ગાંધીનગરઃ આગામી માર્ચ માસમાં ગુજરાતમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરિક્ષા લેવામાં આવશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પરિક્ષાને લઈને કેટલીક ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પરિક્ષામાં કુલ 20.05 લાખ જેટલા વિદ્યાર્થીઓ બેસશે. રાજ્યના તમામ પરિક્ષા કેન્દ્રોમાં કુલ 64000 જેટલા સીસીટીવી લગાવી દેવામાં આવ્યા છે. દરેક જિલ્લા પ્રમાણે વિજિલન્સ સ્વોર્ડની બે ટીમની રચના કરવામાં આવી છે. આ સાથે પરિક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે અને તેના માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
મહત્વનું છે કે, બોર્ડની પરિક્ષા દરમિયાન રાજ્યના છેવાડાના વિસ્તારમાં આવેલા પરિક્ષા કેન્દ્રો પર ગેરરીતિ થતી હોવાની વાતો સામે આવતી હોય છે. પરંતુ રાજ્યના કોઈપણ પરિક્ષા કેન્દ્ર પર કોઈપણ પ્રકારની ગેરરીતિ કે અન્ય કોઈપણ બનાવ ન બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
લખનૌઃ ભાજપના ભદોહી વિધાનસભા વિસ્તારથી વિધાનસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠી સહિત તેમના પરિવારના છ લોકો પર એક મહિલાએ મહિનાઓ સુધી બળાત્કાર કરવાનો આરોપ મૂક્યો છે.
એસપીએ આ પૂરા મામલાની તપાસ એડિશનલ એસપીને સોંપી છે. તપાસ અહેવાલ 15 દિવસમાં આવશે. વિધાનસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠીએ આને રાજકારણનું ષડયંત્ર અને ખોટા આરોપ કરવાનો મામલો બતાવ્યો છે. જ્યારે પીડિતાનું કહ્યું છે કે પ્રથમ ભાજપના વિધાનસભ્યના ભત્રીજા સંદીપ તિવારી લગ્ન કરવાનું વચન આપીને તેની પર મહિનાઓ સુધી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. એ પછી વિધાનસભ્ય સહિત તેમના પરિવારના અન્ય લોકો પણ તેના પર બળાત્કાર કર્યો હતો.
લગ્નની લાલચે છ વર્ષ સુધી શારીરિક શોષણ
પીડિત મહિલાનું કહેવું છે કે સ્થાનિક વિધાનસભ્યના ભત્રીજા સંદીપ તિવારીએ મને લગ્ન કરવાનું વચન આપીને છ વર્ષ સુધી મારું શોષણ કર્યું. જ્યારે મેં લગ્ન કરવાનું દબાણ કર્યું ત્યારે મને બહુ હેરાન કરી અને જ્યારે તેમણે ના પાડી ત્યારે મારી ફરિયાદ કરવાનો નિર્ણય લેવો પડ્યો. આ મહિલા મુંબઈની રહેવાસી છે. તેના જણાવ્યા પ્રમાણે સંદીપ તિવારીને ટ્રેનમાં મળી હતી. સંદીપે તેની લગ્નની લાલચ આપીને તેનું શારીરિક શોષણ કર્યું હતું. એ પછી વિધાનસભ્ય સહિત તેમની નજીકના સાથીઓએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. આ મહિલા પીડિતએ જણાવ્યું હતું કે વર્ષ 2017માં જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી હતી.ત્યારે સંદીપ તેને અહીં લઈ આવ્યો અને તેને ગ્લોરી હોટેલમાં રાખી હતી. ત્યાં મહિલા પર રવિન્દ્રનાથ ત્રિપાઠી, ચંદ્રભૂષણ ત્રિપાઠી, દીપક તિવારી, નીતીશ તિવારી અને પ્રકાશ તિવારી – આ બધા લોકો એક દિવસ છોડીને એક દિવસ આવતા હતા અને તેની પર બળાત્કાર કરતા હતા.
આ મામલે ભાજપના વિધાનસભ્ય રવીન્દ્ર ત્રિપાઠીનું કહેવું છે કે જે કાંઈ પુરાવા છે એ બહાર આવવા જોઈએ અને જો આરોપો સાચા સાબિત થાય તો હું અને મારો પરિવાર ફાંસીએ ચઢવા તૈયાર રહીશું.
ગાંધીનગરઃ રાજ્યમાં ખૂબ ગાજેલો LRD ભરતી વિવાદનો મામલો હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટમાં સરકાર દ્વારા આજે જવાબ રજૂ કરવામાં આવશે. રાજ્યની બિનઅનામત વર્ગની 254 જેટલી મહિલા ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી ફાઈલ કરી છે. અરજદારની માંગ છે કે GAD એ 01.08.2018 નો જે ઠરાવ બહાર પાડ્યો છે તેને રદ્દ ન કરવામાં આવે. આ ઠરાવ જો રદ્દ થશે, અથવા તો તેમાં સુધારો કરશે અથવા તો કોઈ બદલાવ કરશે તો તે અયોગ્ય ગણાશે. જેનો અમલ થઈ શકે નહી.
