કોરોના સામે લડવા બ્રિક્સ દેશો ચીનને સહયોગ કરશે

નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. ચીને કોરોના વાયરસ સામે લડવા માટે બ્રિક્સ દેશો દ્વારા સહયોગની રજૂઆતનું સ્વાગત કર્યું છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ મીડિયાને માહિતી આપી કે, ચીનમાં નોવેલ કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 1113 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ મૃતકોમાંથી 97 જેટલા લોકો હુબેઈ પ્રાંતના છે. આ સિવાય 44,653 જેટલા લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે.

બ્રિક્સ એ પાંચ દેશોનું એક સંગઠન છે, જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રીકાનો સમાવેશ થાય છે. બ્રિક્સના વર્તમાન અધ્યક્ષ રશિયાએ એક નિવેદન જાહેર કરીને બ્રિક્સ દેશો દ્વારા ચીનને સહયોગની રજૂઆત કરવામાં આવી હતી.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે આ રજૂઆતનું સ્વાગત કરતા કહ્યું કે, તેઓ પણ ચીન માટે મહત્વપૂર્ણ ભાગીદાર છે. આ નિવેદન સકારાત્મક અને રચનાત્મક સંદેશ આપે છે. ચીનના પ્રયાસોનું સમર્થન કરે છે અને સાર્વજનિક સ્વાસ્થ્ય સુરક્ષાને લઈને વધારેમાં વધારે આંતરરાષ્ટ્રીય સહયોગનું આહ્વાન કરે છે.