Home Blog Page 4996

LPG સિલિન્ડરની કિંમતમાં વધારોઃ રાહુલનો ભાજપને ટોણો

નવી દિલ્હીઃકોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાંધણ ગેસની કિંમતમાં થયેલા મોટા વધારાને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ યુપીએ સરકારના સમયનો એક ફોટો શેર કર્યો છે, જેમાં સ્મૃતિ ઇરાની રાંધણગેસના સિલેન્ડર લઈને રોડ પર દેખાવો કરી રહી છે. રાહુલે લખ્યું છે કે હું ભાજપના આ સભ્યોથી સહમત છું, જેમાં એલપીજીની કિંમતોમાં રૂ. 150નો તોતિંગ વધારાનો વિરોધ કરી રહ્યા છે. આમ તેમણે ભાજપની સાથે સ્મૃતિ ઇરાનીને પણ આડે હાથ લીધા હતા.રાહુલ ગાંધીએ આ સાથે રાંધણગેસનો ભાવવધારો પાછો લેવાની માગ કરી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂરી થતાં પેટ્રોલિયમ કંપનીઓએ દેશમાં રાંધણગેસના વપરાશકારોને મોટો ઝટકો આપતાં કિંમતોમાં ભારે વધારો કર્યો હતો. કંપનીઓએ સબસિડી વિનાના 14.2 કિલોગ્રામવાળા સેગના બાટલા પર દેશના વિવિધ ભાગોમાં રૂ. 150 સુધીનો વધારો કર્યો હતો. દિલ્હીમાં સબસિડી વિનાના એલપીજીની કિંમતો રૂ. 144.50નો વધારો થયો હતો.

રાહુલ ગાંધીએ સ્મૃતિ ઇરાનીનો જૂનો ફોટો શેર કર્યોકોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્મૃતિ ઇરાનીનો એક જુલાઈ, 2010નો ફોટો ટ્વીટ કર્યો હતો. એ વખતે સ્મતિ ઇરાની ભાજપનાં મહિલા મોરચાના અધ્યક્ષ હતાં. તેમણે ત્યારે પશ્ચિમ બંગાળ ભાજપના રાહુલ સિંહાની સાથે કોલકાતામાં ધરણાં કર્યાં હતાં. એ વખતે સ્મૃતિ ઇરાનીએ રાંધગેસની વધતી કિંમતોની વિરુદ્ધ કાર્યકર્તાઓની સાથે ચક્કા જામ કર્યો હતો. એ સમયે કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર યુપીએ ટૂ સરકાર સત્તામાં હતી.

 

 

‘આપ’ ની નજર હવે બિહાર વિધાનસભાની ચૂંટણી પર?

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઝાડુથી બધા પક્ષોના સૂપડાં સાફ કર્યા પછી આમ આદમી પાર્ટીમાં એક નવું જોમ પેદા થયું છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી દેશમાં અન્ય રાજ્યોમાં કાઠું કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ જ વાતને ધ્યાનમાં રાખતાં પાર્ટી પહેલી વાર આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પણ નસીબ અજમાવશે. આમ આદમી પાર્ટીના બિહાર એકમના અધ્યક્ષ શત્રુઘ્ન સાહુએ કહ્યું હતું કે તેમને ચૂંટણીની તૈયારીઓ કરવાના નિર્દેશ મળ્યા છે.

રાજ્યસભાના સંસદસભ્ય સંજય સિંહે પણ એ તરફ સંક્તો આપ્યા હતા કે પાર્ટી નેતૃત્વ જ આનો અંતિમ નિર્ણય કરશે. પાર્ટીના રાષ્ટ્રી પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય સિંહે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી દેશમાં પ્રસરવાના પ્રયત્વો કરશે. અમે 2013 અને એ પછી 2015માં સભ્યપદની ઝુંબેશ ચલાવી હતી. જ્યારે કોઈ પક્ષ ચૂંટણી જીતી જાય છે, તો એ પક્ષને વિસ્તરણ કરવાની સારી તક હોય છે. અમે પણ ઇચ્છીએ છે કે પશ્રનું વિસ્તરણ થાય. અમે આના માટે મિસ્ડ કોલનો નંબર આપ્યો જ છે.