અરજદારોની એ પણ માગ છે કે, જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારોની દસ્તાવેજોની ખરાઈ થઈ ચૂકી છે અને 1578 જગ્યાઓ માટે તેની અંતિમ પસંદગી યાદી બહાર પાડીને તેમને નિમણૂંકપત્ર આપવામાં આવે. અરજીમાં અરજદારોની રજૂઆત છે કે, આ ઉમેદવારોએ તમામ તબક્કા પાસ કરેલા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાનુ GADએ અર્થઘટન કરીને 01.08.2018ના રોજ જે ઠરાવ બહાર પાડયો છે, તે યોગ્ય છે. સરકાર આ ઠરાવને રદ કરી શકે નહીં. જો કરે તો, તેનો અમલ પાછલી અસરથી કરવા દેવો ન જોઈએ. આ અરજી પરની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.
ડિસેમ્બર-2019માં LRDની ભરતીમાં અનામતનો યોગ્ય રીતે અમલ થયો નથી, તેવા આક્ષેપ સાથે હાઈકોર્ટમાં અનામત વર્ગના મહિલા ઉમેદવારોએ અરજી કરેલી છે. જેમાં, અરજદારોનો આક્ષેપ છે કે, આ ભરતીમાં જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારોના પાસ થયાની અંતિમ યાદી બહાર પાડયા પહેલા જ તેમને ફિઝિકલ એફિસિયન્સી ટેસ્ટ અને દસ્તાવેજી ખરાઈ માટે બોલાવવામાં આવી છે.
કાયદો અને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ સામાન્ય રીતે, સૌ પ્રથમ જનરલ કેટેગરીના ઉમેદવારોની અંતિમ યાદી બહાર પડે છે અને પછી અનામત કેટેગરીના ઉમેદવારોની યાદી બહાર પડે છે. જો કે, આ ભરતીમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતીના નિયમ અને અનામત પ્રક્રિયાનુ પાલન કરવામાં આવ્યું નથી. મહત્વનુ છે કે, GAD ભરતીમાં 9713 જગ્યાઓ છે. જેમાં, જનરલની 1578 જગ્યા છે.
ગાંધીનગર: રાજ્ય સરકારે ધોરણ 3થી 8 અને ધોરણ 9 તથા 11ની પરીક્ષા પદ્ધતિમાં ઘરખમ ફેરફાર કર્યો છે. જે પ્રમાણે હવે એપ્રિલ 2020થી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષથી બોર્ડની પરીક્ષા એટલે ધો. 10-12ની જેમ જ ધો. 3થી 8 અને ધો.9,11માં છ માસિક અને વાર્ષક પરીક્ષામાં પ્રશ્નપત્ર કેન્દ્રિય પદ્ધતિથી એટલે કે આખા રાજ્યમાં સમાન પ્રશ્નપત્ર રહેશે. આ સાથે ઉત્તરવહીનું મૂલ્યાંકન શાળાનાં શિક્ષકોને બદલે અન્ય શાળાનાં શિક્ષકો કરશે. જો કે, આ વિદ્યાર્થીઓની પરીક્ષા તો તેમની શાળામાં જ લેવાશે.
પ્રાથમિક,માધ્યમિક,ઉચ્ચત્તરની સ્વનિર્ભર સહિતની તમામ શાળાઓએ ફરજિયાત ગુજરાત સરકાર માન્ય પુસ્તકોમાંથી જ શિક્ષણ આપવાનું રહેશે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે પ્રાથમિક શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું હતું કે, રાજ્યની પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં અભ્યાસ કરતા 1.5 કરોડ વિદ્યાર્થીઓની પરીક્ષા પધ્ધતિમાં સરકારે આગામી નવા શૈક્ષણિક વર્ષથી કર્યો છે. આ પહેલા સરકારે સંચાલકો,શિક્ષકો સાથે બેઠક કર્યા પછી તેમની લેખિત સહમતી લઇને નિર્ણય કર્યો છે.
રાજ્ય સ્તરેથી ધોરણ 3થી 10 ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનાં સમાન પ્રશ્નપત્રો આપવામાં આવશે. જ્યારે ધો-11 અને 12 વિજ્ઞાન પ્રવાહ માટે ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તથા અંગ્રેજી અને સામાન્ય પ્રવાહ માટે અંગ્રેજી, નામાના મૂળ તત્ત્વો, વાણિજ્ય વ્યવસ્થા, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના સમાન પ્રશ્નપત્રો આપવામાં આવશે. જિલ્લાની તમામ પ્રાથમિક સ્કૂલોમાં પેપર છપાવીને મોકલવાની જવાબદારી ડીપીઈઓની રહેશે. જ્યારે ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલમાં ડીપીઈઓ દ્વારા પેપર પૂરા પડાશે, પરંતુ તેનો ખર્ચ સંસ્થાએ આપવાનો રહેશે. જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પણ આ જ રીતે પેપર મોકલવામાં આવશે. જેની જવાબદારી ડીઈઓની રહેશે.
