મુંબઈઃ ભારતની મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પોતાના જીવનની સ્ટોરીને રંગીન પડદે લાવવા માટે ઉત્સાહિત છે. અત્યારે તે આના માટે ફિલ્મ ડિરેક્ટરો સાથે વાત કરી રહી છે. ગત વર્ષે એ જાહેરાત કરવામાં આવી હતી કે યુગલમાં ગ્રૈંડ સ્લેમ ખિતાબ જીતનારી એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી સાનિયાએ રોની સ્ક્રૂવાલાની આરએસવીપી મૂવિઝની સાથે કરાર કર્યા છે. પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલીક સાથે લગ્ન કરનારી સાનિયાએ ફિલ્મ વિશે કહ્યું કે, મને ડિરેક્ટરો સાથે કેટલીક મીટિંગ કરવાની હતી એટલા માટે હું મુંબઈમાં હતી. સાનિયાએ કહ્યું કે, હું જીવન હંમેશા મારી શરતો પર જીવી છું. સાનિયા મિર્ઝાએ કહ્યું કે, જેણે મારા કરિયરને જોયું છે, તે લોકો જાણે છે કે મેં ખુલીને મારી ભાવનાઓ વ્યક્ત કરી છે. હું ક્યારેય ડરી નથી, મારા માટે મારા જીવનની સ્ટોરી કહેવી અને લોકો તેને જોવે તે રોમાંચક હશે. 33 વર્ષિય સાનિયાનું માનવું છે કે એથ્લીટ ફિલ્મનો સારો વિષય બને છે, કારણ કે લોકો તેમના સંઘર્ષ અને કઠોર પરિશ્રમ સાથે જોડાઈ શકે છે. તેમણે કહ્યું કે, એક એથ્લીટ બનવામાં જે મહેનત લાગે છે તેની સાથે ઘણા લોકો અલગ-અલગ રીતે જોડાઈ શકે છે. આપણે બધા મહેનત કરીએ છીએ પરંતુ જ્યારે તમે કોઈ ગેમ રમો છો ત્યારે આપ હકીકતમાં પરસેવો પાડો છે. દરેક લોકો ચેમ્પિયનને પ્રેમ કરે છે.
સાનિયાએ કહ્યું કે, મારા સહિત ઘણા પ્લેયર સામાન્ય પરિવારમાંથી આવે છે. કંઈ જ ન હોવાથી લઈને ચેમ્પિયન બનવા અને પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવા સુધીના અમારા જીવનમાં ખૂબ સંઘર્ષ હોય છે. સાનિયાએ જણાવ્યું કે, સમાજની એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવાના કારણે મને લાગે છે કે, મારી જવાબદારી સમાજમાં સારુ યોગદાન આપવાની અને લોકોની મદદ કરવાની છે.
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીનો સપથ ગ્રહણ સમારોહ 16 ફેબ્રુઆરીએ યોજાશે. આ સમારોહમાં હાજર રહેવા વડાપ્રધાન મોદીને પણ પાર્ટી તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે, અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે સતત ત્રીજી વખત શપથ લેશે. જો કે પીએમ મોદી આ શપથ સમારોહમાં હાજરી આપશે કે નહીં એ અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.
ઉલ્લેખનીય છે કે, 16 ફેબ્રુઆરીએ કેજરીવાલ પોતાના મંત્રીમંડળની સાથે શપથ લેશે. ગત વખતની જેમ આ વખતે પણ શપથ ગ્રહણ રામલીલા મેદાનમાં યોજાશે. શપથગ્રહણ સમારોહ પહેલા અરવિંદ કેજરીવાલે તમામ ચૂંટાયેલા ધારાસભ્યો સાથે એક બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલ પોતાની કેબિનેટમાં કોઇ બદલાવ નહીં કરે. એટલે કેજરીવાલ 3.0માં પણ તમામ જૂના મંત્રીઓ ફરીવાર શપથ લે તેવી શક્યતા છે.
નવી દિલ્હીઃ મોંઘવારી મોરચે જાન્યુઆરીના જથ્થાબંધ ફુગાવાનો દર સરકારને ચિંતિત કરનારો છે. જાન્યુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી દર 3.1 ટકા આવ્યો છે, જે આઠ મહિનામાં સૌથી વધુ છે. ડિસેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર 2.59 ટકા હતો. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ ડુંગળી અને બટાટા જેવા શાકભાજીની કિંમતો વધવાથી મોંઘવારીમાં વધારો થયો છે. જાન્યુઆરી, 2019માં જથ્થાબંધ મોંઘવારીનો દર 2.76 ટકા હતો. વેપાર અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરવામાં આંકડા મુજબ બિન ખાદ્યપદાર્થોની કિંમતો ડિસેમ્બરના 2.32 ટકાથી આશેર ત્રણ ગણી વધીને 7.8 ટકા થઈ હતી. આ સમયગાળામાં ડુંગળીની કિંમતો 293 ટકા વધી હતી, જ્યારે બટાટાની કિંમતોમાં 37.34 ટકા વધી હતી.ડુંગળી-બટાટાની કિંમતો આસમાને
વર્ષ 2020ના જાન્યુઆરીમાં બટાટા અને ડુંગળીની જથ્થાબંધ કિંમતોમાં મોટો વધારો થયો હતો. પાછલા મહિને બટાટાની જથ્થાબંધ કિંમતોમાં 87.84 ટકાનો વધારો થયો હતો, જ્યારે ડુંગળીની કિંમતોમાં 293.37 ટકાનો વધારો થયો હતો. પાછલા મહિને ફ્યુઅલ અને પાવર ક્ષેત્રની કિંમતોમાં 3.42 ટકાનો વધારો થયો હતો.
