટ બ્લડ સુગરને સામાન્ય રાખવામાં મદદરૂપ થાય છે. ડોક્ટર ભારત બી.અગ્રવાલની એક પુસ્તક હીલિંગ સ્પાઈસિઝમાં પણ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આજે આપણે એ જાણીએ કે કેવી રીતે ડુંગળીની મદદથી ડાયાબિટીસના દર્દી તેમનું બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરી શકે છે.

ફાઇબરનો ભંડાર
ડુંગળીમાં પણ ખાસકરીને લાલ ડુંગળીમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. કાચી ડુંગળી કે લીલી ડુંગળી જે ખાસ કરીને શિયાળામાં વધુ જોવા મળે છે તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે. હકીકતમાં ફાઇબર તૂટવામાં અને પચવામાં સમય લે છે. જેથી બ્લડસ્ટ્રીમાં સુગર ઘીમી ગતિએ બને છે. સાથે જ ફાઇબરથી કબજીયાતમાં પણ રાહત મળે છે, જે સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓમાં જોવા મળે છે.

લો-કાર્બોહાઈડ્રેડ
ડુંગળી એક લો-કાર્બોડાઈડ્રેડ ફૂડ છે. 100 ગ્રામ લાલ ડુંગળીમાં માત્ર 8 ગ્રામ કાર્બોહાઈડ્રેડ હોય છે. કાર્બસને પચાવવું સરળ હોય છે, જેથી આ લોહીમાં ઝડપથી સુગર વધારવાનું કામ કરે છે. આ જ કારણ છે કે ડાયાબિટીસના દર્દીઓને લો કાર્બસ ફૂડ લેવાની સલાહ આપવામાં આવે છે. એટલું જ નહીં લો-કાર્બસ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

લો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ
ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ફૂડ કે કાર્બસની વેલ્યૂ છે. જેની મદદથી જાણી શકાય છે કે, કેટલી ઝડપ કે ધીમેથી તે બ્લડ સુગર લેવલને પ્રભાવિત કરશે. ડુંગળીનું ગ્લાઈસેમિક ઈન્ડેક્સ 10 છે, જે આને એક સારુ ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ફૂડ બનાવે છે.

ડુંગળીને કેવી રીતે કરશો તમારા ડાયટમાં સામેલ
ડાયાબિટીસના દર્દી ડુંગળીને સૂપ, સલાડ અથવા સેન્ડવિચમાં નાખીને ખાઈ શકે છે. પણ એક વાતનું ધ્યાન રાખવું કે, આહારમાં ડુંગળીનો ઉપયોગ લિમિટમાં કરવો. નહીતર પહેલી કહેવત છે ને કે અતિ ની કોઈ ગતિ નહીં….
ધ્યાન રાખો કે અહીં તો માત્ર ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવાની વાત કહેવામાં આવી છે પરંતુ ડાયાબિટીસને નાબૂદ કરવા માટે હજુ સુધી કોઈ દવા શોધાઈ નથી. જેથી તમે કે તમારો પરિવાર ડાયાબિટીસ જેવા રોગથી બચવા દરરોજ તમારી લાઈફસ્ટાઈલમાં વ્યાયામને સ્થાન, સારુ ભોજન આરોગો અને સ્વસ્થ રહો.

પંચાંગ તા. 09/02/2020