સ્કૂલમાં લેવાનારી એકમ કસોટીનું મૂલ્યાંકન શાળા કક્ષાએ જ કરવાનું રહેશે. જ્યારે પ્રથમ અને દ્વીતિય કસોટીની ઉત્તરવહીઓ ચકાસણી માટે જે તે ક્લસ્ટરની શાળાઓમાં ઉત્તરવહીઓની વહેંચણી કરીને થર્ડ પાર્ટી ચકાસણી કરાવવાની રહેશે. રાજ્યની તમામ સ્કૂલોમાં એકમ કસોટી અને પ્રથમ તથા દ્વીતિય કસોટીનાં ગુણ સર્વ શિક્ષા અભિયાન દ્વારા તૈયાર કરવામાં આવેલા વેબ પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. આમ, વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન મેળવેલા માર્ક શિક્ષણ વિભાગ પાસે પણ સચવાયેલા રહેશે.
મુંબઈ – ડાયમંડ પ્રિન્સેસ નામના એક બ્રિટિશ ક્રૂઝ જહાજ પર કોરોના વાઈરસનો ચેપ લાગુ પડ્યો હોવાની શંકા પરથી એને જાપાનમાં ક્વૉરન્ટીન કરવામાં આવ્યું છે. એમાં સફર કરતા એક ભારતીય મહિલા સુરક્ષા અધિકારીને અલાયદી જગ્યાએ રાખવામાં આવ્યાં છે. એમનો પરિવાર મુંબઈમાં રહે છે અને એણે એક ટીવી ચેનલની મદદથી ભારત સરકારની મદદ માગી છે.
તે ઓફિસરનું નામ સોનાલી ઠાકુર છે. જહાજને ગઈ ત્રીજી ફેબ્રુઆરીએ જાપાનના યોકોહામા શહેરના બંદર ખાતે લાંગરવામાં આવ્યા બાદ એને ક્વૉરન્ટીન કરવામાં આવ્યું હતું અને ગયા સોમવારથી સોનાલી ઠાકુરને અલાયદી જગ્યાએ રાખવામાં આવ્યા છે.
24 વર્ષીય સોનાલીએ એનડીટીવી ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું છે કે કોરોના વાઈરસ બહુ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી અમે ગભરાઈ ગયા છીએ. અમે પણ એનો શિકાર બની શકીએ છીએ. અમને એ લાગુ પડે એવું ઈચ્છતા નથી. અમે ઘેર પાછા ફરવા માગીએ છીએ.
ડાયમંડ પ્રિન્સેસ જહાજ પર 39 જણને કોરોના વાઈરસ લાગુ પડ્યો હોવાનું કહેવાય છે.
સોનાલીએ વધુમાં જણાવ્યું છે કે ભારત સરકાર અમને અહીંથી સ્વદેશ લઈ જાય અને ત્યાં અમને અલગ રાખી જરૂરી ચકાસણી કરે એવું અમે ઈચ્છીએ છીએ. અથવા કંઈ નહીં તો અમારી મદદ માટે કેટલાક મેડિકલ કર્મચારીઓને મોકલે તો સારું. અમે ઘેર જવા માગીએ છીએ.
થોડાક દિવસ પહેલાં, ઉત્તર બંગાળના બિનયકુમાર સરકાર નામના એક પ્રોફેશનલ રસોઈયાએ પણ પોતાને મદદ કરવાની ભારત સરકારને વિનંતી કરવા માટે સોશિયલ મિડિયાનો સહારો લીધો હતો.
સોનાલી ઠાકુરે એનડીટીવીને કહ્યું હતું કે પોતે એની હાલત અંગે મુંબઈમાં એનાં મિત્રો તથા પરિવારને પણ જાણ કરી દીધી છે. એ લોકોને મારા વિશે ખૂબ જ ચિંતા થાય છે. એ લોકો પણ ઈચ્છે છે કે હું ઘેર પાછી આવી જાઉં.
દરમિયાન, ગઈ કાલે ચીનમાં કોરોના વાઈરસને કારણે એક જ દિવસમાં 242 જણ મૃત્યુ પામ્યા હતા અને એ સાથે જ મરણનો આંક વધીને 1,365 પર પહોંચી ગયો છે. 59 હજારથી વધારે લોકોને આ રોગ લાગુ પડ્યો હોવાનું કહેવાય છે.
સરકારે બજેટમાં ટેક્સની ચૂકવણી માટે એક નવો વિકલ્પ આપ્યો છે, જેમાં તમામ કરકપાત અને એક્ઝમ્પ્શનને ખતમ કરવામાં આવ્યા છે. જો તમે ટેક્સનો નવો વિકલ્પ પસંદ કરો છો કો રોકાણ માટે વિવિધ વિકલ્પોને નજરઅંદાજ કરવાની ભૂલ ના કરતા.