રાજકારણના અપરાધીકરણ પર સુપ્રીમના કડક દિશા-નિર્દેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રાજકારણમાં અપરાધીકરણની થયેલી ભેળસેળ પર મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ આર એફ નરિમન અને જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટે ચૂંટણી પંચ અને અરજીકર્તા અશ્વિની ઉપાધ્યાયની દલીલોને સાંભળ્યા પછી રાજકીય પક્ષો માટે સ્પષ્ટ દિશા-નિર્દેશો જારી કર્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજકીય પક્ષોએ એવા ઉમેદવારોના ગુનાઇત મામલાની માહિતી પોતાની વેબસાઇટો પર અપલોડ કરવાની રહેશે. જો કોઈ પક્ષ ગુનાઇત ભૂતકાળ ધરાવતી વ્યક્તિને ટિકિટ આપશે તો પક્ષે એનું કારણ પણ દર્શાવવું પડશે કે કેમ પક્ષ સ્વચ્છ ઉમેદવારને ટિકિટ ના આપી શક્યો.

કોર્ટે આ સાથે રાજકીય પક્ષોના ઉમેદવારોના ગુનાઇત રેકોર્ડ વિશેની માહિતી પક્ષના સત્તાવાર ફેસબુક અને ટેવિટર હેન્ડલ પર આપવી પડશે. કોર્ટે કહ્યું હતું કે પક્ષોએ આ વિશે એક સ્થાનિક અને રાષ્ટ્રીય પેપરમાં એની માહિતી આપવી પડશે.

આની સાથે જ એવા ઉમેદવારની જીતવાની સંભાવના જ નથી, બલકે પક્ષે ગુનાઇત ઇતિહાસ ધરાવતી વ્યક્તિને ટિકિટ આપવાની યોગ્યતા, ઉપલબ્ધિઓ અને મેરિટ ઉમેદવારની પસંદગી કર્યા બાદ 72 કલાકની અંદર ચૂંટણી પંચને આ વિશે માહિતી આપવી પડશે. જો કો આ દિશા-નિર્દેશોનું પાલન નહીં કરે તો તેની સામે ચૂંટણી પંચ કાયદા હેઠળ કાર્યવાહી કરશે.

જસ્ટિસ આર એફ નરીમન અને જસ્ટિસ એસ રવીન્દ્ર ભટની ખંડપીઠે આને રાષ્ટ્રહિતનો મામલો જણાવતાં 31 જાન્યુઆરીએ અરજીકર્તાઓ અને ચૂંટણી પંચની દલીલો સાંભળ્યા પછી ચુકાદો અનામત રાખ્યો હતો. ખંડપીઠે કહ્યું હતું કે આ સમસ્યાને દૂર કરવા માટે પંચે કેટલાંક પગલાં લેવા પડશે. ખંડપીઠે ચૂંટણી પંચ અને અરજીકર્તા અશ્વિની ઉપાધ્યાયને એક સપ્તાહની અંદર સામૂહિક પ્રસ્તાવ આપવા નિર્દેશ આપ્યો હતો. ખંડપીઠના વકીલ અને ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયની અરજી પર સુનાવણી કરી રહી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે આ કેસમાં 2018માં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે ગુનાઇત ઇતિહાસવાળા ઉમેદવાર અને તેમના પક્ષો ગુનાઇત કેસોની માહિતી વેબસાઇટ પર જારી કરશે અને નામાંકન દાખલ કર્યા પછી કમસે કમ ત્રણ વાર આ સંબંધમાં પેપર અને ટીવી ચેનલો પર માહિતી આપવી પડશે. જોકે આ સંબંધી પગલાં લેવામાં નહોતાં આવ્યાં.

આ સંબંધે સરકાર અને ચૂંટણી પંચની સામે અવમાનના અરજી કરવામાં આવી હતી. ચૂંટણી પંચ દ્વારા વકીલ વિકાસ સિંહે ખંડપીઠને જણાવ્યું હતું કે કોર્ટના આદેશનો કોઇ અસર થઈ નહોતી, કેમ કે 2019મા લોકસભા ચૂંટણી જીતવાવાળા 43 ટકા નેતા ગુનાઇત કેસોનો સામનો કરી રહ્યા હતા. આવામાં સારી વાત એ છે કે રાજકીય પક્ષોને જ નિર્દેશ આપવામાં આવે કે જેથી પક્ષો આવા ઉમેદવારોની પસંદગી જ ના કરે.

