પોતાની બાયોપિકને લઈને સાનિયા મિર્ઝા ઉત્સાહિત

મુંબઈઃ ભારતની મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પોતાના જીવનની સ્ટોરીને રંગીન પડદે લાવવા માટે ઉત્સાહિત છે. અત્યારે તે આના માટે ફિલ્મ ડિરેક્ટરો સાથે વાત કરી રહી છે. ગત વર્ષે એ જાહેરાત કરવામાં આવી હતી કે યુગલમાં ગ્રૈંડ સ્લેમ ખિતાબ જીતનારી એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી સાનિયાએ રોની સ્ક્રૂવાલાની આરએસવીપી મૂવિઝની સાથે કરાર કર્યા છે. પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલીક સાથે લગ્ન કરનારી સાનિયાએ ફિલ્મ વિશે કહ્યું કે, મને ડિરેક્ટરો સાથે કેટલીક મીટિંગ કરવાની હતી એટલા માટે હું મુંબઈમાં હતી. સાનિયાએ કહ્યું કે, હું જીવન હંમેશા મારી શરતો પર જીવી છું. સાનિયા મિર્ઝાએ કહ્યું કે, જેણે મારા કરિયરને જોયું છે, તે લોકો જાણે છે કે મેં ખુલીને મારી ભાવનાઓ વ્યક્ત કરી છે. હું ક્યારેય ડરી નથી, મારા માટે મારા જીવનની સ્ટોરી કહેવી અને લોકો તેને જોવે તે રોમાંચક હશે. 33 વર્ષિય સાનિયાનું માનવું છે કે એથ્લીટ ફિલ્મનો સારો વિષય બને છે, કારણ કે લોકો તેમના સંઘર્ષ અને કઠોર પરિશ્રમ સાથે જોડાઈ શકે છે. તેમણે કહ્યું કે, એક એથ્લીટ બનવામાં જે મહેનત લાગે છે તેની સાથે ઘણા લોકો અલગ-અલગ રીતે જોડાઈ શકે છે. આપણે બધા મહેનત કરીએ છીએ પરંતુ જ્યારે તમે કોઈ ગેમ રમો છો ત્યારે આપ હકીકતમાં પરસેવો પાડો છે. દરેક લોકો ચેમ્પિયનને પ્રેમ કરે છે.

સાનિયાએ કહ્યું કે, મારા સહિત ઘણા પ્લેયર સામાન્ય પરિવારમાંથી આવે છે. કંઈ જ ન હોવાથી લઈને ચેમ્પિયન બનવા અને પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવા સુધીના અમારા જીવનમાં ખૂબ સંઘર્ષ હોય છે. સાનિયાએ જણાવ્યું કે, સમાજની એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવાના કારણે મને લાગે છે કે, મારી જવાબદારી સમાજમાં સારુ યોગદાન આપવાની અને લોકોની મદદ કરવાની છે.