નાણાપ્રધાન નિર્મલા સીતારામએ રજૂ કરેલા આવ ખતના બજેટમાં ટેક્સનો એક નવો વિકલ્પ રજૂ કર્યો છે. નવા વિકલ્પમાં ટેક્સના દરો ઓછા થયા છે, પણ કોઈ પણ ટેક્સ કપાત કે કોઈ પણ એક્ઝમ્પ્શનનો લાભ નહીં મળે. વિશ્લેષકોનું કહેવું છે કે બહુ ઓછા ટેક્સ પેયર્સ માટે આ નવા વિકલ્પ લાભદાયી હશે.
ઓછા દરો, પણ કપાત નહીં
ટેક્સના નવો વિકલ્પની પસંદગી એ જ ટેક્સ પેયર્સ કરશે, જેમને બહુ કરકપાત અને ટેક્સ એક્મ્પ્શન ક્લેમ ના કરતા હોય અને ટેક્સ પ્લાનિંગથી બચવા માટે ટેક્સ ભરવા માટે સરળ સાધન પર ધ્યાન કેન્દ્રિત કરશે. હવે જો તમે પણ આવા લોકોમાંના એક છો તો એ વાત યાદ રાખો કે ભલે સેક્શન 80 હેઠળ કપાતનો લાભ નહીં મળે, પણ રોકાણ માટેનાં નીચેનાં સાધનોમાં મૂડીરોકાણને નજરઅંદાજ નહીં કરવા જોઈએ.
જીવન અને આરોગ્ય વીમો
વર્તમાન યુગમાં જીવન વીમા અને આરોગ્ય વીમો બહુ જરૂરી છે, પણ મોટા ભાગના લોકો એને માત્ર ટેક્સ બચાવવાના ઉદ્દેશથી જ એ ખરીદે છે. ટેક્સ આયોજકનું કહેવું છે કે લોકોના આ પ્રકારના વલણમાં બદલાવ આવશે. પ્રત્યેક વ્યક્તિએ જીવન અને આરોગ્ય વીમો ખરીદવો જોઈએ. પછી પ્રીમિયમ પર કરકપાત મળે કે ના મળે.
એનપીએસ
જો લોકો નવો ટેક્સનો વિકલ્પ પસંદ કરે છે તો એનપીએસમાં રોકાણને પણ ઝટકો લાગી શકે છે. હાલમાં આવકવેરા અધિનિયમની કલમ 80CCD (1b) હેઠળ રૂ. 50,000 સુધી વધારાની ટેક્સ રાહત મળે છે. ટેક્સ રાહત સિવાય એનપીએસનો સૌથી મોટો લાભ એ છે કે આમાં રોકાણ કરવાથી કોઈ વધારાનો ચાર્જ નથી લાગતો. આમાં રોકાણ પર ફંડ મેનેજમેન્ટ ચાર્જની મહત્ત્મ મર્યાદા વાર્ષિક 0.01 ટકા છએ. આની તુલનામાં ડેટ ફંડમાં ઓછામાં ઓછો ચાર્જ 10 ગણો વધુ અને ઇન્ડેક્સ મ્યુચ્યુઅલ ફંડમાં 50 ગણો ચાર્જ છે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)
ટેક્સનો નવો વિકલ્પ પસંદ કરવાના ચક્કરમાં પીપીએફને નજરઅંદાજ નહીં કરું જોઈએ, કેમ કે આ રોકાણનું એક સૌથી સારું સાધન છે. પછી ભલે તમે આના પર ચેક્સ રાહતનો લાભ ના લેતા હોવ, પરંતુ તમને એના પર વાર્ષિક રીતે મળનારા વ્યાજ અને મેચ્યોરિટી સમયે મળનારી રકમ ટેક્સ ફ્રી હોય છએ. પીપીએફમાં એક નિશ્ચિત રકમ, ઊંચું વ્યાજ અને સોવેરિન ગેરન્ટીનો લાભ મળતો રહે છે.
સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ (SCSS)
આ પ્રકારે સિનિયર સિટિઝન ભલે જ ટેક્સનો નવો વિકલ્પ પસંદ કરે, પણ સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમમાં રોકાણ બંધ ના કરવું જોઈએ.
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પણ રોકાણનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે, જેમાં છોકરીઓના માતાપિતાએ આ યોજના રોકાણ પર વિચાર કરવો જોઈએ. પછી ભલે એમાં ટેક્સ રાહત ના મળે. SCSS તથા SSY-બેંને સ્કીમો ગેરન્ટેડ રિટર્ન આપે છે અને એમાં બેંન્કોના વ્યાજદરોથી વધુ વ્યાજ મળે છે.