આ વ્યક્તિ મેચ ફિક્સિંગ મામલે કરી શકે છે અનેક ખુલાસા

નવી દિલ્હીઃ મેચ ફિક્સિંગના આરોપી બુકી સંજય ચાવલાને ગુરુવારે લંડનથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો હતો. તે વર્ષ 2000ના ફિક્સિંગ સ્કેન્ડલમાં સામેલ હતો. કેસ દાખલ થયાના 20 વર્ષ પછી તેને ભારત લાવવામાં આવ્યો છે. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. ચાવલાને તિહાડ જેલ મોકલવામાં આવશે. તે પહેલા તેની મેડિકલ તપાસ થશે. 16 જાન્યુઆરીએ લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટે આ મામલે નિર્ણય આપતા પ્રત્યાર્પણની મંજૂરી આપી હતી. બ્રિટનના ગૃહમંત્રીના હસ્તાક્ષર પછી ચાવલાને 28 દિવસની અંદર પ્રત્યાર્પણ કરવાનો હતો.

ગયા વર્ષે માર્ચમાં બ્રિટનના ગૃહમંત્રીએ ચાવલાને પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ તે કોર્ટ જતો રહ્યો હતો. બ્રિટનની કોર્ટના દસ્તાવેજોમાં ચાવલાને દિલ્હીમાં જન્મેલા એક બિઝનેસમેન તરીકે બતાવવામાં આવ્યો છે. તે 1996માં બિઝનેસ વિઝા પર લંડન જતો રહ્યો હતો. 2000માં તેનો ભારતીય પાસપોર્ટ રદ કરવામાં આવ્યો હતો. 2005માં તેને બ્રિટનનો પાસપોર્ટ મળ્યો હતો અને ત્યારથી તે બ્રિટિશ નાગરિક છે.

મેચ ફિક્સિંગ સ્કેન્ડલમાં દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન હેન્સી ક્રોનીનું નામ પણ સામે આવ્યું હતું. ક્રોનીને ચાવલા અને અન્ય એક વ્યક્તિ દ્વારા ફિક્સિંગ કરવાનો આઈડિયા આપવામાં આવ્યો હતો. દ. આફ્રિકાના ભારત પ્રવાસ દરમિયાન ક્રોનીએને પૈસા આપવામાં આવ્યા હતા. 2002માં પ્લેન ક્રેશમાં તેનું અવસાન થયું હતું.

રિપોર્ટ્સ અનુસાર, ચાવલા અને ક્રોનીએ બંને વિરુદ્ધ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે 70 પેજની ચાર્જશીટ ફાઈલ કરી છે. બંને પર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 16 ફેબ્રુઆરી 2000થી લઈને 20 માર્ચ 2000ની વચ્ચે રમાયેલી મેચોમાં ફિક્સિંગનો આરોપ મુકવામાં આવ્યો છે. મામલો એપ્રિલ 2000માં સામે આવ્યો હતો. ત્યારે દિલ્હી પોલીસે બ્લેકલિસ્ટેડ ચાવલા અને ક્રોનીએ વચ્ચેની વાતચીતને ઇન્ટરસેપ્ટ કરી હતી. ચાવલા પર ઓગસ્ટ 1999માં ઇંગ્લેન્ડના 2 ખેલાડીઓને પૈસા આપવાનો પણ આરોપ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સંજીવ ચાવલા, હૈંસી ક્રોનિએ અને અન્ય લોકોએ પૈસાની બદલે ક્રિકેટ મેચોને ફિક્સ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. ચાવલાએ આમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેનો ક્રોનિએ સાથે સીધો સંપર્ક હતો. ક્રોનિએનું જૂન 2002 માં વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું.

ચાવલા પર ઓગસ્ટ 1999 માં ઈંગ્લેન્ડના બે પ્લેયર્સને પણ પૈસા ઓફર કરવાનો આરોપ છે. માર્ચ 2000 ના પ્રથમ સપ્તાહમાં દિલ્હી પોલીસે પ્રાથમિક ફરિયાદ નોંધતા જ ચાવલા બ્રિટન ચાલ્યો ગયો હતો. 1996 માં પહેલીવાર બિઝનેસ વિઝા પર ત્યાં ગયો હતો, પરંતુ 2000 માં તેનો ભારતીય પાસપોર્ટ રદ્દ કરી દેવામાં આવ્યો હતો અને તેને 2005 માં બ્રિટનનો પાસપોર્ટ મળી ગયો હતો.

