પુલવામાં હુમલા પર રાહુલના સવાલથી સોશિયલ મીડિયામાં વોર

નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલાની પહેલી વરસી પર દેશ શહીદ જવાનોને યાદ કરી રહ્યો છે. આ મુદ્દે પણ રાજનીતિ શરુ થઈ ગઈ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પુલવામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી, તેની સાથે જોડાયેલાં કેટલાંક સવાલો પૂછ્યાં છે.

નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ ટવિટ કરી પુલવામા હુમલાને લઇને ત્રણ સવાલ પૂછ્યાં છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લખ્યું છે કે આજે જ્યારે આપણે પુલાવામાના 40 શહીદ જવાનોને યાદ કરીએ છીએ ત્યારે પૂછવું જોઇએ કે….

  • પુલવામા આતંકી હુમલાથી સૌથી વધારે ફાયદો કોને થયો?
  • પુલવામા આતંકી હુમલાને લઇને કરવામાં આવેલી તપાસમાં સામે શું આવ્યું ?
  • સુરક્ષામાં થયેલી ચૂક માટે મોદી સરકારમાં કોની જવાબદારી ગણવી?

રાહુલ બાબાના આ સવાલથી ભાજપે અને રાહુલ ગાંધી વચ્ચે સોશિયલ મીડિયા પર ફાઈટ શરુ થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ રાહુલ ગાંધીના ટ્વીટનો જવાબ આપતા કહ્યું કે, શું કોંગ્રેસના શાસનમાં કદી સર્જીકલ સ્ટ્રાઈક કે એરસ્ટ્રાઈક થઈ છે? પ્રથમ વખત પાકિસ્તાન આપણાથી ડરી રહ્યું છે. રાહુલ ગાંધીએ આ મુદ્દે સવાલો પૂછીને સુરક્ષાદળોનું અપમાન કર્યું છે.

પુલવામાં હુમલાની તપાસ અંગે જમ્મુ-કશ્મીર ઝોનના સ્પેશિયલ સીઆરપીએફ ડીજી ઝુલ્ફિકાર હસને કહ્યું કે, રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા આ મામલે તપાસ ચાલી રહી છે. અમે શહીદોના પરિવારની દેખભાળનો પૂરતો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને જે લોકોએ આ ષડયંત્રને અંજામ આપ્યો હતો તેનો હિસાબ થઈ ગયો છે.

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર હુમલો કરતા કહ્યું કે, કથિત ગાંધી પરિવાર ફાયદાથી આગળ કંઈ વિચારી જ નથી શકતો. ગાંધી પરિવાર માત્ર ભૌતિકરૂપે જ નહીં પરંતુ તેમની આત્મા પણ ભ્રષ્ટ છે. તો બીજી તરફ ભાજપના નેતા કપિલ મિશ્રાએ પણ રાહુલ ગાંધી પર નિમ્નસ્તરની રાજનીતિનો આરોપ લગાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલાવામા માં આત્મધાતી હુમલો થયો હતો જેમાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. આજે આ હુમલાની પ્રથમ વરસીએ દેશભરામાં શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. આ અવસરે શ્રીનગર સ્થિત સીઆરપીએફના લેથપોરામાં મેમોરિયલ પર શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]