નવી દિલ્હી: હેપ્પી કિસ ડે, વેલેન્ટાઈન વીકમાં 13 ફેબ્રુઆરીએ એટલે કે આજે છે કિસ ડે. કિસ ડેના એક દિવસ પછી આવે છે વેલેન્ટાઈ ડે. વેલેન્ટાઈન ડેના દિવસનો શેરો શાયરી અને પ્રેમનો એકરાર કરવા માટે ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. જો કે શાયરી અને દિવસને કોઈ લેવા દેવા નથી. શાયરી એવરગ્રીન રહે છે અને પ્રેમીઓમાં ઘણી પ્રિય પણ હોય છે. તેમ છતાં પણ જો ઓછા શબ્દોમાં દિલની વાત ઊંડે સુધી વ્યકત કરવી હોય તો ઉર્દૂના મહાન શાયર મિર્ઝા ગાલિબની શાયરીનો કોઈ જવાબ નથી. આજે અહીં તમને જણાવી રહ્યા છીએ કિસ ડે પર મિર્ઝા ગાલિબની લોકપ્રિય શાયરી…
કિસ ડે પર મિર્ઝા ગાલિબની લોકપ્રિય શાયરી…
ઈશ્ક પર જોર નહીં હૈ યે વો આતિશ ‘ગાલિબ’, કિ લગાએ ન લગે ઓર બુઝાએ ન બને
અર્ઝ એ નિયાઝ એ ઈશ્ક કે કાબિલ નહીં રહા, જીસ દિલ પે નાઝ થા મુજે વો દિલ નહીં રહા
આગે આતી થી હાલ એ દિલ પે હંસી, અબ કિસી બાત પર નહીં આતી
આતા હૈ દાગ એ હસરત એ દિલ કા શુમાર યાદ, મુજ સે મિરે ગુનહ કા હિસાબ એ ખુદા ન માંગ
આહ કો ચાહિયે એક ઉમ્ર અસર હોતે તક કૌન જીતા હૈ તેરી ઝૂલ્ફ કે સર હોતે તક
ઈશ્ક ને ગાલિબ નિકમ્મા કર દિયા, વર્ના હમ ભી આદમી થે કામ કે
ઈશ્ક સે તબીઅત ને જીસ્ત કા મજા પાયા, દર્દ કી દવા પાઈ દર્દ એ બે દવા પાયા
મિર્ઝા ગાલિબ ઉપરાંત અન્ય ઉર્દૂ શાયરોની શાયરી
એક ખિલૌના તૂટ જાયેગા નયા મિલ જાયેગા, મેં નહીં તો કોઈ તુજ કો દૂસરા મિલ જાયેગા- અદીમ હાશમી
વડોદરા: વડોદરાથી સાવ અર્ધા કલાકના અંતરે ભિલાપુર પાસે નાનકડું વાયદપુરા ગામ આવેલું છે. એની પ્રાથમિક શાળાના આચાર્ય, શાળાના લગભગ એક વિઘાના ખેતર જેટલી જમીનમાં છેલ્લા ૧૭ વર્ષથી શાકભાજી ઉછેરે છે. એમાં શાળાના અન્ય શિક્ષકો, ગામના ખેડૂતો અને શાળાના બાળકો મદદરૂપ બને છે. આ સંનિષ્ઠ શિક્ષકે અત્યાર સુધી શાળાના આંગણામાં ઉછેરેલી શાકવાડીમાંથી મળેલા ઉત્પાદનનો રેકોર્ડ રાખ્યો છે. તે પ્રમાણે છેલ્લા લગભગ ૧૭ વર્ષમાં એમણે ૮૦૦૦ કિલોગ્રામ એટલે કે ૮૦ ક્વિન્ટલથી વધુ શાકભાજીનું ઉત્પાદન, છોકરાઓને ભણાવતા ભણાવતા મેળવ્યું છે અને છોકરાઓને તમામ પ્રકારના શાકભાજી ઓળખતા અને હોંશે હોંશે ખાતા કરી દીધા છે.
એમની શાળા શાકવાડીમાં છોકરા ધરાઈને ખાય તો પણ વધે એટલું શાક થાય છે. એટલે વધારાનું શાક તેઓ ગામની આંગણવાડીને આપે છે એટલે ભૂલકાઓને પણ પૂરક પોષણનો લાભ મળે છે.
ગામ લોકોને શાળાઓ સાથે લાગણીના સંબંધથી જોડવા માટે રાજ્ય સરકારની તિથિ ભોજન યોજના હેઠળ દર વર્ષે શાળામાં દાતાઓની મદદથી સરેરાશ ૫૦ જેટલાં તિથિ ભોજન યોજે છે. પરિણામે, ગામ લોકો શાળામાં બાળકો સાથે જન્મ દિવસ, લગ્ન તિથિ, સ્વજનોની પુણ્ય તિથિ ઉજવતાં થયાં છે અને બાળકોને વારે તહેવારે મિજબાની માણવા મળે છે.