ટેક્સ ચોરીની નોટિસઃ સમાધાનની હજી એક તક મળશે

નવી દિલ્હીઃ જો તમને  ટેક્સની ચોરીની કોઈ નોટિસ મળી હોય તો તેમાં ગભરાવા જેવું કંઈ નથી. તમને તમારી ટેક્સ ચોરીનું સમાધાન કરવાની વધુ એક તક મળશે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટ 2020માં વિવાદથી વિશ્વાસ સુધીની એક દરખાસ્ત કરી હતી. જેને કેન્દ્રીય કેબિનેટે પ્રત્યક્ષ ટેક્સના વિવાદથી વિશ્વાસ વિધેયક, 2020માં બદલાવ કરવાની મંજૂરી આપી દીધી છે. આ પરિવર્તનનો ઉદ્દેશ ખરડાના વ્યાપને વધારીને એક કેસોને સામેલ કરવાનો છે, જે અલગ-અલગ ડીઆરટીમાં પેન્ડિંગ છે.

પ્રત્યક્ષ ટેકસથી સંકળાયેલા કાનૂની વિવિદોમાં ઘટાડો કરવાના ઇરાદે આ ખરડો આ મહિનાના પ્રારંભમાં લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.એમાં અપીલ સ્તર પર ઇન્કમ ટેક્સ એપેલટ ટ્રિબ્યુનલો (આઇટીએટી), હાઇકોર્ટ્સ અને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ ટેક્સ વિવાદોને સામેલ કરવાનો પ્રસ્તાવ છે.

કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની માહિતી આપતાં કેન્દ્રીય પ્રધાન પ્રકાસ જાવડેકરે કહ્યું હતું કે આનાથી ટેક્સ સંબંધિત વિવાદોનો ઉકેલ લાવવામાં ઝડપ આવશે અને ડીઆરટીમાં પેન્ડિંગ કેસોને હવે આમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રૂ. નવ લાખ કરોડના ડિરેક્ટ ટેક્સના કેસો પેન્ડિંગ

જાવડેકરે કહ્યું હતું કે અલગ-અલગ ઓથોરિટી અને કોર્ટોમાં રૂ. નવ લાખ કરોડના સીધા ટેક્સના કેસો પેન્ડિંગ છે. પ્રધાને આશા દર્શવી હતી કે લોકો આ યોજનાનો લાભ લેશે અને 31 માર્ચ, 2020થી પહેલાં વિવાદનું સમાધાન કરશે. જો આવું નહીં કરવામાં આવે તો આવતા નાણાકીય વર્ષમાં વિવાદનો ઉકેલ લાવવા માટે 10 ટકા વધારાની ચુકવણી કરવી પડશે.  વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યતામાં થયેલી કેબિનેટની બેઠકમાં ત્રણ સરકારી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાં રૂ. 2500 કરોડની મૂડી ઠાલવવા પણ મંજૂરી મળી હતી. આ કંપનીઓ –નેશનલ ઇન્શ્યોરન્સ, ઓરિયેન્ટલ ઇન્શ્યોરન્સ અને યુનાઇટેડ ઇન્શ્યોરન્સ કંપની છે.

જાપાનઃ આ શિપમાં બે ભારતીય સહિત 174 ને કોરોના

નવી દિલ્હીઃ ચીનમાંથી ઉદ્ભવેલો કોરોના વાયરસ (કોવિડ-19) વાયરસ દુનિયામાં ક્યાં નથી પહોંચ્યો? તે કહેવું થોડુંક અઘરું છે. જાપાનના યોકોહામાના તટ પર છેલ્લા કેટલાક દિવસોથી “ડાયમંડ પ્રિન્સેસ” નામનું એક શિપ ઉભું છે. આ શિપમાં 3,711 જેટલા લોકો સવાર છે આ લોકો પૈકી 138 જેટલા ભારતીયો છે. ત્યારે આ શિપ પર કોરોના વાયરસે બટાઝટી બોલાવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ક્રૂઝ પર સ્થિત બે ભારતીયોના કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે અને અત્યાર સુધીમાં શિપ પર ઉપસ્થિત 174 જેટલા લોકોને કોરોનાએ પોતાની ઝપેટમાં લઈ લીધા છે.

ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે જ આ શિપ જાપાનના તટે પહોંચ્યું હતું. પરંતુ ગત મહિને હોંગકોંગ જઈ ચૂકેલા એક વ્યક્તિમાં કોરોના વાયરસનો ચેપ મળી આવતા આ શિપ ત્યાં જ ઉભું છે. પરંતુ આ શિપ પર કોરોની અસર હવે વધારે લોકો સુધી ફેલાઈ છે અને કુલ 174 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. શિપ પર ઉપસ્થિત યાત્રીઓ પૈકી કોઈને જાપાનમાં ઉતરવા દેવામાં આવ્યા નથી અને તેમને 14 દિવસ સુધી ત્યાં રોકી રાખવામાં આવ્યા છે. 14 દિવસનો આ સમય 19 ફેબ્રુઆરીના રોજ ખતમ થશે.

આ વયોવૃદ્ધ જાપાનીઓ ખોલે છે દીર્ઘાયુ હોવાના રાઝ

ટોક્યો: જાપાનીઓએ ફરી એક વાર વિશ્વના સૌથી મોટા પુરુષ હોવાનો ગિનેસ રેકોર્ડ કર્યો છે. 112 વર્ષ અને 344 દિવસના ચિતેશુ વતનાબેનો જન્મ જાપાનના ઉત્તરીય વિસ્તારમાં 1907માં થયો હતો અને તેઓ કાયમ હસતા રહેવામાં અને સ્મિત કરવામાં વિશ્વાસ રાખે છે. આ પહેલાં વિશ્વના સૌથી મોટી ઉંમરનો પુરુષ (112) પણ જાપાનમાં હતો, જેનું પાછલા મહિને જ નિધન થયું હતું. વળી, સૌથી વધુ ઉંમરની જીવિત મહિલાનો એવોર્ડ પણ જાપાનની પાસે છે. કાને તનાકા 117 વર્ષની છે.

ચિતેશુને બોનસાઇ છોડ વાવવાનો શોખ છે. તેમને કસ્ટર્ડ ખાવાનો પસંદ છે. તેમને કૃષિ સ્કૂલમાં શિક્ષણ લીધું  છે અને તેઓ શેરડીની ખેતીની યોજનાથી જોડાયા. તેમને પાંચ બાળકો છે. આ બધું તેમની જીવનકથા છે, પણ તેમના દીઘાર્યુ હોવાનું શું રહસ્ય છે, એ માટે તેમની જીવનશૈલી પર એક નજર નાખીશું.

ખાનપાને હેલ્થ બનાવ્યા

અન્ન તેવો ઓડકાર છે એટલે કે જો વ્યક્તિ સારું ભોજન લે તો તેનો પ્રભાવ તેના પર સારો પડે છે. જાપાનીઓના ખાનપાનની મહત્ત્વની ભૂમિકા છે. જાપાનીઓની એક ખાસિયત છે કે તેઓ હંમેશાં તાજું ખાય છે. શાકભાજી હોય કે નોન વેજ હોય કે  માછલીઓ તેઓ તાજાં જ ખાય છે. તેમના ભોજનની માત્રા પ્રમાણમાં અલ્પ હોય છે. જાપાનીઓ ચા અને સૂપ વધુ પીએ છે, પણ ચા એવી કે જેમાં દૂધ નહીં, બલકે લીલાં પાંદડાંઓનો ઉપયોગ  કર્યો હોય.
કસરત અને પબ્લિક ટ્રાન્સપોર્ટ

ભારતમાં જેમ યોગ મશહૂર છે, એમ જાપાનમાં ખાસ પ્રકારની કસરત રાજીયો તાઇસો પ્રચલિત છે, જે સવારે ઊઠીને તેઓ કરે છે. અહીં લોકો કલાકો સુધી ખુરશીમાં બેઠા નથી રહેતા. મશીન બનાવવાના મામલે ભલે જાપાને કેટલાય દેશોને પાછળ છોડ્યા હોય, પણ ખુદને મશીનની આદત કે લત નથી લગાવી. તેઓ પગપાળા ચાલવા પર ભાર આપે છે અને લક્ઝરી કારોને બદલે તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ વધુ કરે છે.

હેલ્થકેરની મહત્તવની ભૂમિકા

કોઈ પણ દેશમાં મૃત્યુદર અને જીવનકાળ ત્યાંની સ્વાસ્થ્ય સેવાઓ પર વધુ નિર્ભર હોય છે. જાપાનમાં અનિવાર્ય હેલ્થકેર સિસ્ટમ મોજૂદ છે. આ સિસ્ટમ હેઠળ જાપાની આશરે એક ડઝનથી પણ વધુ વાર ચેકઅપ કરાવવા માટે ડોક્ટરની પાસે જાય છે. જોકે તેઓ છાશવારે હોસ્ટિપલના ચક્કર પણ નથી લગાવતા. જ્યાં સુધી સ્થિતિ ગંભીર ના હોય ત્યાં સુધી તેઓ ડોક્ટરનો સંપર્ક નથી કરતા.