રિટેલ મોંઘવારી છ મહિનાની ટોચે
આ સપ્તાહના પ્રારંભે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત ફુગાવાનો દર જાન્યુઆરીમાં છ મહિનાના મહત્તમ 7.59 ટકાની નજીક પહોંચ્યો હતો. શાકભાજી અને ખાદ્ય પદાર્થોની ચીજવસ્તુઓમાં વધારાને કારણે રિટેલ ફુગાવાનો દર વધ્યો હતો. મે, 2014 પછી રિટેલ ફુગાવાનો દર આટલો ઊંચો નોંધાયો હતો. ત્યારે એ 8.33ના સ્તરે હતો.
બાલિકા, વિદ્યાર્થિની, ઘરકૂકડી, વિશ્વસુંદરી, ધાર્મિક વ્યક્તિ…
પ્રિયંકાનાં અનેક રૂપ પર એક નજર…
(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે દીપોત્સવી ૨૦૦૪ અંકનો)
અંદાઝ, પ્લાન, હીરો, અસંભવ અને મુઝસે શાદી કરોગી જેવી ફિલ્મો દ્વારા ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવનાર પ્રિયંકા એક વ્યક્તિ તરીકે કેવી છે? ચાલો જાણીએ એકડે એકથી…
બાળપણની પ્રિયંકા: બચપણમાં મારાં કેટલાયે નામ હતા.
મારું અસલી નામ પ્રિયંકા ચોપરા છે. પરંતુ ઘરમાં મારું પેટ નેમ હતું મિઠૂ. પરંતુ મને મિમિ કહીને બોલાવતા. મારા ફ્રેન્ચ અભિનેત્રી મિમિની એક ફિલ્મ જોયેલી. બસ ત્યારથી મને મિમિ સંબોધવાનું શ‚ કરી દીધેલું. નાની ઉંમરે મને મિઠૂ બોલવામાં તકલીફ થતી. તેથી હું મારું નામ મિમિ જ કહેતી સ્કૂલમાં સનશાઈનને નામ જાણીતી હતી. મિમિ નામ મારું પ્રિય હતું છતાં સ્કૂલના પાઠ્યપુસ્તકોમાં મારું નામ પ્રિયંકા ઉર્ફ સનશાઈન રહેતું. હું બરેલીની વતની છું. ત્યા અમારો વિશાળ પરિવાર હતો. સિવાય ઘરના બધા જ ખૂબ ચાહતા. મારી દાદી અને નાનીનો તો હું આજેય પ્યારી પૌત્રી અને દોહિત્રી છું. પિતા અશોક ચોપરા એક સમયે ફોજમાં લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો ભોગવતા. આજે તેઓ નિવૃત્ત થઈ ચૂક્યાં છે. મમ્મી મધુ ચોપરા સફળ ડૉક્ટર છે. જો કે બચપણમાં અભાવનો પણ મુકાબલો કરવો પડેલો, પણ જો બીત ગઈ સો બાત ગઈ.
વિદ્યાર્થિની: હોશિયાર પણ તોફાની
હું ભણવાગણવાની બાબતમાં ખાસ્સી હોશિયાર હતી પણ હતી ભારે તોફાની. જ્યાં સુધી પરીક્ષા ન આવે ત્યાં સુધી ભણવાનું નામનિશાન નહીં. ભણવામાં હોશિયાર છતાં મેં ઓછો માર નથી ખાધો. સ્કૂલમાં એક વાર પરીક્ષા પૂરી થવા આવેલી. બધા પેપર્સ સારા ગયેલા. જ્યોગ્રાફીનું પેપર બાકી હતું. તમને ખબર જ હશે કે જ્યોગ્રાફી કેટલી બૉરિંગ છે. બરાબર યાદ નથી પણ ત્યારે શાહ‚ખ ખાનની ડર કે બાઝીગર ચાલતી હતી. મન ફિલ્મ જોવા લલચાઈ ઉઠ્યું. વધુ વિચાર્યા વિના ફિલ્મ જોવા જતી રહી. ઘરે આવ્યા પછી ખૂબ માર ખાધો. સૌને ગુસ્સો એક જ વાતનો હતો કે બીજે દિવસે જ્યોગ્રાફી જેવું હાર્ડ પેપર હતું છતાં હું મોજથી ફિલ્મ જોઈ આવી. બારમીમાં પંચ્યાસી ટકા આવ્યા. હું કમ્પ્યુટર એન્જિનિયર બનવા ચાહતી હતી. પણ નસીબમાં કોઈ ઓર જ લખાયેલું.