પ્રધાનમંત્રીએ સહી પોષણ, દેશ રોશનનું સૂત્ર આપ્યું છે. જેને અનુસરીને ગુજરાત સરકારે ગતિશીલ સૂપોષણ અભિયાન આખા રાજયમાં શરૂ કર્યુ છે ત્યારે આ શિક્ષક નરેન્દ્રભાઈનો આ પ્રયોગ એક નવી દિશા દર્શાવે છે. નરેન્દ્રભાઇ એ પોતાની સ્વયમ્ પહેલથી આ પ્રયોગ શરૂ કર્યો હતો જે બાળકોના, શાળામાંથી અપાતા બપોરના ભોજન તો વધુ સૂપોષક બનાવે છે. તેની સાથે આ પ્રયોગથી વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના શાકભાજીના છોડ, વેલાંને ઓળખતા થયા છે અને એમને પર્યાવરણનું વાસ્તવિક શિક્ષણ મળ્યું છે. બાકી હાલ એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે, ખેડૂતોના સંતાનો હવે શહેરવાસી બની ગયાં હોવાથી ફળ, ફૂલ અને શાકભાજીની ઓળખ વિસરાઈ રહી છે.
આકરા ઉનાળાના અણસાર વર્તાઈ રહ્યા છે. તો પણ, હાલની ઘડીએ નરેન્દ્રભાઈની પ્રાથમિક શાળા ખેતરના ખોળે રમતી હોય એવું રળિયામણું દૃશ્ય જોવા મળે છે. અત્યારે તેમની શાળાનું આંગણ રીંગણ, ટામેટા, દૂધી, ગલકા, ફ્લાવર, કોબીજ, ગાજર, મૂળા, બીટ, ધાણા, મરચાં, પાલક, મેથી અને સુવા જેવા ૧૪ પ્રકારના શાકભાજીના વાવેતરથી લીલુંછમ છે. શાકભાજીની આટલી વિવિધતા તો શાકવાળાની દુકાનમાં પણ જોવા મળતી નથી.
શાળાના આંગણમાં શાકભાજીના ઉછેર અને મધ્યાહન ભોજનમાં પીરસાતી વાનગીઓમાં એના સમાવેશથી એક અણધાર્યો ફાયદો થયો છે એવી લાગણી વ્યક્ત કરતાં શિક્ષિકા સુષ્માબહેન ચૌહાણે જણાવ્યું કે, વાલી મિટીંગમાં વાલીઓની હંમેશા ફરિયાદ રહેતી કે બહેન, છોકરાં શાકભાજીને અડતાં જ નથી શું કરીએ? આજે એ જ બાળકો રસપૂર્વક શાકભાજી ખાતાં થઈ ગયાનો વાલીઓ આનંદ વ્યક્ત કરે છે.
એમના સાથી શિક્ષિકા ઇલાબહેન જાદવ કહે છે કે, કિચન ગાર્ડન અને ઔષધ બાગના ઉછેરને લીધે વનસ્પતિઓને વિદ્યાર્થીઓ ઓળખતા થયા છે, એમાંથી કેવી-કેવી વાનગીઓ બનાવી શકાય એ જાણે છે અને વનસ્પતિની ઉપયોગિતા જાણે છે. આમ, આ પ્રયોગથી વિદ્યાર્થીઓને નક્કર પ્રકૃતિ શિક્ષણ મળ્યું છે.
ઇકો કલબની પ્રવૃત્તિના ભાગરૂપે શાળાના આંગણમાં અને વાડની ગરજ સારતી પ્રાંગણ દીવાલને અડીને ઔષધીય બાગ ઉછેર્યો છે જેમાં લીમડો, મીઠો લીમડો, કુંવાર પાઠું, પાન ફૂટી, આમળા, લીંબુ, સેવન, કદમ, ફુદીનો, અજમો, નીલગીરી, જામફળ, જાસૂદ, સિંદુરી અને બદામના ઔષધીય અને વિવિધ રીતે ઉપયોગી વૃક્ષો લહેરાઈ રહ્યા છે.
હું અહી મુકાયો ત્યારે શાળાનું જૂનું, નળિયા વાળું મકાન અને આસપાસ વિશાળ ખુલ્લી જગ્યા હતી એ યાદોંને વાગોળતા નરેન્દ્રભાઇ એ જણાવ્યું કે, એ જમીન પુષ્કળ ઝાડી ઝાંખરા ઉગતા અને બાળકોને સાપ જેવા સરીસૃપોનો ભય રહેતો. વાયદપુરા ખેતીવાડી વાળું ગામ છે. ઉત્સાહી ગ્રામજનોનો સહયોગ મળ્યો. જમીન સમતળ કરી અને શાકવાડી ઉછેરવાનું શરૂ કર્યુ. આજે પણ ગામલોકો ચોમાસાની શરૂઆતમાં પોતાના ટ્રેકટરથી ખેડ કરી આપે છે. બિયારણ પણ આપે અને કેટલુંક બિયારણ હું સ્વખર્ચે લાવું, ઇકો કલબના ભંડોળમાંથી ખરીદું અને એ રીતે મારો પ્રયોગ આગળ વધે છે.
