પંજાબના તરનતારનમાં શીખોના નગર કીર્તનમાં ધડાકો 12થી વધુનાં મોત

પંજાબઃ પંજાબના તરનતારન જિલ્લામાં શનિવારે ધાર્મિક જુલૂસ દરમ્યાન ફટાકડાથી થયેલા વિસ્ફોટમાં 12થી વધુ લોકોનાં મોત થયાં હતાં. આ આકસ્મિક ઘટનામાં 20થી વધુ લોકો ગંભીરરૂપે ઘાયલ થયા હોવાની આશંકા છે. આ વિસ્ફોટમાં મૃતકોની સંખ્યામાં વધારો થવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. પંજાબ પોલીસે આ ઘટનાને પુષ્ટિ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે શીખોના નગર કીર્તન દરમ્યાન આ ફટાકડાઓને એક ટ્રેક્ટર-ટ્રોલી પર લઈ જઈ રહ્યા હતા. આ ટ્રેક્ટરમાં તણખાથી વિસ્ફોટ થયો હતો, જેમાં 12થી વધુ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 20 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

આઇજીપી (બોર્ડર) એસપીએસ પરમારે જણાવ્યું હતું કે આ ધાર્મિક જુલૂસ દરમ્યાન લોકો ફટાકડા પણ ફોડી રહ્યા હતા. આવામાં ભારે માત્રામાં ફટાકડા ટ્રેક્ટર ટ્રોલી પણ મૂકવામાં આવ્યા હતા, જેમાં તણખો લાગતાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે ટ્રોલીના ફુરચેફુરચા થયા હતા.