વિશ્ર્વસુંદરી પ્રિયંકા: પરીકથા સમાન હતું વિશ્ર્વસુંદરી બનવું
ત્યારે હું મારી કોઈ એક્ઝામની તૈયારીમાં મશગૂલ હતી. હું જાણતી હતી કે મારા નાના ભાઈ સિદ્ધાર્થ અને મમ્મીએ ફેમિના મિસ ઈન્ડિયા માટે મારી કેટલીક તસવીરો મોકલી છે. પણ હું ક્યાંથી સિલેક્ટ થવાની હતી અને ધારો કે થઈ હોત તો યે દાદા-દાદીનો ક્રોધ કોણ બર્દાશ્ત કરે! તેઓ જૂનવાણી પરંપરાના છે. તો ખેર ફોટોગ્રાફ્સ મોકલ્યાની વાત ભૂલાઈ ગઈ. ત્યાં એક દિવસે ફોન આવ્યો કે હું ફૅમિના મિસ ઈન્ડિયા સ્પર્ધા માટે ચૂંટાઈ છું. ત્રણ દિવસ માટે દિલ્હી બોલાવવામાં આવી. સ્વિમિંગ કૉસ્યૂમ અને ઊંચી એડીના જૂતા સાથે. ત્યાં જઈને ડાન્સ કરીને બ્યૂટિ કૉન્ટેસ્ટ માટે ચૂંટાઈ તો આવી પણ મેં હાઈ હિલ શૂઝ કે સ્વિમિંગ સ્યૂટ ક્યારેય પહેર્યો નહોતો અને મેકઅપ કે આઈ લેશીઝ લગાડી નહોતી. કૉન્ટેસ્ટમાં મને ખૂબ તકલીફ નડી. બીજી સ્પર્ધકોની માફક મને કેટવૉક નહોતી આવડતી. સાડી પહેરવા બેકસ્ટેજના કેટલાયે હેલ્પરોની જ‚ર પડતી. જો કે મિસ ઈન્ડિયા કૉન્ટેસ્ટના ગ્રૂમિંગ દરમિયાન હું ઘણું બધું શીખી ગઈ. ભારત સુંદરી બની ત્યારે આત્મવિશ્ર્વાસ વધ્યો અને વિશ્ર્વ સુંદરી બની એ દિવસ તો જિંદગીનો સૌથી મહત્ત્વનો હતો. પરંતુ એ ખૂબસૂરત અહેસાસને માણી ન શકી. બે દિવસ મારા પરિવારને મળી સુદ્ધાં નહોતી. અમારે તાબડતોબ જર્મની જવાનું હતું. ખુશીને હું કોની સાથે વહેંચું? મને ભારે અકળામણ થયેલી.
મારું ઘર છે સ્વર્ગથી સુંદર
જો કોઈ મને પૂછે કે દુનિયામાં સ્વર્ગ ક્યાં છે તો હું એ જ કહીશ કે મારું ઘર જ મારું સ્વર્ગ છે. હું પાકી ઘરકુકડી છું તેથી જ વર્ષના ૩૬૫ દિવસોમાં ઘરવાળા સાથે માત્ર થોડા જ દિવસો વીતાવી શકું છું એ વાતથી વ્યથિત થાઉં છું. અને ભાઈ સિદ્ધાર્થ સાથે જ નહીં બલકે સમગ્ર પરિવાર સાથે ઊંડાણપૂર્વક સંકળાઈ છું. સિદ્ધાર્થ મારી આંખોનો તારો છે. જો કે બચપણથી જ પુષ્કળ લડાઈ-ઝઘડા થતા રહે છે. પણ જેમ જેમ મોટી થતી ગઈ, બહેનની જવાબદારી સમજાવા માંડી. મને યાદ છે જ્યારે હું સાત વર્ષની હતી ત્યારે સિદ્ધાર્થ જન્મ્યો હતો. સ્કૂલમાં ભણતા ભાઈના ભણતરમાં ખૂબ ધ્યાન આપું છું. એના પ્રોજેક્ટસમાં મદદ કરું છું. તમે જાણો છો હું મારી ખૂબ ડરું છું. તેઓ બન્ને જૂનવાણી છે. અંદાઝનું મારું કામ જોઈને બન્ને ગુસ્સે થયા હતા. હું મનાલીના ૪૦ દિવસના આઉટડૉર શેડ્યુલ પર હતી. અંબાલા, ચંડીગઢથી મારું પૂરું ખાનદાન મળવા આવેલું. એ આઉટડૉર યાદગાર રહેશે. અમે એક બંગલો જ ભાડેથી લીધેલો. આખો પરિવાર સાથે હતો. કામ સાથે ધમાલ-મસ્તી પણ પુષ્કળ કરી. મને લાગે છે કે ભલેને કોઈ ગમે તેટલાં નામ-દામ મેળવી લે પરંતુ પોતાની જડો સાથે વળગી રહેવાથી જ મજબૂત રહી શકે છે.
શિવજીના દર્શનથી આત્મિક શાંતિ મળે છે.
