જાપાનઃ આ શિપમાં બે ભારતીય સહિત 174 ને કોરોના

નવી દિલ્હીઃ ચીનમાંથી ઉદ્ભવેલો કોરોના વાયરસ (કોવિડ-19) વાયરસ દુનિયામાં ક્યાં નથી પહોંચ્યો? તે કહેવું થોડુંક અઘરું છે. જાપાનના યોકોહામાના તટ પર છેલ્લા કેટલાક દિવસોથી “ડાયમંડ પ્રિન્સેસ” નામનું એક શિપ ઉભું છે. આ શિપમાં 3,711 જેટલા લોકો સવાર છે આ લોકો પૈકી 138 જેટલા ભારતીયો છે. ત્યારે આ શિપ પર કોરોના વાયરસે બટાઝટી બોલાવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ક્રૂઝ પર સ્થિત બે ભારતીયોના કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે અને અત્યાર સુધીમાં શિપ પર ઉપસ્થિત 174 જેટલા લોકોને કોરોનાએ પોતાની ઝપેટમાં લઈ લીધા છે.

ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે જ આ શિપ જાપાનના તટે પહોંચ્યું હતું. પરંતુ ગત મહિને હોંગકોંગ જઈ ચૂકેલા એક વ્યક્તિમાં કોરોના વાયરસનો ચેપ મળી આવતા આ શિપ ત્યાં જ ઉભું છે. પરંતુ આ શિપ પર કોરોની અસર હવે વધારે લોકો સુધી ફેલાઈ છે અને કુલ 174 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. શિપ પર ઉપસ્થિત યાત્રીઓ પૈકી કોઈને જાપાનમાં ઉતરવા દેવામાં આવ્યા નથી અને તેમને 14 દિવસ સુધી ત્યાં રોકી રાખવામાં આવ્યા છે. 14 દિવસનો આ સમય 19 ફેબ્રુઆરીના રોજ ખતમ થશે.