બે બાળકોની નીતિને પ્રોત્સાહન આપવા રાજ્યસભામાં પ્રસ્તાવ

નવી દિલ્હી:  વસ્તી નિયંત્રણને લઈને શિવસેના સાંસદે રાજ્યસભામાં એક મહત્વનું બિલ રજૂ કર્યું છે. દેશમાં થઈ રહેલો વસ્તી વધારો એક મોટી સમસ્યા છે. ત્યારે દેશભરમાં એક જ માંગણી છે કે વસ્તી નિયંત્રણ કરવામાં આવે. જે વિશે આ પહેલા મોહન ભાગવત પણ પોતાનો મત રજૂ કરી ચૂક્યાં છે.

દેશની વધતી વસ્તી સતત પડકાર બની રહી છે. આ પડકારને જોતા શિવસેનાના રાજ્યસભા સાંસદ અનિલ દેસાઈ એક પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કર્યું છે. જેમાં 2 બાળકોની નીતિને પ્રોત્સાહિત કરવાની વાત કહેવામાં આવી છે. આ બિલ પર બજેટ સત્રના બીજા સેશનમાં ચર્ચા થાય તેવી શકયતા છે.

અનિલ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘આ બિલ માટે તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની મંજૂરી લીધી છે. આ સંજોગોમાં એ પણ ધ્યાન પર લેવું જોઈએ કે શિવસેનાના સાથી કોંગ્રેસ અને એનસીપીની  આ બિલ પર કેવી પ્રતિક્રિયા આપે છે. અનિલ દેસાઈએ આ બિલને રજૂ કરતા સંવિધાનના કેટલાક સંશોધનની માંગણી રાખી છે. જેમાં સંવિધાનના અનુચ્છેદ 47A ને જોડવાની માંગ કરવામાં આવી છે.  બિલમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે વધતી વસ્તીને નિયંત્રિત કરવા માટે પરિવારને બે બાળકો સુધી મર્યાદિત રાખનારા નાગરિકોને ટેક્સમાં છુટ, વ્યવસાય, શિક્ષણમાં પ્રોત્સાહન જેવા નિયમો બનાવવામાં આવે. માપદંડોનું પાલન ન કરનારાને લોકોને આનો લાભ નહીં મળે. ભારતની જનસંખ્યા અત્યારે પણ 130 કરોડથી પણ વધારે છે જે વિશ્વમાં બીજા નંબરની છે.

મોટાભાગે ખાનગી મેમ્બર બિલો સદનમાં ચર્ચાથી આગળ નથી વધી શકતા. પણ આ બિલને લઈને હજુ એ સ્પષ્ટ નથી થયું કે, મહારાષ્ટ્રમાં શિવસેનાના ગઠબંધન સહયોગી કોંગ્રેસ અને એનસીપી આ બિલ પર કેવું વલણ દાખવે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ મુદ્દે ગઠબંધનમાં તિરાડ પડી શકે છે, કારણ કે આ પ્રકારની કાયદાકીય માંગને મુસ્લિમ સમુદાય વિરોધી માનવામાં આવે છે.

કોરોના સામે લડવા બ્રિક્સ દેશો ચીનને સહયોગ કરશે

નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. ચીને કોરોના વાયરસ સામે લડવા માટે બ્રિક્સ દેશો દ્વારા સહયોગની રજૂઆતનું સ્વાગત કર્યું છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ મીડિયાને માહિતી આપી કે, ચીનમાં નોવેલ કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 1113 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ મૃતકોમાંથી 97 જેટલા લોકો હુબેઈ પ્રાંતના છે. આ સિવાય 44,653 જેટલા લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે.

બ્રિક્સ એ પાંચ દેશોનું એક સંગઠન છે, જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રીકાનો સમાવેશ થાય છે. બ્રિક્સના વર્તમાન અધ્યક્ષ રશિયાએ એક નિવેદન જાહેર કરીને બ્રિક્સ દેશો દ્વારા ચીનને સહયોગની રજૂઆત કરવામાં આવી હતી.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે આ રજૂઆતનું સ્વાગત કરતા કહ્યું કે, તેઓ પણ ચીન માટે મહત્વપૂર્ણ ભાગીદાર છે. આ નિવેદન સકારાત્મક અને રચનાત્મક સંદેશ આપે છે. ચીનના પ્રયાસોનું સમર્થન કરે છે અને સાર્વજનિક સ્વાસ્થ્ય સુરક્ષાને લઈને વધારેમાં વધારે આંતરરાષ્ટ્રીય સહયોગનું આહ્વાન કરે છે.