અમારા ઘરમાં મિશ્ર સંસ્કૃતિઓનો પ્રભાવ રહ્યો છે. મારું મોસાળ કેરળનું છે. નાના કાશ્મીરના છે. હું લાંબો સમય બરેલીમાં રહી છું. પિતાજી પંજાબી છે. એક સ્વજન ક્રિશ્ર્ચિયન પણ છે. એટલે અમારા ઘરને મિની ઈન્ડિયા કહેવામાં આવે તો લેશમાત્ર અતિશયોક્તિ નહીં ગણાય. તેથી જ અમારે ત્યાં દરેક ધર્મનો આદર થાય છે. સર્વે ધર્મોનું પાલન થાય છે. અમારે ત્યાં નવરાત્રિ ધૂમધામથી ઉજવાય છે. દિવાળી પર ઘરમાં રોનક ફેલાય છે. રાનીખેતમાં હેડા ખાન નામનો એક આશ્રમ છે જ્યાં શિવજીનું મંદિર છે. શિવાજીની અનન્ય પૂજા થાય છે. હું વર્ષમાં એક-બે વાર પરિવાર સાથે અચૂક જાઉં છું. અને શિવજીના દર્શન કરું છું. મને ખૂબ આત્મિક શાંતિ મળે.
નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલાની પહેલી વરસી પર દેશ શહીદ જવાનોને યાદ કરી રહ્યો છે. આ મુદ્દે પણ રાજનીતિ શરુ થઈ ગઈ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પુલવામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી, તેની સાથે જોડાયેલાં કેટલાંક સવાલો પૂછ્યાં છે.
નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ ટવિટ કરી પુલવામા હુમલાને લઇને ત્રણ સવાલ પૂછ્યાં છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લખ્યું છે કે આજે જ્યારે આપણે પુલાવામાના 40 શહીદ જવાનોને યાદ કરીએ છીએ ત્યારે પૂછવું જોઇએ કે….
પુલવામા આતંકી હુમલાથી સૌથી વધારે ફાયદો કોને થયો?
પુલવામા આતંકી હુમલાને લઇને કરવામાં આવેલી તપાસમાં સામે શું આવ્યું ?
સુરક્ષામાં થયેલી ચૂક માટે મોદી સરકારમાં કોની જવાબદારી ગણવી?
રાહુલ બાબાના આ સવાલથી ભાજપે અને રાહુલ ગાંધી વચ્ચે સોશિયલ મીડિયા પર ફાઈટ શરુ થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ રાહુલ ગાંધીના ટ્વીટનો જવાબ આપતા કહ્યું કે, શું કોંગ્રેસના શાસનમાં કદી સર્જીકલ સ્ટ્રાઈક કે એરસ્ટ્રાઈક થઈ છે? પ્રથમ વખત પાકિસ્તાન આપણાથી ડરી રહ્યું છે. રાહુલ ગાંધીએ આ મુદ્દે સવાલો પૂછીને સુરક્ષાદળોનું અપમાન કર્યું છે.
પુલવામાં હુમલાની તપાસ અંગે જમ્મુ-કશ્મીર ઝોનના સ્પેશિયલ સીઆરપીએફ ડીજી ઝુલ્ફિકાર હસને કહ્યું કે, રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા આ મામલે તપાસ ચાલી રહી છે. અમે શહીદોના પરિવારની દેખભાળનો પૂરતો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને જે લોકોએ આ ષડયંત્રને અંજામ આપ્યો હતો તેનો હિસાબ થઈ ગયો છે.
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર હુમલો કરતા કહ્યું કે, કથિત ગાંધી પરિવાર ફાયદાથી આગળ કંઈ વિચારી જ નથી શકતો. ગાંધી પરિવાર માત્ર ભૌતિકરૂપે જ નહીં પરંતુ તેમની આત્મા પણ ભ્રષ્ટ છે. તો બીજી તરફ ભાજપના નેતા કપિલ મિશ્રાએ પણ રાહુલ ગાંધી પર નિમ્નસ્તરની રાજનીતિનો આરોપ લગાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલાવામા માં આત્મધાતી હુમલો થયો હતો જેમાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. આજે આ હુમલાની પ્રથમ વરસીએ દેશભરામાં શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. આ અવસરે શ્રીનગર સ્થિત સીઆરપીએફના લેથપોરામાં મેમોરિયલ પર શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા.
સામાન્ય રીતે લગ્ન પ્રસંગ હોય અને પરિવારમાં દીકરીના લગ્નનો પ્રસંગ હોય અને એથીયે વિશેષ રાજપૂત સમાજમાં દિકરીના લગ્નનો પ્રસંગ હોય ત્યારે ઘર ૫રિવાર માટે સૌથી મોટી મૂંઝવણ હોય તો એ છે દીકરીને આપવામાં આવતો ‘’કરિયાવર’’.
ઘણા માટે આ કરિયાવરમાં દીકરીને શું આપવું એ સમસ્યા પણ બની જતી હોય છે.ઘણા લોકો અઢળક સોનું, ચાંદી ઉપરાંત મોટરગાડી, બંગલા, ખેતર કે ફાર્મ હાઉસ, વિદેશ પ્રવાસના પેકેજ અને લાખો રૂપિયા રોકડ આપીને સંતોષ માને છે, પણ આ ભૌતિક કરિયાવર છે એને ઓગળી જતા કે વિલીન થઇ જતાં કયાં વાર લાગે છે? સૌથી મહત્વનો હોય છે વિદાયની વેળાએ અપાતો સંસ્કાર અને ૫રંપરાનો કરિયાવર….