હાલમાં જ એક દાતા નવીનભાઈની મદદથી શાળાનો બોર પુનર્જીવિત કર્યો છે એટલે હવે ઉનાળામાં પણ શાકભાજી ઉછેરી શકાશે. બાળકોને શાકભાજી સીધેસીધા ખાવા પસંદ નથી આવતા.એટલે તેઓ દૂધીને છીણીને ખીચડીમાં નાંખવી, દૂધીના મૂઠિયાં, ઢેબરાં બનાવવા, ઉંધીયું બનાવવું, ગામની ડેરીમાંથી દૂધ મેળવી દૂધી કે ગાજરનો હલવો બનાવવો, પાલકના પાન મોટા થવા દઈ પાલકના પાત્રા બનાવવા જેવા અવનવા વાનગી પ્રયોગો કરે છે જેનાથી બાળકોમાં શાકભાજી ખાવાની અભિરુચિ કેળવાઈ છે. છાણીયું ખાતર વાપરે છે એટલે બાળકોને સાત્વિક શાકભાજી ખાવા મળે છે. વાનગીઓમાં શાકભાજીના ઉપયોગના પ્રયોગો કરતાં તેઓ જાતે સારા રસોયા બની ગયા છે અને પાલક પનીર જેવી ખાસ વાનગીઓ જાતે જ રાંધે છે. શિક્ષણની પૂરતી કાળજી લઈ સાથી શિક્ષકોની મદદ અને ગ્રામવાસી ખેડૂતોના સહયોગથી તેઓ આ પ્રવૃત્તિ, આત્મ આનંદ માટે સ્વૈચ્છિક રીતે કરે છે અને જાણ્યે અજાણ્યે રાજય સરકારના પોષણ અભિયાનને વેગ આપી રહ્યા છે.
એમની શાળામાં મોટાભાગના બાળકો એસ.સી.અને એસ.ટી.સમુદાયના, એકદમ ગરીબ, ખેત મજૂર કે અન્ય પ્રકારની મજૂરી કરનારા પરિવારોના છે. આ પરિવારોના વંચિત બાળકો વિવિધ પ્રકારની શાકભાજી આ વાડીને લીધે ખાઈ શકે છે એનો એમને આનંદ છે.
કદાચ એમની કામગીરીની પૂરતી નોંધ લેવાઈ નથી એટલે એમને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો નથી. જો કે આ શાળામાં ભણી ને હવે પોતાના જીવનમાં સ્થિર થયેલા પૂર્વ વિદ્યાર્થીઓ શાળામાં આવે ત્યારે કહે છે કે સાહેબ,તમે ખવડાવ્યા એ શાકભાજી અને વાનગીઓ આજે પણ યાદ આવે છે અને ત્યારે એમને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળી ગયાનો આનંદ થાય છે.
એક સમયે મંગળ ગ્રહ આપણી ધરતી પર રહેલાં આર્કટિક મહાસાગર કરતાં પણ વધુ મોટો દરિયો ધરાવતો હતો! તેમજ નદી અને તળાવનું પણ ત્યાં અસ્તિત્વ હતું!
મંગળની કલ્પનાત્મક તસવીર પ્રમાણે (જમણે) વર્ષો અગાઉ મંગળ પર વહેતું પાણી તેમજ ગાઢ વાતાવરણ હોવું જોઈએ! મંગળની વર્તમાન તસવીરમાં (ડાબે) સૂકું તેમજ ઠંડું વાતાવરણ દેખાઈ રહ્યું છે.
જો કે, મંગળ ગ્રહ અત્યારે વર્તમાન સમયમાં અત્યંત સૂકો અને ઠંડો રણ પ્રદેશ ધરાવે છે! મંગળની જમીન પર સૂકી થઈ ગયેલી નદીની કોતરો તેમજ સરોવરોની સૂકી જમીન જોવા મળી છે. આ કોતરો તેમજ સૂકી જમીન પરથી વહી રહેલાં પવનનો અભ્યાસ એવું સૂચવે છે કે, અબજો વર્ષ પહેલાં મંગળ ગ્રહ પર પાણી હતું! જેમાંથી 10% જેટલું પાણી મંગળ ગ્રહના ધ્રુવીય પ્રદેશની સપાટી પર જામી ગયેલું છે.
કયા કારણે મંગળ ગ્રહ વિશાળ રણપ્રદેશમાં ફેરવાઈ ગયો?
અગાઉના સંશોધનથી એવો સંકેત મળ્યો કે, મંગળ ગ્રહ પર ઉપસ્થિત પાણી અવકાશમાં અલોપ થઈ ગયું છે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગને કારણે મંગળ પરના વાતાવરણમાંથી પાણીનું વિઘટન ઓક્સિજન તેમજ હાઈડ્રોજનમાં થઈ ગયું, તેમજ મંગળનું ગુરૂત્વાકર્ષણ બળ ઓછું હોવાથી એટલે કે, પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ બળની તુલનામાં ફક્ત 40% હોવાથી અને હાઈડ્રોજન વાયુ હલકા વજનનો ગુણધર્મ ધરાવતો હોવાથી, તેની ગતિ અવકાશ તરફ થઈ ગઈ.
