જાપાનમાં જહાજ પર કોરોનાનો શિકાર: મુંબઈનાં રહેવાસી મહિલાએ ભારત સરકારની મદદ માગી

મુંબઈ – ડાયમંડ પ્રિન્સેસ નામના એક બ્રિટિશ ક્રૂઝ જહાજ પર કોરોના વાઈરસનો ચેપ લાગુ પડ્યો હોવાની શંકા પરથી એને જાપાનમાં ક્વૉરન્ટીન કરવામાં આવ્યું છે. એમાં સફર કરતા એક ભારતીય મહિલા સુરક્ષા અધિકારીને અલાયદી જગ્યાએ રાખવામાં આવ્યાં છે. એમનો પરિવાર મુંબઈમાં રહે છે અને એણે એક ટીવી ચેનલની મદદથી ભારત સરકારની મદદ માગી છે.

તે ઓફિસરનું નામ સોનાલી ઠાકુર છે. જહાજને ગઈ ત્રીજી ફેબ્રુઆરીએ જાપાનના યોકોહામા શહેરના બંદર ખાતે લાંગરવામાં આવ્યા બાદ એને ક્વૉરન્ટીન કરવામાં આવ્યું હતું અને ગયા સોમવારથી સોનાલી ઠાકુરને અલાયદી જગ્યાએ રાખવામાં આવ્યા છે.

24 વર્ષીય સોનાલીએ એનડીટીવી ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું છે કે કોરોના વાઈરસ બહુ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી અમે ગભરાઈ ગયા છીએ. અમે પણ એનો શિકાર બની શકીએ છીએ. અમને એ લાગુ પડે એવું ઈચ્છતા નથી. અમે ઘેર પાછા ફરવા માગીએ છીએ.

ડાયમંડ પ્રિન્સેસ જહાજ પર 39 જણને કોરોના વાઈરસ લાગુ પડ્યો હોવાનું કહેવાય છે.

સોનાલીએ વધુમાં જણાવ્યું છે કે ભારત સરકાર અમને અહીંથી સ્વદેશ લઈ જાય અને ત્યાં અમને અલગ રાખી જરૂરી ચકાસણી કરે એવું અમે ઈચ્છીએ છીએ. અથવા કંઈ નહીં તો અમારી મદદ માટે કેટલાક મેડિકલ કર્મચારીઓને મોકલે તો સારું. અમે ઘેર જવા માગીએ છીએ.

થોડાક દિવસ પહેલાં, ઉત્તર બંગાળના બિનયકુમાર સરકાર નામના એક પ્રોફેશનલ રસોઈયાએ પણ પોતાને મદદ કરવાની ભારત સરકારને વિનંતી કરવા માટે સોશિયલ મિડિયાનો સહારો લીધો હતો.

સોનાલી ઠાકુરે એનડીટીવીને કહ્યું હતું કે પોતે એની હાલત અંગે મુંબઈમાં એનાં મિત્રો તથા પરિવારને પણ જાણ કરી દીધી છે. એ લોકોને મારા વિશે ખૂબ જ ચિંતા થાય છે. એ લોકો પણ ઈચ્છે છે કે હું ઘેર પાછી આવી જાઉં.

દરમિયાન, ગઈ કાલે ચીનમાં કોરોના વાઈરસને કારણે એક જ દિવસમાં 242 જણ મૃત્યુ પામ્યા હતા અને એ સાથે જ મરણનો આંક વધીને 1,365 પર પહોંચી ગયો છે. 59 હજારથી વધારે લોકોને આ રોગ લાગુ પડ્યો હોવાનું કહેવાય છે.