વાત છે નાના મૌવા ગામના પ્રવિણસિંહજી જાડેજાની પૌત્રી અને હરદેવસિંહ જાડેજા (હાઇસ્કુલના આચાર્ય)ની પુત્રિ ચિ.કિન્નરીબાના લગ્ન પ્રસંગે અપાયેલ અનોખા કરિયાવરની.. આજના દેખાદેખીના યુગમાં પણ કિન્નરીબાએ એક અનોખા કરિયાવરની માગ કરીને સૌને ચોંકાવી દીઘા. એણે કહયું દાદાજી, પપ્પાજી શું તમે મને સાચે જ મારી ઇચ્છા મુજબનો કરિયાવર આપવા ઇચ્છો છો? તો મને સારા પુસ્તકોનો કરિયાવર આપજો….. એ જ મારો સાચો કરિયાવર છે.
જાડેજા ૫રિવારમાં કિલ્લોલ કરતી કિન્નરીબાએ કરિયાવરમાં પુસ્તકો માંગ્યા ત્યારે સૌ કોઇ વિચારતા થઇ ગયા હતા. આ દિકરી અનોખી માટીની છે. એટલે જ તો એને વિઘાર્થી અવસ્થાથી જ પુસ્તકો સાથે પ્રીત છે, શબ્દો સાથે સ્નેહ છે અને વાકયો સાથે વળગણ છે. પુસ્તક વાંચનના શોખથી એનામાં ઘર પરિવાર પ્રત્યે કૃતજ્ઞતા ભાવ, સમાજ અને રાષ્ટ્રપ્રત્યે સમર્પણનો ભાવ અને ઇશ્વર પ્રત્યે અખુટ શ્રઘ્ઘા અને ભકિતનો ભાવ જાગૃત થયો. પુસ્તક વાંચનથી દ્રષ્ટિ બદલાઇ, દ્રષ્ટિ બદલાતા દિશાઓ બદલાઇ, આત્મવિશ્વાસની સાથે જ્ઞાનના પ્રકાશે વકતૃત્વકળા ખીલી. પરિવારનાં સભ્યોએે દીકરીના વિવાહ સંસ્કાર પૂર્ણ કરવા ખોજ શરૂ કરી અને નવા સાંગાણા નિવાસી ભગીરથસિંહજી બહાદુરસિંહજી સરવૈયાના કુંવર ચિ.પૂર્વજીતસિંહજી રૂપી પ્રિતમને પામી.
દીકરી કિન્નરીબાના આ પુસ્તકપ્રેમને વિદાયની વેળાએ યાદગાર બનાવવા એક અનોખા કરિયાવર આપવનો નિશ્ચય પિતા હરદેવસિંહે કર્યો, શીલ અને સંસ્કારની સાથે પુસ્તકોનો કરિયાવર આપવાનો અને પછી પિતાએ દોટ મુકી સોના,ચાંદીના શોરૂમને બદલે બુકસ્ટોલમાં, સાડીને ડ્રેસના શોરૂમના બદલે પુસ્તક મેળામાં, ફુટવેરના શોરૂમના બદલે ચારિત્રનું નિર્માણ કરતી લાયબ્રેરીઓમાં, બ્યુટીપાર્લરને બદલે પુસ્તકવિક્રેતા કે પુસ્તક પ્રકાશક તરફ, પિતાનો આ અનોખા જ્ઞાનયજ્ઞરૂપી કરિયાવરનો સંકલ્પ દ્રઢ બનતાં જ સંકલ્પ થયો કે મારે તો મારી દીકરીને બે,ચાર, પાંચ, પચાસ, સો, કે હજાર નહીં ૫ણ ગાડુ ભરીને પુસ્તકો આપવા છે. ખરીદવા નિકળેલા પિતા જેટ પ્લેનની ઝડપથી ઉત્સાહિત બની પુસ્તકો ખરીદવા લાગ્યા ૨૨૦૦થી વઘુ પુસ્તકો ખરીદાઇ ગયા….. પરંતુ વ્હાલી દિકરી કિન્નરીબાને આ વાતનો અણસાર ૫ણ ન હતો…… કારણ પિતા અને ૫રિવાર એમને સરપ્રાઇઝ આપવા ઇચ્છતા હતાં.
પિતા હરદેવસિંહે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ઉપરાંત સંસ્કૃત ભાષામાં ૨૨૦૦થી વઘુ પુસ્તકો ખરીદી સાચે જ ગાડુ ભરી દીઘુ. ગુજરાતીમાં નરસિંહ મહેતા અને ઝવેરચંદ મેઘાણી, નર્મદથી શરૂ કરી આઘુનિક સાહિત્યકારો ગુણવંત શાહ, જય વસાવડા, મનોજ રાવલ અને કાજલ ઓઝા-વૈદ્યના પુસ્તકો.
