તીવ્રતા અને આરામ: સમજણનું સાચું સંતુલન

સદગુરુ: તમારે સમજુ બનવા માટેના સૌથી મૂળભૂત ગુણો તીવ્રતા અને આરામ છે. અત્યારે મોટા ભાગના લોકો આ અવસ્થામાં છે: જો હું તમને તીવ્ર બનવા કહું, તો તમે તંગ થઈ જાઓ છો; અને જો હું તમને આરામ કરવા કહું, તો તમે બેદરકાર થઈ જાઓ છો. તાણ અને બેદરકારીમાં તમારી સમજવાની શક્તિ ઘણી ઘટી જાય છે.

જ્યારે તમે તંગ હોવ છો, ત્યારે તમારી સામે રહેલી વસ્તુઓ પણ તમને દેખાતી નથી. જ્યારે તમે બેદરકાર હોવ, ત્યારે પણ એ જ પરિસ્થિતિ હોય છે. પરંતુ તીવ્ર હોવા છતાં આરામમાં હોવું એ જ સાચો માર્ગ છે.

યોગિક સંસ્કૃતિમાં સાપ અને ખાસ કરીને કોબ્રા સમજશક્તિનું પ્રતીક છે. તે એક ચોક્કસ સ્તરની સમજ અને જાણવાની શક્તિ તમારામાં આવેલી છે તેનો સંકેત છે. સાપ ખૂબ જ સંવેદનશીલ પ્રાણી છે. તેઓ એકમાત્ર પ્રાણીઓમાંના છે, જે ધ્યાનની અવસ્થા તરફ દોરાય છે. આ જ કારણે તમે ભગવાન શિવના ગળામાં સાપને જુઓ છો. દરેક મંદિરમાં, દરેક કેલેન્ડરમાં, જ્યાં કોઈ યોગી બેઠા હોય છે, ત્યાં આસપાસ સાપનું ચિત્ર જોવા મળે છે, કારણ કે તેઓ ધ્યાનની ઊર્જા તરફ આકર્ષાય છે.

જો તમે એક કોબ્રા સાથે થોડો સમય વિતાવો, તો જોશો કે તે હંમેશાં તીવ્ર અને આરામમય હોય છે. જ્યારે તેનો જીવ જોખમમાં મુકાય, ત્યારે તે થોડો તંગ બને છે – એક સરકતા પ્રાણી માટે જેટલું શક્ય હોય એટલું – પરંતુ બાકીના સમયે તે અત્યંત તીવ્ર અને સાથે સાથે સંપૂર્ણ આરામમાં હોય છે.

આ યોગીનો પણ ગુણ છે – તીવ્ર અને આરામમય હોવાનો. તમારે તે માટે કાર્ય કરવું પડે છે. યોગિક અભ્યાસો – ભલે તે ગમે તેટલા સરળ લાગે – મૂળભૂત રીતે આ જ હેતુ માટે છે. જો તમે પોતાને તેને સમર્પિત કરી દો, તો એક સ્તરે તે તમારી ઊર્જાનો પારો ધીમે ધીમે વધારી રહ્યો છે અને એ જ સમયે તમારી અંદર ઊંડો આરામ પણ પેદા કરે છે. જ્યારે એક જ સમયે તીવ્રતા અને આરામ ઉત્પન્ન થાય છે, ત્યારે તમે સમજુ બનો છો.

સમજ શા માટે અગત્યની છે? કારણ કે તમારી સમજમાં વધારો થાય, તો જ જીવન સાચા અર્થમાં ઉચ્ચ બને છે. તમારા વિચારો, અભિપ્રાયો અને માન્યતાઓ માત્ર તમારી વિચારસરણી છે. ફક્ત જે તમે સમજો છો, તે જ તમે ખરેખર જાણો છો.

ઓછામાં ઓછું તમને એ તો ખબર હોવી જોઈએ કે તમે ક્યારે આફતમાં મૂકાવ છો. મોટા ભાગના લોકોને તો એ પણ ખબર હોતી નથી. તેઓ વિચારે છે કે જીવનની પરિસ્થિતિઓ જ આફત છે. હકીકતમાં જીવનની પરિસ્થિતિઓ માત્ર પરિસ્થિતિઓ છે – કેટલીકને કેવી રીતે સંભાળવી તે આપણે જાણીએ છીએ, કેટલીકને નથી જાણતા; કેટલીકને સારી રીતે સંભાળીએ છીએ અને કેટલીકને ખૂબ ખરાબ રીતે સંભાળીએ છીએ.

પરંતુ જો તમને તમારું પોતાનું શરીર અને મન કેવી રીતે સંભાળવું તે નથી આવડતું, તો તમે ખરેખર આફતમાં છો. મોટા ભાગના લોકોને આ સમજ પડતી નથી.

એકવાર એવું બન્યું કે લગભગ ત્રણસો વર્ષ પહેલાં એક મિશનરી આફ્રિકાની એક ખૂબ જ અંતરિયાળ જગ્યાએ ગયો. છેલ્લે તે એક અત્યંત હિંસક જણાતી આદમખોર પ્રજાતિ વચ્ચે પહોંચી ગયો. તે પોતાના ઘૂંટણ પર પડી ગયો અને ઉપર જોઈને બોલ્યો, “પ્રિય ઈશ્વર, હું આફતમાં છું.”

કંઈ જ ન થયું.

પછી તે બોલ્યો, “હે ઈશ્વર, હું તમારા કામે આવ્યો છું અને હું ખરેખર આફતમાં મૂકાયો છું. તમે કંઈ જ કરી રહ્યા નથી.”

પછી ઈશ્વર બોલ્યા, “ના, તું હજી આફતમાં નથી. એક કામ કર. તારી સામે પડેલો પથ્થર ઊંચક અને આદમખોર પ્રજાતિના વડાના માથે મારી દે.”

ઈશ્વરના શબ્દોથી પ્રેરાઈને મિશનરીએ પથ્થર ઊંચક્યો અને આદમખોર પ્રજાતિના વડાના માથે મારી દીધો.

પછી ઈશ્વર બોલ્યા, “ઠીક છે, હવે તું આફતમાં છે.”

તમારા જીવનમાં કંઈ થયું કે ન થયું, તે આફત નથી. જ્યારે તમારી અંદર શું ચાલી રહ્યું છે તેની તમને જ ખબર નથી હોતી, ત્યારે તમે ખરેખર આફતમાં મૂકાવ છો – જન્મોની આફતમાં.

(સદ્‍ગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કારપદ્મ વિભૂષણઆપવામાં આવ્યો છે. સાથે તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટમાટી બચાવોના સ્થાપક છે જે 4 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.