UP : ભાજપના વધુ એક ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ

લખનૌઃ ભાજપના ભદોહી વિધાનસભા વિસ્તારથી વિધાનસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠી સહિત તેમના પરિવારના છ લોકો પર એક મહિલાએ મહિનાઓ સુધી બળાત્કાર કરવાનો આરોપ મૂક્યો છે.

એસપીએ આ પૂરા મામલાની તપાસ એડિશનલ એસપીને સોંપી છે. તપાસ અહેવાલ 15 દિવસમાં આવશે. વિધાનસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠીએ આને રાજકારણનું ષડયંત્ર અને ખોટા આરોપ કરવાનો મામલો બતાવ્યો છે. જ્યારે પીડિતાનું કહ્યું છે કે પ્રથમ ભાજપના વિધાનસભ્યના ભત્રીજા સંદીપ તિવારી લગ્ન કરવાનું વચન આપીને તેની પર મહિનાઓ સુધી દુષ્કર્મ આચરતો રહ્યો  હતો. એ પછી વિધાનસભ્ય સહિત તેમના પરિવારના અન્ય લોકો પણ તેના પર બળાત્કાર કર્યો હતો.

લગ્નની લાલચે છ વર્ષ સુધી શારીરિક શોષણ

પીડિત મહિલાનું કહેવું છે કે સ્થાનિક વિધાનસભ્યના ભત્રીજા સંદીપ તિવારીએ મને લગ્ન કરવાનું વચન આપીને છ વર્ષ સુધી મારું શોષણ કર્યું. જ્યારે મેં લગ્ન કરવાનું દબાણ કર્યું ત્યારે મને બહુ હેરાન કરી અને જ્યારે તેમણે ના પાડી ત્યારે મારી ફરિયાદ કરવાનો નિર્ણય લેવો પડ્યો. આ મહિલા મુંબઈની રહેવાસી છે. તેના જણાવ્યા પ્રમાણે સંદીપ તિવારીને ટ્રેનમાં મળી હતી. સંદીપે તેની લગ્નની લાલચ આપીને તેનું શારીરિક શોષણ કર્યું હતું. એ પછી વિધાનસભ્ય સહિત તેમની નજીકના સાથીઓએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. આ મહિલા પીડિતએ જણાવ્યું હતું કે વર્ષ 2017માં જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી હતી.ત્યારે સંદીપ તેને અહીં લઈ આવ્યો અને તેને ગ્લોરી હોટેલમાં રાખી હતી. ત્યાં મહિલા પર રવિન્દ્રનાથ ત્રિપાઠી, ચંદ્રભૂષણ ત્રિપાઠી, દીપક તિવારી, નીતીશ તિવારી અને પ્રકાશ તિવારી – આ બધા લોકો એક દિવસ છોડીને એક દિવસ આવતા હતા અને તેની પર બળાત્કાર કરતા હતા.

આ મામલે ભાજપના વિધાનસભ્ય રવીન્દ્ર ત્રિપાઠીનું કહેવું છે કે જે કાંઈ પુરાવા છે એ બહાર આવવા જોઈએ અને જો આરોપો સાચા સાબિત થાય તો હું અને મારો પરિવાર ફાંસીએ ચઢવા તૈયાર રહીશું.