હિન્દીમાં ગોસ્વામી તુલસીદાસ અને વેદવ્યાસથી શરૂ કરી સુરદાસ, ભારતેન્દુ હરિશ્ચંદ્ર, જયશંકર પ્રસાદ, મહાદેવી વર્મા, પ્રેમચંદ, દિનકર અને મૈથિલીશરણ ગુપ્ત, ઓશો રજનીશથી માંડી આઘુનિક સાહિત્યકારો ઉષા પ્રિયંવદા, કૃષ્ણા સોબતી, મમતા કાલીયાના પુસ્તકો આપ્યા. અંગ્રેજીમાં સેકસપિયર અને મીલ્ટનથી શરૂ કરી આઘુનિક લેખકો ચેતન ભગત ના પુસ્તકો અને સંસ્કૃતમાં વેદવ્યાસથી શરૂ કરી હર્ષદેવ માઘવના પુસ્તકો કરિયાવરમાં આપ્યા.
રામાયણ, મહાભારત, શિવપુરાણ અને ભગવદગીતાની સાથે સાથે અઢાર પુરાણ, છ શાસ્ત્ર, ચાર વેદ ઉપરાંત ભગવદ ગોમંડલની સાથે ઇતિહાસ , સમાજશાસ્ત્ર , ખગોળશાસ્ત્ર, ભૂગોળ, મનોવિજ્ઞાન , રાજનિતી વિગેરે તમામ શાખાના પુસ્તકો ઉપરાંત દરેક ભાષાના ‘બેસ્ટ સેલર’ પુસ્તકો અને મોટીવેશનલ પુસ્તકો કરિયાવરમાં આપ્યા. કુરાન અને બાઇબલ સહિત તમામ ઘર્મના પુસ્તકો ૫ણ આમા સામેલ હતા.
ચિ.કિન્નરીબાને કરિયાવરમાં અપાયેલ આ ગાડુ ભરીને પુસ્તકોમાંથી પોતાની પસંદગીના પુસ્તકો વિવાહ બાદ કેનેડા સાથે લઇ ગયા. રૂપિયા બે લાખથી વઘુ કિંમતના બાકીના તમામ પુસ્તકો ગામડાનાં પુસ્તકાલયોમાં પિતા હરદેવસિંહે ફ્રીમાં આપી દિકરીના માતા-પિતા માટે એક નવો જ ચીલો ચાતરી કમાલની સાથે ઘમાલ કરી દીઘી. આ વિવાહ પ્રસંગની વિદાય વેળાએ જયારે કિન્નરીબાને ગાડુ ભરીને પુસ્તકો કરિયાવર રૂપે અપાયા ત્યારે વિવાહ પ્રસંગમાં નવો જ ચીલો ચાતર્યો.
નવી દિલ્હીઃ એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર)ના એક અહેવાલ મુજબ દિલ્હીના 70 વિધાનસભ્યો પૈકી 43 (61 ટકા) વિધાનસભ્યોએ ગુનાઇત કેસો નોંધાયેલા હોવાની માહિતી ઘોષણાપત્રમાં આપી છે. આમાંથી પણ 37 વિધાનસભ્યોની સામે ગંભીર કલમો હેઠળ કેસો નોંધાયલા છે. આ ઉપરાંત નવા ચૂંટાયેલા વિધાનસભ્યોમાંથી 13 વિધાનસભ્યો પર મહિલાઓ વિરુદ્ધ હિંસા કરવાના આરોપ છે, જેમાંથી એક વિધાનસભ્ય પર બળાત્કાર કરવાનો ગંભીર આરોપ પણ છે. આ સિવાય એક વિધાનસભ્ય પર હત્યાના પ્રયાસ અને બે વિધાનસભ્ય પર છેતરપિંડી કરવાના આરોપ લાગેલા છે.
આપના 62માંથી 33 વિધાનસભ્યો પર ગંભીર આરોપ
દિલ્હીની પાછલી વિધાનસભામાં 70માંથી 24 વિધાનસભ્યોએ પોતાના ગુનાઇત કેસોની માહિતી આપી હતી. જોકે આ અહેવાલ મુજબ આપના 62માંથી 33 વિધાનસભ્યો પર ગંભીર ગુનાના કેસો નોંધાયેલા છે. એ જ રીતે ભાજપના આઠમાંથી ચાર વિધાનસભ્યો પર પણ સંગીન કલમો હેઠળ કેસ નોંધાયેલા છે.
આપના વિધાનસભ્ય સામે બળાત્કારનો મામલો
આપના રિઠાલા મતવિસ્તારથી વિધાનસભ્ય બનેલા મોહિન્દર ગોયલે ચૂંટણીના જાહેરનામામાં પોતાની ઉપર ભારતીય દંડ સંહિતની કલમ 376 (બળાત્કાર)નો કેસ નોંધાયો હોવાની માહિતી આપી હતી.આ સિવાય આપના અમાનતુલ્લા ખાન, દિનેશ મોહનિયા, પ્રકાશ, જરનૈલ સિંહ અને સોમનાથ ભારત પર ભારતીય દંડ સંહિતાની કલમ 354 (બળાત્કાર)નો આરોપ છે. આ સિવાય ભાજપના અભય વર્મા અને અનિલ વાજપેયીએ પોતાના પર કલમ 354 હેઠળ કેસ નોંધાયેલા હોવાની માહિતી આપી હતી.
નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાયરસે લોકોના જીવને બાનમાં લીધા છે અને સેંકડો લોકોએ તો પોતાના જીવ ગુમાવ્યા પણ છે. કેટલીક જગ્યાએ વાતો તો એવી પણ થઈ રહી છે કે ચીન સરકાર કોરોના વાયરસને લીધે જે ખુવારી થઈ છે તેની હકીકતને છુપાવી રહી છે. ક્યાંક લોકો એવું કહી રહ્યા છે કે કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોનો આંકડો ઓછો બતાવાઈ રહ્યો છે. હકીકત જે પણ હોય, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે કોરોના વાયરસ મનુષ્ય જીવનનો કાળ બની ફેલાયો છે કે જે સતત લોકોને ભરખી રહ્યો છે.
કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 1486 પર પહોંચી ગઈ છે. ચીનના હુબેઈ પ્રાંતમાં ગઈકાલે 116 જેટલા લોકોના મોત થયા હતા. ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ આ મામલે જાણકારી આપી છે. ચીનમાં અત્યારસુધીમાં આ વાયરસ જે લોકોને થયો છે તેમની સંખ્યા 64,627 પર પહોંચી ગઈ છે. ચીનમાં આજે એક જ દિવસમાં 121 જેટલા લોકોના મોત થઈ ગયા છે. ચીનમાં આ વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ચીનનો હુબેઈ પ્રાંત કે જ્યાં આની સૌથી વધારે અસર છે ત્યાં અત્યારસુધીમાં કોરોના વાયરસના 4823 જેટલા કેસો સામે આવ્યા છે.
તમિલનાડુના ડેપ્યૂટી સીએમ અને નાણામંત્રી ઓ પન્નીરસેલ્વમે વિધાનસભામાં કહ્યું કે, રાષ્ટ્રીય દિશાનિર્દેશો અનુરુપ તમિલનાડુ સરકારે રાજ્યમાં આ રોગ ન ફેલાય તે માટેની તમામ તૈયારીઓ કરી છે. તેમણે કહ્યું કે, સરકાર વ્યક્તિગત સુરક્ષા કીટ, માસ્ક અને ટ્રિપલ-લેયર માસ્કને પર્યાપ્ત માત્રામાં ખરીદીને રાખ્યા છે અને તેનો સ્ટોક કર્યો છે. તેમણે કહ્યું કે, તૈયારીઓ અને રોગ નિવારવાના ઉપાયો માટે જરુરી તમામ રકમ ખર્ચવામાં આવશે.
તો હિમાચલ પ્રદેશમાં કોરોના વાયરસના શંકાસ્પદ કેસો સામે આવી રહ્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી વિપિન સિંહ પરમારે કહ્યું કે, હિમાચલ પ્રદેશમાં 111 લોકોની તપાસ કરવામાં આવી રહી છે જ્યારે 46 જેટલા લોકોને 28 દિવસ માટે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.
વુહાનમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓ ભયમાં છે. તેમણે ભારતની સરકારને તેમને ત્યાંથી કાઢવા માટે મદદ માંગી છે. ભારત વુહાન પહેલા જ પોતાના 647 નાગરિકોને સુરક્ષીત બહાર લાવી ચૂક્યું છે. ભારતીય અધિકારીઓનું કહેવું છે કે આશરે 100 ભારતીય હજી ત્યાં હોવાની શક્યતા છે. જ્યારે હુબેઈમાં આશરે 1000 પાકિસ્તાની વિદ્યાર્થીઓ ફસાયા હોવાની શક્યતાઓ છે. જો કે પોતાના નાગરિકોને ત્યાંથી બહાર ન લાવી શકવાની પાકિસ્તાનની નિષ્ફળતાના કારણે સરકારની ખૂબ ટીકાઓ થઈ રહી છે.
હેમિલ્ટન – ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ સુકાની ગ્લેન ટર્નરનું માનવું છે કે જસપ્રિત બુમરાહની આગેવાની હેઠળ ભારતના ફાસ્ટ બોલરો એમના દેશની ટીમ સામે આગામી ટેસ્ટ શ્રેણીમાં જોરદાર દેખાવ કરે એવી એમને શક્યતા જણાય છે.
ગ્લેન ટર્નર
ટર્નરનું માનવું છે કે વન-ડે શ્રેણીમાં ન્યૂઝીલેન્ડ સામે વ્હાઈટવોશ પરાજય બાદ ભારતીય ટીમનો જુસ્સો ઉતરી ગયો છે, પણ બુમરાહ અને શમી ટેસ્ટ સિરીઝમાં ટીમનો જુસ્સો ફરી વધારી શકે છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે-મેચની ટેસ્ટ શ્રેણી 20 ફેબ્રુઆરીથી વેલિંગ્ટનમાં રમાશે. બીજી અને આખરી ટેસ્ટ 28 ફેબ્રુઆરીથી ક્રાઈસ્ટચર્ચમાં રમાશે.
ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં ભારતીય ટીમે આરંભ જોરદાર કર્યો હતો. એણે ગૃહ ટીમને ટ્વેન્ટી-20 સિરીઝમાં 5-0થી વ્હાઈટવોશ પરાજય આપ્યો હતો, પણ બાદમાં વન-ડે સિરીઝમાં પોતાનો ક્લીન સ્વીપ પરાજય થયો હતો.
ટર્નરે કહ્યું કે મને ટ્વેન્ટી-20 ક્રિકેટમાં જરાય રસ નથી. ક્રિકેટની રમત પરનો તે એક ડાઘસમાન છે. 50-ઓવરવાળી ક્રિકેટ બરાબર છે. ભારત અને ન્યૂઝીલેન્ડ, બંનેનું બોલિંગ સ્તર ટેસ્ટ તથા વન-ડે, બંને ફોર્મેટમાં પોતાની ધારણા કરતાં ઉતરતું રહ્યું છે, એમ પણ ટર્નરે વધુમાં કહ્યું.
તેમ છતાં બુમરાહ અને શમીમાં બોલને સ્વિંગ કરવાની જે ક્ષમતા છે એને કારણે ટેસ્ટ શ્રેણી માટે ભારત લાભની સ્થિતિમાં છે.
ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમની સમસ્યા વિશે ટર્નરનું માનવું છે કે તેઓ સફેદ-બોલથી વધારે પડતું ક્રિકેટ રમે છે એને કારણે એમને ટેસ્ટ ક્રિકેટમાં તકલીફ પડી રહી છે. શમીમાં ઘણી ટેલેન્ટ અને સ્ટેમિના છે. મને લાગે છે કે ટેસ્ટ સિરીઝ શરૂ થશે તે પછી ભારતની બોલિંગ આપણે અત્યાર સુધીમાં જોઈ એના કરતાં વધારે સારી જોવા મળશે.
બુમરાહ એની ઈજામાંથી સાજો થઈ ગયો છે અને તે લાલ-બોલવાળી ફોર્મેટમાં 25-ઓવર ફેંકવાની ક્ષમતા ધરાવે છે. એની બોલિંગ એક્શન પરંપરાથી અલગ પ્રકારની છે, પણ એનામાં કુદરતી ટેલેન્ટ ઘણી છે. તમે ધારો એના કરતાં પણ વધારે ઝડપી ગતિએ તે બોલને ફેંકી શકે છે. વળી, એની પાસે ચોક્સાઈ પણ બહુ છે.
ન્યૂઝીલેન્ડની ટીમ વિશે બોલતાં 72-વર્ષીય અને 1970ના દાયકાના ધુરંધર બેટ્સમેનોમાંના એક, ટર્નરે કહ્યું કે કેન વિલિયમ્સનનું નેતૃત્ત્વ પરંપરા પ્રમાણેનું છે. એણે અમારી ટીમને જરૂરી સ્થિરતા પૂરી પાડી છે. રમત પ્રત્યેનો એનો અભિગમ મને હંમેશાં ગમ્યો છે. એ ઘણો શાંત મગજનો વ્યક્તિ છે. એ દબાણ હેઠળની સ્થિતિમાં પણ ટીમની સરસ રીતે દોરવણી કરી શકે છે.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીર એડમિનિસ્ટ્રેશનને નોટિસ જારી કરી માહિતી માગી છે કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાને કયા કારણાસર નજરબંધ રાખવામાં આવ્યા છે. કોર્ટે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની નજરબંધીની સામે તેમની બહેન સારા અબદુલ્લા પાયલટની અરજી પર સુનાવણી માટે બીજી માર્ચ નક્કી કરી છે. કોર્ટે કહ્યું હતું કે બીજી માર્ચે આ મામલે સુનાવણી થાય ત્યાં સુધી એડમિનિસ્ટ્રેશન નજરબંધીનાં કારણો વિશે કોર્ટને વિગતવાર માહિતી આપે.
સારાની તરફથી સિનિયર કોંગ્રેસ નેતા અને જાણીતા વકીલ કપિલ સિબ્બલે જસ્ટિસ અરુણ મિશ્રા અને ઇન્દિરા બેનરજીની ખંડપીઠની સામે અરજી પર ત્વરિત સુનાવણી માટે દલીલો કરી હતી. સિબ્બલે કહ્યું હતું કે આ નજરબંધી પ્રત્યક્ષીકરણ અરજી છે, જેથી ત્વરિત સુનાવણીની જરૂર છે. કૃપયા આગામી સુનાવણી આવતા સપ્તાહે રાખો. કોર્ટે અરજીકર્તાના પક્ષને સાંભળ્યા પછી સુનાવણી માટે બીજી માર્ચનો દિવસ નિર્ધારિત કર્યો છે.કોર્ટની સુનાવણી પછી મિડિયા સાથે વાતચીતમાં સારાએ કહ્યું હતું કે આ નજરબંધીનો મામલો છે, એટલે તેમને (ઉમર અબદુલ્લા) જલદી છુટકારો થશે. અમને ન્યાય પ્રણાલી પર પૂરો વિશ્વાસ છે. અમે ઇચ્છીએ છીએ કે કાશ્મીરીઓને પણ એવા જ અધિકાર મળે જેવા ભારતના અન્ય નાગરિકોને મળે છે.