અમેરિકાની અવકાશ સંશોધન સમિતિ ‘નાસા’એ એના ‘મેવેન’ સ્પેસક્રાફ્ટ દ્વારા (MAVEN – Mars Atmosphere and Volatile Environment spacecraft) મંગળ પર અદ્રશ્ય થયેલાં વાતાવરણ તેમજ પાણી વિશે એક મહત્વનું સંશોધન કર્યું છે.
જેમ પૃથ્વીના ધ્રુવીય પ્રદેશોમાં રાત્રિના સમયે આકાશમાં રંગબેરંગી લાઈટ્સ ઝળકે છે, જેને ‘પ્રોટોન ઓરોરા’ કહે છે. આ લાઈટ્સ ‘નોર્ધન લાઈટ્સ’ તેમજ ‘સધર્ન લાઈટ્સ’ તરીકે પણ ઓળખાય છે. આ ‘પ્રોટોન ઓરોરા’ મંગળ ઉપર પણ ઝળકે છે, એવું વર્ષ 2016માં ‘મેવેન’ દ્વારા સંશોધન થયું.
મંગળ પર ઝળકનારી આ લાઈટ્સ દિવસ દરમ્યાન જ જોવા મળે છે. વળી, આ લાઈટ્સ અલ્ટ્રાવાયલેટ (પારજાંબલી) પ્રકાશ પણ ફેંકે છે. આ અલ્ટ્રાવાયલેટ પ્રકાશ માનવ આંખો જોઈ નથી શકતી. પણ ‘મેવેન’ પર લાગેલા સાધન ‘આઈયુવીએસ’ (Imaging UltraViolet Spectrograph)માં આ લાઈટ્સ ઝીલાઈ ગઈ. જેથી તેના અસ્તિત્વની જાણ થઈ.
યુએસની એમ્બ્રી-રીડલ એરોનોટિકલ યુનિવર્સિટીના એન્ડ્રીઆ હ્યુઝ જણાવે છે કે, ‘મેવેન/આઈયુવીએસ તરફથી મળેલાં આ ડેટાના સંશોધન થકી એક બાબત સામે આવી છે કે, મંગળ ઉપર જેમ જેમ પ્રોટોન ઓરોરાના અસ્તિત્વ તેમજ તીવ્રતામાં વધારો થતો ગયો, તેમ તેમ મંગળ પરનું વાતાવરણ ઘટતું ગયું‘
કોલોરાડો બોલ્ડર યુનિવર્સિટીના પ્લેનેટરી વૈજ્ઞાનિક માઈક ચાફિન કહે છે, ‘સંશોધકોને અંદાજ એમ હતો કે, મંગળ ઉપર પ્રોટોન ઓરોરા ભાગ્યે જ બનતાં હશે. પણ નવા સંશોધનથી જણાયું છે કે, ગ્રહના દક્ષિણ ભાગના ઉનાળામાં દિવસ દરમ્યાન આ ઘટના અવારનવાર બનતી હોય છે.’
આ પરથી એક વાતનું સમર્થન થયું કે, મંગળ પર સૂકી થઈ ગયેલી જમીન પરની ધૂળની રજકણો તેમજ ઉનાળાને કારણે વધતી ગરમીને કારણે પાણીનું બાષ્પમાં રૂપાંતર થવું. તેમજ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગને કારણે એનું ઓક્સિજન તેમજ હાઈડ્રોજનમાં વિભાજન થઈ જવું એ નિયમિત પ્રક્રિયા છે. આ હાઈડ્રોજનના ઘન વાદળા વાતાવરણમાં બનતાં રહે છે. આમ, પ્રોટોન ઓરોરાનું નિર્માણ સતત થતું હોવાને કારણે મંગળની જમીન તેમજ વાતાવરણમાં પાણી ઘટવાની પ્રક્રિયા પણ ચાલી જ રહી છે.
એમ્બ્રી–રીડલ એરોનોટિકલ યુનિવર્સિટીના એન્ડ્રીઆ હ્યુઝ વળી કહે છે, ‘જે દિવસે આંતરગ્રહીય સહેલગાહ યાત્રાઓ શક્ય બનશે. ત્યારે મંગળ ગ્રહના દક્ષિણે ઉનાળાના સમયે સહેલાણીઓ આવીને મંગળ પરની રંગબેરંગી લાઈટ્સ (પ્રોટોન ઓરોરા)ને પહેલી હરોળમાં બેસીને દિવસ દરમ્યાન પણ નિહાળી શકશે! અલબત્ત, અલ્ટ્રાવાયોલેટ-સેન્સિટીવ ગોગલ્સ પહેરીને જ વળી!’