નેહરુ અને પટેલઃ જૂના મુદ્દે નવા પુસ્તકે સર્જયો વિવાદ

અમદાવાદઃ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ હતા, પણ એ વિશે દેશમાં ઘણાં વર્ષોથી ટીકાટિપ્પણી થઈ રહી છે કે જવાહરલાલ નેહરુને જ કેમ વડા પ્રધાન બનાવવામાં આવ્યા? જો સરદાર વલ્લભભાઈ પટેલ સ્વતંત્ર ભારતના વડા પ્રધાન બન્યા હોત તો દેશનો ઇતિહાસ જ કંઈક જુદો હોત. પટેલ સ્વાતંત્ર્ય ભારતના પહેલા ગૃહપ્રધાન હતા. શું નેહરુ અને પટેલ એકમેકની વિરુદ્ધમાં હતા?

વિદેશપ્રધાન એસ. જયશંકરે આજે નારાયણી બસુ દ્વારા લખવામાં આવેલા વીપી મેનનની જીવનકથાના વિમોચન પછી એકસાથે અનેક ટ્વીટ કર્યા હતા. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે વીપી મેનનની જીવનકથા પરથી તેમણે જાણ્યું કે 1947માં જવાહરલાલ નેહરુ સરદાર પટેલને પોતાની કેબિનેટમાં નહોતા લેવા ઇચ્છતા.વિદેશપ્રધાને ટ્વીટમાં લખ્યું હતું કે નારાયણી બસુ દ્વારા લખવામાં આવેલી વીપી મેનનની જીવનકથામાં પટેલના મેનન અને નેહરુના મેનનમાં ખાસ્સો વિરોધાભાસ જોવા મળ્યો હતો. તેમણે કહ્યું હતું કે ઘણા લાંબા સમય પછી એક ઐતિહાસિક પુરુષની સાથે ન્યાય થયો.

બીજી બાજુ ભાજપના નેતાઓ દાવો કરી રહ્યા છે કે જો દેશના પહેલા વડા પ્રધાન હોત તો દેશ અલગ જ પથ આગળ હોત.ફેબ્રુઆરી, 2018માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકસભામાં જણાવ્યું હતું કે જો સરદાર વલ્લભભાઈ પટેલ દેશના પહેલા વડા પ્રધાન હોત તો કાશ્મીર પાકિસ્તાનના અંકુશ હેઠળ ના હોત, પણ ભારતનો જ એક ભાગ હોત. વિદેશપ્રધાને કહ્યું હતું કે એટલે સુધી કે નેહરુ  પટેલને કેબિનેટમાં રાખવા નહોતા ઇચ્છતા, એવું વિદેશપ્રધાને વીપી મેનનનો હવાલો આપીને કહ્યું હતું. તેમણે વીપી મેનનની નવી બુકઃ ધ અનસંગ આર્કિટેક્ચર ઓફ મોર્ડન ઇન્ડિયાને ટાંકતાં જણાવ્યું હતું.

વિદેશપ્રધાને કહ્યું હતું કે તેમણે પુસ્તકથી જાણ્યું કે નેહરુ નહોતા ઇચ્છતા કે પટેલ તેમની કેબિનેટનો હિસ્સો બને અને નેહરુએ પોતાના લિસ્ટમાંથી તેમનું નામ હટાવી દીધું હતું. જોકે લેખકનું આ રહસ્યોદઘાટન એક મોટો વિવાદ વિષય છે.  તેમણે કહ્યું હતું કે રાજકારણનો ઇતિહાસ લખવા માટે પૂરી ઇમાનદારીની જરૂર હોય છે. વિદેશપ્રધાને ટ્વીટ કર્યું હતું કે વીપી મેનનને કહ્યું હતું કે જ્યારે સરદાર પટેલનું મોત થયું ત્યારે તેમની યાદોને ભુલાવવા માટે મોટા પાયે એક કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું. હું એટલે જાણું છું, કેમ કે મે આ બધું જોયું છે.