‘આપ’ પણ દૂધે ધોયલી પાર્ટી નથીઃ આટલા ધારાસભ્યો સામે ગંભીર આક્ષેપો

નવી દિલ્હીઃ એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર)ના એક અહેવાલ મુજબ દિલ્હીના 70 વિધાનસભ્યો પૈકી 43 (61 ટકા) વિધાનસભ્યોએ ગુનાઇત કેસો નોંધાયેલા હોવાની માહિતી ઘોષણાપત્રમાં આપી છે. આમાંથી પણ 37 વિધાનસભ્યોની સામે ગંભીર કલમો હેઠળ કેસો નોંધાયલા છે. આ ઉપરાંત નવા ચૂંટાયેલા વિધાનસભ્યોમાંથી 13 વિધાનસભ્યો પર મહિલાઓ વિરુદ્ધ હિંસા કરવાના આરોપ છે, જેમાંથી એક વિધાનસભ્ય પર બળાત્કાર કરવાનો ગંભીર આરોપ પણ છે. આ સિવાય એક વિધાનસભ્ય પર હત્યાના પ્રયાસ અને બે વિધાનસભ્ય પર છેતરપિંડી કરવાના આરોપ લાગેલા છે.

આપના 62માંથી 33 વિધાનસભ્યો પર ગંભીર આરોપ

દિલ્હીની પાછલી વિધાનસભામાં 70માંથી 24 વિધાનસભ્યોએ પોતાના ગુનાઇત કેસોની માહિતી આપી હતી. જોકે આ અહેવાલ મુજબ આપના 62માંથી 33 વિધાનસભ્યો પર ગંભીર ગુનાના કેસો નોંધાયેલા છે. એ જ રીતે ભાજપના આઠમાંથી ચાર વિધાનસભ્યો પર પણ સંગીન કલમો હેઠળ કેસ નોંધાયેલા છે.

આપના વિધાનસભ્ય સામે બળાત્કારનો મામલો

આપના રિઠાલા મતવિસ્તારથી વિધાનસભ્ય બનેલા મોહિન્દર ગોયલે ચૂંટણીના જાહેરનામામાં પોતાની ઉપર ભારતીય દંડ સંહિતની કલમ 376 (બળાત્કાર)નો કેસ નોંધાયો હોવાની માહિતી આપી હતી.આ સિવાય આપના અમાનતુલ્લા ખાન, દિનેશ મોહનિયા, પ્રકાશ, જરનૈલ સિંહ અને સોમનાથ ભારત પર ભારતીય દંડ સંહિતાની કલમ 354 (બળાત્કાર)નો આરોપ છે. આ સિવાય ભાજપના અભય વર્મા અને અનિલ વાજપેયીએ પોતાના પર કલમ 354 હેઠળ કેસ નોંધાયેલા હોવાની માહિતી આપી હતી.